વિક્રમ સંવત 2079નું વાર્ષિક રાશિફળ:જાન્યુઆરી સુધી ધન જાતકો માટે કભી ખુશી કભી ગમની સ્થિતિ રહેશે; એપ્રિલ પછી ઘર લેવાનું સપનું પૂર્ણ થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 26 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2079 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

નવા વર્ષની શરૂઆતમાં અગ્નિની વિશેષ ઊર્જા રહેશે એટલે મગજનો વધારે પડતો ઉપયોગ થવાનો છે. માનસિક બળવાન પણ બનશો એટલે કાર્યક્ષેત્રમાં સફળતા પણ નિશ્ચિત છે છતાં ગુસ્સો, અકળામણ જેવી નકારાત્મક ઊર્જાનો પોતાના આભામંડળમાં પ્રવેશ ન થાય તેની કાળજી રાખવી અને બોલીને બગાડવું નહિ.

નવા વર્ષનો પૂર્વાર્ધ આર્થિક રીતે ભલે થોડો સામાન્ય રહી શકે છે પણ ઉત્તરાર્ધ અવશ્ય શુભ રહેશે. ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ કરતાં આવનારું વર્ષ ૨૦૨૩ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આવક, બચત વગેરેમાં વૃદ્ધિ દેખાશે. એપ્રિલ પછીનો ઉત્તરોતર સમય આર્થિક રીતે વધારે શુભ ગણાય.

લગ્નજીવન જે પ્રમાણે ચાલી રહ્યું હશે તેમ યથાવત્ રહેશે. જો એકબીજા સાથે રાશિમેળ નહિ હોય તો જાન્યુ. સુધી કભી ખુશી કભી ગમ રહેશે પણ એ પછી સ્થિતિ અનુકૂળ બનતી દેખાશે. જે અવિવાહિત કન્યાઓને જન્મ ધનલગ્નમાં થયો છે, રાશિ ગમે તે હોય તો આવી કન્યાઓ માટે લગ્ન યોગ બળવાન નથી તેથી થોડી ધીરજ રાખવી પડશે જ્યારે અવિવાહિત પુરુષોએ જીદ અને અહમ્ રાખી ખોટો નિર્ણય ન લેવાઇ જાય તેનું ધ્યાન રાખવું.

આરોગ્ય બાબતે ખાસ કોઈ ચિંતા દેખાતી નથી છતાં જો આપ વયોવૃદ્ધ છો અને પ્રતિકૂળ દશા/આંતરદશા ચાલે છે તો જાન્યુ. સુધી વિશેષ કાળજી લેવાની સલાહ છે. આંખ, દાંત, ગળાની નાની મોટી તકલીફ રહી શકે બાકી ચિંતા કરવાને અવકાશ નથી. યાત્રા પ્રવાસ માટે સરળ નથી એટલે ખરેખર હવાફેર માટે જવું છે તો મક્કમ બનીને પ્રયત્નો વધારવાની સલાહ છે.

વિદ્યાર્થીબંધુઓને ખાસ સલાહ છે કે ખોટો આત્મવિશ્વાસ નુકસાન કરી શકે છે. પંચમ સ્થાનમાં રાહુ યુરેનસ ગ્રહોની સંયુક્ત ઊર્જા ભ્રમિત કરનાર છે. રાહુ માયા અને મૃગજળ છે જ્યારે યુરેનસ (હર્ષલ) વિસ્ફોટક કરાવનાર ગ્રહ છે તેથી પરીક્ષા પહેલાં સફળતાનો ખોટો ભ્રમ ઊભો થાય જેથી એકાગ્રતા નહિ કેળવાય અને છેલ્લે નુકસાન થાય. આવું ન બને તે માટે ખોટો આત્મવિશ્વાસ છોડીને વધુ મહેનત કરવાની સલાહ છે.

