વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:નવા વર્ષે મકર જાતકોએ શનિનો ખોટો ‘હાઉ’ ન રાખવો, કર્મો સારાં હશે તો પનોતીમાં પણ સફળતા મળશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

મકર રાશિના વ્યક્તિઓ પનોતીની અસર હેઠળ છે. પનોતી દરમિયાન માનસિક થાક અવશ્ય રહે પણ સફળતા ન મળે તેવું ન સમજવું. જે મિત્રોનું ધનિષ્ઠા નક્ષત્ર છે તો માર્ચ સુધીનો સમય થોડો ઉચાટ અને અકળામણ આપનાર રહી શકે, બાકી ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્ર માટે હવે પનોતીની અસર ઘટતી જશે.

હાથ પર રોકડની અછત વર્તાશે. પછી ભલે રોકાણના કારણે આ અસર દેખાય અથવા તો ખોટા નિર્ણયના કારણે! ખાસ કરીને મકર લગ્ન ધરાવતા યુવામિત્રોએ આર્થિક આયોજન યોગ્ય રીતે કરવું પડશે. જો આપનાં ૩૬/૩૭ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે તો ૨૦૨૩ દરમિયાન આર્થિક બાબતોના નિર્ણયો જવાબદારીપૂર્વક લેશો અને યોગ્ય આયોજન પણ કરી શકશો.

સંવત-2079 દરમિયાન દાંપત્યજીવન સામાન્ય રહેશે. ધૂપછાંવ જેવી સ્થિતિ રહેશે જોકે કોઈ વિશેષ ચિંતા ન કરવી. જો મનમાં બધું ભરી રાખવાની ટેવ છે તો પોતાને જ નુકસાન થશે. "માંગ્યા વગર મા‍ પણ ન પીરસે" એટલે જીવનસાથી સમક્ષ પોતાની લાગણી અને અપેક્ષાને પ્રદર્શિત કરો, સમાધાન થઈ જશે. ખાસ કરીને જે અવિવાહિત મિત્રોનું મકર લગ્ન છે ભલે રાશિ ગમે તે હોય તો આવી વ્યક્તિઓ માટે જાન્યુ. પછી સગાઈ કે વિવાહનો બળવાન યોગ છે.

નૂતનવર્ષમાં ફેબ્રુ/માર્ચ પછી આરોગ્ય બાબતે કોઈ મોટી ચિંતા જણાતી નથી સિવાય કે મૂળકુંડળી નિર્બળ હોય! જો આપનું જન્મલગ્ન મકર છે અને વર્ષ ૧૯૬૪/૬૫ દરમિયાનનો જન્મ છે તો આંખ કે દાંતની અને ૧૯૬૬/૬૭નો જન્મ હોય તો હૃદય કે ફેફસાંની તકલીફ રહી શકે છે. પ્રવાસ માટે એપિલ સુધીનો સમય શુભ હોવાથી નાના-મોટા પ્રવાસનું સુંદર આયોજન થઈ શકે છે.

જે વિદ્યાર્થીમિત્રોનું જન્મ નક્ષત્ર ધનિષ્ઠા છે તો આળસ ખંખેરવી પડશે, નકારાત્મક અભિગમ છોડવો પડશે. આત્મવિશ્વાસ વધારવા માટે નિયમિત મેડિટેશન મદદરૂપ બનશે. જે વિદ્યાર્થીબંધુઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કે ઉચ્ચ અભ્યાસમાં ભણી રહ્યા છે તો આવનારું નૂતનવર્ષ શુભ રહેશે. ૨૦૨૩ દરમિયાન જો કોલેજમાં પ્રવેશ લેવાનો છે તો થોડી ઘણી બાંધછોડ કરવી પડશે. આ બાબતમાં ઉતાવળિયો નિર્ણય ન લેવો. કોઈની સલાહ લેવી.

