વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:તુલા રાશિ માટે નૂતનવર્ષ આનંદ અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે, એપ્રિલ પછી આર્થિક લાભની શક્યતા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

નૂતનવર્ષ દરમિયાન માનસિક સ્થિતિ સારી રહેવાની છે. આમ પણ તુલાવાળા વ્યક્તિઓમાં હકારાત્મક અભિગમ જ હોય છે સિવાય કે મૂળ કુંડળીમાં ચંદ્ર સાથે રાહુ કે શનિની ઊર્જા હોય. સંવત ૨૦૭૯ દરમિયાન "ન બોલવાના નવ ગુણ" કહેવતને અનુસરવાના છો અને કદાચ વિપરીત પરિસ્થિતિ દેખાય તો પણ પોતાની જાતને કંટ્રોલ કરી પોતાની માનસિક સ્થિતિને બગડવાથી બચાવી શકશો.

આર્થિક બાબતોમાં કોઈ ચિંતાને અવકાશ જણાતો નથી. કોઈ કારણસર ભલે બચત ઘટે છતાં વ્યવહાર સાચવી લેવાનો અદભુત ગુણ પણ તમારામાં દેખાશે. લેવડ-દેવડ, આર્થિક વ્યવહાર, ઉધારી વગેરે માટે પણ નવું વર્ષ શુભ રહેવાનું છે. જો તુલા લગ્ન ધરાવતા મિત્રોને શુભ દશા/આંતરદશા ચાલી રહી હશે તો ખાસ કરીને એપ્રિલ પછી બે-ચાર મહિનામાં મોટો આર્થિક લાભ પણ મળી શકે છે.

આપની રાશિ ગમે તે હોય પણ જો આપનું જન્મ લગ્ન તુલા છે અને આપ અવિવાહિત છો, સગાઈ કે વિવાહનો વિચાર કરી રહ્યા છો તો મે માસ સુધી ધીરજ રાખો અને એ પછી બીજી ઇનિંગનો પ્રારંભ કરો. વિવાહિત મિત્રો માટે સંવત ૨૦૭૯ના પૂર્વાર્ધ દરમિયાન અપેક્ષાના ઝઘડા રહેશે પણ એપ્રિલ પછી લગ્નજીવન સારું રહેશે. ઓક્ટો, ૨૦૨૩ પછી વધારે સારું.

બુધ કે ગુરુની દશા, આંતરદશા છે તો પ્રવાસનો સારો યોગ છે. એપ્રિલથી ડિસે. ૨૦૨૩ દરમિયાન નાના-મોટા પ્રવાસનો વધુ સુંદર યોગ બની રહ્યો છે. જો ગુરુ, શુક્ર કે રાહુની મહાદશા છે તો વજન ન વધે તેનું ધ્યાન રાખવું. પાર્ટી, ઉજવણી વગેરેમાં જીભના ચટાકા છોડવા પડશે નહિતર પહેલાં પેટની ગડબડ ને પછી આંતરડાં, લીવરની નાની મોટી તકલીફ રહી શકે.

મોજશોખ, હરવાફરવા અને સતત ગેમિંગની કુટેવ પરીક્ષાના પરિણામ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે. જો આપનું જન્મ લગ્ન તુલા છે અને લગ્ન નક્ષત્ર ચિત્રા કે સ્વાતિ છે તો વર્ષ ૨૦૨૩ દરમિયાન એકાગ્રતા કેળવવી પડશે. "ફોન એ ફ્રેન્ડ" છોડવું પડશે. 15 માર્ચથી એપ્રિલ સુધી આ દોઢ મહિનામાં વિશેષ મહેનત કરવાની સલાહ છે. વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખવો અને સૌથી અગત્યનું કે ગોખણપટ્ટીની ટેવ છોડવી.

નોકરી અને વ્યવસાય બંને માટે નૂતનવર્ષ શુભ રહેશે. ચિત્રા નક્ષત્રવાળા જાતકોને થોડું બજેટમાં ચાલવું પડશે, બાકી ઓવરઓલ ૨૦૨૩નું વર્ષ એકંદરે સારું હશે અને તમામ વ્યવહાર, લોન, હપ્તા સરળતાથી ભરાય પણ જશે. સ્વાતિ અને વિશાખા નક્ષત્ર ધરાવતા જાતકોને સારા પગારની તક મળી શકે તેમ છે. વેપારીમિત્રો માટે પણ વિશેષ કોઈ ચિંતા જણાતી નથી. જો આંતરદશા શુભ ચાલતી હશે તો ખેડૂતમિત્રોને સારા ભાવ મળશે.

