વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:નવા વર્ષે મિથુન જાતકોને તેમની આવડત અને કોઠાસૂઝ લાભ અપાવશે, એપ્રિલ પછી આર્થિક લાભ શક્ય છે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

જો આપનું મૃગશીર્ષ નક્ષત્ર છે તો જેમ જેમ નૂતનવર્ષ આગળ વધશે તેમ તેમ માનસિક સ્થિતિ અનુકૂળ થતી જણાશે. બુદ્ધિમતામાં પણ વધારો થશે. આવડત અને કોઠાસૂઝ લાભ અપાવશે. આદ્રા નક્ષત્ર ધરાવનાર યુવામિત્રોએ વાદવિવાદ ટાળવા અને પોતાની અપેક્ષાઓને કંટ્રોલમાં રાખવી પડશે નહિતર માનસિક અકળામણ વધી શકે છે.

વીતેલા વર્ષની સરખામણીમાં આવનારું વર્ષ આર્થિક લાભ આપનારું રહેશે. કુંડળી જેટલી બળવાન તેટલો વધુ લાભ! જાન્યુ. પછી આવક અને બચત પરત્વે સંતોષ રહેશે. ખાસ કરીને મિથુન લગ્ન ધરાવતા વ્યક્તિઓ માટે સંપૂર્ણ નૂતનવર્ષ પ્રગતિકારક રહી શકે છે. આર્થિક અને સામાજિક બંને દૃષ્ટિએ આવનારો સમય શુભ છે.

નવા વર્ષ દરમિયાન પતિ-પત્ની વચ્ચે સુમેળભર્યો સંબંધ રહેવાનો છે. જો જીવનસાથીની રાશિ મેષ, કર્ક કે વૃશ્વિક છે અને વાદવિવાદ ચાલી રહ્યા છે તો એપ્રિલ પછી સમાધાનનો રૂડો અવસર છે. જો દાંપત્યજીવનમાં પહેલેથી જ મીઠાશ છે તો સુગર લેવલ વધવાનું છે, તેમાં પણ જીવનસાથીની રાશિ વૃષભ, મિથુન, તુલા, મકર કે કુંભ છે તો વિશેષ સાથ-સહકાર દેખાશે. જેમ જેમ સંવત ૨૦૭૯નું વર્ષ આગળ વધશે તેમ તેમ સંબંધ ગાઢ બનશે.

આવતા વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન પોતાની મનપસંદ જગ્યાએ જવાનો સુંદર યોગ બની રહ્યો છે. દૂરના પ્રવાસ કરતાં નજીકના પ્રવાસનો યોગ વધુ પ્રબળ છે. દૂરના વિદેશ પ્રવાસ કરતાં એકાદ અઠવાડિયા માટેની નજીકના દેશની ટૂર પર જઈ શકાય તેવો યોગ બની રહ્યો છે. એકંદરે આરોગ્ય સારું રહેશે પણ જો પ્રતિકૂળ દશા ચાલી રહી છે તો આંખ, દાંત અથવા ENT ડોક્ટરની એકાદ મુલાકાત થઈ શકે છે.

શાળાનું ભણતર પૂર્ણ કરીને જો કોલેજમાં જવાનું છે તો મનગમતી કોલેજમાં પ્રવેશ મળવાનો છે. જાન્યુ. પછી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ ભણતર બાબતે શુભ રહેશે એટલે મહેનત પ્રમાણે પૂર્ણ ફળ મળી શકે છે, જોકે જાન્યુ. સુધી એકાગ્રતા કેળવવાની જરૂર છે. આપની રાશિ ગમે તે હોય પણ જો આપનો જન્મ મિથુન લગ્નમાં થયો છે અને સરકારી જોબ માટેની પરીક્ષા આપવાનું આયોજન છે તો એપ્રિલ પછીનો સમય શુભ રહેશે.

