વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:નવું વર્ષ મેષ જાતકો માટે આર્થિક દૃષ્ટિએ શુભ રહેશે, આ વર્ષે તમે નમશો તો સૌના પ્રિય બનશો

6 મહિનો પહેલા

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ
મેષ રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુ ગ્રહ લાભસ્થાનમાં રહેશે. એ પછી ગુરુનું બારમા ભાવ પરથી ભ્રમણ રહેશે. લાભસ્થાનની સ્થિતિ આપને નવે. થી એપ્રિલ દરમિયાન બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવામાં સહાય કરશે. આ ઉપરાંત, ભણતર, સંતાનસુખ, ભાઈભાંડુસુખ, નાના પ્રવાસ, કમ્યુનિકેશન, શોધખોળ માટે ગુરુ મદદ કરશે. એપ્રિલ પછી બારમે ગુરુ બજેટ બહારના ખર્ચા કરાવી શકે છે. શુભ કાર્યો પાછળ વિશેષ ખર્ચ રહેશે. દાન, ધર્મ-ધ્યાન, સંસ્થા, ન્યાયાલય પરત્વેના કાર્યોમાં બારમે રહેલ ગુરુ રાહત આપશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078 દરમિયાન શનિ મેષ રાશિ/મેષલગ્નથી દશમ ભાવમાં ભ્રમણ કરશે. શનિ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી જો આપનામાં પ્રમાણિકતા, પુરુષાર્થ અને પરોપકારના ગુણો રહેલા હોય, તો કર્મસ્થાનમાં ભ્રમણ કરી રહેલ મકર રાશિનો બળવાન શનિ માર્ચ થી જૂન દરમિયાન પદ પ્રાપ્તિ પણ આપી શકે છે. એનાથી ઊલ્ટું જો પૂર્વ જન્મનાં કર્મોનાં ફળસ્વરૂપ શનિ આપની કુંડળીમાં નિર્બળ હોય, તો નૂતન વર્ષ દરમિયાન શનિની આ સ્થિતિ માનહાનિ, ક્લેશ, ખર્ચા, સ્થળાંતર અને હૃદયમાં ઉચાટ આપશે.

રાહુ ગ્રહનું વર્ષફળ
મેષ રાશિ/લગ્નના જાતકો માટે નવે. થી માર્ચ દરમિયાન રાહુનું ભ્રમણ બીજા ભાવ પરથી રહેશે. વીતેલાં વર્ષમાં પણ આ જ સ્થિતિ હતી. રાહુનું આ ભ્રમણ વાણીથી કમાણી માટે શ્રેષ્ઠ ગણાય. આર્થિક દૃષ્ટિએ આ સ્થિતિ શુભ છે, છતાં અસંતોષ રહેશે. દાંત, આંખ કે ગળાની તકલીફ અથવા તામસિક ખાનપાન આ ભ્રમણની નકારાત્મક અસર છે. એપ્રિલ પછી રાહુનું પ્રથમ ભાવમાં ભ્રમણ જબરજસ્ત મહત્ત્વાકાંક્ષા અને ઊંચા ધ્યેય આપશે. સાહસ અને ઝનૂનમાં ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.

માનસિક સ્થિતિ
મેષ રાશિના અશ્વિની નક્ષત્રમાં જેનો જન્મ થયો છે, તેઓ માટે નૂતન વર્ષ માનસિક સ્વસ્થતા આપનારું રહેશે. ભરણી અને કૃતિકા નક્ષત્ર ધરાવનાર જાતકોના મનમાં ગૂંચવાડા અને અસંતોષ રહેશે. માર્ચ પછી ચંદ્ર પરથી રાહુનું ભ્રમણ અકળામણ અને ગુસ્સો આપશે. આવનારા વર્ષ દરમિયાન અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષા ઘટાડવી પડશે. ધીરજ અને સંતોષનો ગુણ કેળવી શકશો, તો માનસિક સ્થિતિ સારી રહેશે.

આર્થિક સ્થિતિ
અહમ્ અને જીદ છોડી સામે ચાલીને લોક-સંપર્ક વધારશો તો આપને નાણાંકીય લાભ મળી શકે તેમ છે. નમશો તો સૌના પ્રિય બનશો અને તેનાથી લાભ મળશે. જો મહાદશા શુભ ચાલે છે તો નવેમ્બર-2021 થી એપ્રિલ-2022 દરમિયાન મહેનતના પ્રમાણમાં આર્થિક લાભ મળશે. મે-2022 પછી ખર્ચનું પ્રમાણ વધારે રહી શકે તેમ છે. આર્થિક આયોજન યોગ્ય રીતે કરવાની સલાહ છે.

