વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:નવા વર્ષે મેષ જાતકો ઉપર શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ રહેશે; માન, સન્માન, કીર્તિમાં વધારો થશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા એમ કુલ ત્રણ નક્ષત્રોની ઊર્જા છે. અશ્વિની અને ભરણી નક્ષત્ર ધરાવનાર જાતકોને એપ્રિલ સુધી મનમાં ગૂંચવાડા અને અસંતોષ રહેશે, અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષા ઘટાડવી પડશે, ધીરજ અને સંતોષનો ગુણ કેળવવો પડશે. કૃતિકા નક્ષત્ર ધરાવતા જાતકો મનથી સ્વસ્થ જણાશે જેથી કાર્યમાં ઉત્સાહ દેખાશે.

એપ્રિલ સુધી શુભ કાર્યોમાં ખર્ચનું પ્રમાણ રહેશે. એ પછીનો સમય સારો જશે. જો આપનો જન્મ મેષલગ્નમાં થયો છે અને ઉંમર 36 વર્ષ કરતાં વધારે છે તો મહેનતના પ્રમાણમાં આર્થિક પરિણામ સારું મળશે. તેમાં પણ જો બળવાન ગ્રહની મહાદશા ચાલુ છે તો વર્ષ 2023 દરમિયાન મોટો આર્થિક લાભ મળી શકે તેમ છે.

દાંપત્યજીવનમાં જો પહેલેથી જ મધુરતા છે તો નૂતનવર્ષમાં આ મીઠાશમાં વધારો થશે અને જો વીતેલા વર્ષ દરમિયાન કડવાશ હતી તો હવે કારેલાની જગ્યાએ કલાકંદનો આસ્વાદ મળશે. જોકે જાન્યુ. સુધી હજી ધીરજ રાખવી પડશે એ પછી ૨૦૨૩ નું સમગ્ર વર્ષ લગ્નજીવન બાબતે શુભ રહેશે. જો આપનું જન્મલગ્ન નક્ષત્ર 'અશ્વિની' છે તો એકાદ વર્ષ પછી વિવાહનો વિચાર કરવો.

ડિસે.થી એપ્રિલ દરમિયાન યાત્રા પ્રવાસનો યોગ છે તેથી મિત્રો કે સ્નેહીઓ સાથે સરસ મજાનું આયોજન થઈ શકે છે. જો આપ કોઈ અશુભ મહાદશા કે આંતરદશાના પ્રભાવ હેઠળ નથી તો નવા વર્ષમાં આરોગ્ય પણ સારું રહેવાનું છે. જોકે અકળામણ ગુસ્સો ઘટાડવા નહિતર ઉચ્ચ રક્તચાપની ફરિયાદ રહી શકે. વહેલી સવારે સૂર્યદેવ સમક્ષ પ્રાણાયામ લાભકારી રહેશે. પેટ, આંતરડાં કે હરસ/મસાની સામાન્ય તકલીફ રહી શકે છે.

મેષ લગ્ન/રાશિ બંને માટે નૂતનવર્ષ ભણતર સંબંધી કઈંક ગૂંચવાડા અને અસંતોષ આપનાર છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો જન્મ મેષલગ્નના અશ્વિની નક્ષત્રમાં થયો હોય પછી ભલે રાશિ ગમે તે હોય તો તેવા વિદ્યાર્થીઓએ વિશેષ એકાગ્રતા કેળવવી પડશે નહિતર પરીક્ષામાં ધાર્યા કરતાં પરિણામ ઘટી શકે છે. એપ્રિલ પછીનો સમય રાહત આપનાર છે. જોકે ૨૦૨૩ દરમિયાન શનિની દૃષ્ટિ ભણતર બાબતે થોડીઘણી પ્રતિકૂળતા આપી શકે તેથી જવાબદાર બનવું પડશે.

