વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:કર્ક જાતકો માટે આ વર્ષ સાહસ, યાત્રા, ધર્મ અને અભ્યાસની દૃષ્ટિએ શુભ છે, 2023માં બચત ઘટી શકે

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

આશ્લેષા નક્ષત્રનો જન્મ હોય તો મનમાં ગૂંચવાડા રહી શકે છે જેના કારણે કોઈ પણ કાર્યમાં વિલંબ દેખાશે. જોકે નૂતનવર્ષના શરૂઆતના બે/ત્રણ મહિના જ માનસિક થાક અને તેના કારણે ઉત્સાહનો અભાવ અનુભવાશે. ફેબ્રુઆરીથી ફરી તાજામાજા થઈ જશો. મકરસક્રાંતિ સુધી નિયમિત મેડિટેશન કરવાની સલાહ છે.

કર્ક લગ્ન ધરાવતા વ્યક્તિઓને યાત્રા-પ્રવાસના ખર્ચના કારણે બચત બાબતે ફરિયાદ રહેશે અને તેમાં પણ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર પર આ પ્રભાવ વધારે દેખાઇ શકે છે એટલે બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકવો પડશે. હાથ પર રોકડની અછત ન વર્તાય તે માટે યોગ્ય આર્થિક આયોજન જરૂરી રહેશે.

કર્ક રાશિ તથા કર્ક લગ્ન ધરાવતા અવિવાહિતો માટે વિવાહનો યોગ સામાન્ય છે. પાત્ર પસંદગી બાબતે અનિચ્છા કે અસંતોષ રહી શકે તેમ હોવાથી શક્ય હોય તો હજી એકાદ વર્ષ ધીરજ રાખવાની સલાહ છે. જાન્યુ. સુધી શનિદેવનું ભ્રમણ દાંપત્યજીવનના સ્થાન પર હોવાથી વિવાહિત યુગલોએ પણ સંયમ રાખવો પડશે. જો આપનું કર્ક લગ્ન છે અને લગ્ન-નક્ષત્ર આશ્લેષા છે તો જીવનસાથી સાથે વાદવિવાદ ન થાય તેની વિશેષ કાળજી રાખવી.

વીતેલા વર્ષ દરમિયાન માનસિક થાક વધારે રહ્યો હશે તેથી હવાફેરની જરૂર છે. ગ્રહોનો પણ અત્યારે સાથ છે એટલે પ્રવાસ માટે સુંદર યોગ ચાલી રહ્યો છે. જ્યાં સુધી આરોગ્યની વાત છે તો જો આપનું કર્ક લગ્ન છે અને પ્રતિકૂળ દશા ચાલુ હોય તો રાહુ અને કેતુનું અનુક્રમે ૧૦મે તથા ૪થે ભ્રમણ હૃદય, ફેફસાં કે પગની નાની-મોટી તકલીફ આપી શકે બાકી પ્રવાસ માટે યોગ બળવાન છે.

નૂતનવર્ષના આરંભથી જ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ વિદ્યાર્થીઓને મળવાના છે. એપ્રિલ સુધીનો સમય ભણતર માટે આશીર્વાદરૂપ છે એટલે આળસ ખંખેરી દો અને મનને વિદ્યાભ્યાસ તરફ વાળી દો. જેટલી મહેનત વધારે તેટલું પૂર્ણ ફળ! જે વિદ્યાર્થીનું ચંદ્ર નક્ષત્ર કે જન્મલગ્ન નક્ષત્ર પુનર્વસુ છે તો એકાગ્રતા વધારવી પડશે. ગણિત અને હેતુલક્ષી પ્રશ્નોમાં નાની નાની ભૂલ ન થાય તેનું થોડું ધ્યાન રાખવું. આ ઉપરાંત ગોખણપટ્ટી ની કુટેવ દૂર કરવી.

