વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:કન્યા જાતકો માટે નૂતનવર્ષ આર્થિક અને સામાજિક બંને રીતે શુભ જણાય છે, બિનજરૂરી ખર્ચ ટાળવો

3 મહિનો પહેલા

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

સંવત ૨૦૭૯નો પ્રારંભ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી થવાનો છે. ચંદ્ર (મન) પર ગુરુ (શુભ ઊર્જા)ની દૃષ્ટિ ઉત્સાહ અને ઉમંગ પ્રદાન કરશે. વર્ષારંભથી જ મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ મળશે જેની હકારાત્મક અસર મન પર દેખાશે. ફક્ત મે, ૨૦૨૩ આસપાસ થોડો માનસિક તણાવ રહી શકે બાકી એ સિવાય એકંદરે માનસિક આરોગ્ય સારું રહેશે.

વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩નું વર્ષ નાણાકીય દૃષ્ટિએ સારું રહેશે. હાથ પર રોકડની અછત છે તો દૂર થશે. જો દેવું છે તો ભલે પૂરેપૂરું ન ચૂકવાય છતાં ભાર હળવો અચૂક થશે. ખાસ કરીને કન્યા લગ્નના જાતકો માટે ૨૦૨૩માં ખર્ચનું પ્રમાણ ઘટશે એટલે બચત દેખાશે.

મધુરતા રહેશે. એકબીજાનો સાથ-સહકાર મળશે. જો કારણ વગરની ગેરસમજ ઊભી થઇ છે તો આજના નવા વર્ષથી જ સંબંધો સુધરી જવાની પ્રબળ શક્યતા છે, જરૂર છે egoને છોડવાની! આમ તો સંવત 2079 સમગ્ર વર્ષ લગ્નજીવન સારું રહેવાનું છે છતાં સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન સામેના પાત્ર સાથે તાર્કિક દલીલ રહેશે.

નાના પ્રવાસનો સુંદર યોગ છે. અત્યારથી લઈને હોળી સુધી કુટુંબ સાથે મોજમજા કરવાનો યોગ છે. હવાફેરનું આયોજન કરી લો. જ્યાં સુધી આરોગ્યની વાત છે તો વિશેષ કોઈ ચિંતાને અવકાશ નથી. આપની રાશિ ગમે તે હોય પણ જો આપનો જન્મ કન્યા લગ્નમાં થયો છે તો આંખ અને કબજિયાતની તકલીફ રહી શકે છે. જો રાહુની મહાદશા ચાલુ છે તો ફુલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. ઇન્ફેક્શન વગેરેનું ધ્યાન રાખવું.

કન્યા લગ્ન માટે ૨૦૨૧ તથા ૨૦૨૨નું વર્ષ ભણતરની બાબત માટે વિશેષ અનુકૂળ નહોતું સિવાય કે મૂળ કુંડળી ખૂબ બળવાન હોય. જોકે હવે ૨૦૨૩ દરમિયાન પરીક્ષામાં નાની-નાની ભૂલ થવાની શક્યતા ઓછી છે એટલે મહેનત વધારશો તો પરિણામ સારું મળશે. સરકારી જોબ માટેની જો પરીક્ષા આપવી છે તો વીતેલા વર્ષની સરખામણીમાં આવનારું નૂતન વર્ષ અનુકૂળ રહી શકે તેમ છે. કારકિર્દી બનાવવા વિદેશ જવા માંગતી વ્યક્તિઓને ખોટા ખર્ચા થઈ શકે છે, તેથી ધીરજ રાખી આગળ વધવું.

જોબ બદલવાનો યોગ આવી રહ્યો છે અને તેમાં પણ જો મૂળ કુંડળી બળવાન હશે તો પ્રમોશન અને પગાર વધારા સાથેની જોબ મળી શકે તેમ છે. જો જોબ છોડવી શક્ય નથી તો ચાલુ જોબમાં ઉત્સાહ ઓછો રહેશે. જોકે એપ્રિલ સુધી ખાસ વાંધો નથી. વેપારીમિત્રો માટે ધંધાર્થે બેંકમાંથી અચાનક પૈસા ઉપાડવા પડે તેવો યોગ છે પણ મોટું જોખમ ન લેવાની સલાહ છે અને મોટી ઉધારી પણ ન કરવી. કૃષિ સંબંધી કાર્યો માટે નવું વર્ષ સંતોષકારક રહેશે.