કૃષિ સંબંધી કાર્યો માટે આવનારું વર્ષ શુભ રહેશે. જોકે ફેબ્રુઆરી પછી વધારે સંતોષકારક પરિણામ દેખાશે. જ્યાં સુધી વેપાર-ધંધાની વાત છે તો મોટા ભાગના વેપારીમિત્રો માટે છેલ્લાં બે - ત્રણ વર્ષથી શનિનું મકર રાશિમાં ભ્રમણ વ્યવસાયમાં પડકાર આપનાર રહ્યું હશે પણ નૂતનવર્ષમાં મકરસંક્રાંતિથી શનિનું કુંભરાશિમાં ભ્રમણ રાહત આપશે અને જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આવક અને આત્મસંતોષ બંને દેખાશે.

જો આપનો જન્મ ભરણી કે કૃતિકા નક્ષત્રમાં થયો છે તો મિલકત સંબંધી ઉતાવળિયો નિર્ણય માનસિક ઉચાટ આપી શકે છે તેથી શુભ સમયની રાહ જોવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. વીતેલું વર્ષ પણ વિલંબ આપનાર હતું, જોકે ગત વર્ષની સરખામણીમાં ૨૦૨૩નું વર્ષ જમીન, મકાન માટે સારું ગણી શકાય છતાં ઓવર બજેટનું ધ્યાન રાખવું. જો ભાગીદારીમાં મિલકતમાં રોકાણ કરવાની યોજના છે તો હજી થોડી પ્રતીક્ષા કરો.

જાણે-અજાણે ખોટું કર્મ બંધાઇ ગયું છે અને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે તો ફરિયાદી પાસે ભૂલનો સ્વીકાર કરી લો! સમાધાન થઈ જશે. ન્યાયાલયમાં ગુરુ ગ્રહ તમને માર્ચ/એપ્રિલ સુધી સમાધાન માટે મદદ કરશે એમાં પણ જો તમારો જન્મ મેષલગ્નમાં થયો છે તો રાહત મળવાની શક્યતા વધારે છે. જો આપ ન્યાય માટે લડી રહ્યા છો તો ભલે સતત ખર્ચ રહેશે પણ એકાદ-બે વર્ષ ધીરજ રાખો.

નૂતનવર્ષના આરંભથી જ ખરીદી અથવા હરવા-ફરવાનો સુંદર યોગ રહેવાનો છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય તો ધાર્યા કરતાં ખર્ચ વધુ ન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની સલાહ છે. અશ્વિની નક્ષત્ર ધરાવનાર સ્ત્રીઓને કંઇક અસંતોષ અને ગૂંચવાડા રહેશે. જે સ્ત્રીઓ જોબ કરે છે અને ભરણી કે કૃતિકા નક્ષત્રમાં જન્મ છે તો વર્ષ ૨૦૨૩ના ઉત્તરાર્ધ દરમિયાન કઈંક સારી તક મળવાની શક્યતા છે.

પ્રેમસંબંધ માટે આવનારું વર્ષ કસોટી આપનાર રહી શકે તેમ છે. કુંડળીમાં પાંચમો ભાવ જે પ્રેમસંબંધનું નિર્દેશન કરે છે તે જો પીડિત હશે તો પ્રેમ, આકર્ષણ પાછળ સમયનો વ્યય કરવા કરતાં ભણતર અને કેરિયરમાં ધ્યાન આપવું જરૂરી છે. જો આપ અવિવાહિત છો તો મે/જૂન માસ પછી સગાઈ કે વિવાહનો આંશિક યોગ ઊભો થઈ શકે છે. જો ઉતાવળ નથી તો હજી એકાદ વર્ષ પ્રતીક્ષા કરવી વધુ ઉચિત છે.

પરદેશ સંબંધી બાબતો માટે નૂતનવર્ષ આપના માટે શુભ છે. બળવાન યોગ ચાલી રહ્યો છે, જોકે પ્રવાસ સંબંધી ખર્ચ અધિક રહી શકે છે તેથી આ બાબતને ધ્યાનમાં રાખવી બાકી વિદેશ જવાની તીવ્ર ઈચ્છા છે તો આપનું વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકે તેમ છે. જે વિદ્યાર્થીબંધુઓ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગે છે તો તેઓ માટે પણ સમગ્ર નૂતનવર્ષ શુભ છે.

