વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:કુંભ રાશિ માટે વર્ષારંભે ખર્ચનું પ્રમાણ રહેશે, એપ્રિલ પછી ગુરુ ગ્રહ આર્થિક અને કૌટુંબિક સુખ આપી શકશે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

કુંભ રાશિના વ્યક્તિઓ પનોતીની અસર હેઠળ છે. ૧૮ જાન્યુ.થી પનોતીનો અઢી વર્ષનો બીજો તબક્કો થાક અને અકળામણ આપશે. સફળતા મળવામાં ભલે થોડો વિલંબ થાય પણ હાર ન માનવી. ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રવાળાને નૂતનવર્ષનો અનુક્રમે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વિશેષ માનસિક શ્રમ આપી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ખર્ચનો યોગ ચાલી રહ્યો છે. વર્ષારંભે પણ ખર્ચનું પ્રમાણ રહેશે. શતભિષા નક્ષત્ર ધરાવતા જે મિત્રોને બજેટમાં રમવાનું છે તો નવા વર્ષ દરમિયાન યોગ્ય આર્થિક આયોજન અને કરકસર જરૂરી બનશે. જોકે વીતેલા વર્ષની સરખામણીમાં નૂતનવર્ષ દરમિયાન બિનજરૂરી ખર્ચા પર કુદરતી બ્રેક લાગશે.

અવિવાહિત મિત્રો માટે સલાહ છે કે શક્ય હોય તો બે/ત્રણ વર્ષ પ્રતીક્ષા કરો. જો સગાઈ થઈ ગઈ છે અને શરણાઈની ઉતાવળ છે તો જાન્યુ. સુધીમાં "સ્વાહા" નો યોગ છે. એ પછી પ્રસંગ માટે જે ઉત્સાહની ઊર્જા હોવી જોઈએ તે દેખાતી નથી. જો આપ વિવાહિત છો અને જન્મ લગ્ન કુંભ છે તો એપ્રિલ પછી જીવનસાથી સાથે જવાબદારી અને અપેક્ષાના ખાટા-મીઠા ઝઘડા રહ્યા કરશે.

પનોતીની અસરના કારણે અથવા રોજના એકસરખા રૂટિનથી કંટાળી ગયા છો તો નૂતનવર્ષ દરમિયાન પ્રવાસનો સુંદર યોગ છે. જોકે લાંબા અંતરના પ્રવાસ માટે માર્ચ/એપ્રિલ પછીનો યોગ વધારે પ્રબળ ગણી શકાય. માનસિક આરોગ્યની કાળજી રાખશો તો શારીરિક તકલીફ નહિ નડે. જો આપનો જન્મ કુંભ લગ્નમાં વર્ષ ૧૯૭૦ દરમિયાન થયો છે અને ચંદ્ર, શનિ કે કેતુ ગ્રહની મહાદશા છે તો નિયમિત યોગ/પ્રાણાયામ કરવાની ખાસ સલાહ છે.

જે વિદ્યાર્થીઓની કુંભ રાશિ છે અને નક્ષત્ર "ધનિષ્ઠા" અથવા "શતભિષા" છે તો વર્ષ ૨૦૨૩ દરમિયાન ભણવામાં એકાગ્રતા કેળવવી પડશે નહિતર આરંભે શૂરા જેવી સ્થિતિ થશે. આળસ કે અતિરિક્ત આત્મવિશ્વાસ પરીક્ષાનું પરિણામ ઘટાડી શકે છે. ખાસ કરીને કુંભ લગ્નના વિદ્યાર્થીઓને સલાહ છે કે જો સ્નાતક પૂર્ણ કર્યા પછી અનુસ્નાતકમાં પ્રવેશ લેવાનો છે તો જોબ મળવાના કારણે ઉચ્ચ અભ્યાસ માટેની અનિચ્છા ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું.