કૃષિ વિષયક બાબતોમાં ખેડૂતમિત્રોને થોડો અસંતોષ રહેશે. ઉત્પાદન અને વેચાણ બાબતે વિલંબ પછી સફળતા મળે. જોબ કરનાર વ્યક્તિ માટે સમય શુભ રહેશે, જોકે મોટો લાભ મળવાની શક્યતા થોડી ઓછી રહેશે. વેપારીવર્ગ માટે ચઢાવ-ઉતારવાળો સમય ગણી શકાય. પૈસાની રીકવરી બાબતે વિલંબ અને અસંતોષ રહી શકે છે. જે મિત્રો વગર વિચાર્યે ધંધામાં ખોટું સાહસ કરી બેઠા છે તો કદાચ ધંધો બંધ કરવાનો વારો પણ આવી શકે તેમ છે.

ખાસ કરીને મકર લગ્ન ધરાવતા વ્યક્તિઓને છેલ્લા કેટલાક સમયથી મકાન-મિલકત સંબંધિત કાર્યોમાં કંઈક ગૂંચવાડા કે વિલંબ થઈ રહ્યો હશે. હજી પણ થોડી ધીરજ રાખવી પડશે. એપ્રિલ પછીની સ્થિતિ થોડી સાનુકૂળ રહી શકે છે. જો ખૂબ પરિશ્રમથી પૈસા ભેગા કર્યા છે અને બજેટમાં ઘર ખરીદવાનું છે તો એકાદ વર્ષ રાહ જોવાની સલાહ છે બાકી જો ફક્ત ટ્રેડિંગ કે રોકાણ કરીને મિલકત ભાડે આપવાનું આયોજન છે તો એપ્રિલ પછીનો સમય અનુકૂળ છે.

જાન્યુ. ૨૦૨૩ પછીનો સમય કોર્ટ-કચેરીનાં કાર્યો માટે શુભ છે. કોર્ટમાં સમાધાન પર અટકેલું છે તો માર્ચ/એપ્રિલ પછી મેટર ક્લોઝ થઈ જાય તેવો યોગ બની રહ્યો છે. કરચોરી કે અન્ય આરોપ હેઠળ સરકાર તરફથી કોઈ ઇન્ક્વાયરી ચાલુ છે તો તેમાં પણ રાહત મળી શકે તેમ છે. ૨૦૨૨નું વર્ષ કોર્ટ-કચેરીનાં કામકાજ બાબતે અનુકૂળ નહોતું પણ ૨૦૨૩ દરમિયાન પરિસ્થિતિ આપની તરફેણમાં આવતી દેખાશે.

ગૃહિણીઓ માટે નૂતનવર્ષ સામાન્ય રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર ધરાવતી વિવાહિત સ્ત્રીઓને જીવનસાથી કે સાસરી પક્ષના કોઈ સભ્ય સાથે માનસિક સંઘર્ષ રહી શકે છે તેથી હકારાત્મક અભિગમ રાખીને શાંતિથી સમય પસાર કરવાની સલાહ છે. જોબ કરનાર સ્ત્રીઓ માટે નવી જોબમાં શિફ્ટ થવાનો યોગ બળવાન નથી તેથી શક્ય હોય તો રાહ જોવી. જે સ્ત્રીઓ મોટા પાયે વ્યવસાય કરે છે તો ઝનેસ ટૂર રહેશે. બચત પર ફોકસ વધારવાની સલાહ છે.

જો પાત્ર તમારા કુટુંબને અનુરૂપ અને સંસ્કારી છે તો મકરસંક્રાંતિ પછી પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવા માટે શુભ સમય છે. લર્નિંગ લાઇસન્સ પછી પાકા લાયસન્સનો હવે યોગ છે પરંતુ જો હજી સુધી કોઈ પ્રિયપાત્રનું આગમન થયું નથી તો નૂતનવર્ષ દરમિયાન પણ શક્યતા ઓછી જ છે. જો કુટુંબ દ્વારા કોઈ પાત્રની વાત આવી છે અને કુંડળી સારી હોય તો વડીલોના આશીર્વાદથી નક્કી કરી લેવાની સલાહ છે.

