વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:તુલા જાતકો માટે માર્ચ સુધીનો સમય સામાન્ય રહેશે, એપ્રિલ પછી નવી તક મળી શકે છે

એક વર્ષ પહેલા

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરૂ ગ્રહનું વર્ષફળ
તુલારાશિ/લગ્નના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરુ ગ્રહ ૫મેં ભ્રમણ કરશે જે નવી તક આપશે. ભણતર, ધાર્મિક મુસાફરી અને લાંબા પ્રવાસો માટે ગુરૂ શુભ ફળ પ્રદાન કરશે જોકે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રના જાતકો માટે ગુરૂની આ સ્થિતિ વધારે અનુકૂળ ગણાય. વિશાખા નક્ષત્રના જાતકોને કાર્યોમાં અસંતોષ જણાશે. ૧૩ એપ્રિલથી ગુરૂ ૬ઠ્ઠે ભ્રમણ કરશે જે નિયમિત આવક અને આરોગ્ય બાબતે રાહત આપશે જોકે ઓગસ્ટથી નવે દરમિયાન આરોગ્ય, પ્રવાસ, આર્થિક લેવડદેવડ અને લખાણ સંબંધિત કાર્યો માટે પ્રતિકૂળ ગણાય. શનિ ગ્રહનું વર્ષફળમે તથા જૂન આ બે મહિનાને બાદ કરતાં સમગ્ર સંવત-૨૦૭૮ દરમિયાન તુલારાશિ/લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ ચોથા ભાવ પરથી રહેશે. ખાસ કરીને વિશાખા નક્ષત્ર ધરાવતાં અશક્ત અને બિમાર વ્યક્તિઓએ ફેફસાં અને હૃદય સંબંધી થોડી કાળજી રાખવી. મકાન-મિલકત બાબતે શનિ વિલંબ કરાવશે. જો લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા છો તો વિદેશ પ્રવાસ માટે શનિની આ ઊર્જા પરોક્ષ રીતે આપને મદદરૂપ થશે તેમાં પણ વિઝિટર વિઝા પર જવા માટે નૂતન વર્ષ વધારે શુભ રહેશે.

રાહુ ગ્રહનું વર્ષફળ
માર્ચ-૨૦૨૨ સુધી આઠમે ભ્રમણ કરી રહેલ રાહુ આકસ્મિક મોટા લાભ બાબતે મૃગજળ સમાન સાબિત થશે. મિલકત સને વારસાઈ બાબતે ગૂંચવાડા ઉભા કરશે એટલે ધીરજ રાખવી પડશે. કુટુંબ અને સાસરીપક્ષમાં આ રાહુ કડવાશ ઉભી કરી શકે જોકે એપ્રિલ પછી રાહુનું ૭મેં ભ્રમણ ધીમે ધીમે આ ગૂંચવાડા દૂર કરશે જોકે એપ્રિલથી નવે દરમિયાન ભાગીદાર કે જીવનસાથી સાથે વિચારોમાં વિરોધાભાસ રહી શકે. જો આવી પરિસ્થિતિનો અનુભવ થાય તો રાહુના ઉપાય કરવાથી થોડી રાહત મળી શકે.

માનસિક સ્થિતિ
જો આપનું ચંદ્ર નક્ષત્ર ચિત્રા કે સ્વાતી છે તો આવનારું વર્ષ ગત વર્ષની સરખામણીમાં માનસિક રાહત આપનારું રહેશે. વિશાખા નક્ષત્ર ધરાવતાં વ્યક્તિઓને થોડો ઉચાટ રહેશે જોકે વિશાખાવાળા જાતકોમાં પરિસ્થિતિને સહન કરવાની કુદરતી શક્તિ રહેલી હોય છે એટલે નવા વર્ષમાં થોડોઘણો ભલે આંતરિક ઉચાટ રહે પણ આસપાસના લોકો પર વર્તાવા નહીં દે જે આ નક્ષત્રનો વિશેષ ગુણ છે.

આર્થિક સ્થિતિ
વીતેલાં વર્ષમાં બચત અને આવક પર અચાનક વિજળી ત્રાટકી હશે પણ હવે ચિંતા ન કરશો. માર્ચ પછી સ્થિતિ અનુકૂળ થતી દેખાશે. ખોટા ખર્ચા કે નુકશાન થવાની શક્યતા નહીવત છે. ભલે પદ-પોઝીશન ખાસ નહીં મળે પણ કામ નહીં રોકાય. જો આપનું જન્મ લગ્ન તુલા છે અને નક્ષત્ર સ્વાતી કે વિશાખા છે તો નૂતન વર્ષમાં આળસ છોડશો તો આવક પણ વધશે.

