વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:એપ્રિલ મહિના પછીનો સમય સિંહ જાતકો માટે શુભ રહેશે, આ વર્ષે થોડું નમશો તો પ્રશ્નોનો ઉકેલ જલ્દી મળશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

એપ્રિલ/મે પછીનો સમય માનસિક સ્તર પર વધુ અનુકૂળ રહેશે ત્યાં સુધી આંતરિક અકળામણ રહેશે તેમાં પણ મઘા નક્ષત્ર માટે આ અસર થોડી અધિક રહેશે. જાન્યુ.થી એપ્રિલ સુધીના સમય દરમિયાન મન શાંત રાખવું. હકારાત્મક વિચારધારા રાખવી અને શક્ય હોય તો થોડો સમય પ્રકૃતિના ખોળે હવાફેર માટે જવું.

વર્ષનો આરંભ આર્થિક બાબતો પરત્વે સાનુકૂળ રહેશે. વાણીથી લાભ છે પણ જો આપનો જન્મ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયો છે તો આર્થિક વ્યવહાર સાચવવામાં થોડો પાછા પડશો જોકે જેમ-જેમ નૂતનવર્ષ આગળ વધશે તેમ-તેમ રાહત જણાશે. સિંહ રાશિ/લગ્ન બંને માટે એપ્રિલ પછીનો સમય શુભ રહેશે.

દાંપત્યજીવન બાબતે નૂતનવર્ષ થોડું પ્રતિકૂળ રહી શકે છે. ખાસ કરીને જે વ્યક્તિઓનો જન્મ વર્ષ ૧૯૮૮/૧૯૮૯ દરમિયાન થયો છે અથવા તો જે પરિણીત મિત્રોનું જન્મ-લગ્ન નક્ષત્ર અથવા ચંદ્ર-નક્ષત્ર મઘા છે તો જીદ અને ધાર્યું કરવાની ટેવ સંબંધોમાં કડવાશ ઊભી કરી શકે છે. ઉપરાંત પૂર્વાફાલ્ગુની નક્ષત્રવાળા મિત્રો માટે સલાહ છે કે મિત્રવર્તુળમાંથી બહાર આવી થોડો સમય પોતાના જીવનસાથી માટે પણ ફાળવે.

અષ્ટમ સ્થાનમાં ગુરુનું ભ્રમણ આરોગ્ય વિષયક બાબતો માટે રાહત આપનાર ગણી શકાય. જોકે મૂળકુંડળી આ બાબતે શુભ હોવી જરૂરી છે. ખાસ કરીને સિંહ લગ્ન ધરાવતા યુવા મિત્રોએ તીખા, તળેલા અને તામસિક ખોરાકનું પ્રમાણ ઘટાડવું પડશે નહિતર આગળ જતાં એસિડિટી કે પેટ સંબંધી તકલીફ ઊભી થઇ શકે. નૂતનવર્ષ દરમિયાન થોડીઘણી વાતની તકલીફ રહેશે બાકી ઉનાળુ વેકેશન દરમિયાન નાના-મોટા પ્રવાસનો સુંદર યોગ બની રહ્યો છે.

મઘા નક્ષત્ર ધરાવતા વિદ્યાર્થીમિત્રોએ થોડી વધારે મહેનત કરવાની છે. જો અગત્યની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો નૂતનવર્ષના શરૂઆતના બે/ત્રણ મહિના દરમિયાન મોજમજાને બાજુ પર મૂકીને એકાગ્રતા કેળવવી પડશે. જો એકાગ્રતા કેળવી શકશો તો પરીક્ષામાં પણ સફળ થઈ શકશો. લખવાની ટેવ પાડવી બહુ જરૂરી છે. ૨૦૨૩નો ઉત્તરાર્ધ ભણતર બાબતે સારો જશે. જો કોઈ પરીક્ષાની તારીખનું ચયન તમારે જાતે કરવાનું છે તો એપ્રિલ પછી પરીક્ષા આપવી.