આર્થિક દૃષ્ટિએ આવનારું વર્ષ શુભ રહેશે. જોબ કરનાર વ્યક્તિને નવી જોબ સારા પેકેજ સાથે મળી શકે છે. ખાસ કરીને જે મિત્રોનું કુંભ લગ્ન છે અને મૂળકુંડળી બળવાન છે તો આર્થિક લાભની પ્રબળ શક્યતા છે. વેપારીવર્ગ માટે મકરસંક્રાંતિ સુધી ધંધામાં મોટું જોખમ ન લેવાની સલાહ છે. એ પછીનો સમય આર્થિક રીતે સારો રહેશે. આવક અને વ્યવહાર સચવાશે. ખેડૂત મિત્રો માટે પણ આવનારું વર્ષ કૃષિકાર્યો માટે શુભ છે.

જો મિલકતમાં મોટું રોકાણ કરવાનું છે અને તે માટે મોટી રકમની લોન કે ઉધારી લેવી પડે તેમ છે તો ખાસ કરીને કુંભ લગ્ન ધરાવનાર ઉધોગપતિઓ કે વેપારીમિત્રોને બેંક કે અન્ય સ્તોત્ર દ્વારા આર્થિક મદદ મળવાની શક્યતા પ્રબળ છે. જોકે ૧૮ જાન્યુ. પછી આ બાબત માટે વધુ અનુકૂળ સમય છે. જો.નાનકડું સપનાનું ઘર ખરીદવું છે તો અત્યારથી લઈને એપ્રિલ સુધી સુંદર યોગ બની રહ્યો છે.

જો આપ ફરિયાદી છો ને ન્યાય માટે લડત આપી રહ્યા છે તો ધીરજ રાખો વિલંબ પછી વિજય નિશ્ચિત છે. જો આરોપી છો તો થોડી ચિંતા રહેશે. માફી માંગી લો અને જો ગુનો ગંભીર નથી તો કદાચ જાન્યુ/ફેબ્રુ. આસપાસ સમાધાન પણ થઈ શકે છે. જો પ્રમાણિક કરદાતા છો તો સરકાર તરફથી આમંત્રણનો સવાલ નથી. સરકારી કોઈ કાર્યો ગૂંચવાયેલા છે તો પ્રયત્નો વધારો, એપ્રિલ સુધીમાં રાહત મળી શકે છે.

ગૃહિણીઓ માટે આવનારું નૂતનવર્ષ કૌટુંબિક દૃષ્ટિએ સારું રહેશે. સાસરીપક્ષના સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી અપેક્ષાના ઝઘડા નહિવત રહેશે. જો સાસરીપક્ષ સાથે પહેલેથી જ પ્રેમ અને લાગણીના સંબંધ છે તો સંબંધમાં મીઠાશ ઉમેરાશે. જોબ અને સ્વતંત્ર વ્યવસાય કરનાર સ્ત્રીઓ માટે પણ નવું વર્ષ આર્થિક લેવડદેવડ, લોન, આવક બાબતે સારું રહેશે. જાન્યુ. પછી વધારે રાહત જણાશે. જોકે શતભિષા નક્ષત્રનો જન્મ હશે તો આળસ ખંખેરીને દોડવું પડશે.

૧૮ જાન્યુ.થી કુંભ રાશિ ધરાવતા મિત્રો માટે પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. માનસિક શ્રમ એ બીજા તબક્કાની સ્વાભાવિક અસર છે. કારકિર્દી કે અન્ય કોઈ બાબતના સ્ટ્રેસની અકળામણ અને ગુસ્સો પ્રિયપાત્ર પર ઉતારશો તો તિરાડ નિશ્ચિત છે. તેનાથી ઊલટું, જો પોતાની તકલીફ મિત્ર સાથે શૅર કરશો તો માનસિક બળ મળશે. દર ૩૦ વર્ષે આવતી પનોતી દરમિયાન સંબંધોમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન જાતે જ રાખવું પડશે.

જો મૂળકુંડળીમાં વિદેશ જવાનો યોગ બળવાન છે અને વિદેશ જવા માટેની અનુકૂળ મહાદશા કે આંતરદશા ચાલી રહી છે તો નૂતનવર્ષના ઉત્તરાર્ધ દરમિયાન વિદેશ જવાની શક્યતા પ્રબળ છે. ૨૨ એપ્રિલ પછી આશરે એક વર્ષ વિદેશ જવાનો કુદરતી યોગ ઊભો થશે. કુંભ લગ્ન ધરાવતા વેપારીમિત્રોએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ સંબંધી કાર્યો પરત્વે જાન્યુ. સુધી ધીરજ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રોનું સપનું પણ સાકાર થઈ શકે છે.