વીલ વારસાઈ કોઈ મિલકતની વાત છે તો નિરર્થક પ્રયાસ ન કરશો ખોટો સમય બગડશે. ફળને પાકવાની વાર છે એટલે ધીરજ ધરો. જો સપનાનું ઘર લેવું છે તો યોગ ચાલુ છે. રોકાણ કરવાનું આયોજન છે તો પણ ગ્રહોનો સાથ છે. લોન કે ઉધારી બાબતે વિલંબ ન કરવો નહીંતર પછી વિચાર બદલાઇ જશે તો નવા ઘરનું સપનું સાકાર થવામાં વિલંબ થઈ જશે.

નૂતનવર્ષના પ્રારંભમાં કોઈ ચિંતા નથી પણ એપ્રિલ પછી ખાસ કરીને જોબમાં પીઠ પાછળ શત્રુ કોઈ રમત રમી શકે છે એટલે આ સમયમાં થોડું સજાગ રહેવું અને કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકવો જ્યાં સુધી કોર્ટ-કચેરની વાત છે તો આ બાબતના ખર્ચા રહેશે અને પરિણામ આવવામાં વિલંબ થશે. જો આપ આરોપી છો તો લડત આપવામાં મઝા નથી. તાત્કાલિક ભૂલ સ્વીકારી લો તો કદાચ ફરિયાદી માફ કરી દે.

ઉ.ફાલ્ગુની નક્ષત્ર ધરાવતી ગૃહિણીઓએ કૌટુંબિક કે પોતાની જ્ઞાતિની કોઈ પણ બાબતથી દૂર રહેવું વધારે ઉચિત રહેશે. કન્યા લગ્ન ધરાવતી ગૃહિણીઓએ સાસરી પક્ષમાં બેલેન્સ કરવું પડશે. જોબ બદલવાની ઇચ્છા ઊભી થશે અને આ માટે માર્ચ/એપ્રિલ સુધીનો સમય સારો ગણી શકાય. જે સ્ત્રીઓ પોતાનો વ્યવસાય કરે છે તેઓ માટે પણ એપ્રિલ સુધીનો સમય સારો ગણાય પણ એ પછી આર્થિક બાબતોનું યોગ્ય આયોજન કરવું પડશે.

ખાસ કરીને કન્યા લગ્ન ધરાવતા યુવા મિત્રોને છેલ્લાં બે વર્ષથી દિલથી પ્રેમ કરનાર કોઈ પાત્ર મળ્યું નથી અથવા તો પ્રિયપાત્ર સાથે કંઈક ને કંઇક સંઘર્ષ રહ્યો હશે. જોકે હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવાની છે. ૨૦૨૩નું વર્ષ ગત વર્ષની સરખામણીમાં રાહત આપનાર નીવડે તેમ છે. પ્રિયપાત્ર સાથેની ગેરસમજ દૂર થશે સગાઈને લગ્નમાં પરિવર્તિત કરવા માટે અત્યારે શુભ સમય છે પણ જો કોઈની હૂંફ ને લાગણીની શોધમાં છો તો સરળ તો નથી પણ અશક્ય પણ નથી. પ્રયત્નો કરશો તો સારું પાત્ર મળી શકે છે.

વિદેશ જવામાં ધાર્યા કરતાં ખર્ચ વધી જાય તેમ છે. જો કંપની તરફથી જવાનું હોય તો નાનકડો યોગ બની રહ્યો છે. હજી એકાદ-બે મહિનામાં આયોજન હોય તો જઈ શકાય તેમ છે, નહિતર જાન્યુ. પછી શનિનું રાશિ પરિવર્તન વિદેશની બાબતોમાં સાનુકૂળતા નહિ આપે અને કદાચ જવાનું થશે તો પણ ત્યાં જઈને પૂર્ણ સંતોષ તો નહિ જ મળે. વિદ્યાર્થીમિત્રોએ સમજી વિચારીને નિર્ણય લેવો.