વર્ષ ૨૦૨૨ તથા ૨૦૨૩ના પ્રથમ છ માસ જોબમાં કંઈક ફેરફાર આપનારા ગણી શકાય. જો આપ સરકારી જોબમાં છો તો મનગમતી જગ્યાએ બદલી થવાની શક્યતા ઓછી છે,જોકે એપ્રિલ પછીનો સમય અનુકૂળ રહી શકે છે. નવી શરૂઆત અને ચાલુ કામકાજમાં પ્રગતિ દેખાશે. કૃષિકાર્યો માટે વર્ષારંભે અસંતોષ રહેશે પણ સમય જતાં સારો પાક અને આવક જણાશે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર ધરાવતા ખેડૂત મિત્રો માટે સમય વિશેષ શુભ છે.

જો મકાન/મિલકત બાબતે ઉતાવળ નથી અને થોડો સમય જો પ્રતીક્ષા કરી શકો તેમ હોય તો અવશ્ય ધીરજનાં ફળ મીઠાં મળશે. મિલકત વેચવા માટે તો અત્યારે યોગ છે પણ ખરીદવા માટે ગ્રહોની જોઈએ તેવી અનુકૂળતા નથી. રોકાણ માટે યોગ્ય સમય નથી તેથી કંઈક ને કંઇક વિલંબ થઈ શકે છે. જો શક્ય હોય તો એકાદ-બે વર્ષ રાહ જોવાની સલાહ છે. ધીરજ રાખશો તો વધુ સંતોષકારક પરિણામ મળશે.

કોર્ટ-કચેરીના ચક્કર ચાલુ છે તો વીતેલા વર્ષની જેમ આ વર્ષે પણ ખર્ચા રહેવાના છે. આરોપી તરીકે કોર્ટમાં હાજરી આપી રહ્યા છો અને સમાધાન કરવું છે તો સતત પ્રયત્નો વધારવા પડશે કારણ કે સરળ નથી. જાન્યુ. સુધી કદાચ કોર્ટ તરફથી રાહત મળી શકે. ટૂંકમાં કોર્ટ-કચેરીનાં કાર્યોમાં વિજય કઠિન છે છતાં ગુરુની દૃષ્ટિ ૧૨મે હોવાથી પ્રયત્નો વધારવાથી કદાચ રાહત મળી શકે.

નવ પરિણીત સ્ત્રીઓ માટે જીવનસાથી સાથે રિસામણાં મનામણાં રહેશે. અપેક્ષાના ઝઘડાના કારણે દાંપત્યજીવનમાં શુષ્કતા ન આવે તેનું ધ્યાન જાતે જ રાખવું પડશે. જીદ અને ધાર્યું કરવાનો સ્વભાવ છોડશો તો રાહત રહેશે. પરિણીત સ્ત્રીઓને સાસરી પક્ષનો સહકાર મળશે એટલે માનસિક બળ મળશે. જોબ અને સ્વતંત્ર વ્યવસાય કરનાર સ્ત્રીઓ માટે આવનારું વર્ષ મધ્યમ રહેશે. ભાગીદારીથી દૂર રહેવું વધારે ઉચિત રહેશે.

છેલ્લા થોડા સમયથી સામેનું પાત્ર પોતાના વચનમાંથી ફરી રહ્યું હોય તેવી અનુભૂતિ થતી હશે, તેમાં પણ જો આપનું સિંહ લગ્ન છે તો આ અસર પ્રબળ હશે. હજી થોડો સમય જવા દો. તમારા શબ્દોના બાણે પ્રિયપાત્રને પણ જખમ આપ્યા છે. સમય જ મલમનું કામ કરશે. નવા વર્ષનો પૂર્વાર્ધ પ્રેમસંબંધ માટે થોડો પ્રતિકૂળ છે. એપ્રિલ સુધી ધીરજ રાખો, પ્રેમ જો પવિત્ર હશે તો સફળતા નિશ્ચિત છે.

સિંહ લગ્ન ધરાવતા મોટા ભાગના વાચક મિત્રોને વિદેશ અંતર્ગત બાબતોમાં કંઈક ગૂંચવાડા કે વિલંબનો અનુભવ રહ્યો હશે. પછી ભલે કામકાજ અર્થે પરદેશ જવાની વાત હોય કે પછી હરવાફરવાની! સિંહ રાશિવાળા જે જાતકોને ચંદ્ર, મંગળ કે રાહુની મહાદશા કે આંતરદશા ચાલે છે તેમના માટે બળવાન યોગ છે. ભલે કદાચ જવામાં અવરોધ દેખાતો હોય તો પણ ચિંતા ન કરો. ગત વર્ષ કરતાં આવનારું વર્ષ વિદેશ જવા માટે ચોક્કસ અનુકૂળ છે.