વિદેશ જવા માટે બળવાન યોગ ચાલી રહ્યો છે. જો ગત ઉનાળુ વેકેશન દરમિયાન હરવા-ફરવા માટે વિદેશયાત્રા પર જવાનું ચૂકી ગયા છો તો હવે વિલંબ ન કરશો. એપ્રિલ સુધી ગ્રહોનો સાથ મળી રહ્યો છે એટલે તાત્કાલિક આયોજન કરવાની સલાહ છે. સ્ટુડન્ટ વિઝા પર જવા માટે યોગ જોઈએ તેટલો બળવાન નથી એટલે ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીમિત્રો માટે સમય સામાન્ય ગણી શકાય.

મકર રાશિ/લગ્નના મિત્રો માટે એપ્રિલ સુધી ગુરુનું ભ્રમણ ૩જા સ્થાનમાં રહેશે. ૩જું સ્થાન એટલે મીડિયા, ડિજિટલ માર્કેટિંગ, કોન્ટેન્ટ રાઇટિંગ, પેપરવર્ક, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, ભાઈ-બહેનો, પ્રવાસ, સાહસ, હિંમત વગેરે. ગુરુ નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી આ તમામ બાબતોમાં શુભ ફળ મળવાની શક્યતા છે. જીવનસાથી અને ભાગીદાર સાથેના પ્રશ્નો હળવા થશે. વિવાહ માટે પણ અનુકૂળ સમય ગણાય. ૨૨ એપ્રિલ પછી ૪થે ગુરુનું ભ્રમણ શરૂઆતમાં ગૂંચવાડા આપી શકે પણ અંતિમ પરિણામ શુભ મળશે.

મકર રાશિના મિત્રો પનોતીની અસરમાં છે. અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે જે જાન્યુ. માં પૂરો થશે. એ પછી અંતિમ અઢી વર્ષનો તબક્કો રહેશે. બીજા તબક્કામાં માનસિક અસર વધારે રહે. ૧૮ જાન્યુ.થી શનિ કુંભમાં પ્રવેશ કરશે એટલે ત્રીજા તબક્કાની શરૂઆત થશે. જેમ જેમ આ સમય આગળ વધશે તેમ તેમ માનસિક રાહત દેખાશે. પનોતીનો ખોટો "હાઉ" ન રાખવો. જો કર્મો સારાં છે તો પનોતીમાં પણ સફળતા મળે છે.

મકર રાશિ/લગ્ન માટે રાહુનું ભ્રમણ ૪થા સ્થાન પરથી થઈ રહ્યું છે. ૪થું સ્થાન એટલે માતા, મિલકત, ફાર્મ હાઉસ, મનોરંજનનાં સાધનો, ભૌતિક સુખ, વાહન, હૃદયનું સુખ અને ઘરનું વાતાવરણ! રાહુ એટલે ઝનૂન, માયા અને ગૂંચવાડા! હવે બંનેનો સરવાળો એટલે ૪થા સ્થાનની બાબતો તરફ "ફુલઓન ફોકસ" અને પછી ગૂંચવાડા! મિલકત, કાર, રીનોવેશન બાબતે અસંતોષ આપી શકે. કાયમી વિદેશ જવાનું છે તો રાહુ સ્થાન છોડવા માટે પણ ગૂંચવાડા આપશે. આમ દરેક બાબતમાં ધીરજ રાખવાની સલાહ છે.

મકર રાશિના ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મ લેનાર જાતકોએ અને તેમાં ખાસ કરીને વિધાર્થીઓએ ૧૪ માર્ચ સુધી દરરોજ સવારે અને રાત્રિના સમયે ૐકાર/ધ્યાન કરવું. જે મિત્રોનું મકર લગ્ન છે તો અગત્યની ટીપ તરીકે આર્થિક જોખમ ન લેવા અને મકાન/વાહન/મિલકત બાબતે ધીરજ રાખવી. વર્ષારંભે મંગળવારના દિવસે રક્તદાન કરવું. ધનિકો ગ્રામ્ય વિસ્તારમાં જઈને નિરાધાર સ્ત્રીને આજીવિકા ઉભી કરવા ઘેરા લાલ વર્ણની ગાયનું દાન કરી શકે છે. ઉપરાંત દર મંગળવારે શિવલિંગ પર ‍"ૐ રુદ્રાય નમ" મંત્રથી અભિષેક રાહત આપશે.

અન્ય સમાચારો પણ છે...