વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:નવા વર્ષે રાહુ મીન જાતકોના ધન સ્થાનમાં રહેશે, એપ્રિલ પછી ગુરુ ગ્રહ આવક અને માન-પ્રતિષ્ઠામાં વધારો કરશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

સંવત ૨૦૭૯ નો પ્રારંભ આનંદ અને ઉત્સાહ સાથે થશે. નવા વર્ષમાં પદ-પ્રતિષ્ઠા જળવાશે જેની હકારાત્મક અસર વિચારો અને વ્યક્તિત્વ પર પડશે. ચંદ્ર (મન) પર ગુરુ (વિશાળતા)નું ભ્રમણ એટલે મન, આત્મા, કર્મ દરેક બાબતમાં વિશાળતા! પ્રવાસ થકી પણ આનંદ મળી શકશે. નવા કાર્યની શરૂઆત પણ બળ પૂરું પાડશે.

આર્થિક રીતે નૂતનવર્ષ સારું રહેશે, જોકે રાહુ ધનસ્થાનમાં હોવાથી અસંતોષ પણ અવશ્ય રહેશે. જો મૂળકુંડળી બળવાન હશે તો મીન લગ્ન ધરાવતા વ્યક્તિઓને ૨૦૨૩ દરમિયાન નવી તક મળશે. જોકે જાન્યુ/ફેબ્રુ. પછી ખર્ચનું પ્રમાણ રહેવાનું છે તેથી બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકવો. "દેવું કરીને ઘી ન પીશો" નહિતર જૂન પછી હાથ પર રોકડની થોડીઘણી અછત વર્તાશે.

જો આપનો જન્મ મીનલગ્નમાં થયો છે તો લગ્નજીવનમાં મીઠાશ રહેવાની છે. વીતેલા વર્ષની જેમ નવા વર્ષમાં પણ જીવનસાથી તરફથી સહકાર મળવાનો છે. જો પહેલેથી જ પ્રેમ અને આત્મીયતા છે તો આ પ્રેમ ચરમસીમા સુધી પહોંચશે. ખાસ કરીને અત્યાર સુધી એકબીજા દ્વારા મળેલા પ્રેમ અને સહકારની નવા વર્ષ દરમિયાન કદર થવાની છે. અવિવાહિતો માટે નૂતનવર્ષ દરમિયાન સગાઈ અને લગ્ન બંને માટે બળવાન યોગ છે.

ચાલુ વર્ષ તથા આવનારું ૨૦૨૩નું વર્ષ પ્રવાસ માટે શુભ છે. ધાર્મિક યાત્રા, વિદેશ પ્રવાસ અને હીલ સ્ટેશન પર જઈને પ્રકૃતિને માણવાનો રૂડો અવસર છે. જો દૂરનો પ્રવાસ કરવો છે તો માર્ચ/એપ્રિલ સુધી બળવાન યોગ છે. આરોગ્ય બાબતે કોઈ વિશેષ ચિંતા જણાતી નથી છતાં વાતરોગ, આંખ, દાંત, પગ કે પેટની તકલીફ રહી શકે. જે વયસ્કોનું મીન લગ્ન છે ને શનિની મહાદશા ચાલુ છે તો આરોગ્યની કાળજી લેવી.

વિદેશ જવા માટેની કોઈ પરીક્ષા આપવાની છે તો સફળતા મળવાની શક્યતા પ્રબળ છે તેમાં પણ જો આપનું મીન લગ્ન છે અને કુંડળીમાં બુદ્ધિ અને ભણતરનું ૫મું સ્થાન શુભ અને બળવાન છે તો વર્ષ ૨૦૨૩ દરમિયાન પરીક્ષામાં પાસ થવાની શક્યતા ઘણી ઘણી વધારે છે. ઉચ્ચ અભ્યાસમાં ભણી રહેલા મિત્રો માટે પણ આવનારો સમય કારકિર્દીની દૃષ્ટિએ શુભ રહેશે.

