વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે વૃષભ જાતકોને આર્થિક તથા સામાજિક બંને પ્રકારના લાભ મળશે, ધીરજ રાખશે તો સફળતા મળશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

જો આપનું જન્મ-નક્ષત્ર મૃગશીર્ષ કે રોહિણી છે તો નૂતનવર્ષ માનસિક દૃષ્ટિએ સારું જશે જોકે કૃતિકા નક્ષત્ર ધરાવનાર વ્યક્તિઓને ચંદ્ર (મન) થી 12મે વ્યય સ્થાનમાં રાહુની અસર ચાલુ છે તેથી ગુસ્સો અને અકળામણ રહી શકે. જાણે-અજાણે ખોટું કર્મ બંધાયું હશે તો અવશ્ય માનસિક ઉચાટ રહેશે, બાકી વિશેષ કોઈ ચિંતાને અવકાશ નથી.

નૂતનવર્ષ આર્થિક રીતે મધ્યમ રહેશે. 12મે રાહુનું ભ્રમણ ખોટા નિર્ણય, ખર્ચા અને અસંતોષ આપી શકે. જોકે લાભ સ્થાનમાં ગુરુનું ભ્રમણ લાભ પણ અપાવશે. ‘કભી ખુશી કભી ગમ’ જેવી સ્થિતિ રહેશે. એપ્રિલ પછી શુભ કાર્યોમાં ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આર્થિક બાબતોના નિર્ણયો સમજી વિચારીને લેવાની સલાહ છે.

સંવત ૨૦૭૯ દરમિયાન દાંપત્યજીવનમાં મીઠાશ રહેવાની છે. જો કોઈ બાબતને લઈને પ્રશ્નો ચાલી રહ્યા છે તો ઈચ્છા છે તો સમાધાનનો સુંદર યોગ છે. આપની રાશિ ગમે તે હોય પણ જન્મલગ્ન વૃષભ છે અને લગ્ન નક્ષત્ર કૃતિકા છે તો નવા વર્ષ દરમિયાન જીવનસાથીની લાગણી અને અપેક્ષાને સમજવી પડશે. ગૃહલક્ષ્મીને ખુશ રાખવી પડશે. વૃષભ રાશિ અને લગ્ન ધરાવતા અવિવાહિતો માટે એપ્રિલ સુધી સગાઈ કે લગ્ન માટે શુભ યોગ છે.

નાના મોટા તમામ પ્રકારના પ્રવાસનો સુંદર યોગ છે. વિદેશ કરતાં સ્વદેશના વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત વધુ આનંદદાયક રહી શકે છે. નજીકનાં સ્થળોની મુલાકાતનું આયોજન તાત્કાલિક થઈ શકે છે. જ્યાં સુધી આરોગ્યનો સવાલ છે તો વજન ઘટાડવા કસરત ચાલુ કરવી પડશે નહિતર આવનારા વર્ષ દરમિયાન કામકાજમાં આળસ દેખાશે. આરોગ્ય બાબતે ચિંતાને અવકાશ નથી છતાં કોઈ લક્ષણ દેખાય છે તો અવશ્ય તબીબની સલાહ લઈ લેવી.

વૃષભ લગ્ન તથા વૃષભ રાશિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે લાભસ્થાનમાં ભ્રમણ કરી રહેલ ગુરુ સરળતાથી પરીક્ષામાં સફળતા અપાવશે. જે વિદ્યાર્થીઓને રાહુની મહાદશા કે આંતરદશા ચાલુ છે અથવા મૂળ કુંડળીમાં પાંચમો ભાવ જે ભણતર અને બુદ્ધિનો છે તે દૂષિત છે તો આવા વિદ્યાર્થીઓ જો વધારે મહેનત કરશે તો એપ્રિલ સુધીની અગત્યની પરીક્ષામાં કઈંક સારું પ્રદર્શન કરી શકે છે. ડિસેમ્બર તથા એપ્રિલ આ બે માસ દરમિયાન વિશેષ મહેનત કરવી.