મેષ રાશિ/લગ્નના જાતકો માટે એપ્રિલ સુધી ગુરુનું ભ્રમણ વ્યય સ્થાનમાં રહેશે, જેથી ખર્ચનું પ્રમાણ રહેશે. ગુરુ શુભ ગ્રહ હોવાથી ખર્ચા પણ શુભ કાર્યોમાં થશે. માંગલિક કાર્યો અથવા તો હરવાફરવા પાછળ ખર્ચ થાય. દાન જેવા સત્કર્મ માટે આ ઉત્તમ યોગ છે. એપ્રિલ પછી ગુરુ ૧લા ભાવમાં આવશે જે ગૂંચવાડા દૂર કરીને યોગ્ય નિર્ણય લેવા માટેનું બળ આપશે. ભણતર, પ્રવાસ, આવક, આયાત-નિકાસ અને ધાર્મિક કાર્યો પરત્વે આ ગુરુ મદદ કરશે.

વર્ષારંભે ઉચાટ, અસંતોષ રહી શકે જોકે ૧૭ જાન્યુ. પછી શનિદેવનું કુંભ રાશિમાં ભ્રમણ લાભ અપાવશે. જોકે વિદ્યાર્થીઓએ ભણવામાં એકાગ્રતા કેળવવી પડશે બાકી નોકરિયાત તથા વેપારીવર્ગ માટે શનિદેવના આશીર્વાદ મળવાના છે. શનિ પ્રમાણિકતા અને પરિશ્રમના દેવ છે તેથી જેનામાં આ ગુણો હશે તેની પર નૂતનવર્ષ દરમિયાન શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ રહેવાની છે. જો દશા શુભ ચાલતી હશે તો અવશ્ય માન, સન્માન, કીર્તિમાં વધારો થશે. ચંદ્રક, સન્માન વગેરે મળી શકે છે.

મેષ રાશિ તથા મેષ લગ્નના જાતકો માટે સમગ્ર વર્ષ દરમિયાન રાહુનું ભ્રમણ પ્રથમ ભાવ પરથી રહેશે. ચંદ્ર પરથી રાહુનું ભ્રમણ ગૂંચવાડા, અકળામણ આપશે. વર્ષનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અનુક્રમે ભરણી અને અશ્વિની નક્ષત્ર ધરાવતાં વ્યક્તિઓ માટે ગૂંચવાડા ઊભા કરનાર રહેશે. એપ્રિલ સુધીનો સમય શાંતિથી પસાર કરવાની સલાહ છે. રાહુ વધારે પડતી મહત્ત્વાકાંક્ષા આપશે તેથી ધીરજ અને સંતોષ રાખવા પડશે. ગુસ્સો અને અકળામણ આ બંને શત્રુઓને દૂર રાખવા જેથી કૌટુંબિક શાંતિ જળવાઇ રહે.

મેષ લગ્ન તથા મેષ રાશિના જાતકોએ આવનારા પખવાડિયા દરમિયાન શનિવારે એક વખત બ્લડ ડોનેશન કરવાનું છે. જે વ્યક્તિ આ માટે સશક્ત નથી તો તેની અવેજીમાં દર શનિવારે મસૂરની દાળનું દાન અથવા તો લાલ વર્ણની ગાયને ચારો ખવડાવી શકે છે. બ્લડપ્રેશરની દવા લઈ રહ્યા છો તો ભૂલ્યા વગર નિયમિત અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ કરવા પડશે. જે વ્યક્તિઓને લગ્નજીવનમાં પ્રશ્નો ચાલી રહ્યા છે તો એક અતિરિક્ત ઉપાય તરીકે શુક્રવારના દિવસે ગણપતિજીને દુર્વા અર્પણ કરવા.

અન્ય સમાચારો પણ છે...