• Gujarati News
  • Dharm darshan
  • Due To The Increase In Cold In The Month Of Magashar, Meditation Should Be Done Every Morning And Special Attention Should Be Paid To Food

પૂજા-પાઠની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય:માગશર મહિનામાં ઠંડી વધવાથી રોજ સવારે મેડિટેશન કરવું જોઈએ અને ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ પંચાંગનો નવો મહિનો માગશર 24મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનાથી જ શીતઋતુ અર્થાત્ ઠંડી વધવા લાગે છે. મૌસમ પરિવર્તનનો સમય છે, એવી વખતે ખાન-પાન અને અન્ય કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે, નહીતર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી શકે છે. આ મહિનો ધર્મ-કર્મની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વિશેષ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માગશર મહિનો અર્થાત્ માર્ગશીર્ષ માસમાં શ્રીકૃષ્ણની પૂજા ખાસ કરીને કરવામાં આવે છે, કારણ કે શ્રીકૃષ્ણએ સ્વયં ભાગવત કથામાં આ મહિનાને પોતાનું સ્વરૂપ ગણાવ્યો છે. આ મહિનામાં મથૂરા, ગોકૂળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. આ જગ્યાની સાથે જ બીજા તીર્થોની યાત્રા પણ આ મહિનામાં જ કરવામાં આવે છે.

રોજ સવારે વહેલાં ઊઠો અને મેડિટેશન કરો

માગશર મહિનામાં રોજ સવારે વહેલાં ઊઠવું જોઈએ અને મેડિટેશન પણ જરૂર કરવું જોઈએ. તેની માટે શાંત અને પવિત્ર જગ્યાની પસંદગી કરવી, આસન પાથરીને બેસવું અને આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું. ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો પણ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ ખાન-પાનને લગતી સતર્કતા પણ રાખવી જરૂરી છે. સંતુલિત આહાર લેવો અને એવી વસ્તુઓ ખાવાથી બચવું, જેને પચાવવામાં વધુ સમય લાગતો હોય.

રોજ સવારે સૂર્યને જળ ચઢાવો

માગશર મહિનામાં સૂર્ય પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આ કામથી ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્યલાભ પણ પ્રાપ્ત થાય છે. સૂર્યને જળ ચઢાવવાથી મન શાંત થાય છે, આળસ દૂર થાય છે, આંખોની રોશની વધે છે. આ સમયમાં સૂર્યની કિરણોથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા થાય છે.

ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું હતું સૂર્યપૂજાનું મહત્વ

​​​​​​​ભવિષ્યપુરાણના બ્રાહ્મ પર્વમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને સૂર્યપૂજાનું મહત્વ બતાવ્યું છે. શ્રીકૃષ્ણ કહે છે કે સૂર્ય એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે. જે વ્યક્તિ શ્રદ્ધા-ભક્તિની સાથે જ સૂર્યપૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂરી થાય છે. સૂર્યની પૂજાના પ્રભાવથી જ મને પણ દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.

આ છે સૂર્યને જળ ચઢાવવાની સરળ વિધિ

તાંબાના લોટોમાં જળ ભરો. જળમાં ચોખા, ફૂલ નાંખીને સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો. જળ અર્પિત કરતી વખતે સૂર્યના મંત્રનો જાપ કરવો. સૂર્યદેવના મંત્ર ऊँ सूर्याय नम: નો જાપ રોજ કરવાથી સૂર્યકૃપા પ્રાપ્ત કરી શકાય છે.