વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે આવનારું વર્ષ શુભ જશે; સૂર્ય, ચંદ્ર, મંગળ કે ગુરુ દ્વારા લાભ મળવાના પ્રબળ યોગ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ચંદ્ર પર ગુરુની દૃષ્ટિ માનસિક બળ આપશે. વર્ષનો શુભારંભ આનંદ અને ઉત્સાહ સાથે થશે. જોકે ફેબ્રુ. પછીનો સમય થોડો ઉચાટ આપનાર રહેશે. આ અસર વૃશ્વિક રાશિ કરતાં વૃશ્વિક લગ્ન પર વિશેષ દેખાય શકે. જો આપનો જન્મ વૃશ્વિક લગ્નના અનુરાધા નક્ષત્રમાં થયો છે તો આરોગ્યની થોડી કાળજી રાખવી પડશે અને ઘરનું વાતાવરણ આનંદમય રાખવું.

આર્થિક રીતે આવનારું વર્ષ શુભ જશે. મહેનતના પ્રમાણમાં પરિણામ દેખાશે. સૂર્ય, ચંદ્ર, મંગળ કે ગુરુ આ ચારમાંથી કોઈ ગ્રહની દશા/આંતરદશા ચાલુ છે તો સારો લાભ મળવાની શક્યતા પ્રબળ છે. નવા વર્ષમાં જશ મળે કે ન મળે આર્થિક વ્યવહાર સચવાશે. દશા શુભ હશે તો લોન વગેરે માટે પણ શુભ સમય રહેશે.

વિવાહિતો માટે આવનારું વર્ષ અનુકૂળ રહેશે. પ્રશ્નો ઉપસ્થિત થયા હશે તો સમાધાન થઈ જશે. જો જીવનસાથી સાથે શરૂઆતથી જ લાગણીના સંબંધો રહ્યા છે તો સંબંધ વધુ ગાઢ બનશે. ઘરમાં એકલતાની ઊર્જા લાગશે પણ જીવનસાથીનો સહકાર મળશે. જે કન્યા અવિવાહિત છે અને વૃશ્ચિક લગ્નમાં જન્મ થયો છે તો આવનારા બે માસ દરમિયાન એક નાનકડો સગાઈનો યોગ છે. જોકે મૂળ કુંડળી શુભ હશે તો સફળતા મળી શકશે.

વીતેલા વર્ષની સરખામણીમાં આવનારું નૂતનવર્ષ યાત્રા પ્રવાસ વગેરે માટે અનુકૂળ રહેશે. ધાર્મિક મુસાફરીમાં પણ સંતોષકારક પરિણામ મળી શકે તેમ છે. આમ જો પ્રવાસની ઇચ્છા છે તો સુંદર આયોજન થઈ શકે તેમ છે. જ્યાં સુધી આરોગ્યની વાત છે તો પચાસ વટાવી ચૂક્યા છો તો હૃદય, ફેફસાં અને ઇન્ફેક્શનનું થોડું ધ્યાન રાખવું પડશે. યુવાનોને અયોગ્ય આહારથી પેટની તકલીફ રહી શકે તેથી જંકફૂડથી દૂર રહેવું.

નૂતનવર્ષ ભણતર બાબતે શુભ રહી શકે તેમ છે. જે વિદ્યાર્થીનું જ્યેષ્ઠા નક્ષત્ર છે અને શુભ દશા/આંતરદશા ચાલી રહી છે તો એપ્રિલ સુધી મહેનતના પ્રમાણમાં પૂર્ણ ફળ મળે તેમ છે, મહેનત વધારશો તો મિત્રવર્તુળમાં અગ્રેસર રહી શકો છો. શાળાની પરીક્ષા હોય કે પછી સરકારી જોબ કે વિદેશ જવા માટેની તમામ બાબતો માટે એપ્રિલ સુધીનો સમય શુભ છે. વૃશ્વિક લગ્ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ શુભ ગણી શકાય.