લગ્નજીવન
૨૦૨૨ દરમિયાન અપેક્ષાના મીઠાં ઝઘડા રહી શકે છે. જો મૂળકુંડળી લગ્નજીવન બાબતે નિર્બળ હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. ફરિયાદ અને અસંતોષ સંબંધો બગાડી શકે છે. જે વ્યક્તિઓનો જન્મ ખાસ કરીને તુલા લગ્નમાં થયો છે અને જીવનસાથી શોધી રહ્યા છે તો ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે. છેતરામણી ન થાય તે માટે સામેના પાત્ર અને કુટુંબની યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવો.

આરોગ્ય અને પ્રવાસ
જો મૂળકુંડળીમાં રાહુ ૮મેં છે તો રાહુનું આ ભ્રમણ આપને મધુપ્રમેહ કે રક્તચાપની દવા કાયમી ધોરણે ચાલુ કરાવી શકે છે. ખાસ કરીને ચિત્રા નક્ષત્રવાળા વડીલો માટે સલાહ છે કે એકવાર રૂટિન ચેકઅપ કરાવી લેવું. આ ઉપરાંત તુલા રાશિ અને તુલા લગ્નવાળાએ પેટ, નાભિથી નીચે અને લૉઅર બેકમાં થોડું ધ્યાન રાખવું. કોઈ ચિહ્ન જણાય તો આળસ ખંખેરી ચિકિત્સા કરાવી લેવી. તુલાવાળા પ્રવાસપ્રેમી હોવાથી નાના-મોટા પ્રવાસો હંમેશા થતાં રહે છે.

સંતાન અને અભ્યાસ
ખાસ કરીને તુલાલગ્ન ધરાવતાં વિદ્યાર્થીઓને જો ટોપ કરવું હશે તો ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. મોજશોખ અને મિત્રો સાથેનો સમયનો દુરુપયોગ નુકશાન કરી શકે તેમ છે. ઘરમાં જ ભણવાની ટેવ રાખવી. માર્ચ સુધીનો સમય એકંદરે સારો છે પણ એપ્રિલ થી નવે દરમિયાન વધારે એકાગ્રતા કેળવવી પડશે. પ્રવાસ માટે અત્યારથી લઈને માર્ચ સુધીનો સમય શુભ છે. ચિત્રા નક્ષત્ર ધરાવતાં વ્યક્તિઓએ ડીસે. માસ દરમિયાન વાહન ધીમેથી ચલાવવું.

નોકરી-ધંધો-કૃષિ
જો આપ જોબ કરો છો તો નૂતન વર્ષમાં માર્ચ સુધીનો સમય આપના માટે થોડો સામાન્ય રહેશે. એપ્રિલ પછીનો એક વર્ષનો સમય જોબ માટે વધારે શુભ ગણાય છતાં વ્યાજ કે હપ્તા ભરવામાં મોટા ભાગનો પગાર વેડફાય ન જાય તે માટે યોગ્ય આયોજન કરવાની સલાહ છે. ચિત્રા નક્ષત્રવાળાને એપ્રિલ પછી પગાર વધારો પણ દેખાય શકે છે. વેપારીવર્ગ અને ખેડૂતમિત્રો માટે થોડો પડકાર રહેશે પણ કામ અટકશે નહીં.

જમીન-મકાન-સંપત્તિ
નૂતનવર્ષ જમીન-મકાન બાબતે અનુકૂળ નથી. વિલંબ અને અસંતોષનો યોગ છે. જો ફક્ત રોકાણ માટે જગ્યા લેવી છે તો પોતાના શહેર/ગામથી દૂર લેવાની સલાહ છે જો ભાગીદારીમાં જગ્યા ખરીદવાની છે તો ગૂંચવાડા રહી શકે છે. જો ઘરનું ઘર કરવાની વાત છે તો હજી થોડી ધીરજ રાખવી જરૂરી છે. જો આ શક્ય ન હોય તો એપ્રિલ/મે-૨૦૨૨ દરમિયાન એક નાનો યોગ બની રહ્યો છે. આ સમય દરમિયાન પ્રયત્નો વધારવાથી કદાચ સફળતા મળી શકે.

શત્રુ-કોર્ટ કચેરી
જો આપનું વિશાખા કે સ્વાતિ નક્ષત્ર છે અને આપ ન્યાય માટે લડી રહ્યા છો તો હજી ધીરજ રાખવી પડશે. તેમાં પણ જો આપનું તુલા લગ્ન છે તો વિલંબ પણ આપના માટે લાભકારી સાબિત થશે એટલે ઉતાવળ ન કરશો. ચિત્રા નક્ષત્ર ધરાવતાં જાતકો માટે એપ્રિલ પછીનો સમય સમાધાન માટે શુભ છે. જો તમને આરોપ પૂરવાર થવાનો ભય છે તો મે-૨૦૨૨ પછી સામેથી જઈને માફી માંગો અને સમાધાન કરી લો.

