વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે રાહુ મિથુન જાતકોના લાભસ્થાનમાં જશે, આર્થિક અને સામાજિક બંને પ્રકારના લાભ મળી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ
મિથુન રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુ નવમે ભાગ્યસ્થાન પરથી ભ્રમણ કરશે. આ ભાગ્યવૃદ્ધિનો યોગ ગણાય, પણ કુંભ રાશિનો નિર્બળ ગુરુ સંતોષકારક સફળતા ન આપે, છતાં નવી શરૂઆત, પ્રવાસ, ધર્મ, જ્ઞાન, અભ્યાસ બાબતે ગુરુ મહારાજ આપને કંઈક સહાય અવશ્ય કરશે. ભાગ્યમાં થોડો હકારાત્મક ફેરફાર દેખાશે. શનિ અને રાહુની સ્થિતિ થોડી પ્રતિકૂળ હોવાથી મોટો લાભ મળવામાં પડકાર રહેશે, પણ એપ્રિલ પછીનો સમય ખાસ કરીને મૃગશીર્ષ અને આર્દ્રા નક્ષત્રના જાતકો માટે આર્થિક અને કૌટુંબિક દૃષ્ટિએ શુભ રહેશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078 દરમિયાન શનિદેવ આઠમે ભ્રમણ કરશે. આ સ્થિતિને નાની પનોતી કહેવાય. ગત વર્ષ દરમિયાન પણ આ જ સ્થિતિ હતી. આ સ્થિતિ આવક ઘટાડે. દરેક બાબતમાં વિલંબ સ્વાભાવિક રહેશે. મે-2022 સુધી બેંક બેલેન્સ ઘટી ન જાય, તેનું ધ્યાન રાખવું. વાણી પર સંયમ રાખવો પડશે નહીંતર કડવાશ ઊભી થશે. પંચમ ભાવ પર કેતુ અને શનિનો પ્રભાવ પ્રેમ, ભણતર, બુદ્ધિ, નિર્ણયો, શેર-સટ્ટા વગેરેમાં ધાર્યા કરતાં સફળતા ઓછી આપે તેથી એપ્રિલ સુધી આ બાબતોમાં થોડું સજાગ રહેવું.

રાહુ ગ્રહનું વર્ષ
ફળરાહુનું આપની મિથુન રાશિથી બારમે ભ્રમણ ચાલી રહ્યું છે. વીતેલા વર્ષ દરમિયાન પણ રાહુની આ જ સ્થિતિ હતી. માર્ચ-2022 સુધી હજી પણ આ સ્થિતિ રહેવાની છે, જે યુવાધનને ખર્ચ, નોકરીમાં ફેરફાર, બંધન, નુકસાન, આવક-બચતમાં અસંતોષ આપે. જ્યારે અશક્ત અને વૃદ્ધ વ્યક્તિઓને માનસિક કે શારીરિક પ્રશ્ન આપી શકે. જોકે એપ્રિલથી રાહુ આપની મિથુન રાશિથી લાભસ્થાનમાં જશે. જે આર્થિક અને સામાજિક બંને પ્રકારના લાભ કરાવશે. આમ, માર્ચ-2022 સુધી અસમંજસની સ્થિતિ બની રહેશે એટલે શાંતિથી સમય પસાર કરવો.

માનસિક સ્થિતિ
આપનો જન્મ જો મિથુન રાશિના આર્દ્રા નક્ષત્રમાં થયો હોય, તો ફેબ્રુઆરી સુધી થોડો માનસિક તણાવ રહી શકે છે. જે વ્યક્તિઓનું ચંદ્ર નક્ષત્ર મૃગશીર્ષ કે પુનર્વસુ છે તો વીતેલાં વર્ષની સરખામણીમાં આવનારું વર્ષ માનસિક દૃષ્ટિએ સારું રહેશે. જોકે નાની પનોતીની થોડીઘણી અસર રહેશે. વિશેષ કરીને અશક્ત અને વયોવૃદ્ધ વ્યક્તિઓને આરોગ્ય સંબંધી થોડો માનસિક ઉચાટ રહી શકે છે.

આર્થિક સ્થિતિ
ખાસ કરીને મિથુન લગ્નના જાતકોને હાથ પર રોકડની અછત વર્તાશે. જોકે એપ્રિલ/મે-2022 પછી થોડી રાહત જણાશે. આર્થિક આયોજન યોગ્ય રીતે કરવાની સલાહ છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો પડશે. જો કોઈ રોકાણના કારણે બેંક બેલેન્સ ઘટે અને ખેંચ વર્તાય તો વાંધો નથી. ખોટા તર્ક દ્વારા લીધેલો ઉતાવળિયો નિર્ણય આર્થિક તાણ આપી શકે છે.

