આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ
ગુરૂ ગ્રહનું વર્ષફળ
વૃષભ રાશિ/લગ્નના જાતકો માટે નવેમ્બર-2021 થી એપ્રિલ-2022 ગુરુ ગ્રહનું ભ્રમણ દસમા ભાવ પર રહેશે. આવકની દૃષ્ટિએ આ ગુરુ મદદ કરશે, પણ ખોટા નિર્ણયથી ખોટું કર્મ ન બંધાઇ જાય તેનું થોડું ધ્યાન રાખવાનું છે. મે-2022 થી સંવત 2078ની સમાપ્તિ સુધી એટલે કે નવુ વર્ષ પૂરું થાય ત્યાં સુધી ગુરુ અગિયારમે લાભસ્થાનમાં રહેશે, જે આર્થિક અને સામાજિક લાભ આપશે. ખાસ કરીને વૃષભ લગ્નના વ્યક્તિઓને આ ગુરુ વિવાહ, સંતાન, પ્રવાસ, લખાણ, પ્રેમ, ભણતર વગેરે બાબતમાં શુભ ફળ આપશે.
શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078 દરમિયાન શનિદેવ વૃષભ રાશિ/લગ્નથી નવમે ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરશે. જો આપના 35/36 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, તો આ શનિ મહેનતના પ્રમાણમાં પૂર્ણ ફળ આપશે. બીજી તરફ યુવાવર્ગ માટે ભાગ્યસ્થાનમાં રહેલ શનિ ભાગ્યવૃદ્ધિ બાબતે ખૂબ પરિશ્રમ કરાવી શકે છે. વિલંબ પછી કોઈ સારી તક મળશે. ઉચ્ચ અભ્યાસ અને આવક બાબતે વધારે મહેનત કરવી પડશે. દૂરના પ્રદેશોની યાત્રા કે પ્રવાસ માટે હજી એકાદ વર્ષ ધીરજ રાખો.
રાહુ ગ્રહનું વર્ષફળ
નવે. થી માર્ચ દરમિયાન રાહુનું ભ્રમણ મૂળ કુંડળીના ચંદ્ર પરથી રહેશે. વીતેલાં વર્ષમાં પણ આ જ સ્થિતિ હતી. રાહુનું આ ભ્રમણ પહેલાં મહત્ત્વાકાંક્ષા અને પછી અસંતોષ અને ગૂંચવાડા આપશે. આ સ્થિતિ વ્યક્તિને અનિર્ણાયક બનાવે. જોકે રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રવાળા વ્યક્તિઓની મનની સ્થિતિ હવે સુધરશે અને મક્કમ નિર્ણય લેવા શક્તિમાન બનશે, પરંતુ એપ્રિલ-2022 થી રાહુ બારમા ભાવમાં પ્રવેશ કરશે તેથી ખોટા નિર્ણયથી નુકસાન ન જાય તેનું ધ્યાન રાખવું. બારમે રાહુ થોડા પડકાર આપશે. જો મૂળ કુંડળીમાં બારમે શનિ, રાહુ, કેતુ, સૂર્ય કે મંગળ જેવા ક્રૂર ગ્રહો હશે તો અચૂક સંઘર્ષ રહેશે.
માનસિક સ્થિતિ
જો આપનો જન્મ વૃષભ રાશિના કૃતિકા નક્ષત્રમાં થયો હોય, તો વર્ષના આરંભમાં થોડા ગૂંચવાડા રહેશે. સમજી-વિચારીને નિર્ણય લેવો. વૃષભ રાશિના રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રના જાતકો હવે મજબૂત બનીને નિર્ણયો લઈ શકશે, પણ 2022 દરમિયાન રાહુનું વ્યય સ્થાનમાં ભ્રમણ ખોટા નિર્ણયો દ્વારા નુકસાન પણ કરાવી શકે છે. આની અસર મન પર ન પડે તેનું ધ્યાન રાખવાનું છે.
આર્થિક સ્થિતિ
સંવત-2078નું નૂતન વર્ષ આર્થિક દૃષ્ટિએ આપના માટે શુભ રહેશે. જો આપની કુંડળીના ધનસ્થાન બળવાન હોય, તો આવનારા વર્ષ દરમિયાન મોટો લાભ પણ મળી શકે છે. નવા વર્ષ દરમિયાન નિયમિત આવક જળવાશે. નકારાત્મક બાબતમાં ખાસ કરીને વૃષભ લગ્નના જાતકોએ નોકરી બાબતના કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવા. ઉપરાંત, માર્ચ પછી શેરસટ્ટામાં નુકસાન ન જાય તેનું ધ્યાન રાખવું.
