• Gujarati News
  • Dharm darshan
  • If The 4th House Is Strong In The Horoscope, One Gets The Best Happiness Of The House, And The Planet Pluto In The Same Place Gives A Sense Of Hell.

ભાગ્યનાં ભેદ:કુંડળીમાં ચોથું સ્થાન બળવાન હોય તો મળે છે મકાનનું શ્રેષ્ઠ સુખ, અને તે જ સ્થાનમાં પ્લુટો ગ્રહ કરાવે છે નર્કનો અહેસાસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભલે મન નાનું હોય પણ મકાન તો મોટું જ હોવું જોઈએ. મોટું મકાન એ માનવીની સામાજિક પ્રતિષ્ઠાની દુકાન છે. કેવું મકાન શ્રેષ્ઠ કહેવાય તે અંગેની સમજ શાસ્ત્રોમાં નીચેના શ્લોક દ્વારા આપી છે.

પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિ ખૂણામાં અગ્નિ, દક્ષિણમાં યમરાજા, નૈઋત્યમાં નૈઋત નામના દેવો, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં મરુત (પવન), ઉત્તરમાં કુબેર અને ઇશાન ખૂણામાં ઇશ નામના દેવો છે. આ આઠ દિશાઓ ઉપરાંત આકાશમાં બ્રહ્મા અને પાતાળમાં શેષનાગ નામના દેવો ગણેલા છે. આમ જે ઘરની રક્ષા અહી જણાવેલા દસ દિગપાલો કરતા હોય તે ઘર શ્રેષ્ઠ કહેવાય. અલબત્ત અહીં જણાવેલા શ્લોક મુજબનું ઘર હોવું અને લેવું અતિ કઠિન જ નહીં અશક્ય છે.

જન્મકુંડળીમાં કુલ બાર સ્થાનમાં ચોથું સ્થાન મકાનનું ગણાય. જો જન્મકુંડળીમાં આ સ્થાન બળવાન હોય તો જાતક શ્રેષ્ઠ મકાનનો માલિક બને છે. અમારી બાજુમાં આવેલા સાવ લઘર-વઘર રહેતા. છગનલાલ અમદાવાદનાં એસ.જી. હાઇવે પર પોતાનું સુંદર મજાનું ફાર્મ હાઉસ ધરાવે છે. અમને તેમની કુંડળીમાં રસ પડ્યો અને અમે સામે ચાલીને તેમની કુંડળી માંગી.

શ્રી છગનલાલની કર્ક લગ્નની કુંડળીમાં ચોથા મકાન-સુખ અને સંપત્તિના સ્થાનમાં તુલાના શુક્ર અને ચંદ્રની યુતિ છે. શુક્ર જાહોજલાલી-સુખ અને ઐશ્વર્ય સાથે સંકળાયેલો ગ્રહ છે અને વળી પાછો છગનલાલની કુંડળીમાં તે સ્વગૃહી બની લગ્નેશ ચંદ્ર સાથે અદ્ભુત સંયોજન કરે છે. ‘ગ્રહ લાઘવ’ નામના ગ્રંથમાં લખ્યું છે કે જે જાતકની જન્મકુંડળીના ચતુર્થ સ્થાનમાં શુક્ર-ચંદ્ર અગર બુધ નામના સૌમ્ય ગ્રહો આવેલા હોય અને આ ત્રણેય ગ્રહો જો વિશિષ્ટ બળ પ્રાપ્ત કરતાં હોય તો તેવા જાતકો સ્વર્ગ જેવા મકાન કે વૈકુંઠ જેવા ઐશ્વર્યના માલિક બનતા હોય છે. જન્મકુંડળીના ચોથા સ્થાનનો સ્વામી નવમે ભાગ્ય સ્થાને બેસે તો આવો જાતક મકાન ખરીદ્યા બાદ આસમાની સુલતાની ભોગવે છે, અને ભાગ્યશાળી બને છે.

એવા કિસ્સા અમારા ધ્યાનમાં છે, કે જેમાં જાતકે સ્વર્ગની (બંગલાની) હરાજી કરી અને નર્કમાં પ્રવેશ કરવો પડ્યો હોય. આવા જાતકોની કુંડળીના ચોથા સ્થાનમાં શનિ-રાહુની શાપિત યુતિ હોય અથવા મંગળ-રાહુ કે કેતુ જેવા ક્રૂર ગ્રહો આવેલા હોય છે. ક્યારેક અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે જે લોકોની કુંડળીમાં ચોથે પ્લુટો નામનો ગ્રહ હોય તેવા લોકોને પણ જમીન કે મકાનનું સુખ આજીવન મળતું નથી, કારણકે પ્લુટો તમામે તમામ ગ્રહોમાં યમરાજ ગણાય છે. આથી આ ગ્રહ જો ચોથે બેસે તો નર્કની અનુભૂતિ કરાવે છે.