જોબ બદલવાની ઈચ્છા છે તો ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા પ્રબળ છે. વ્યવસાયની વાત કરીએ તો અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્ર ધરાવતા વેપારીમિત્રો માટે નૂતનવર્ષ સારું નીવડશે. ચાલુ ધંધાનો વિસ્તાર થઈ શકે, પ્રોડક્ટ લોન્ચિંગ કે નવા સાહસની શરૂઆત કરવા માટે રૂડો અવસર છે. જો આપનો જન્મ વૃશ્વિક લગ્નના વિશાખા નક્ષત્રમાં થયો છે તો નોકરીમાં કંઈક ફેરફાર દેખાઇ શકે છે અથવા ધંધામાં થોડો સંઘર્ષ રહી શકે છે. કૃષિકાર્યો માટે સામાન્ય ફળ રહેશે.

નૂતનવર્ષમાં જ્યેષ્ઠા નક્ષત્ર માટે મકાન-મિલકતનો એક યોગ છે. જોકે પ્રબળ નથી એટલે વધારે પ્રયત્નો કરવાથી કદાચ પરિણામ મળી શકે છે. જાન્યુ. સુધી વિશેષ પ્રયત્ન કરવા પડશે. એ પછી શનિનું ચતુર્થ સ્થાનમાં ભ્રમણ મિલકત સંબંધી બાબતોમાં વિલંબ કરાવશે એટલે જો નાનકડું સપનાનું ઘર ખરીદવું છે અને જો ઉતાવળ ન હોય તો ધીરજ રાખવી વધારે ઉચિત છે. બે વર્ષ પ્રતીક્ષા કરશો તો મનગમતી મિલકત ઊભી કરી શકશો.

જો આપ ન્યાય માટેની લડી રહ્યા છો તો જાન્યુ. સુધી ચુકાદો આવી જાય એ લાભમાં છે નહિતર એ પછી કંઈક વિલંબ થઈ શકે છે. બંને પક્ષ જો સમાધાન કરવા તૈયાર છે તો એપ્રિલ પછીનો સમય શુભ રહેશે. જે વેપારીએ કરચોરી કરી હશે તો સરકારી આમંત્રણ આવી શકે છે. રાષ્ટ્રના વિકાસ માટે નિયમિત કર ભરવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જાણે-અજાણે આ બાબતની ભૂલ કરી હશે તો વહેલું-મોડું તેડું નિશ્ચિત છે.

માતાઓને સંતાન તરફથી સહયોગ મળશે, સંતાનની પોતાની કુંડળી જો બળવાન હશે તો કેરિયર, ભણતર વગેરેમાં સંતાનની ઘણી સારી પ્રગતિ કે શુભ સમાચાર મળે તેવો પ્રબળ યોગ છે. એપ્રિલ સુધી ગર્ભધારણ માટે પણ શુભ યોગ બની રહ્યો છે. જોબ કરનાર સ્ત્રીઓને પોતાનાં કાર્યોમાં વિજય મળશે. જે સ્ત્રીઓ સ્વતંત્ર વ્યવસાય કરે છે તેઓને ૨૦૨૨ની સરખામણીમાં આવનારા ૨૦૨૩ દરમિયાન સંઘર્ષ રહી શકે છે તેથી ધીરજ રાખવી.

ગત એપ્રિલ, ૨૦૨૨થી આવનારા એપ્રિલ, ૨૦૨૩ સુધીનો સમય આપને પ્રેમમાં સફળતા અપાવનાર છે. સગાઈ, લગ્ન માટે પણ યોગ ચાલી રહ્યો છે. અવિવાહિત કન્યાઓ માટે વિવાહ અને વિદેશ બંનેનો યોગ છે તેથી જો આ પ્રકારનું કોઈ આયોજન ચાલી રહ્યું છે તો પ્રયત્નો વધારવાથી સપનું પૂરું થઈ શકે તેમ છે. આવનારાં બે વર્ષ સગાઈ તથા લગ્ન માટે પ્રબળ છે. કુંડળી મેળવીને જીવનનો અગત્યનો નિર્ણય લેવો.