જોબ છોડીને ધંધો કરવાની ઈચ્છા ઊભી થશે. ભાગીદારીમાં નવા કાર્યની શરૂઆત કરવાનો યોગ છે જોકે ગ્રહોની ચાલ માયા ઊભી કરી શકે છે તેથી કોઈ પણ અગત્યનો નિર્ણય સમજી વિચારીને લેવો. જો કોઈ કંપનીના માલિક છો તો પ્રોડક્ટ લોન્ચિંગ કે ધંધાના વિસ્તરણ માટે શુભ સમય છે છતાં નવા નાણાકીય વર્ષ દરમિયાન મોટી ઉધારી આપવી નહિ. આયાત-નિકાસમાં થોડું ધ્યાન રાખવું. કૃષિ સંબંધી તમામ કાર્યો માટે નવા વર્ષનો પૂર્વાર્ધ સારો રહેશે.

નવું ઘર ખરીદવા અથવા તો જૂના મકાનનું મૅકઓવર કરવા માટેની ધીરજ હવે ખૂટી પડી છે તો આપની કુંડળીમાં બુધ કયા નક્ષત્રમાં છે તે ચકાસી લો. કોમ્પ્યુટર કુંડળીમાં ચકાસવું સરળ છે. બુધ જો પુષ્ય, મઘા, ઉ.ફાલ્ગુની, હસ્ત કે અનુરાધા નક્ષત્રમાં છે તો નવા વર્ષમાં ઈચ્છા પૂરી થઈ શકે છે. એપ્રિલ/મે પછી એકાદ-બે વર્ષનો સમય મિલકત બાબતે બળવાન નથી તેથી જો ઉતાવળ ન હોય તો હજી પ્રતીક્ષા કરો.

સમાધાનમાં જ શાણપણ છે! આરોપી છો તો સુખદ નિરાકરણ લાવી દો કારણ કે જાન્યુ. પછી ૧૨મે શનિનું ભ્રમણ કોર્ટ-કચેરીનાં કાર્યોમાં ઉચાટ આપી શકે છે. એપ્રિલ ૨૦૨૩ પછી એકાદ-બે વર્ષ શત્રુના કારણે સફળતા મેળવવામાં તકલીફ રહી શકે એટલે કે નોકરી-ધંધાની સ્પર્ધાની વાત હોય કે પછી ઇન્ટરવ્યૂ સમયના પ્રતિસ્પર્ધીઓની કે પછી ટેન્ડર વગેરેની! શત્રુની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા આપની સફળતાની યાત્રામાં વિલન બની શકે છે.

જે વિવાહિત સ્ત્રીઓનો જન્મ ૧૯૮૭ તથા ૧૯૯૦/૯૧ દરમિયાન થયો છે અને મીન લગ્ન છે તો માતૃત્વ પ્રાપ્ત કરવાનો સુંદર અવસર છે. જો મૂળ કુંડળીમાં સંતાનસુખનું સ્પષ્ટ નિર્દેશન છે તો ઘરમાં નવા મહેમાનનું આગમન પણ નિશ્ચિત છે. ગૃહિણીઓને નૂતનવર્ષ દરમિયાન ઘરના સભ્યોનો સહકાર મળતો રહેશે. જોબ અને બિઝનેસ બાબતે પણ સ્ત્રીમિત્રોને નૂતનવર્ષ દરમિયાન નવી તક દેખાશે. જોબ બદલવાનો પણ યોગ છે.

પ્રેમ અને લાગણીના સંબધોમાં એકધારી મીઠાશ રહેવાની છે. જો નવા નવા પ્રેમમાં પડ્યા છો તો ધાર્મિક મુસાફરીનો યોગ છે. પાત્ર યોગ્ય અને સંસ્કારી છે તો વડીલોના આશીર્વાદથી કાચું કે પાકું લાઇસન્સ મેળવી લો. આમ, સગાઈ અને લગ્ન બંને માટે પ્રબળ યોગ છે. જો આપનું ચંદ્ર નક્ષત્ર રેવતી છે અથવા તો આપનું મીન લગ્ન છે અને લગ્ન નક્ષત્ર રેવતી છે તો નિર્ણય લેવામાં થોડો વિલંબ થઈ શકે.

ગુરુની નવમ ભાવ પર દૃષ્ટિ હોવાથી લાંબા પ્રવાસનો સુંદર યોગ બની રહ્યો છે. ખાસ કરીને મીન લગ્નનો જન્મ છે તો વિદેશ જવાનો પ્રબળ યોગ ગણાય. જો પહેલો વિદેશ પ્રવાસ છે તો એપ્રિલ સુધી આ યોગ પ્રબળ ગણી શકાય તેથી ખરેખર ઈચ્છા છે તો આજથી જ પ્રયત્નો વધારી દો ! આ સિવાય દેશમાં આવેલા દૂર દૂરનાં વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન પણ આપ કરી શકો તેમ છો.

