ગુરુ નાનકની શીખ:સારી વાતો વધારે લોકો સુધી પહોંચાડવી જોઈએ અને ખરાબ વાતોને આગળ વધતાં અટકાવવી જોઈએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 8 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ છે અને આ તિથિએ શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીની જયંતી મનાવવામાં આવે છે. ગુરુ નાનક સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગો છે, જેમાં સુખી અને સફળ જીવન જીવવાના સૂત્ર બતાવ્યાં છે. અહીં જાણો એક એવો જ કિસ્સો, જેમાં ગુરુ નાનકે સંદેશ આપ્યો હતો કે સારી વાતો કે સત્યને ચારેય તરફ ફેલાવવાં જોઈએ અને દુષ્ટતાને એક જગ્યાએ સમેટી રાખવી જોઈએ.

એક જાણીતા પ્રસંગમાં જણાવ્યા પ્રમાણે ગુરુ નાનક ઘણી યાત્રાઓ કરતાં રહેતાં હતાં. યાત્રા દરમિયાન તેઓ અલગ-અલગ ગામોમાં રોકાણ કરતાં અને ઉપદેશ આપતાં. તેમની સાથે અનેક શિષ્ય પણ હંમેશાં સાથે રહેતાં હતાં. ગુરુ નાનક પોતાના આચરણથી શિષ્યો અને સમાજને સુખી જીવન જીવવાના સંદેશો આપતાં હતાં.

ઘણીવાર ગુરુ નાનક એવા શબ્દો કહેતાં હતાં, જેને સમજવા આસાન ન હતાં. જે લોકો તેમને નજીકથી ઓળખતાં હતાં, માત્ર તેઓ જ ગુરુ નાનકની વાતોને આસાનીથી સમજી શકતાં હતાં. તેમની વાતો ખૂબ જ સરળ હતી, પરંતુ તેનો અર્થ ઘણો ઊંડો રહેતો હતો. એકવાર ગુરુ નાનક પોતાના શિષ્યોની સાથે એક એવા ગામમાં ગયાં, જ્યાંના લોકોએ તેમનો ખૂબ સારો સત્કાર કરેલો. બધા માટે ખાવા-પીવાની ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરી હતી. ગુરુ નાનકના બધા શિષ્યો ગામલોકોથી ખૂબ જ પ્રસન્ન હતાં. એ ગામથી આગળ વધતાં પહેલાં નાનકજીએ ગામના લોકોને આશીર્વાદ આપ્યા કે વિખેરાઈ જાઓ.

આવું સાંભળીને શિષ્યોને આશ્ચર્ય થયું, પરંતુ તે વખતે કોઈને કંઈ જ ન કહ્યું. ગુરુ નાનક પોતાના શિષ્યોની સાથે બીજા ગામ પહોંચ્યા. ત્યાંના લોકોને ગુરુ નાનક માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરી ન હતી અને આદર-સત્કાર પણ ન કર્યાં. આ ગામથી આગળ વધતી વખતે આશીર્વાદ આપતાં ગુરુ નાનકે કહ્યું કે અહીં જ વસેલાં રહો.

આ વાત સાંભળીને શિષ્યોને આશ્ચર્ય થયું. તેમને ગુરુ નાનકને પૂછ્યું કે આપે સારા લોકોને વિખેરાઈ જવાના આશીર્વાદ આપ્યા અને જે લોકો ખરાબ છે, તેમને એક જગ્યાએ વસેલાં રહેવાના આશીર્વાદ આપ્યાં. આવું કેમ?

ગુરુ નાનકે શિષ્યોને જવાબ આપતાં કહ્યું કે, જે લોકો સારા છે. તેઓ વિખેરાઈ જશે, તો તેઓ જ્યાં જશે ત્યાં સારી વાતો કે સત્યને ફેલાવશે. જે લોકો ખરાબ છે, તેઓ એક જ જગ્યાએ વસેલાં રહે તે સમાજ માટે ભલું ગણાશે. દુષ્ટ લોકો જ્યાં જશે ત્યાં અવગુણો જ ફેલાવશે. આપણે ગુણો કે સત્યને વધારેને વધારે લોકો સુધી પહોંચાડવું જોઈએ અને અવગુણોને એક જ જગ્યાએ સમેટી રાખવા જોઈએ. એમાં જ સમાજનું ભલું છે.