નૂતનવર્ષ દરમિયાન મકાન-મિલકત બાબતે આપને સાનુકૂળ પરિણામ મળી શકે તેવા યોગ છે. જો આપ સપનાનું ઘર શોધી રહ્યા છો તો પ્રયત્નો વધારો. ૨૦૨૩નું સમગ્ર વર્ષ મકાન, વાહન, મિલકત સંબંધી શુભ પરિણામ મળી શકે છે. વીતેલા વર્ષ દરમિયાન મકાન મિલકત કે રીનોવેશન બાબતે કંઈક ને કંઇક અવરોધ રહ્યા હશે પણ હવે વૃક્ષ તૈયાર થઈ ગયું છે, બે/ચાર માસમાં ફળ પાકવાની તૈયારી છે.

હાલના ગ્રહોની સ્થિતિ પ્રમાણે કોઈ ધંધાકીય હરીફાઈ કે શત્રુયોગ જણાતો નથી એટલે પ્રતિસ્પર્ધી કે સહકર્મચારી દ્વારા પીઠ પાછળ કોઈ ગંદું રાજકારણ રમાય તેવી શક્યતા નથી. જો કોર્ટ મેટર ચાલી રહી છે તો સુખદ અંત આવી શકે તેમ છે. સરકાર તરફથી કોઈ આરોપ હેઠળ હેરાનગતિ ચાલુ છે તો ધીમે ધીમે તેમાં પણ રાહત જણાશે. ખોટા આરોપ હેઠળ પરેશાન છો તો થોડી ધીરજ રાખો. સત્યની જીત નિશ્ચિત છે.

ગૃહિણીઓ માટે નૂતનવર્ષ આનંદ અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે. વીતેલા વર્ષથી ચાલી આવતો માનસિક થાક કે ઉચાટ ઓછો થવા લાગશે. જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ માનસિક, શારીરિક અને કૌટુંબિક શાંતિ જણાશે. આત્મનિર્ભર સ્ત્રીઓ જેઓ સ્વકમાણી દ્વારા પોતાના કુટુંબની જવાબદારી નિભાવે છે તેઓ માટે આર્થિક રીતે સમય અનુકૂળ રહેશે. જોકે ચિત્રા નક્ષત્ર ધરાવતી સ્ત્રીઓ માટે ખર્ચ વધુ રહેશે, જેથી યોગ્ય આર્થિક આયોજન જરૂરી બનશે.

વર્ષ ૨૦૨૩ દરમિયાન પ્રેમસંબંધમાં શુષ્કતા અને અસંતોષ રહેશે. જો આપ અવિવાહિત છો અને પ્રિયપાત્રની શોધમાં દોડી રહ્યા છો તો હજી ધીરજ રાખવી પડશે. જો પ્રેમરૂપી દરિયામાં ડૂબકી નથી મારી તો હજી પણ કિનારે જ ઊભા રહેવાની સલાહ છે કારણ કે આપની લાગણીને સમજી શકે તેવી વ્યક્તિનું આગમન નૂતનવર્ષ દરમિયાન થાય તેવી શક્યતા ઓછી છે. નવા વર્ષ દરમિયાન પ્રેમ કરતાં વધારે પૈસા પાછળ દોડવાની સલાહ છે.

જો વિદેશ જવાનું આયોજન છે તો મોડું કરવામાં મજા નથી કારણ કે એપ્રિલ સુધી ગુરુની દૃષ્ટિ ૧૨મા વિદેશના સ્થાન પર રહેવાની છે અને આ દૃષ્ટિ પ્રવાસ દરમિયાન ભરપૂર આનંદ અને ઉત્સાહથી આપશે. જો નવમા કે બારમા ભાવ સાથે સંબંધિત ગ્રહની દશા કે આંતરદશા ચાલુ છે તો અવશ્ય સરળતાથી વિદેશ જઈ શકાય તેવો સુંદર યોગ છે. ૨૦૨૩ દરમિયાન વિદ્યાર્થીમિત્રોને મનપસંદ યુનિ.માં એડમિશન મળવાની શક્યતા પ્રબળ છે.