લગ્નજીવન
મિથુન રાશિ/લગ્નના જાતકો માટે આવનારા વર્ષ દરમિયાન દાંપત્યજીવનમાં મીઠાશ રહેશે. જો મૂળકુંડળીમાં 7મો ભાવ દૂષિત છે અને જીવનસાથી સાથે અણબનાવ ચાલી રહ્યા છે, તો હવે સમાધાનનો રૂડો અવસર છે. તાર્કિક દલીલ છોડી એક નાનો પ્રયત્ન પણ કરશો, તો દાંપત્યજીવનની કડવાશ દૂર થઈ શકે તેમ છે. નૂતન વર્ષ દરમિયાન જીવનસાથી દ્વારા આપને લાભ પણ મળી શકે તેમ છે. અવિવાહિતો માટે એપ્રિલ સુધી સગાઈ/લગ્નનો શુભ યોગ છે.

આરોગ્ય અને પ્રવાસ
સંવત-2078ના શરૂઆતના પાંચ-છ મહિના શનિનું આઠમે તથા રાહુનું બારમે ભ્રમણ શારીરિક કે માનસિક દૃષ્ટિએ શુભ ન ગણાય. જે વ્યક્તિઓને શનિ કે રાહુની મહાદશા કે આંતરરદશા ચાલતી હોય તેમણે થોડી વિશેષ કાળજી લેવી. જો આપનું આર્દ્રા નક્ષત્ર હોય તો માર્ચ સુધી આરોગ્યની થોડી વિશેષ કાળજી રાખવી. આંખ, દાંત, ગળા, ખભા કે પગની થોડીઘણી તકલીફ રહી શકે છે. નાના-મોટા પ્રવાસ માટે આવનારું વર્ષ મધ્યમ રહી શકે.

સંતાન અને અભ્યાસ
વિશેષ કરીને મિથુન લગ્ન ધરાવતાં વિદ્યાર્થીઓએ 2022 દરમિયાન ગંભીરતા કેળવવી પડશે. શનિની દૃષ્ટિના કારણે માર્ચ/એપ્રિલ દરમિયાન મહેનત વધારવી જરૂરી છે. એપ્રિલથી કેતુની ભૂમિકા પણ ભણતર બાબતે અચાનક ફેરફાર લાવી શકે છે તેથી આવનારા વર્ષમાં પુરુષાર્થ અને એકાગ્રતા જરૂરી રહેશે. ગોખણપટ્ટીની કુટેવ નુકસાન કરશે. સંતાનપ્રાપ્તિ માટે નૂતન વર્ષ મધ્યમ ફળદાયી હોવાથી નિઃસંતાન સ્ત્રીઓ માટે ફેબ્રુ/માર્ચ સુધીનો સમય ગર્ભધારણ માટે શુભ ગણાય.

નોકરી-ધંધો-કૃષિ
સંવત-2078નું વર્ષ વેપારીમિત્રો માટે રાહત આપનાર રહેશે. આવક બાબતે અસંતોષ રહેશે છતાં પણ 2021ની સરખામણીમાં 2022માં સારું ડેવલપમેન્ટ દેખાશે. ઓગસ્ટ/સપ્ટે. પછી વેપારમાં સ્પષ્ટતા અને ગતિ દેખાશે. જોબ કરનાર મિત્રો માટે એપ્રિલ/મે પછીનો સમય સારો ગણાય. જો આપનું જન્મલગ્ન મિથુન હોય અને લગ્ન-નક્ષત્ર મૃગશીર્ષ છે તો 2022 દરમિયાન પ્રમોશનની શક્યતા પણ પ્રબળ છે. એપ્રિલ પછીનું એક વર્ષ કૃષિકાર્યો માટે અનુકૂળ ગણાય.

જમીન-મકાન-સંપત્તિ
જો આપનું જન્મલગ્ન કે જન્મ રાશિ મિથુન હોય અને નક્ષત્ર 'મૃગશીર્ષ' હોય તો એપ્રિલ/મે પછી નવી મિલકત, રીનોવેશન કે વાહન બાબતનો શુભ યોગ આવી રહ્યો છે. જો આપની મૂળકુંડળીમાં મિલકત યોગ બળવાન છે અને 'મૃગશીર્ષ' નક્ષત્રનો પ્રભાવ છે તો એપ્રિલથી ડિસે. દરમિયાનનો સમય રોકાણ માટે શુભ અને બળવાન છે. 'આર્દ્રા' અને 'પુનર્વસુ' નક્ષત્ર ધરાવતાં જાતકો માટે નવે-2022 થી એપ્રિલ-2023નો યોગ વધારે અનુકૂળ ગણી શકાય. વારસાગત મિલકત બાબતે વિલંબ પછી સફળતા મળે તેમ છે.