જોબ અને વ્યવસાય બંને માટે નૂતનવર્ષ સારું રહેશે. ખેડૂતમિત્રોને પાક અને ઊપજ બાબતે સંતોષ રહેશે. નવા વર્ષનો આરંભ મહેનતના પ્રમાણમાં ફળ આપનારો છે. ખાસ કરીને જે વાચક મિત્રોનો જન્મ ધન લગ્નમાં થયો છે પછી રાશિ ભલે ગમે તે હોય તો જાન્યુ.પછી ઉત્તરોતર સમય શુભ અને પ્રગતિકારક રહેશે. મૂળ કુંડળી જો બળવાન હશે તો ૨૦૨૩નું સમગ્ર વર્ષ આપના માટે આર્થિક અને સામાજિક બંને દૃષ્ટિએ શુભ જનાર છે.

એપ્રિલ, ૨૦૨૨થી એપ્રિલ, ૨૦૨૩નો સમય મકાન, મિલકત સંબંધી બાબતો માટે અનુકૂળ છે. આ સમય રોકાણ, ખરીદી, રીનોવેશન, વાહન વગેરે માટે શુભ ગણી શકાય. આમ જો આર્થિક સધ્ધરતા છે તો મનપસંદ અને સંતોષકારક પરિણામ મળી શકે તેમ છે. પોતાના ઘરનું સપનું પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે તેમ છે. વિશેષ કરીને ધનલગ્ન ધરાવતા જાતકો માટે આ યોગ વધુ બળવાન છે.

આપની રાશિ ગમે તે હોય પણ જન્મ લગ્ન ધન છે અને કુંડળીમાં બુધની સ્થિતિ શુભ છે તો નૂતનવર્ષ કોર્ટ-કચેરી બાબતે સફળતા મળશે. કર્મનિષ્ઠ છો તો સુખદ પરિણામ મળવાની પૂરેપૂરી શકયતા છે. જાણે-અજાણે તમારાથી કોઈ અપરાધ થઈ ગયો છે અને સુનવણી ચાલી રહી છે તો પહેલાં ઈશ્વર સામે અને પછી સામેની વ્યક્તિ સમક્ષ ભૂલનો પશ્ચાત્તાપ કરો. પ્રથમ ભૂલ હશે તો અવશ્ય માફી મળી જશે. એપ્રિલ સુધીનો સમય સરકારી કાર્યો માટે શુભ ગણાય.

જોબ કે સ્વતંત્ર વ્યવસાય કરતી જે સ્ત્રીઓનું જન્મ લગ્ન નક્ષત્ર અથવા ચંદ્ર નક્ષત્ર "મૂલ" છે તો નૂતનવર્ષના પ્રારંભથી જ સમય અનુકૂળ ગણી શકાય. પરંતુ, જો ધન રાશિમાં પૂર્વાષાઢા કે ઉત્તરાષાઢા નક્ષત્રની ઊર્જા છે તો તમામ આત્મનિર્ભર સ્ત્રીઓ માટે જાન્યુ./ફેબ્રુ. સુધી આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. એ પછીનો સમય આવક, રોકડ, બચતની તમામ દૃષ્ટિએ શુભ રહેશે.

પ્રેમસંબંધ બાબતે સમગ્ર નૂતનવર્ષ દરમિયાન કંઈક ને કંઇક ગૂંચવાડા રહી શકે છે. પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિના પાત્ર સાથે પ્રેમ, આકર્ષણનો યોગ ઊભો થઈ શકે છે. જો કોઈ પાત્ર પહેલેથી જીવનમાં છે તો અપેક્ષાના ઝઘડા રહેશે. નાની નાની ગેરસમજો ઊભી થઇ શકે છે. ટૂંકમાં નવું વર્ષ પ્રેમસંબંધમાં સફળતા આપનાર નથી. મે/જૂન સુધી ધીરજ રાખવાની સલાહ છે. નૂતનવર્ષમાં ભણતર કે કરિયરને પ્રાથમિકતા આપવી.

જે યુવામિત્રોને વિદ્યાભ્યાસર્થે વિદેશ જવાની ઈચ્છા છે તો આવતા વર્ષે એપ્રિલ પછી શુભ યોગ બની રહ્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો જન્મ ધન લગ્નમાં થયો છે તો યોગ વધુ બળવાન ગણી શકાય. જો હરવા-ફરવા માટે વિદેશ જવાનું આયોજન છે તો કોઈ કારણસર વિલંબ થઈ શકે છે. તેમાં પણ ધનિષ્ઠા નક્ષત્ર છે તો વિઝિટર વિઝા પર જવા માટે વિશેષ પ્રયત્નો કરવા જરૂરી બનશે.

