નારદ મુનિએ વિષ્ણુજી પાસે માગી હતી સુંદરતા:કોઈની પાસે માગીને નહીં, પોતાની મહેનતથી પ્રાપ્ત કરવી જોઈએ સુખ-સુવિધાઓ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાસ્ત્રોમાં વિષ્ણુજી અને નારદ મુનિ સાથે જોડાયેલો એક ખાસ પ્રસંગ છે. નારદ મુનિને એ વાતનો અહંકાર આવી ગયો હતો કે તેમને કામદેવને હરાવી દીધો છે. જ્યારે આ વાત વિષ્ણુજીને જણાવી ત્યારે તેમને નારદ મુનિના અહંકારને દૂર કરવાની યોજના બનાવી. વિષ્ણુજીએ પોતાની માયાથી એક સુંદર નગરી વસાવી.

નારદ મુનિ એ માયાનગરીમાં પહોંચી ગયાં. ત્યાં તેમને રાજકુમારી વિશ્વમોહિનીને જોઈ, તે ખૂબ જ સુંદર હતી. નારદજીને જાણ થઈ કે રાજકુમારીનો સ્વયંવર થવાનો છે. વિશ્વમોહિનીની સુંદરતા જોઈને નારદ મુનિના મનમાં વિચાર આવ્યો કે એ રાજકુમારીની સાથે તો મારે જ વિવાહ કરવા જોઈએ.

નારદ મુનિના મનમાં આ વિચાર આવ્યો તો તેઓ તરત જ વિષ્ણુજીની પાસે પહોંચી ગયાં. નારદ મુનિએ વિષ્ણુજીને પૂરી વાત જણાવી અને કહ્યું કે તમે મને તમારું સુંદર રૂપ આપી દો. સ્વયંવર થઈ રહ્યો છે તો કન્યા એને જ પસંદ કરશે, જે દેખાવે સુંદર હશે. એટલા માટે તમે મને તમારું રૂપ આપી દો.

વિષ્ણુજીએ હાસ્ય સાથે કહ્યું કે હું તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરીશ. વિષ્ણુજીએ નારદને વાનરનું મુખ આપી દીધું. નારદ મુનિ આ વાતથી અજાણ હતાં અને તેઓ એવી જ સ્થિતિમાં સ્વયંવરમાં પહોંચી ગયાં. જ્યારે તેઓ વાનર રૂપમાં સ્વયંવરમાં પહોચ્યાં ત્યારે ત્યાં તેમનું અપમાન થઈ ગયું.

જ્યારે નારદ મુનિને હકીકતની જાણ થઈ ત્યારે તેઓ વિષ્ણુજી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયાં. તેમને પૂછ્યું કે તમે મારી સાથે આવું કેમ કર્યું?

વિષ્ણુજીએ જવાબ આપ્યો કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય છે તો વૈદ્ય તેને કડવી દવા આપે છે, ભલે, તે દવા બીમાર વ્યક્તિને સારી લાગે કે ન લાગે. તમારા જેવા સંતના મનમાં કામવાસના જાગી ગઈ હતી. આ વાસનાઓને તમારા મનમાંથી દૂર કરવી હતી, એટલા માટે મેં આ આખી માયાની રચના કરી હતી.

નારદ મુનિનએ વિષ્ણુની આ વાત સમજાઈ ગઈ અને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો.

પ્રસંગની શીખ

આ પ્રસંગની શીખ એ છે કે આપણે બીજા પાસે સુખ-સુવિધાઓ, ધન-ઐશ્વર્ય ન માંગવું જોઈએ. આ બધી વસ્તુઓ આપણે પોતે જ પોતાની મહેનતથી અર્જિત કરવી જોઈએ. જો આ વસ્તુઓ બીજા પાસે માંગીએ તો અપમાનિત થવું પડી શકે છે.