21 એપ્રિલ સુધી દેવગુરુ બૃહસ્પતિ સિંહ રાશિ તથા સિંહ લગ્ન માટે ૮મા સ્થાન પરથી ભ્રમણ કરશે. આઘ્યાત્મિકતા અને ગૂઢવિદ્યા માટે આ સ્થિતિ શુભ ગણાય. સાધના, ધ્યાન, અનુષ્ઠાન દરમિયાન અદભુત ઊર્જાનો અનુભવ થઈ શકે છે. વીલ, વારસાની બાબતમાં કંઈક હકારાત્મક પરિણામ મળી શકે છે. 22 એપ્રિલથી ભાગ્યસ્થાન પરથી ગુરુનું ભ્રમણ ભાગ્યવૃદ્ધિ કરાવશે. ધર્મ, મુસાફરી, નવાં કાર્યોની શરૂઆત માટે એપ્રિલ પછીનો સમય વધારે શુભ રહેશે.

સિંહ રાશિ/લગ્નના જાતકો માટે ૧૭ જાન્યુ, સુધી શનિદેવનું ભ્રમણ ૬ઠે રહેશે. આશરે છેલ્લાં અઢી વર્ષથી ચાલતું આ ભ્રમણ વ્યક્તિને જવાબદાર બનાવે છતાં નોકરી અને નિયમિત આવક બાબતે ઉત્સાહ ઘટાડે. ૧૭ જાન્યુ. પછી સપ્તમ ભાવમાં ભ્રમણ ભાગીદાર કે જીવનસાથી સાથેના સંબંધમાં શુષ્કતા આપશે. મઘા નક્ષત્ર ધરાવતા મિત્રો જો થોડું નમતું જોખે તો પ્રશ્નનું નિરાકરણ જલદી આવી શકે. આમ તો મઘા એટલે રાજા પણ અત્યારે રાજા બનવામાં મજા નહિ આવે.

સિંહ રાશિ/લગ્નના જાતકો માટે સંવત ૨૦૭૯ દરમિયાન રાહુનું ભ્રમણ ભાગ્યસ્થાન પરથી રહેવાનું છે. રાહુનું આ ભ્રમણ સાહસનાં કાર્યોમાં સફળતા આપશે પણ નવા પ્રોજેક્ટ સંબંધી કાર્યો કે નવા કાર્યની શરૂઆત બાબતે ગૂંચવાડા ને અસંતોષ પણ આપી શકે છે. એપ્રિલ સુધી ધીરજ રાખવાની સલાહ છે. જે વિદ્યાર્થીમિત્રો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે તો પેપરવર્ક બાબતે વિલંબ થઈ શકે છે. પિતા, વડીલ અને ગુરુ સાથેના સંબંધો ન બગડે તેની કાળજી રાખવી.

દર શનિવારે અથવા દર મહિને કોઈ એક શનિવારે અપંગ અથવા વૃદ્ધ ભિક્ષુકને ગરમાગરમ મેંદુવડાં ખવડાવવાં. ૧૪, માર્ચ સુધી આ ઉપાય કરવો. એ પછી બીજા દિવસથી ૧૫ માર્ચથી ૧૪ ઓક્ટો, ૨૦૨૩ સુધી દરરોજ જેવો સૂર્યાસ્ત થાય ને તરત અથવા રાત્રિના કોઈ નિશ્ચિત સમયે આથમતી દિશા તરફ મુખ રાખી જળની ધારાથી પોતાની ફરતે એક સર્કલ બનાવવું અને તેની વચ્ચે બેસીને પાંચથી દસ મિનિટ "ૐ વમ્ વરુણાય નમઃ" મંત્ર થોડા મોટા અવાજે કરવો.

અન્ય સમાચારો પણ છે...