ધનરાશિ/લગ્નના જાતકો માટે ૨૧/૪/૨૦૨૩ સુધી ગુરુનું ભ્રમણ ચતુર્થ સ્થાન પરથી રહેશે. ચતુર્થ સ્થાન એટલે મકાન, મિલકત, ફાર્મ હાઉસ, રીનોવેશન, વાહન ખરીદી, માતા, આત્મસંતોષ, કોલેજની ડિગ્રી, સુખ-સાધનો વગેરે. ગુરુનું એપ્રિલ, ૨૦૨૨થી એપ્રિલ, ૨૦૨૩ દરમિયાન ચતુર્થ સ્થાનમાં ભ્રમણ ઉપરોક્ત બાબતોમાં લાભ અપાવવા માટે મદદરૂપ થશે. "ઘરનું ઘર" કરવું છે કે મિલકતમાં રોકાણ કરવું છે તો અત્યંત શુભ સમય ગણી શકાય.

ધનરાશિ/લગ્નના જાતકો માટે ન્યાયના દેવતા શનિનું ભ્રમણ બીજા સ્થાનમાં સ્ત્રીઓને કરકસર કરવામાં બળ આપશે જ્યારે જોબ/બિઝનેસમાં રોકડ કે બચત બાબતે અસંતોષ આપશે, જોકે મકરસંક્રાંતિ સુધી જ આ અસર રહેશે એ પછી સમગ્ર ૨૦૨૩ દરમિયાન શનિદેવ ૩જા સ્થાનમાં ભ્રમણ કરશે જે જબરજસ્ત આત્મસૂઝ, ગણતરી, જવાબદારી અને બુદ્ધિમતા આપશે. આ ભ્રમણ વ્યક્તિને ડીપ થિંકર બનાવે. જે મિત્રોના ૩૬ વર્ષ પૂર્ણ થઈ ગયા હશે તો આ ભ્રમણ ખૂબ સરસ આયોજન અને તેના થકી લાભ અપાવશે. નવાં કાર્યોની શરૂઆત માટે આ ભ્રમણ થોડું પ્રતિકૂળ ગણાય.

સમગ્ર નૂતનવર્ષ દરમિયાન ધનરાશિ/લગ્નના જાતકો માટે પંચમ સ્થાન પરથી રાહુનું ભ્રમણ રહેશે. મેષ રાશિમાં થઈ રહેલ આ ભ્રમણમાં હર્ષલ ગ્રહની પણ ઊર્જા પણ છે એટલે કે મેષ રાશિમાં રાહુ - હર્ષલની યુતિ ચાલી રહી છે. આ યુતિ ખાસ કરીને પ્રેમ, શેરબજાર, સંતાનસુખ, ભણતર માટે શુભ ન ગણાય. ખોટા આત્મવિશ્વાસ થકી લીધેલો નિર્ણય પહેલાં લાભ અને પછી નુકસાન કરાવશે. ધન લગ્ન ધરાવતા જાતકો પર આ અસર વિશેષ પ્રમાણમાં રહી શકે છે તેથી કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાની સલાહ છે.

નૂતનવર્ષમાં વધુ પડતા આત્મવિશ્વાસના કારણે ખોટા નિર્ણયથી નુકસાન ન થાય અને ભણતરને સંતાન સંબંધિત બાબતોમાં રાહત મેળવવા માટે એક સરળ ઉપાય કરવાનો છે. સમગ્ર ૨૦૭૯ દરમિયાન રાત્રિ ભોજન રસોડામાં બેસીને કરવાનું છે. આ નિયમમાં ઊતરતી રસોઈ જ આરોગવાની છે એટલે કે ભોજનને ફરી ગરમ નથી કરવાનું, ઠંડું ભોજન કરવાનો પણ નિષેધ છે. આ નિયમ બંને સમયના ભોજન માટે લેવામાં આવે તો વધુ ઉત્તમ. જો શક્ય ન હોય તો રાત્રિ ભોજન બાબતે આ સંકલ્પ અવશ્ય લેવો.