જોબ બદલવાનો યોગ ચાલી રહ્યો છે. જોબના સ્થાનમાં ભ્રમણ કરી રહેલ કેતુ અચાનક ફેરફાર આપી શકે છે. મૂળકુંડળી બળવાન હશે તો આ ફેરફાર શુભ સાબિત થશે. નૂતનવર્ષ દરમિયાન વેપારીવર્ગને લાભ છે છતાં મોટી ઉધારી અને જોખમથી દૂર રહેવાની સલાહ છે. જ્યાં સુધી કૃષિકાર્યની વાત છે તો વીતેલા વર્ષની સરખામણીમાં સંવત ૨૦૭૯ દરમિયાન ખેડૂતમિત્રોને થોડો અસંતોષ રહી શકે. વાવેતરની પસંદગી સમજી વિચારીને કરવી જોકે વિલંબ પછી સફળતા પણ મળશે.

મકાન/મિલકત સંબંધી બાબતોમાં વિલંબ થઈ શકે છે, તેથી જો શક્ય હોય તો એકાદ-બે વર્ષ ધીરજ રાખો. જો ટેક્સ પ્લાનિંગ કરવા માટે રોકાણ જરૂરી છે તો જાન્યુ. સુધી એક સામાન્ય યોગ છે એ પછી સંપૂર્ણ 2023નું વર્ષ અસંતોષ અને વિલંબ આપનાર રહી શકે છે. જૂન પછી એક યોગ ફરી ઊભો થશે પણ ઓવર બજેટ ખર્ચ થઈ શકે તેથી બજેટ મર્યાદિત છે તો રાહ જોવામાં શાણપણ છે.

જો મોટી કરચોરી કરી હશે તો તેડું આવી શકે છે. જો આરોપી છો તો સામે ચાલીને સમાધાન કરી લો કારણ કે કોર્ટ-કચેરીના કાર્યમાં સરળતાથી રાહત મળે તેમ નથી એટલે પ્રયત્ન વધારવા પડશે. જીદ અને અહંકાર પકડી રાખશો તો તક જતી રહેશે. જો આપ ફરિયાદી છો અને ન્યાય માટે લડી રહ્યા છો તો એપ્રિલ પછી પરિસ્થિતિ આપની તરફેણમાં આવતી દેખાશે. જોકે પૂર્ણ સંતોષ માટે લડત લાંબી ચલાવવી પડશે.

નૂતન વર્ષારંભે બોલીને સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવાનું છે બાકી જેની સાથે લાગણીના સંબંધો છે તે સંબંધો વધુ ગાઢ બનશે. સાસરી પક્ષ તરફથી લાભ અને સંતાનની ચિંતા હળવી થશે. ભાઈ-ભાંડુઓ સાથેના સંબંધો સારા રહેશે. જોબ કરનાર સ્ત્રીઓએ સમજી વિચારીને નિર્ણય લેવો. વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે નવા વર્ષનો પૂર્વાર્ધ સારો રહેશે પણ ઉત્તરાર્ધ દરમિયાન થોડા પડકારો રહી શકે. અનાવશ્યક ખર્ચાથી દૂર રહેવું.

પ્રેમસંબંધમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતા છે. પ્રેમની અભિવ્યક્તિ માટેનો પણ સુંદર યોગ ચાલી રહ્યો છે. પ્રિયપાત્ર દ્વારા તમારી લાગણીની કદર થશે. જો પાત્ર યોગ્ય અને સંસ્કારી છે તો ધીરજનાં ફળ મીઠાં નહિ પણ કડવાં સાબિત થઈ શકે છે તેથી પાત્ર જો યોગ્ય છે તો માતાપિતાના આશીર્વાદ લઈને કૂદી પડો! ખાસ કરીને વૃષભ લગ્ન ધરાવતા અવિવાહિતો માટે ફેબ્રુઆરી સુધી સગાઈ કે વિવાહનો યોગ બળવાન છે.

2023 દરમિયાન સ્થાનફેરનો પ્રબળ યોગ છે. સ્થળાંતર કેટલે દૂર થઈ શકે છે તે માટે વ્યક્તિગત કુંડળી ચકાસવી જરૂરી છે. જો વિદેશ જવાનું આયોજન છે તો આવનારું વર્ષ સ્થાન છોડવા માટે મદદરૂપ કરે તેમ છે. જે વ્યક્તિઓ વિદેશ ફરવા જવા માંગે છે તો જાન્યુ. પછી યોગ સારો છે જોકે વિશેષ પ્રયત્નો કરવાની સલાહ છે. જોઈશું ને કરીશું થયા કરશે તો પ્રવાસ રદ થઈ જશે.

