આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ
ગુરૂ ગ્રહનું વર્ષફળ
વૃશ્ચિક રાશિ/લગ્નના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરુ ગ્રહ ચોથા ભાવમાં ભ્રમણ કરશે. ગુરૂની આ સ્થિતિ માતૃસુખ, મકાન-મિલકત અને કૃષિ સંબંધિત બાબતોમાં શુભત્વ આપશે જોકે ગુરૂ કુંભરાશિમાં બળવાન ન ગણાય એટલે સંપૂર્ણ ફળ ન મળે છતાં વિશેષ પ્રયત્નો પરિણામલક્ષી બની શકે છે. એપ્રિલ પછી ગુરૂ પંચમ ભાવમાં મીનરાશિમાં ભ્રમણ કરશે જે ભાગ્યવૃદ્ધિ કરાવશે. નવી તક મળશે. મીન રાશિનો ગુરૂ બળવાન ગણાય એટલે આવક, ઉચ્ચ અભ્યાસ, ધાર્મિક કાર્યો, વિદેશ-પ્રવાસ અને હિલસ્ટેશનની મુસાફરી બાબતે સફળતા આપશે.
શનિ ગ્રહનું વર્ષફળ
મે તથા જૂનને બાદ કરતાં સમગ્ર સંવત-૨૦૭૮ દરમિયાન શનિનું ભ્રમણ ત્રીજા ભાવ પરથી રહેશે. આ ભ્રમણ આપને ઉંડી કોઠાસૂઝ પ્રદાન કરશે. ખૂબ વિચાર કર્યા પછી અગત્યના નિર્ણયને અમલમાં મૂકશો. શનિની ત્રીજી દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે હેતુલક્ષી પ્રશ્નોમાં નાની નાની ભૂલો કરાવી શકે. ગોખણપટ્ટી પરિણામ ઘટાડશે તેથી લખવાની ટેવ રાખવી. એપ્રિલ પછી અભ્યાસ સંબંધિત સારું ફળ મળશે. શનિદેવની ૭મી દ્રષ્ટિ ભાગ્ય બાબતે મહેનત વધુ કરાવશે જ્યારે ૧૦મી દ્રષ્ટિ ખર્ચા કરાવી શકે છે જોકે ગુરૂ ગ્રહનું કવચ હોવાથી ચિંતાને અવકાશ નથી.
રાહુ ગ્રહનું વર્ષફળ
વૃશ્ચિક રાશિ/લગ્નના જાતકો માટે માર્ચ-૨૦૨૨ સુધી રાહુનું સાતમા ભાવ પરથી ભ્રમણ જીવનસાથી કે ભાગીદાર સાથે કઈંક અસંતોષ, ગૂંચવાડા કે પ્રશ્નો આપી શકે છે. જોકે આપની મૂળકુંડળીમાં સાતમા ભાવમાં કોઈ પણ ગ્રહ નથી તો ખાસ ચિંતાને કોઈ સ્થાન નથી. એપ્રિલ પછી ધીમે ધીમે ગૂંચવાડા દૂર થશે. એપ્રિલથી નવે - ૨૦૨૨ દરમિયાન આરોગ્યનો નાનો મોટો પ્રશ્ન રહે. જો આપની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો ઋતુગત બિમારી આવી શકે. ઇન્ફેકશનથી બચવા પ્રદૂષિત વાતાવરણવાળી જગ્યામાં જવાનું ટાળો.
માનસિક સ્થિતિ
વીતેલાં વર્ષની સરખામણીમાં નૂતન વર્ષ માનસિક દ્રષ્ટિએ સારું રહેશે. જો તમે આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે તો ફરી વાર માનસિક બળ મળી શકે તેમ છે. પોતાની ઈચ્છા પ્રમાણેની ગોઠવણ તમને ફરી ઉત્સાહમાં લાવી દેશે પણ કોઈના માટેની ગ્રંથિ કે ફરિયાદને તમારા આંતરમનમાં ભરી રાખશો તો આ તક ગુમાવી દેશો. ઈચ્છા અને અહમ વચ્ચેનું યુદ્ધ ટાળશો તો લાભ થશે.
આર્થિક સ્થિતિ
વર્ષના આરંભે આત્મસંતોષ ઓછો રહેશે. માર્ચ/એપ્રિલ સુધી થોડી ધીરજ રાખવી પડશે. એ પછી નવી તક અને લાભ દેખાય શકે તેમ છે. એપ્રિલ થી ડીસે-૨૦૨૨ આર્થિક બાબતમાં રાહત જણાશે. આમ વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે નૂતન વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળ રહેશે. માર્ચ સુધી ખોટા ખર્ચા ન થાય તેનું ધ્યાન રાખવું અને ઉતાવળિયો નિર્ણય ન લેવો.