શત્રુ-કોર્ટ કચેરી
ખાસ કરીને મિથુન લગ્નના જાતકો માટે કોર્ટ-કચેરી બાબતે નૂતન વર્ષનો આરંભ ગૂંચવાડા અને વિલંબથી થશે. એપ્રિલ પછી સ્પષ્ટતા દેખાશે. જો આરોપ પુરવાર થવાનો ભય તમને સતાવી રહ્યો હોય, તો સમાધાન એ જ શાણપણ ગણી શકાય. તેમાં પણ આપનું રાશિ કે લગ્નનું નક્ષત્ર 'આર્દ્રા' છે તો માર્ચ/એપ્રિલ સુધીનો સમય થોડો ઉચાટવાળો રહી શકે છે. જો આપ ન્યાયની લડત લડી રહ્યા હો, તો વિલંબ પછી સફળતા મળશે.

સ્ત્રીવર્ગ
વીતેલું વર્ષ સ્ત્રીવર્ગ માટે કોઈ ને કોઈ કારણસર માનસિક ઉચાટવાળું રહ્યું, પણ હવે ગત વર્ષની સરખામણીમાં નૂતન વર્ષ કંઈક રાહત આપશે. જો કર્મ સારા કરી રહ્યા હશો તો હવે યશ મળશે. કામની કદર થતી દેખાશે. જોકે વિવાહિત સ્ત્રીઓએ સાસરી પક્ષની વિશેષ જવાબદારી ઉપાડીને સંતુલન રાખવું પડશે. વ્યવસાય કરનાર સ્ત્રીઓને થોડી રાહત રહેશે. જે સ્ત્રીઓ જોબ કરે છે તો સામાન્ય પગાર વધારો દેખાઇ શકે છે.

પ્રેમસંબંધ
પ્રેમસંબંધ બાબતે ચડાવ-ઉતાર રહી શકે છે. કોઈ સમય દરમિયાન પ્રેમવર્ષામાં ભીંજાવાની ખુશી તો કોઈક વાર વીજળીના ભયાનક અવાજની ધ્રુજારી એટલે 'કભી ખુશી કભી ગમ' જેવી સ્થિતિનો અનુભવ થઈ શકે છે. શ્રેષ્ઠ ઉપાય છે કે સમય પસાર થવા દો. આપનામાં તર્ક અને વિશ્લેષણનો જે ગુણ છે તેનો ઉપયોગ કરીને નિર્ણય લો અને જો ધીરજ રાખી શકશો તો સામેના પાત્રને વધુ સારી રીતે પારખવાની તક મળશે.

વિદેશયોગ
વિદેશયોગ બાબતે યોગ પ્રબળ નથી, છતાં પ્રયત્નો વધારવાથી પરિણામ મળી શકે છે. ખાસ કરીને મિથુન લગ્નના જે વ્યક્તિઓ હરવા-ફરવા માટે વિદેશ જવા માંગે છે તેમના માટે એપ્રિલ સુધી સામાન્ય યોગ છે. ત્યાર બાદ કોઈ કારણસર વિલંબ થઈ શકે છે. ભણતર માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે નવે.થી માર્ચમાં એક નાનો યોગ બની રહ્યો છે. તે પછી મે મહિનાથી ડિસે. નવી યુનિ.માં એડમિશન લેવા માટે શુભ રહેશે.

ગોચર ઉપાય
દર શનિવારે જળમાં મુઠ્ઠીભર કાળા તલ નાંખીને સ્નાન કરવું. નિયમિત હજામત કરવી અને કેશ, નખની ચોખ્ખાઈ રાખવી. રોજ અથવા શનિવારે પીપળે જળ ચઢાવવું. જો આ શક્ય ન હોય તો "ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ્" ૧૦૮ વાર બોલી ઘરેથી નીકળવું. જૈનમિત્રોએ દર શનિવારે મુનિસુવ્રત સ્વામીના દર્શન કરવા જવું. રોજ મુનિસુવ્રત સ્વામીના મંત્રની એક માળા અને પછી શાંતિપાઠ કરવો. વૃદ્ધ-અપંગ ભિક્ષુકને શનિવારે ગરમાગરમ મેદુવડાં ખવડાવવા.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર8,9,14,15,16,17,18,25,262,3,10,11,19,20,29,30
ડિસેમ્બર5,6,12,13,14,15,16,22,237,8,17,18,26,27
જાન્યુઆરી2,3,8,9,10,11,12,18,19,29,304,5,13,14,23,24,31
ફેબ્રુઆરી4,5,6,7,8,15,16,26,271,2,9,10,11,19,20,28
માર્ચ4,5,6,7,14,15,25,26,311,8,9,10,18,19,27,28
એપ્રિલ1,2,3,4,10,11,21,22,27,28,29,305,6,15,16,23,24,
મે1,7,8,9,18,19,25,26,27,282,3,12,13,20,21,29,30,31
જૂન4,5,15,16,21,22,23,24,259,10,17,18,26,27
જુલાઈ1,2,12,13,18,19,20,21,22,28,296,7,14,15,23,24
ઓગસ્ટ9,10,15,16,27,18,24,25,262,3,11,12,19,20,29,30
સપ્ટેમ્બર5,6,12,13,14,21,227,8,16,17,25,26,27
ઓક્ટોબર2,3,8,9,10,11,12,18,19,29,304,5,13,14,23,24,31