તુલા રાશિ/લગ્નના જાતકો માટે ૨૧ એપ્રિલ સુધી ગુરુ ગ્રહ ૬ઠે ભ્રમણ કરશે જે આરોગ્ય બાબતે જાગૃતતા લાવશે. જો કોઈ ચિકિત્સા ચાલી રહી છે તો પરિણામ દેખાશે. લોન, પૈસાની લેવડ-દેવડ અને આર્થિક વ્યવહાર બાબતે આ ભ્રમણ સાનુકૂળ રહેશે. સ્વાતિ અને પુનર્વસુ નક્ષત્ર ધરાવતા જાતકોને મહેનતનું ફળ મળશે. સેવા, સત્કર્મ, દાન-પુણ્ય, વિદેશ મુસાફરી, કોર્ટ-કચેરી બાબત માટે દેવગુરુ મદદ કરશે. જોબ અને આવક માટે પણ આ ગુરુ શુભત્વ આપશે.

છેલ્લાં અઢી વર્ષથી શનિદેવનું ભ્રમણ ૪થે છે જે તુલા લગ્નના મિત્રોને મકાન મિલકત, રીનોવેશન/ફર્નિચર બાબતે વિલંબ આપે. આ સ્થાન હૃદય, ફેફસાનું પણ છે તેથી છેલ્લા કેટલાક સમયથી થાક કે શ્વાસ સંબંધી ફરિયાદ રહેતી હશે. ૪થે ભ્રમણ કરી રહેલ શનિની દૃષ્ટિ નોકરી-ધંધામાં સફળતા બાબતે સંઘર્ષ કરાવે. જોકે હવે આ બધી બાબતો પર પૂર્ણવિરામ મુકાશે કારણ કે ૧૭ જાન્યુ.થી શનિ પંચમ ભાવમાં પ્રવેશ કરશે તેથી ઉપરોક્ત તમામ બાબતો પરત્વે રાહત જણાશે. પાંચમે ભ્રમણ પ્રેમ, ભણતર, સંતાન બાબતે થોડું પ્રતિકૂળ રહેશે બાકી અન્ય બાબતોમાં શુભત્વ દેખાશે.

રાહુ - હર્ષલની યુતિ ૭મે મેષ રાશિમાં છે. સમગ્ર ૨૦૭૯ દરમિયાન આ બે ગ્રહોની સંયુક્ત ઊર્જા રહેવાની ૭મા સ્થાનમાં પ્રતિકૂળ અસર આપી શકે છે. ૭મું સ્થાન સહકાર, ભાગીદારી, લગ્નજીવન અને વિવાહનું છે. રાજા માટે પ્રજાનું પણ સ્થાન છે એટલે ખાસ કરીને તુલા લગ્ન ધરાવનાર ઉમેદવારો માટે મતદારોને ખુશ કરવા સરળ નહિ રહે ને વધુ પડતો આત્મવિશ્વાસ ચૂંટણીમાં નુકસાન કરાવી શકે. વેપારમાં ભાગીદાર સાથે balance કરવું, દાંપત્યજીવનમાં પણ અપેક્ષા ઘટાડવી અને પેટ, કમર કે નાભિ પ્રદેશમાં નાની-મોટી તકલીફ રહી શકે.

પ્રતિષ્ઠા અને સત્તા ટકાવી રાખવા બ્રહ્માંડપુરાણમાં વર્ણિત "વજ્રપંજરસ્તોત્ર"નું નિયમિત પઠન કરવું. આ ઉપરાંત એપ્રિલ સુધી જીવનસાથી કે ભાગીદાર સાથે અપેક્ષાના ઝઘડા ન થાય તેનું થોડું ધ્યાન રાખવાનું છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે તે માટે ગૃહિણીઓ દુર્ગાસપ્તશતીમાં પ્રકાશિત દેવી કવચ અને કુંજિકાસ્તોત્રનો નિયમિત પાઠ કરી શકે છે. અન્ય ઉપાય તરીકે દર મંગળવારે ગાયને ચારો ખવડાવવો અને દિવસ દરમિયાન સમય મળે ત્યારે "ૐ રુદ્રાય નમ:" મંત્રનું રટણ કરવું. વિદ્યાર્થીમિત્રોએ હનુમાનજીની અને જૈનબંધુઓએ નેમિનાથ ભગવાનની આરાધના કરવી.