આ વર્ષે મહત્ત્વાકાંક્ષા ચરમસીમા પર રહેવાની છે અને તેથી નાનકડો અવરોધ પણ અકળામણ આપી શકે છે તેથી અતિરિક્ત મહત્ત્વાકાંક્ષા છોડવી. પુષ્ય અને આશ્લેષા નક્ષત્ર માટે ૨૦૨૩ દરમિયાન સારું ડેવલોપમેન્ટ દેખાઇ શકે છે. પુનર્વસુ નક્ષત્ર ધરાવતા મિત્રોએ આર્થિક બાબતનો ઉતાવળિયો નિર્ણય ન લેવો અને સારા સમયની પ્રતીક્ષા કરવી. ૪થું સ્થાન કૃષિનું છે. કેતુનું ૪થે ભ્રમણ અચાનક ફેરફાર આપે તેથી કર્ક લગ્ન ધરાવતા ખેડૂત મિત્રોએ એપ્રિલ સુધી સંયમ રાખવો.

એપ્રિલ, ૨૦૨૨થી એપ્રિલ, ૨૦૨૩ દરમિયાન નક્કી થયેલ સોદો ભંગ થઈ શકે છે. તેમાં પણ જો આપનું કર્ક લગ્ન છે અને વર્ષ ૧૯૬૭નો જન્મ છે તો મિલકત સંબંધી કોઈ પણ નિર્ણય માટે થોડી ધીરજ રાખવાની સલાહ છે. કર્ક લગ્ન અને કર્ક રાશિ બંને માટે એપ્રિલ પછીનો સમય જમીન મકાન માટે શુભ ગણી શકાય જોકે વિલંબ પછી સફળતા મળી શકે છે જે સ્વીકારવું પડશે.

જો ખોટું કર્મ કર્યું હશે તો કર્મસ્થાન પર ભ્રમણ કરી રહેલ રાહુ મહારાજ સરકારી કામકાજની બાબતમાં દંડિત કરી શકે છે. કરચોરી કરી હશે તો દંડ નિશ્ચિત છે. ૨૦૨૨ તથા ૨૦૨૩ આ બંને વર્ષો દરમિયાન રાહુ અને યુરેનસની સંયુક્ત વિસ્ફોટક ઊર્જા કાર્મિક હેરાનગતિ આપી શકે છે. ખાસ કરીને કર્ક લગ્ન ધરાવતા વેપારીમિત્રો માટે સલાહ છે કે એકાઉન્ટ્સ ચોખ્ખાં રાખે. જો આપ પ્રમાણિક છો તો રાહુની ઊર્જા હેરાન નહિ કરે.

જો મૂળકુંડળીમાં ૭મા કે ૮મા ભાવમાં સૂર્ય, મંગળ, શનિ કે રાહુ જેવા ગ્રહો હશે તો નૂતનવર્ષ દરમિયાન પિરણીત સ્ત્રીઓ માટે પારિવારિક બાબતોમાં થોડો ઉચાટ રહેશે. જોકે અવિવાહિત સ્ત્રીઓ માટે ૨૦૨૩નું સમગ્ર વર્ષ માનસિક રાહત આપનાર રહેશે. જોબ કરનાર સ્ત્રીઓને નવી તક મળી શકે છે છતાં પગાર બાબતે બાંધછોડ કરવી પડશે. જૂની જોબ છોડતાં પહેલાં નવી જોબ નક્કી કરી લેવી. વ્યવસાય કરતી સ્ત્રીઓએ ઉતાવળિયો નિર્ણય ન લેવો.

ખાસ કરીને કર્ક લગ્ન ધરાવતા નવયુવાનોના હાથમાં દિવ્ય ભાસ્કરની રાશિફળની આ પૂર્તિ જ્યારે હાથમાં આવશે એ પહેલાં જ પ્રેમનો એકરાર થઈ ગયો હશે અને જો કદાચ ન થયો હોય તો શીઘ્ર કરી દો નહિતર "પહેલે આપ પહેલે આપ" કરવામાં ટ્રેન છૂટી જશે. ફેબ્રુ. પછી શનિનું રાશિ પરિવર્તન પ્રેમસંબંધમાં ગેરસમજો ઊભી કરી શકે છે તેથી જો પાત્ર સંસ્કારી છે તો કુટુંબની સંમતિ લઈ લર્નિંગ લાઇસન્સ લઈ લો.