મીન રાશિ/લગ્ન ધરાવતા લગ્નના જાતકો માટે ગુરુ ગ્રહનું ભ્રમણ પ્રથમ ભાવ પરથી થઈ રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ દરમિયાનની ગુરુની આ સ્થિતિ પ્રવાસ, પ્રેમ, જીવનસાથી, ભાગીદાર, સહકર્મચારી, અભ્યાસ, સંતાન વગેરે બાબતોમાં શુભત્વ આપશે. ૨૨ એપ્રિલ પછી ગુરુનો બીજા સ્થાનમાં પ્રવેશ થશે જે પૈસા અને પરિવારનું સુખ આપશે. આમ એપ્રિલ પછી આર્થિક લાભ દેખાશે અને કૌટુંબિક સુખમાં વધારો થશે. આ ભ્રમણ સેલ્સ, માર્કેટિંગ દ્વારા પણ લાભ કરાવશે. નિયમિત આવક, માન, પ્રતિષ્ઠા વગેરે માટે પણ બીજા સ્થાનમાં ગુરુનું ભ્રમણ શુભકારી સાબિત થશે.

જાન્યુ. સુધી મીન રાશિ તથા મીન લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ ૧૧મે લાભસ્થાનમાં રહેશે. વીતેલા વર્ષ દરમિયાન પણ આ જ સ્થિતિ હતી. આ સ્થિતિ પરીક્ષાનું પરિણામ થોડું ઘટાડી શકે. જોકે બીજી તરફ પદ-પ્રતિષ્ઠા સાચવી રાખવામાં મદદ પણ કરે ને વેપારીવર્ગને પ્રગતિ આપે. મૂળકુંડળી બળવાન હોય તો એવોર્ડ પણ મળી શકે. સરકારી કાર્યોમાં સફળતા મળે પણ ૧૮ જાન્યુ. પછી શનિનું વ્યય સ્થાનમાં ભ્રમણ અધિક ખર્ચ કરાવશે. યોગ્ય આયોજન કરશો નુકસાનીથી બચી શકાશે.

મીન રાશિ/લગ્ન માટે રાહુનું ભ્રમણ બીજે ધન સ્થાનમાં રહેશે. આવક તો અવશ્ય જળવાઇ રહેશે પણ બિનજરૂરી કે ન ધારેલો ખર્ચ બચત પર હાવિ થઈ શકે. બીજે રાહુ પ્રેમ, પૈસા અને પરિવારની બાબતમાં ખોટી માયા કે ભ્રમ ઊભો કરી શકે તેથી આ બાબતોનો નિર્ણય સમજી વિચારીને લેવો. આંખ, દાંતની તકલીફથી સાચવવું. જો વિદેશમાં છો તો આર્થિક લાભ વધારે મળશે. વ્યસનમાં મર્યાદા રાખવી, જોબ છોડીને વેપાર કરવો છે તો યોગ્ય સલાહ લેવી.

નૂતન વર્ષ દરમિયાન દરરોજ સંધ્યાકાળે ઘર કે કાર્યક્ષેત્રમાં ગૂગળનો ધૂપ કરવો અને સજાવટ કે ફર્નિચરના રૂપમાં વાંસની બનાવટની વસ્તુઓ મૂકવી. રોજ રાત્રિના સમયે નવશેકા પાણી સાથે સૂંઠ લેવાથી બીજા સ્થાનમાં ભ્રમણ કરી રહેલ રાહુની નકારાત્મક અસર ઓછી થશે. આ ઉપાયથી પાચનક્રિયામાં પણ ફાયદો થશે. તિજોરીમાં રોકડ અને ઝર ઝવેરાત સાથે ગૂગળનો ટુકડો મૂકવાથી આવક જળવાય રહેશે ઉપરાંત આર્થિક વ્યવહાર પણ સચવાશે. શનિવારના દિવસે અનાથ, અપંગ, રોગી કે વૃદ્ધ ભિક્ષુકને કોઈ પણ પ્રકારે મદદ કરવી.

અન્ય સમાચારો પણ છે...