સ્ત્રીવર્ગ
જે સ્ત્રીઓ સ્વતંત્ર વ્યવસાય કરે છે તેમના માટે નૂતન વર્ષના પ્રથમ છ માસ થોડા પડકારજનક રહેશે. ભલે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે પણ જો આપ કર્મનિષ્ઠ છો તો બિલકુલ ચિંતા ન કરશો, પરિશ્રમનું પરિણામ પાછળના છ માસ દરમિયાન અવશ્ય દેખાશે. નોકરી કરનાર સ્ત્રીઓ અને ગૃહિણીઓ માટે જશ થોડો ઓછો રહેશે. નવા વર્ષે પતિદેવને મનાવીને જો નાની-મોટી મુસાફરીનું આયોજન કરશો તો આપનું વ્યક્તિત્વ ખીલી ઉઠશે.

પ્રેમ સંબંધ
પ્રેમ અને લાગણીને શબ્દોનું રૂપ આપવું છે તો એપ્રિલ સુધીનો સમય શુભ છે. કદાચ કુટુંબના સભ્યોને મનાવતાં વાર લાગશે પણ જો પાત્ર યોગ્ય હશે તો સફળતા મળવાની શક્યતા પણ છે. જો પ્રેમ વ્યક્ત કરવામાં કે પરિવારને રાજી કરવામાં વિલંબ થશે તો મે/જૂન પછી સફળ થવાની શકયતા ઘટતી જશે. મે-૨૦૨૨ પછીનો સમય પ્રેમસંબંધ માટે થોડો પ્રતિકૂળ રહી શકે છે. પાત્ર યોગ્ય છે હજી થોડી ધીરજ રાખો.

વિદેશયોગ
ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય અથવા ઘરમાં એકલતાની ઉર્જા લાગી રહી છે તો દૂરનો લાંબો પ્રવાસ આપના માટે ઔષધિનું કામ કરશે. જ્યાં સુધી વિદ્યાર્થીબંધુઓની વાત છે તો યુનિ.ની પસંદગી બાબતે થોડી બાંધછોડ કરીને સપનું સાકાર કરી શકાય તેમ છે. વિઝિટર વિઝા પર જવા માટે નવે થી એપ્રિલનો સમય શુભ છે. જોબ અંતર્ગત વિદેશ જવા માટે સમગ્ર નૂતનવર્ષ શુભ અને બળવાન છે.

ગોચર ઉપાય
ઘરમાં ક્રિસ્ટલ/કાચનો ઉપયોગ સજાવટના રૂપમાં કરવો. આરોગ્યવર્ધક ગિલોય, ત્રિફળા, સૂંઠ, મેથી, કારેલાનું નિયમિત સેવન કરવું. દર મંગળવારે વિઘ્નહર્તા સમક્ષ ૧૧ વાર અંગારક સ્તોત્ર કરવો અને સફાઈ કામદારને રોકડ કે દાન આપવું. ઉપરાંત દર શુક્રવારે કુળદેવી અથવા માઁ દુર્ગાના દર્શન કરવા જવું. જૈનમિત્રોએ નિયમિત નીલવર્ણના પુષ્પો વડે નેમિનાથ ભગવાનની પૂજા કરવી અને મહિનાના કોઈ પણ એક મંગળવારે કાળી વસ્તુઓનું દાન કરવું.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર1,7,17,18,24,25,26,27,282,3,10,11,19,20,29,30
ડિસેમ્બર4,14,15,22,23,24,257,8,17,26,27
જાન્યુઆરી1,10,11,12,18,19,20,21,284,5,13,14,23,24,31
ફેબ્રુઆરી7,8,14,15,16,17,18,241,9,10,19,20,28,29
માર્ચ6,7,13,14,15,16,17,241,9,10,18,19,27,28
એપ્રિલ2,3,4,10,11,12,13,19,20,28,305,6,15,16,23,24
મે1,7,8,9,10,11,16,17,27,282,3,4,12,13,20,21,29,30,31
જૂન3,4,5,6,7,13,23,248,9,10,17,18,25,26,27
જુલાઈ1,2,3,4,5,10,11,20,21,28,29,30,316,7,14,15,22,23,24
ઓગસ્ટ1,7,8,17,18,24,25,26,27,282,3,11,12,19,20,29,30
સપ્ટેમ્બર2,3,4,13,21,22,23,24,25,307,8,16,17
ઓક્ટોબર1,10,11,18,19,20,21,22,27,284,5,13,14,23,24
અન્ય સમાચારો પણ છે...