લગ્નજીવન
જો આપની મૂળ કુંડળીનો સાતમો ભાવ દૂષિત હોય તો માર્ચ 2022 સુધી જીવનસાથી સાથે પ્રશ્નો રહી શકે છે, તેમાં પણ હાલનો નવેમ્બર મહિનો શાંતિથી પસાર કરવો. જો સામેના પાત્રની લાગણીને સમજી શકશો, તો ચોક્કસ વીતેલાં વર્ષની કડવાશ મીઠાશમાં ફરી શકે છે. જો આપ અવિવાહિત હો અને આપનો જન્મ વૃષભ લગ્નમાં થયો હોય, તો ભલે પાત્ર મળી ગયું હોય છતાં ફેબ્રુઆરી સુધી સગાઈ/ગોળધાણા ન લેવા.
આરોગ્ય અને પ્રવાસ
આરોગ્ય એકંદરે સારું રહેશે, પણ જો અશુભ મહાદશા ચાલી રહી હોય, તો માનસિક આરોગ્ય બગડી શકે છે. તેથી હકારાત્મક અભિગમ જરૂરી રહેશે. કૃતિકા નક્ષત્ર ધરાવનાર વૃદ્ધ વ્યક્તિઓને માથાનો દુખાવો, ગભરામણ કે શ્વાસની તકલીફ રહી શકે તેમ છે. પોતાના ધાર્યા પ્રમાણે અમુક બાબતો ન થાય એટલે માનસિક ઉચાટ રહેશે. સારા સમયની પ્રતીક્ષા કરો. હવાફેર માટે પ્રવાસથી શાંતિ મળશે. જોકે કામકાજ અર્થેના પ્રવાસો સામાન્ય ફળદાયી રહેશે.
સંતાન અને અભ્યાસ
વૃષભ રાશિ/લગ્ન ધરાવતાં જે માતા-પિતા સંતાનના ઘડતર બાબતે ચિંતિત હોય, તો 2022માં રાહત મળી શકે છે. વૃષભ લગ્નના વિદ્યાર્થીબંધુઓ માટે માર્ચ-2022 થી માર્ચ-2023 દરમિયાનનો સમય ભણતર બાબતે મહેનતના પ્રમાણમાં પૂર્ણ ફળ આપનાર રહેશે. જોકે ફેબ્રુઆરી સુધી એકાગ્રતા કેળવવી પડશે. વધુ પડતો આત્મવિશ્વાસ પરિણામ ઘટાડી શકે છે. ગોખણપટ્ટી નુકસાન કરશે. સંતાનઇચ્છુક વિવાહિતો માટે મે-2022 પછીના દસ મહિના ગર્ભધારણ અને પ્રસૂતિ બંને માટે શુભ છે.
નોકરી-ધંધો-કૃષિ
નોકરિયાતવર્ગ અને વેપારીબંધુઓ બંને માટે આમ તો આવનારું વર્ષ શુભ રહેશે. જોકે જેમને રાહુ કે ગુરુની મહાદશા કે આંતરદશા ચાલતી હોય તેઓ માટે થોડોઘણો પડકાર રહી શકે તેમ છે. જો જોબ બદલવાની ઈચ્છા હોય, તો 30 જાન્યુઆરી પછી નિર્ણય લેવો ઉચિત ગણાય. વ્યવસાય કરનાર જાતકો માટે જૂન-2022 સુધીનો સમય મહેનતના પ્રમાણમાં સારું ફળ આપનાર રહી શકે તેમ છે. કૃષિકાર્યો બાબતે આવનારો સમય શુભ રહેશે.
જમીન-મકાન-સંપત્તિ
આપની રાશિ ગમે તે હોય, પણ જો આપનું જન્મ લગ્ન વૃષભ હોય તો માર્ચ-2022 સુધી જમીન-મકાન બાબતે સફળતા મળવાનો નાનો યોગ બની રહ્યો છે. યોગ બળવાન નથી એટલે આંશિક સફળતા જ મળી શકે છે. તેમાં પણ વૃષભ લગ્ન ધરાવતા જે વ્યક્તિઓનો જન્મ વર્ષ 1979 દરમિયાન થયો હોય, તો મિલકત બાબતે કાયમી વિલંબ અને અસંતોષ રહી શકે. તેથી કંટાળીને ઉતાવળિયો નિણર્ય ન લેવો. ટૂંકમાં, યોગ થોડો નિર્બળ હોવાથી વિશેષ મહેનત કરવાથી નવા વર્ષમાં ઇચ્છાપૂર્તિ થઈ શકે છે.
શત્રુ-કોર્ટ કચેરી
જો આપની સામે ન્યાયિક તપાસ ચાલી રહી હોય અને ફોજદારી કેસ થયો હોય તો એપ્રિલ-2022 પછી થોડી ચિંતા વધી શકે છે. જો આપનો જન્મ 1967 અથવા 1985/86નો હોય અને આપનું વૃષભ લગ્ન હોય, તો સમાધાનમાં જ શાણપણ છે. જો રાહુની મહાદશા ચાલતી હોય તો વિશેષ સજાગ રહેવું પડશે. જો આપ વાદી હો અને ન્યાય માટે લડી રહ્યા હો તો થોડી ધીરજ રાખવી પડશે.