લગ્નજીવન
આવનારા વર્ષ દરમિયાન દાંપત્યજીવનમાં થોડું બેલેન્સ કરવું પડશે. આપ જીવનસાથી માટે સમય ફાળવી નહીં શકો અથવા ખોટી ગેરસમજ ઊભી થઈ શકે છે. બંને કિસ્સામાં ઝઘડા સ્વાભાવિક છે. મે-2021 પછીના છ-આઠ મહિના દરમિયાન સંબંધોમાં કડવાશ ઊભી ન થાય તેનું થોડું ધ્યાન રાખવું. જે વ્યક્તિઓનું મેષ લગ્ન છે અને અવિવાહિત છે તેમણે એપ્રિલ થી ડિસે-2022 દરમિયાન ઉતાવળિયો નિર્ણય ન લેવો. આ સમય શાંતિથી પસાર કરી લેવો.

આરોગ્ય અને પ્રવાસ
જો આપનો જન્મ મેષ રાશિના કૃતિકા નક્ષત્રમાં થયો હોય, તો ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી બનશે. જો માનસિક સ્વસ્થતા નહીં કેળવી શકે તો માથાના દુખાવાની તકલીફ કે રક્તચાપ રહી શકે છે. આપનું મેષલગ્ન હોય અને 1966/67 કે 1985/86 દરમિયાન જન્મ થયો હોય તો મૂત્રાશય, પગ અને નાભિ પ્રદેશમાં થોડું ધ્યાન રાખવું. માર્ચ સુધી નાના-નાના પ્રવાસ માટેનો શુભ યોગ છે. ડિસે-જાન્યુ. દરમિયાન વાહન ધીમેથી ચલાવવું.

સંતાન અને અભ્યાસ
નૂતન વર્ષના આરંભથી મેષલગ્ન અને મેષ રાશિ ધરાવતાં માતા/પિતાને સંતાન અંગેની જો કોઈ ચિંતા હોય તો દૂર થશે. વડીલોને સંતાન તરફથી સહકાર મળશે. સંતાન સાથે સૈદ્ધાંતિક પ્રશ્નો ચાલી રહ્યા હોય, તો રાહત જણાશે. વિદ્યાર્થીબંધુઓ માટે આવનારું વર્ષ મહેનતના પ્રમાણમાં સફળતા આપનાર છે. જોકે અશ્વિની નક્ષત્ર ધરાવનાર વિદ્યાર્થીઓએ ફેબ્રુ/માર્ચ-2022 દરમિયાન અભ્યાસમાં વધારે એકાગ્રતા કેળવવી પડશે નહીંતર ધાર્યા કરતાં થોડું પરિણામ ઘટી શકે છે.

નોકરી-ધંધો-કૃષિ
વીતેલું વર્ષ નોકરી-ધંધા બાબતે ઉચાટ આપનાર હતું, પણ હવે સંતોષકારક પરિણામ મળવાનું છે. તેમાં પણ અશ્વિની નક્ષત્રવાળા જાતકોને વધુ રાહત જણાશે. ભરણી નક્ષત્ર માટે નૂતન વર્ષનો ઉત્તરાર્ધ સારો રહેશે. જ્યારે કૃતિકાવાળા વ્યક્તિઓને નોકરી-ધંધામાં હજી થોડો પડકાર રહી શકે છે. એપ્રિલ પછી ખર્ચાનું પ્રમાણ રહેશે. જો જોબ બદલવાનો વિચાર કરતા હો, તો નવે. થી એપ્રિલ નો સમય ગ્રહોની દ્રષ્ટિએ શુભ ગણાય. ખેડૂતમિત્રોને વિલંબ પછી સફળતા મળશે.

જમીન-મકાન-સંપત્તિ
મેષ રાશિ કરતાં મેષલગ્નના વ્યક્તિઓ માટે વીતેલું વર્ષ જમીન-મકાન બાબતે વિલંબ આપનારું હતું. હજી પણ થોડો વિલંબ રહી શકે છે. છતાં સંઘર્ષ પછી સફળતા મળવાની પણ શકયતા છે. જો તમે આર્થિક રીતે સક્ષમ હો અને અશ્વિની કે ભરણી નક્ષત્રનો જન્મ હોય તો 2022નું વર્ષ રોકાણ માટે શુભ ગણાય. માર્ચ/એપ્રિલ પછીનો યોગ વધારે શુભ છે. જો આપનું બજેટ મર્યાદિત હોય તો હજી એકાદ-બે વર્ષ ધીરજ રાખો.

શત્રુ-કોર્ટ કચેરી
મેષ રાશિ/લગ્નમાં ખાસ કરીને કૃતિકા નક્ષત્ર ધરાવનાર એવી તમામ વ્યક્તિઓ કે જેની કોર્ટ મેટર ચાલી રહી છે તેમણે થોડું ધ્યાન રાખવું પડશે. અશ્વિની અને ભરણી નક્ષત્રવાળા માટે સમાધાન માટેનો સારો યોગ ગણી શકાય. કૃતિકા નક્ષત્રવાળા જે વ્યક્તિઓ ન્યાય માટે લડી રહ્યા છો તો હજી થોડી ધીરજ રાખો. એપ્રિલ પછીનો છ થી બાર મહિનાનો સમય આપના માટે શત્રુવિજય યોગ ઊભો કરશે, જે આપનું કાર્ય સિદ્ધ કરશે.