એપ્રિલ, ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૩ પ્રવાસના આનંદ માટેનો સુંદર યોગ છે. વિદેશ પ્રવાસ માટે ગુરુ ગ્રહની મદદ તૈયાર છે. જો આયોજન કર્યું છે તો જકડીને પ્રયત્નો વધારી દો કારણ કે દૂરના પ્રવાસનો આવો સુંદર યોગ જલદી પાછો નહિ આવે. જો વિદેશ જવું શક્ય નથી તો છેવટે ભારત ભ્રમણ માટે અવશ્ય આયોજન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો યોગ શુભ છે.

કર્ક રાશિ/લગ્નના જાતકો માટે એપ્રિલ સુધી ગુરુ ગ્રહનું ભ્રમણ ભાગ્ય સ્થાન પરથી રહેશે. નામ પ્રમાણે ગુણ એટલે ગ્રહની આ સ્થિતિ ભાગ્યવૃદ્ધિ કરાવશે. કદાચ પુનર્વસુ નક્ષત્ર ધરાવતા વ્યક્તિઓ નોકરી/ધંધામાં કોઈ સારી તક મળી પણ ગઇ હશે. પુષ્ય અને આશ્લેષા માટે સારી તક આવી રહી છે, જોકે નવા વર્ષમાં મોટા આર્થિક લાભ કરતાં કેરિયરનો પાયો મજબૂત બને તેવો યોગ છે. નવા સાહસ ઉપરાંત યાત્રા, ધર્મ, અભ્યાસ માટે આ ભ્રમણ વધારે શુભ છે.

મૂળ કુંડળીના ચંદ્રથી ૭મે ભ્રમણ કરી રહેલા ન્યાયના દેવતા શનિદેવ હવે રાશિ પરિવર્તન કરવાની તૈયારીમાં છે. ૧૭ જાન્યુ.થી કુંભરાશિમાં થનારો શનિનો પ્રવેશ આપના ચંદ્રથી ૮મે ભ્રમણ કરશે જેને નાની પનોતી ગણવામાં આવે છે, જોકે બીજી તરફ ગુરુ મહારાજનો સપોર્ટ છે એટલે ચિંતા નથી છતાં એપ્રિલ, ૨૦૨૩ પછી કામકાજ બાબતે થોડો ઉચાટ રહેશે. ૨૦૨૩ દરમિયાન બચત ઘટી જાય તેવો યોગ છે. જો શનિની મહાદશા છે તો ઉદર પ્રદેશમાં ધ્યાન રાખવું અને બોલીને બગાડવું નહિ.

સંવત ૨૦૭૯ દરમિયાન રાહુનું ભ્રમણ ૧૦મે કર્મસ્થાન પરથી રહેશે. જે વાચકમિત્રોનું જન્મ લગ્ન કર્ક છે તો ધંધા-રોજગારમાં કંઈક ગૂંચવાડા, અસંતોષ રહેશે. જો મૂળકુંડળીમાં કર્મભાવમાં શનિ, રાહુ જેવા ગ્રહો હોય તો આ ભ્રમણ સરકારી તકલીફ કે કાર્યક્ષેત્ર બાબતના ખોટા નિર્ણયો લેવડાવી શકે છે ઉપરાંત કૌટુંબિક સુખમાં ઊણપ દેખાઇ શકે. જો આ સ્થાનમાં મૂળકુંડળીમાં કોઈ ગ્રહ નથી તો ચિંતા નથી ઊલટું મોટો લાભ પણ મળી શકે છે છતાં અનૈતિક આવકથી દૂર રહેવું.

દર બુધવારે અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો. જ્યાં સુધી પાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી દીપક પ્રજ્વલિત રાખવો જરૂરી છે. ગૂગળનો ધૂપ શ્રેષ્ઠ. કરચોરી બાબતે સરકારી તપાસ ચાલી રહી છે તો દરરોજ ઉગતા સૂર્યદેવ સમક્ષ ઉભા રહી માફી માંગવી અને ॐ घृणि: सूर्य आदित्यः! મંત્રથી જળ અર્પણ કરવું. જળની ધારા તુલસીના ક્યારામાં પડે તો ઉત્તમ. અન્ય ઉપાય તરીકે ૬ ફેબ્રુ. સુધી બુધવારે અથવા શનિવારે હાથીને કેળાં ખવડાવવા અને "ॐ नमो भगवते रुद्राय" મંત્રનું માનસિક રટણ કરવું.

અન્ય સમાચારો પણ છે...