લગ્નજીવન
વીતેલું વર્ષ જીવનસાથી સાથેના સંબંધ બાબતે થોડું પ્રતિકુળ હતું અને તેમાં પણ વૃશ્ચિક લગ્ન ધરાવતાં જે વ્યક્તિઓનો જન્મ ૧૯૭૧, ૧૯૭૪ અથવા ૧૯૯૩ દરમિયાન થયો હોય તેવા વિવાહિત જાતકો માટે વીતેલું વર્ષ દાંપત્યજીવન બાબતે વધારે પ્રતિકૂળ હતું પણ હવે આવનારું વર્ષ અનુકૂળ રહેશે. અપેક્ષા ઘટશે એટલે ફરિયાદ અને અસંતોષ ઓછા થશે. સંબંધોમાં જે ગૂંચવાડા હશે તે હવે દૂર થશે. અવિવાહિતો માટે પણ પાત્ર પસંદગી બાબતે જો વિલંબ અને ગૂંચવાડા હશે તો હવે એ પણ દૂર થશે.
આરોગ્ય અને પ્રવાસ
નૂતનવર્ષના શરૂઆતના ચાર-પાંચ મહિના આરોગ્ય બાબતે એકંદરે સારા ગણાય પણ માર્ચ પછી થોડું ધ્યાન રાખવું. યુવાઓને ઋતુગત બિમારીનું સંક્રમણ રહી શકે. ઇન્ફેકશન બાબતે કાળજી રાખવી. અશક્ત અને વયોવૃદ્ધ વ્યક્તિઓએ વિશેષ કાળજી લેવી અને જરૂર પડે તો એક કરતાં વધારે ડોકટરનો અભિપ્રાય લેવો. જ્યાં સુધી યાત્રા પ્રવાસની વાત છે તો ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનો યોગ છે. ધાર્મિક મુસાફરી માટે પણ એપ્રિલ થી નવેમ્બર શુભ યોગ છે.
સંતાન અને અભ્યાસ
વિદ્યાર્થીઓ માટે નૂતન વર્ષ ભણતર બાબતે શુભ રહી શકે તેમ છે. મે-૨૦૨૨ થી સમગ્ર વર્ષ દરમિયાન મહેનતના પ્રમાણમાં પૂર્ણ ફળ મળે તેમ છે. વૃશ્ચિકલગ્ન ધરાવતાં વાલીઓને માટે પણ સંતાનસુખ દેખાશે. સંતાન તરફથી સહકાર જણાશે. જો મૂળ કુંડળીમાં સંતાન પ્રાપ્તિનો યોગ છે છતાં સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો છે તો આપના માટે નવા વર્ષ દરમિયાન આનંદના સમાચાર મળી શકે તેમ છે. ગર્ભધારણનો શુભ યોગ આવી રહ્યો છે.
નોકરી-ધંધો-કૃષિ
નોકરી કે વ્યવસાય કરનારા તમામ જાતકોનું નૂતન વર્ષ ભાગ્યવૃદ્ધિ કરાવનાર રહેશે. મૂળ કુંડળી બળવાન છે તો એપ્રિલ પછી સારી તક મળશે. જોબ બદલવા માટે માર્ચ પછી નિર્ણય લેવો હિતકારી છે. ધંધાના વિસ્તરણનો પણ સારો યોગ છે. નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે પણ આવનારું વર્ષ ગ્રહોની દ્રષ્ટિએ શુભ રહેશે. વેપાર અર્થે પ્રવાસ કરવો છે તો એ પણ લાભકારી રહેશે. ૪થે ગુરૂ ખેડૂતમિત્રોને કૃષિકાર્યોમાં મદદ કરશે.
જમીન-મકાન-સંપત્તિ
જો કેટલાક સમયથી મકાન-મિલકત સંબંધિત કાર્યોમાં આપને વિલંબ થઈ રહ્યો છે તો હવે આપની આતુરતાનો અંત આવી શકે છે. ફરીથી પ્રયત્નો શરૂ કરો કારણકે નવા વર્ષ દરમિયાન કાર્યસિદ્ધિનો યોગ છે જોકે આ યોગ માર્ચ સુધીનો જ છે. ખાસ કરીને જો આપનું વૃશ્ચિક લગ્ન છે અને ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો સંતોષકારક ઘર મળી શકે તેવો યોગ છે. નવે. થી એપ્રિલ સુધી શક્ય હોય તો કબ્જો લઈ લેવો એ પછી ફરી વિલંબ થઈ શકે છે.
શત્રુ-કોર્ટ કચેરી
સત્યની લડત લડી રહેલાં વૃશ્ચિક લગ્ન ધરાવતાં જે વ્યક્તિઓ ન્યાયાલયનાં ચક્કર કાપી રહ્યા છે તેઓ માટે આવનારું વર્ષ વિજયનો આનંદ લઈને આવી રહ્યું છે. સમાધાન માટે પણ આવનારું વર્ષ અનુકૂળ છે. જો આપની મૂળકુંડળીમાં માન-પ્રતિષ્ઠાનો ભાવ શુભ છે તો ન્યાયિક કાર્યોમાં શરૂઆતમાં ભલે ઉદ્વેગ ઉચાટ દેખાય પણ અંતિમ પરિણામ રાહત આપનારું નિવડશે પણ જો આપની રાશિ ગમે તે હોય પણ જન્મલગ્ન વૃશ્ચિક છે અને ૧૯૮૩-૮૪ કે ૧૯૯૪ દરમિયાનનો જન્મ છે તો થોડો ઉચાટ રહેશે.