સ્ત્રીવર્ગ
નિ:સંતાન સ્ત્રીઓ માટે ગર્ભ-ધારણ/પ્રસૂતિનો એક નાનો યોગ શરૂ થયો છે જે માર્ચ સુધી રહેશે. જો કુંડળીમાં વિલંબનો યોગ છે તો હજી દોઢ-બે વર્ષ ધીરજ રાખવી પડશે. જે ગૃહિણીઓને સાસરીપક્ષમાં પ્રશ્નો છે તેમને 2022 દરમિયાન થોડી રાહત જણાશે. જે સ્ત્રીઓ જોબમાં છે તો કામની કદર ભલે ઓછી થાય, પણ બીજી કોઈ ચિંતા જણાતી નથી. સ્વતંત્ર વ્યવસાય કરતી સ્ત્રીઓને થોડા ચડાવ-ઉતાર અને ખર્ચા રહેશે.

પ્રેમ સંબંધ
નૂતન વર્ષના આરંભે થોડીઘણી પ્રેમમાં મીઠાશ રહી શકે, પણ માર્ચ/એપ્રિલ પછી અહમનો ટકરાવ સંબંધોમાં તિરાડ ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને જો આપનું જન્મલગ્ન મેષ છે. આપ અવિવાહિત છો તો માર્ચ-2022 પછીનો દોઢ વર્ષનો સમય પ્રેમ, વિવાહ વગેરે માટે થોડો પ્રતિકૂળ હોવાથી શક્ય હોય તો આ બધાથી દૂર રહીને આર્થિક આવક વધારવા માટે પ્રયત્નશીલ બનશો તો વધારે ઉચિત ગણાશે.

વિદેશયોગ
જો હરવા-ફરવા માટે આપનું મન પ્રથમ વિદેશ-પ્રવાસ માટે આતુર હોય અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે જવાની વાત હોય તો આપની વર્તમાન મહાદશા કે આંતરદશા સાથે રાહુ, ગુરુ કે શુક્રનો સંબંધ જરૂરી છે. જો કામકાજ અર્થે જવા માંગતાં હો, તો નવે-2021 થી એપ્રિલ-2022 દરમિયાન વિદેશ પ્રવાસ લાભકારી બની શકે. દૂરના પ્રદેશોની ધાર્મિક યાત્રા માટે પણ લાભસ્થાનમાં ભ્રમણ કરી રહેલ ગુરુ ગ્રહ આપને મદદ કરશે.

ગોચર ઉપાય
દરરોજ સંધ્યાકાળે અથવા રાત્રિના સમયે નિશ્ચિત સમય પર ઘર/કાર્યક્ષેત્રના મુખ્ય ચાર ખૂણામાં હાથ પહોંચે ત્યાં સુધી ગૂગળનો ધૂપ ફેરવવો. પછી આ ધૂપને નૈઋત્ય દિશામાં મૂકી દેવો. ધૂપ દરમિયાન "ૐ નીલવર્ણાય વિદ્મહે સૈંહિકેયાય ધીમહિ તન્નો રાહુ: પ્રચોદયાત" મંત્ર બોલવાનો છે. બીજા ઉપાય તરીકે દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવા જવું. જૈનબંધુઓ માટે દર બુધવારે નેમિનાથ ભગવાનના દર્શન, મંત્ર કે અષ્ટપ્રકારી પૂજા રાહત આપશે.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર4,5,10,11,12,13,20,218,9,14,15,16,24,25,
ડિસેમ્બર1,2,7,8,9,10,11,17,183,4,12,13,22,23
જાન્યુઆરી4,5,6,7,13,14,25,261,8,9,18,19
ફેબ્રુઆરી1,2,3,10,11,22,234,5,6,14,15,24,25
માર્ચ1,2,3,9,10,20,21,27,28,29,304,5,14,15,23,24
એપ્રિલ5,6,17,18,23,24,25,26,271,2,10,11,19,20,28,29
મે3,4,14,15,20,21,22,23,29,307,8,17,18,25,26
જૂન11,17,18,19,20,26,274,5,13,14,21,22
જુલાઈ8,9,14,15,16,17,23,241,2,10,11,18,19,28,29
ઓગસ્ટ4,5,6,11,12,13,14,19,207,8,15,16,24,25,26
સપ્ટેમ્બર1,7,8,9,10,16,17,283,4,11,12,21,22
ઓક્ટોબર4,5,6,7,13,14,25,26,311,8,9,10,18,19,27,28
અન્ય સમાચારો પણ છે...