સ્ત્રીવર્ગ
વૃષભ રાશિ અને લગ્નના જાતકો માટે જાન્યુ-2022 સુધી કૌટુંબિક સુખમાં થોડા ચડાવ-ઉતાર રહેશે. એ પછી કામની કદર થાય અને જશ મળશે. નોકરી કરતી સ્ત્રીઓ માટે 15-ફેબ્રુઆરી પછી કામકાજમાં બોજો રહેશે પણ સાથે સાથે ઉપરી અધિકારી તરફથી સહકાર અને પ્રશંસા પણ મળશે. વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે એપ્રિલ-2022 પછીનો સમય નવા સંબંધો, કમ્યુનિકેશન અને પ્રવાસ માટે શુભ રહેશે અને એના થકી આર્થિક લાભ મળવાપાત્ર છે.
પ્રેમ સંબંધ
નવા વર્ષના પ્રથમ પાંચ-છ માસ પ્રેમ-સંબંધ માટે શુભ નથી. ઉતાવળિયો નિર્ણય ગૂંચવાડા ઊભા કરી શકે છે. અપેક્ષાના ઝઘડા થઈ શકે તેમ છે. સામેની વ્યક્તિની જીદ બંને માટે નુકસાનકારક છે. ધીરજ રાખી સમય પસાર કરો. એપ્રિલ પછી ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં નવી ઊર્જાનો આવિષ્કાર થશે. કુટુંબ તરફથી જો પાત્ર માટે પરવાનગી મળી ગઈ હોય, તો એપ્રિલથી ડિસેમ્બર-2022 સગાઈ અને લગ્ન બંને માટે શુભ છે.
વિદેશયોગ
વિદેશમાં અભ્યાસ માટે મૂળ કુંડળીનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. લાખો રૂપિયા ખર્ચીને જ્યારે અગત્યનો નિર્ણય લેવાનો હોય, ત્યારે ગ્રહોની સ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ આવશ્યક બની જાય છે. છતાં રાશિગત સામાન્ય ફળાદેશ જોઈએ તો, વૃષભ રાશિના જાતકો માટે નૂતન વર્ષ દરમિયાન વિદેશ-પ્રવાસ બાબતે થોડો વિલંબ થઈ શકે તેમ છે. ધારો કે આપ વિદેશ પહોંચી પણ જાવ, તો એપ્રિલ સુધી થોડો સંઘર્ષ રહી શકે છે.
ગોચર ઉપાય
રાત્રિભોજન રસોઈઘરમાં બેસીને કરવાનું છે. પગની તકલીફ હોય તો ખુરશી મૂકી શકાય. ગરમાગરમ ઉતરતી રસોઈ જ લેવી એટલે ભોજન ફરી ગરમ ન કરવું. નવે. થી માર્ચ. દરમિયાન કોઈ પણ મંગળવારથી શરૂ કરી સળંગ ૪૨ દિવસ આ ઉપાય કરવો. આ ઉપરાંત દરરોજ "ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ" નો માનસિક જાપ કરવો. જૈનબંધુઓએ કાળી સુતરની નવકારવાળીથી "ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ" ની રોજ ૩ માળા કરવી.
ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 6,7,12,13,14,15,16,22,23 | 1,8,9,27,28 |
ડિસેમ્બર | 3,4,9,10,11,12,13,19,20 | 5,6,14,15,24,25 |
જાન્યુઆરી | 5,6,7,8,9,15,16,27,28 | 1,2,10,11,20,21,29,30 |
ફેબ્રુઆરી | 3,4,5,6,12,13,23,24 | 7,8,17,18,25,26 |
માર્ચ | 2,3,4,5,11,12,23,24,29,30,31 | 6,7,16,17,25,26 |
એપ્રિલ | 1,7,8,19,20,25,26,27,28,29 | 3,4,12,13,21,22,30 |
મે | 5,6,16,17,22,23,24,25,26 | 1,10,12,18,19,27,28 |
જૂન | 1,2,13,14,19,20,21,22,23,28,29 | 6,7,15,16,24,25 |
જુલાઈ | 10,11,16,17,18,19,25,26,27 | 3,4,5,12,13,20,21,22,30,31 |
ઓગસ્ટ | 6,7,13,16,22,23 | 1,9,10,17,18,27,28 |
સપ્ટેમ્બર | 3,4,9,10,11,12,18,19,30 | 5,6,13,14,23,24 |
ઓક્ટોબર | 1,6,7,8,9,15,16,27,28 | 2,3,11,12,21,22,29,30 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.