કન્યારાશિ/લગ્નના જાતકો માટે સપ્તમ ભાવમાં ગુરુનું ભ્રમણ અતિ શુભ છે. એપ્રિલ સુધીનો સમય ઇચ્છાપૂર્તિનો છે. વડીલ, મિત્રો, જીવનસાથી બધાનો સહકાર મળશે. સાહિત્યપ્રેમી છો તો મનના વિચારોને શબ્દોમાં અંકિત કરી શકો છો. નૂતનવર્ષ આર્થિક અને સામાજિક બંને રીતે શુભ જનાર છે. ૨૨ એપ્રિલ પછી ગુરુ ૮મે ભ્રમણ કરશે જે નસીબ બાબતે થોડી ઘણી હાથતાળી આપી શકે પણ ૮મે ગુરુ આકસ્મિક ધનલાભ કે વારસાઈ મિલકત માટે શુભ ગણાય. આ ઉપરાંત ધ્યાન, ઊર્જા વિજ્ઞાન, હીલિંગ અને ગૂઢવિદ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે આ ગુરુ વરદાન આપનાર રહેશે.

16 જાન્યુ. સુધી શનિનું ભ્રમણ પંચમ સ્થાન પર રહેશે. છેલ્લાં આશરે અઢી વર્ષથી આ ભ્રમણ ચાલી રહ્યું છે. પ્રેમ, વિદ્યાભ્યાસ, શેરસટ્ટા, સંતાનસુખ માટે આ ભ્રમણ શુભ ન ગણાય. ખાસ કરીને કન્યા લગ્ન માટે આ ભ્રમણ રોકાણ કે ખર્ચના કારણે હાથ પર રોકડની અછત આપે. સંતાન તરફથી ધાર્યો સહકાર ન મળે. 17 જાન્યુ. પછી શનિ છઠ્ઠે ખાડે જશે. આ ભ્રમણ રોજબરોજનાં કાર્યોમાં જવાબદાર બનાવશે પણ ખોટા ખર્ચા પર કન્ટ્રોલ કરવો જરૂરી બનશે.

સમગ્ર સંવત ૨૦૭૯ દરમિયાન રાહુ કન્યા લગ્ન અને કન્યા રાશિથી ૮મે મેષ રાશિમાં ભ્રમણ કરશે. યુરેનસ ગ્રહ પણ મેષ રાશિમાં છે, આમ ખાસ કરીને કન્યા લગ્ન માટે આ ભ્રમણ આરોગ્ય અને આર્થિક બાબતો માટે શુભ નથી. જોકે એપ્રિલ/મે પછી આરોગ્ય વિષયક બાબતો પરત્વે રાહત દેખાય. આર્થિક બાબતોમાં પણ આ ભ્રમણ બેંક ખાતું બંધ કરાવી શકે અથવા રોકાણના કારણે બેલેન્સ ઘટી શકે.

જો આપનો જન્મ કન્યાલગ્નમાં થયો છે અને જન્મલગ્ન નક્ષત્ર "ચિત્રા" છે તો જાન્યુ. સુધી બેંક બેલેન્સ ઘટી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચા ટાળવા એ પ્રથમ ઉપાય અને બીજા ઉપાય તરીકે દર શુક્રવારે વિઘ્નહર્તા ગણપતિને દુર્વા અર્પણ કરવાથી આર્થિક વ્યવહાર સચવાઇ જશે. ઉપરાંત કન્યા લગ્ન ધરાવતા જે વાચકમિત્રોનો જન્મ ૧૯૫૮ કે ૧૯૬૭ દરમિયાન થયો છે તો સ્વસ્થ આરોગ્ય માટે ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः મંત્રનું સતત મનમાં રટણ કરવાની સલાહ છે.

અન્ય સમાચારો પણ છે...