કુંભ લગ્ન તથા કુંભ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે ૨૧ એપ્રિલ સુધી ગુરુ ગ્રહનું ભ્રમણ બીજા સ્થાન પર થશે જે આર્થિક અને કૌટુંબિક સુખ આપશે. ગુરુની વિવિધ ભાવ પરની દૃષ્ટિ નોકરી-ધંધામાં નિયમિત આવક ઉપરાંત પદ-પ્રતિષ્ઠા અને સત્કર્મોની પ્રેરણા આપશે. કોઈ પણ ચિકિત્સા, ગૂઢજ્ઞાન, સંશોધન માટે પણ ગુરુ સંતોષકારક પરિણામ આપશે. ૨૨ એપ્રિલ પછી ગુરુનું ૩જે ભ્રમણ યાત્રા પ્રવાસ, ભાઈ-ભાડું, વડીલો, મિત્રો સાથેના સંબંધો બાબતે શુભત્વ આપશે. જીવનસાથી અને ભાગીદાર સાથેના પ્રશ્નો ઘટશે.

૧૭ જાન્યુ. સુધી કુંભ રાશિ અને કુંભ લગ્ન ધરાવતા મિત્રો માટે શનિદેવનું ભ્રમણ ૧૨મે વ્યય સ્થાનમાં રહેશે જે અશુભ ગણાય. વીતેલા વર્ષ દરમિયાન પણ શનિની આ જ સ્થિતિ હતી. આ સ્થિતિ એટલે પનોતીનો પ્રથમ તબક્કો. વ્યય સ્થાન એટલે ખર્ચ અથવા તો નુકસાનની વાત! જોકે વિદેશપ્રવાસ અને સંસ્થાકીય કાર્યો માટે શનિ મદદ કરશે. ૧૮ જાન્યુ.થી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ વ્યય સ્થાનના ભ્રમણની સરખામણીમાં આવક બાબતે કંઈક રાહત આપનાર રહેશે.

નૂતન વર્ષ દરમિયાન રાહુ આપની કુંડળીમાં ૩જા ભાવ પરથી ભ્રમણ કરશે. આ ભ્રમણ સાહસ પ્રદાન કરશે. કોમ્યુનિકેશન, ટેક્નોલોજી, ડિજિટલ માર્કેટિંગ વગેરે બાબતમાં કંઈક નવું કરવાનું ઝનૂન આપશે. આ ભ્રમણ શુભ ગણાય. રાહુની દૃષ્ટિનો અહીં વિચાર કરવાનો નથી. કેટલાક લોકો રાહુની દૃષ્ટિને સ્વીકારે છે પણ રાહુ છાયા ગ્રહ હોવાથી તેનું ભૌગોલિક અસ્તિત્વ નથી. ફક્ત એક ગાણિતિક બિંદુ છે, તેની છાયાની અસર ચોક્ક્સ છે પરંતુ તાર્કિક રીતે જોઈએ તો જેનું ભૌગોલિક અસ્તિત્વ નથી તેની દૃષ્ટિ કેવી રીતે હોય શકે!

જો આપનો જન્મ કુંભ રાશિના ધનિષ્ઠા અથવા શતભિષા નક્ષત્રમાં થયો છે તો નિયમિત "સોલ્ટ વૉટર બાથ" લેવાની સલાહ છે. આ પ્રયોગ દ્વારા ઓરામાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે જેની હકારાત્મક અસર રોજેરોજના કાર્યો, ભણતર વગેરે પર દેખાશે. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો. ૧૫મી માર્ચથી શતભિષા નક્ષત્ર ધરાવતાં મિત્રોએ ॐ ऐं ह्रीं श्रीं शनैश्चराय! મંત્રને સમર્પિત થવાનું છે. દિવસ દરમિયાન જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આ મંત્રનું માનસિક રટણ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...