સ્ત્રીવર્ગ
જો આપને પતિદેવ કે સંતાન બાબતે ફરિયાદ અને અસંતોષ છે તો આપને નૂતન વર્ષ દરમિયાન ગ્રહોનો સાથ મળશે. વર્ષના આરંભે હજી પણ કુટુંબની વ્યક્તિઓ માટે ફરિયાદ રહેશે પણ માર્ચથી ધીમે ધીમે સ્થિતિ બદલાશે અને સંતાનસુખ અને પતિસુખમાં વધારો દેખાશે. વીતેલાં સમય દરમિયાન કુટુંબ માટે જે ભોગ આપ્યો હશે તેનું વળતર મળશે. કામની કદર થશે. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓને જશ મળશે. એપ્રિલ પછી સારી તક દેખાશે.
પ્રેમ સંબંધ
જો છેલ્લા કેટલાક સમયથી પ્રિયતમ કે પ્રિયતમાનું ધ્યાન તમારા તરફથી ખસી ગયું છે તો હવે ગાડી ફરી રિવર્સ થવાની છે એટલે ચિંતા છોડી દો. સામેના પાત્ર સાથે જો રાશિમેળ છે તો હવે પ્રેમની કદર થશે અથવા નવા પાત્રનું આગમન થશે. નૂતન વર્ષની હોળી સુધી ધીરજ રાખો. એ પછી પ્રેમરૂપી રંગો દ્વારા ધૂળેટી રમવાનો યોગ છે. ૧૯૯૫ દરમિયાન જન્મેલ યુવકો માટે એપ્રિલ પછી દસ મહિના સગાઈનો યોગ રહેશે.
વિદેશયોગ
હરવા ફરવા માટે સંવત-૨૦૭૮ નું વર્ષ એકંદરે શુભ છે. વિઝિટર વીઝા પર જવું હોય કે સ્ટુડન્ટ વીઝા પર ! ગુરૂ ગ્રહ આપને લાંબી યાત્રા કરાવવા મદદ કરશે જોકે બળવાન યોગ એપ્રિલ પછી બની રહ્યો છે. જે વ્યક્તિઓનું જન્મલગ્નનું નક્ષત્ર જ્યેષ્ઠા છે તો કોઈ કારણસર છેલ્લી ઘડીએ પ્રવાસ રદ થઈ શકે છે પણ એપ્રિલ/મે પછી જો આયોજન કરશો તો વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકે તેમ છે.
ગોચર ઉપાય
નૂતનવર્ષમાં ફાગણ માસની પૂર્ણિમાએ શુક્રવારે આ પ્રયોગ શરૂ કરવો. એ પછી ચૈત્ર અને વૈશાખનો કોઈ એક શુક્રવાર પસંદ કરવો. ત્રણ મહિનાના કુલ ૩ શુક્રવારે કોઈ પણ રાધાકૃષ્ણના મંદિરના શિખર પર શ્વેત રંગની ધજા ચઢાવવી. આ સિવાય દરરોજ ઘર/કાર્યક્ષેત્રમાં ઈશાન ખૂણામાં ઘીનો ઉભી વાટનો દીવો કરી ૧૦૮ વાર "ૐ શ્રી સ્કંદાય નમઃ" બોલવું. જૈનમિત્રોએ "ૐ ઐં અસિઆઉસા ઐં" મંત્રની એક માળા ગણવી.
ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 1,2,3,7,8,9,20,21,27,28,29,30 | 4,5,12,13,22,23 |
ડિસેમ્બર | 5,6,18,24,25,26,27,28 | 1,2,10,11,19,20,29,30 |
જાન્યુઆરી | 2,3,14,20,21,22,23,24,29,30 | 7,15,16,17,25,26 |
ફેબ્રુઆરી | 10,11,16,17,18,19,20,25,26 | 2,3,21,22,23 |
માર્ચ | 9,10,16,17,18,19,24,25,26 | 2,3,11,12,20,21,29 |
એપ્રિલ | 6,12,13,14,15,16,21,22 | 7,8,9,17,18,25,26 |
મે | 2,3,4,10,11,12,13,18,19,31 | 5,6,14,15,23,24,30 |
જૂન | 6,7,8,9,15,16,26,27 | 1,2,11,12,19,20,25,28,29 |
જુલાઈ | 3,4,5,6,7,12,13,23,24,30,31 | 8,9,16,17,22,26,27 |
ઓગસ્ટ | 1,2,3,8,9,10,19,20,21,27,28,29,30 | 4,5,13,14,22,23 |
સપ્ટેમ્બર | 5,6,16,17,23,24,25,26,27 | 1,2,9,10,15,18,19,28,29 |
ઓક્ટોબર | 2,3,13,14,20,21,22,23,24,29,30 | 6,7,15,16,25,26 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.