પુનર્વસુ નક્ષત્ર ધરાવતા વ્યક્તિઓ માટે નોકરી-ધંધામાં મધ્યમ ફળ રહેશે, જ્યારે મૃગશીર્ષ અને આદ્રા નક્ષત્ર માટે સંવત ૨૦૭૯નું વર્ષ પ્રગતિકારક રહી શકે છે. જો જોબ બદલવી છે તો જાન્યુ. પછી સમગ્ર વર્ષ શુભ છે. કુંડળી બળવાન છે તો નવા વર્ષમાં સારો પગાર મળી શકે છે. જાન્યુ. પછી બેંક-લોન સરળતાથી મળી શકશે. કૃષિકાર્યો માટે ચતુર્થ સ્થાન પર ગુરુની દૃષ્ટિ ખેડૂતમિત્રોને શુભત્વ પ્રદાન કરશે.

મિથુન લગ્ન ધરાવતા જાતકો માટે નવે.થી એપ્રિલ સુધીનો સમય રોકાણની દૃષ્ટિએ શુભ અને બળવાન ગણી શકાય. નાનકડું સપનાનું ઘર લેવું હોય કે પછી જમીન, ફાર્મહાઉસ કે મિલકત! સપનું પરિપૂર્ણ થવા માટેનો શુભ સમય ચાલી રહ્યો છે. આ ઉપરાંત રીનોવેશન, ફર્નિચર અને વાહન ખરીદી માટેનું આયોજન પણ કરી શકો છો. મિલકત વેચાણ માટે ફેબ્રુ. આસપાસનો સમય શુભ રહેશે.

નોકરી/ધંધામાં હરીફ કે પ્રતિસ્પર્ધી ઊભા થાય તેવો કોઈ યોગ જણાતો નથી. કુંડળીમાં ૬ઠું સ્થાન શત્રુનું છે અને એપ્રિલ સુધી આ સ્થાન પર દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ રહેવાની છે તેથી શત્રુ તરફથી પરેશાનીની શક્યતા નથી. જો કોઈ લીગલ મેટર ચાલી રહી છે તો કોર્ટરૂમમાં પણ શત્રુ તરફથી કોઈ મોટી હેરાનગતિ દેખાતી નથી સિવાય કે વ્યક્તિગત કુંડળીમાં બંધન યોગ હોય! અન્ય સરકારી કાર્યોમાં વિલંબ પછી સફળતા મળશે.

સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીત સ્ત્રીઓને સાસરી પક્ષમાં વિશેષ જવાબદારી નિભાવવાની આવી શકે છે. બીજું કે વાણીથી સંબંધ ન બગડે તેનું થોડું ધ્યાન રાખવાનું છે. જોબ કરતી સ્ત્રીઓ માટે આવનારું સમગ્ર વર્ષ શુભ રહેશે. જે સ્ત્રીઓ સ્વતંત્ર વ્યવસાય કરે છે તેઓ માટે પણ આવનારું વર્ષ પ્રગતિકારક રહેશે જોકે આ સ્ત્રીઓ માટે સંવત ૨૦૭૯નો ઉત્તરાર્ધ (સેકન્ડ હાફ) વધારે સારો રહી શકે તેમ છે.

નૂતનવર્ષ દરમિયાન પ્રેમસંબંધમાં ધૂપછાંવ જેવી સ્થિતિ રહેશે. કારણ વગરના ઝઘડા અબોલાનું કારણ બની શકે છે તેથી ખોટી ચર્ચા ટાળો. "ઉતાવળે આંબા નહિ પાકે" ! તમારા પ્રેમરોગ માટેની એકમાત્ર દવા છે 'ધીરજ'! ખાસ કરીને મિથુન લગ્ન ધરાવતાં પ્રેમીપંખીડાંઓ માટે એપ્રિલ/મે પછીનો સમય સારો રહેશે. જો પાત્ર યોગ્ય અને સંસ્કારી છે તો સફળતા માટે થોડી પ્રતીક્ષા કરો. વિવાહ માટે પણ થોડી રાહ જોવી વધારે ઉચિત છે.

જો હરવા-ફરવા માટે વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો તો ૨૦૨૨ કરતાં ૨૦૨૩નું વર્ષ ગ્રહોની દૃષ્ટિએ વધારે અનુકૂળ ગણી શકાય. જોકે મિથુન રાશિ કરતાં મિથુન લગ્ન ધરાવતા જાતકો માટે વિદેશગમન બાબતે કંઈક વિલંબ રહી શકે છે. જ્યાં સુધી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીમિત્રોની વાત છે - તો આવનારા સમયમાં પોતાની મનપસંદ યુનિ.માં પ્રવેશ મળવાની શક્યતા પ્રબળ છે. આવનારાં બે વર્ષો વિદેશ જવા માટે અનુકૂળ રહેશે.