જન્મકુંડળીમાં જો ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ આઠમાં મૃત્યુ સ્થાનમાં બેસે તો આવો જાતક મકાન લીધા બાદ મુર્ત્યું તુલ્ય કષ્ટ ભોગવે છે, અને તેનો એક પણ દિવસ સુખમાં પસાર થઇ શકતો નથી. જો ચોથા મકાન સ્થાનનો સ્વામી છઠ્ઠા સ્થાનમાં બેસે તો જાતકે આખી જિંદગી મકાનને લઈ કોર્ટ-કચેરીના કજિયામાં સમય પસાર કરવો પડે છે. કેટલાક કિસ્સા એવા પણ ધ્યાનમાં આવ્યા છે, કે ચોથા સ્થાનનો સ્વામી જો છઠ્ઠે હોય તો આવો જાતક મકાન લીધા બાદ સમગ્ર જીવન બીમાર રહે છે, અને ગમે તેટલી દવાઓ કરાવે પણ જ્યાં સુધી એ ઘર છોડે નહીં ત્યાં સુધી રોગ તેનો પીછો છોડતો નથી કારણકે છઠ્ઠુ સ્થાન જન્મકુંડળીમાં રોગ-શત્રુ કોર્ટ-કચેરી અને કજિયાનું છે.

ચોથા સ્થાનનો સ્વામી જો બારમાં સ્થાનમાં હોય તો આવો જાતક મકાન લીધા બાદ ભારે ખર્ચમાં ઉતારી જાય છે, અને દેવાના કારણે તેને લીધેલું મકાન પણ વેચવું પડે છે. આમ મકાન ખરીદવું અગત્યનું નથી પણ મકાનની ખરીદી તમને સદશે કે નહીં, તે બાબત જ્યોતિષની દ્રષ્ટિએ ઘણી અગત્યની બની જાય છે. કુંડળીના ચોથા સ્થાનમાં શનિ-રાહુની યુતિ હોય તો તેવા મકાનમાં ભૂતપ્રેતના ભાસ આભાસ થાય છે. કેતુ કોઈ પણ રાશિમાં ચોથા સ્થાને હોય તો જૈમીની સૂત્ર અનુસાર ‘કેત છુડાવે ખેત’ અર્થાત જાતકને બહુજ ખરાબ સ્થિતિમાં મકાન ત્યજવું પડે છે. અમારા અવલોકન અનુસાર જે જાતકોની કુંડળીમાં ચતુર્થ સ્થાને કેતુ હોય તેવા જાતકો જીવનના અંતિમ સમયમાં પોતાના મકાનમાં સાવે એકલા પડી જાય છે અને ખુબજ દારુણ કરુણ અવસ્થામાં મૃત્યું પામે છે.

કુંડળીના ચોથા સ્થાનમાં કર્ક કે સિંહ રાશિમાં શનિ હોય તેવા જાતકો પોતાના મકાનમાં જ પાર્કિન્સન કે લકવાની બીમારીમાં વૃદ્ધાવસ્થા પસાર કરે છે.મકાન સદે તો ઘેર બેઠા મક્કાની યાત્રા કરાવે અને ના સદે તો મકાન શબ્દનું ઊંધું નકામ અર્થાત માણસને નાકામ બનાવી દે છે

સારા મકાન યોગની કુંડળી

દૂષિત મકાન યોગની કુંડળી

મકાન સુખની ટીપ –

જાતકે પોતાના મકાનમાં તન મન અને ધનની શાંતિ મેળવવા રોજ મીઠું અને કપૂર પાણીમાં ભેળવી પોતા કરવા. રોજ સાંજે પાણિયારે ઉભી આડી વાટનો દીવો કરવો. અગ્નિ કોણમાં ૨૪ કલાક લાલ બલ્બ ચાલુ રાખવો, અને ઇશાન કોણમાં તાંબાના લોટામાં જળ ભરી રાખવું. ડ્રોઈંગ રૂમમાં સતત વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ગુંજતા રાખવા

(આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)