છેલ્લા આશરે છ મહિનાથી લાંબી મુસાફરીનો યોગ શરૂ થયો છે જે હજી પણ ચાર-છ મહિના રહેવાનો છે. નવા વર્ષની ઉજવણી માટે પણ યોગ બની રહ્યો છે. વિદેશ જવાની ઈચ્છા સાકાર થઈ શકે છે. વૃશ્વિક લગ્ન માટે વિશેષ આ તમામ બાબતો ફળીભૂત થઈ શકે તેમ છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગે છે તો તેઓ માટે પણ સંવત ૨૦૭૯ દરમિયાન યોગ શુભ અને બળવાન છે.

વૃશ્ચિક રાશિ/લગ્નના જાતકો માટે ગુરુનું પંચમ ભાવ પરથી ભ્રમણ ચાલી રહ્યું છે. એપ્રિલ સુધી ભાગ્યવૃદ્ધિનો યોગ છે. સારી તક કદાચ મળી ચૂકી હશે, જો નથી મળી તો માર્ચ/એપ્રિલ સુધી સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે. ઉપરાંત યાત્રા, પ્રવાસ, અભ્યાસ, ધર્મ, નવા સાહસ માટે ગુરુ સફળતા આપશે. જો કોઈ ઇચ્છાપૂર્તિ માટે ઘણા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છો તો ગુરુનું આ ભ્રમણ આ ઈચ્છાપૂર્તિ કરાવશે.

૧૭ જાન્યુઆરીથી સમગ્ર ૨૦૨૩ દરમિયાન શનિદેવનું ભ્રમણ વૃશ્વિક લગ્ન/રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આ સ્થિતિ કાર્યક્ષેત્રમાં અથવા મિલકત સંબંધી બાબતોમાં ફેરફાર લાવશે. સ્થાનફેરનો પ્રબળ યોગ ગણી શકાય. જન્મ લગ્ન કે જન્મ રાશિથી ચતુર્થ સ્થાનમાં ભ્રમણ શનિદેવને પસંદ નથી તેથી કંઈક ઉદ્વેગ, ઉચાટ રહ્યા કરશે. જોબમાં કામની કદર ન થાય, વેપારીઓને સંતોષ ઓછો જણાય, ઘરમાં આનંદ ઉત્સાહનો અભાવ વર્તાય જોકે સ્થળાંતર માટે આ સ્થિતિ શુભ ગણાય. કાયમી ધોરણે ગામ, શહેર કે દેશ છોડવો છે તો ૪થે શનિ અવશ્ય મદદ કરશે.

વૃશ્ચિક રાશિ/લગ્નના જાતકો માટે રાહુનું ૬ઠે ભ્રમણ શત્રુવિજય યોગ આપે. પહેલાંના જમાનામાં રાહુની આ સ્થિતિ રણભૂમિમાં યુદ્ધ અને વિજય-તિલકનું નિર્દેશન કરે જ્યારે આજના જમાના પ્રમાણે અર્થઘટન કરીએ તો રમતગમત, ધંધાકીય હરીફાઇ, પ્રોજેક્ટ, ટેન્ડર, ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા! જે આપનું વૃશ્વિક લગ્ન છે અને ૪૨ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો રાહુ પ્રતિસ્પર્ધીને હરાવવામાં મદદ કરશે. જો કુંડળીમાં આયુષ્ય બળવાન છે તો આ રાહુ કોઈ પણ પ્રકારના રોગ પર વિજય પણ અપાવશે.

નૂતનવર્ષમાં શનિદેવ અથવા હનુમાનજીને સમર્પિત થઈ જવાનું છે. બંનેમાંથી કોઈ પણ એકની આરાધના શરૂ કરી દો. દર શનિવારે દર્શન કરવા જવાનો સંકલ્પ કરવો. રાત્રિ દરમિયાન દૂધનો ત્યાગ કરવો તથા મહિનાના કોઈ પણ એક સોમવારે વહેતા પાણીમાં એક થેલી કાચું દૂધ પધરાવવું. આ રીતે ૧૧ મહિના પ્રયોગ કરવાનો છે. જૈન બંધુઓએ દર શનિવારે અથવા મહિનાના કોઈ એક શનિવારે મૂળનાયક મુનિસુવ્રત ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવાનો સંકલ્પ લેવો અથવા એકી સંખ્યામાં માળા ગણવી.