મિથુન રાશિ/લગ્નના જાતકો માટે ૨૧ એપ્રિલ સુધી ગુરુનું ભ્રમણ ૧૦મે કર્મસ્થાન પર રહેશે. આ ભ્રમણ કાર્યક્ષેત્રમાં કંઈક ઉચાટ આપી શકે પણ સફળતા નિશ્ચિત છે. કર્મનિષ્ઠ અને પરિશ્રમ કરનાર વ્યક્તિ માટે કોઈ ચિંતા નથી. જોબ બાબતે સંઘર્ષ પછી સફળતા અચૂક મળશે. આ ભ્રમણ વાહન, મિલકત, રીનોવેશન અને મોજશોખની ખરીદી માટે શુભ રહેશે. આર્થિક બાબતો માટે પણ સમય પ્રગતિકારક રહેશે. એપ્રિલ પછી ગુરુનું લાભસ્થાન પરથી ભ્રમણ આર્થિક તથા સામજિક બંને લાભ અપાવશે.

મિથુન રાશિના જાતકોને નાની પનોતી ચાલી રહી છે. વીતેલા વર્ષ દરમિયાન પણ આ અસર હતી. ૮મા સ્થાન પરથી કર્મના દેવતા શનિદેવનું ભ્રમણ આર્થિક કે કૌટુંબિક બાબતે ચઢાવ-ઉતાર આપી શકે. ચંદ્રથી અષ્ટમ સ્થાનમાં શનિ એટલે માનસિક ઉચાટ સ્વાભાવિક હોય, જોકે ૧૮, જાન્યુ.થી શનિનું રાશિ પરિવર્તન આર્થિક અને સામાજિક બંને બાબતે અનુકૂળ રહેશે. જો આપનાં ૩૬ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે તો શનિ મહેનતના પ્રમાણમાં પૂર્ણ ફળ પણ આપશે. કર્મ સારાં હશે તો કાર્યક્ષેત્રમાં આવનારો બદલાવ પણ શુભ જ રહેશે.

રાહુનું ભ્રમણ લાભસ્થાન પરથી થઈ રહ્યું છે એટલે લાભ નિશ્ચિત છે! વિદેશમાં વસતા ભારતીય મિત્રો માટે આ ભ્રમણ વધુ શુભ ગણાય. એપ્રિલ પછીનો સમય આર્થિક રીતે વધુ સારો ગણાય. જો મૂળકુંડળી આપની બળવાન છે તો અવશ્ય ૨૦૨૩ દરમિયાન કંઈક મોટો લાભ મળવાની શક્યતા બળવાન છે. વિવિધ સમાજ અને ભિન્ન સંસ્કૃતિના લોકસંપર્કથી પણ વધારે લાભ મેળવી શકાય. વિદેશ પ્રવાસથી ધન અર્જિત કરી શકાય. ટેક્નોલોજી, ગ્લેમર અને સંશોધન ક્ષેત્રે સરળતાથી સફળતા મેળવી શકાય.

મિથુન લગ્ન/રાશિ ધરાવતા મિત્રોએ બે બાબતોને ધ્યાનમાં રાખવાની છે. એક તો મકરસંક્રાંતિ સુધી મગજને આરામ આપવાનો છે અને બીજું કે આજથી લઈને 21 એપ્રિલ સુધી એક સરળ ઉપાય કરવાનો છે. ઉપાય છે - રોજ સવારે નિત્યકર્મ પૂરું કરી પવિત્ર થઈને આજ્ઞા ચક્ર પર કેસર કે ચંદનનું તિલક કરવાનું છે. તિલક કર્યા પછી ઘીનો દીવો કરી બૃહસ્પતિ (ગુરુ) સ્તોત્રનો એકી સંખ્યામાં પાઠ કરવાનો છે. વિદ્યાર્થીમિત્રો દરરોજ કુળદેવીના આશીર્વાદ લઈને અભ્યાસ કરે તો અધિક લાભ રહેશે.

અન્ય સમાચારો પણ છે...