વૃષભ રાશિ/લગ્નના જાતકો માટે એપ્રિલ, 2023 સુધી ગુરુ ગ્રહનું ભ્રમણ લાભસ્થાન પરથી રહેશે જે આર્થિક તથા સામાજિક બંને પ્રકારના લાભ આપશે. આ ગુરુ બુદ્ધિ, ડહાપણ અને જ્ઞાનમાં વધારો કરશે ઉપરાંત નાના પ્રવાસ, ભાઈ/બહેન, મિત્રો, સંતાન અને જીવનસાથીની બાબતોમાં શુભત્વ આપશે. જોકે 22, એપ્રિલથી ગુરુ બારમે ભ્રમણ કરશે જે અધિક ખર્ચ કરાવશે પણ સાથે સાથે સત્કર્મ, દાનપુણ્ય, સંસ્થાકીય કાર્યો માટે આ ગુરુ સુંદર તક આપશે. યાત્રા-પ્રવાસ કે માંગલિક કાર્યો પાછળ ધાર્યા કરતાં વધુ ખર્ચ રહી શકે.

2023 દરમિયાન શનિદેવ આપના કર્મભાવ પરથી ભ્રમણ કરશે. શનિ કર્મનો હિસાબ-કિતાબ રાખનારા CA છે. જો મહેનત અને પ્રમાણિકતાના ગુણ હશે તો આ ભ્રમણ આપને જવાબદાર બનાવશે. શનિ શિક્ષક છે 'સોટી વાગે તો વિદ્યા આવે' તેથી પડકાર અને અધિક પરિશ્રમના રૂપમાં સોટી વાગશે પણ ધીરજ રાખશો તો સફળતા પણ મળશે. દરેક ગ્રહોનાં ચોક્ક્સ વર્ષો હોય છે. શનિના 36 વર્ષ છે. આ વર્ષો સુધી શનિ કડક શિક્ષક બનીને જીવનના પાઠ ભણાવશે અને એ પછી સફળતા આપશે. આમ 36 વર્ષ પૂર્ણ થઈ ગયાં હશે તો કર્મસ્થાન પરનું આ ભ્રમણ સફળતા આપશે જોકે સંઘર્ષ પછી…

2023 દરમિયાન રાહુનું 12મે ભ્રમણ નુકસાન અથવા ખોટા ખર્ચ કરાવશે. ખાસ કરીને જે વ્યક્તિઓનું જન્મ લગ્ન નક્ષત્ર કે ચંદ્ર નક્ષત્ર કૃતિકા છે તો થોડીક વિશેષ સાવચેતી રાખવી. ખોટી જીદ નુકસાન કરાવી શકે છે. વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે આરોગ્યની દૃષ્ટિએ આ ભ્રમણ થોડું પ્રતિકૂળ રહી શકે તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહેવાની સલાહ છે. અન્ય નક્ષત્રો રોહિણી અને મૃગશીર્ષ માટે 2023નો ઉત્તરાર્ધ રાહત આપનાર નીવડશે અને જો મૂળકુંડળી બળવાન હશે તો લાભ મળી શકે છે. વિદેશની બાબતમાં અને કોર્ટ-કચેરીના કામમાં વિલંબ કે ગૂંચવાડા રહી શકે છે.

વૃષભ લગ્ન/રાશિના જાતકોને ૬ ફેબ્રુ. સુધી દર મંગળવારે હાથીને કેળાં ખવડાવવાથી રાહત મળશે. જો આ શક્ય ન હોય તો "ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ" મંત્રની રોજ ૩ માળા કરવી. બીજા એક ઉપાય તરીકે દર શનિવારે હનુમાનજીને તેલ સિંદૂર આદિ અર્પણ કરવાના છે. સમગ્ર ૨૦૨૩ દરમિયાન આ ઉપાય કરવાનો છે. જૈન બંધુઓ દર શનિવારે મુનિસુવ્રત સ્વામીની અષ્ટપ્રકારી પૂજા અથવા કાળી સૂતરની નવકારવાળીથી રોજ "ૐ હ્રીં શ્રી મુનિસુવ્રત સ્વામીને નમઃ" મંત્રની એકી સંખ્યામાં માળા ગણી શકે છે.

અન્ય સમાચારો પણ છે...