વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે મીન જાતકો માટે ગુરુનું ભ્રમણ ભાગ્યવૃદ્ધિ કરાવશે, નોકરી-ધંધા માટે વર્ષ શુભ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરૂ ગ્રહનું વર્ષફળ
મીનલગ્ન અને મીન રાશિના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરૂ ૧૨મેં ભ્રમણ કરશે. ગુરૂ ગ્રહની આ સ્થિતિ જમીન-મકાન, રીનોવેશન, જોબ, કોર્ટ-કચેરી અને વિદેશ સંબંધિત કાર્યો માટે શુભ ગણાય. જોકે સત્કર્મો, દાન, ધ્યાન, સાધના અને સંસ્થાકીય કાર્યો માટે વિશેષ શુભ રહેશે એટલે ભૌતિકસુખ અને મોહ-માયા છોડીને કોઈ એકાંત સ્થળે પ્રકૃતિના ખોળે વિરામ કરવાની ઈચ્છા છે તો આવો રૂડો અવસર ગુમાવશો નહીં. એપ્રિલ પછી એક વર્ષ ગુરૂનું ભ્રમણ પ્રથમભાવમાં રહેશે જે નવી તક દ્વારા ભાગ્યવૃદ્ધિ કરાવશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે તથા જૂન આ બે મહિનાને બાદ કરતાં સમગ્ર સંવત-૨૦૭૮ દરમિયાન મીન રાશિ/લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ લાભસ્થાનમાં રહેશે. સામાજીક કાર્યો, સંસ્થા, લોકસંપર્ક, મિત્રો, વડીલો બાબતે લાભ મળી શકે. આપની રાશિ ગમે તે હોય પણ જો આપનો જન્મ મીનલગ્નમાં થયો છે તો સરકારી કાર્યો બાબતે પણ આપને લાભ મળી શકે છે. જોબ કરનાર વ્યક્તિઓ માટે શનિનું લાભસ્થાનમાં ભ્રમણ અનુકૂળ ગણાય. જોકે શનિની દ્રષ્ટિ આધારે ભણતર, વારસાઈ, આત્મબળ, પ્રેમસંબંધ, સંતાનસુખની બાબતોમાં થોડી શુષ્કતા રહી શકે.

રાહુ ગ્રહનું વર્ષફળ
મીન રાશિ/લગ્નના જાતકો માટે માર્ચ સુધી રાહુનું ભ્રમણ ૩જા ભાવમાં રહેશે. આ સ્થિતિ સાહસ, સફળતા ઉપરાંત કમ્યુનિકેશન, ગ્રુપ-પ્રોજેક્ટ, ટેક્નોલોજી, સંશોધન, મીડિયા, સાહિત્ય-લખાણ, ઇમેજીનેશન, નેટવર્ક માર્કેટીંગ વગેરે ક્ષેત્રોમાં નવીન વિચારોને જન્મ આપશે. બધા કરતાં કઈંક યુનિક કરવાની મહત્વકાંક્ષા ઉભી થાય. જો કુંડળીમાં રાહુ બળવાન છે તો સારા લાભ કરાવશે પણ એપ્રિલથી રાહુનું ૨જે ભ્રમણ આવક, બચત અને કૌટુંબિક બાબતે અસંતોષ અને ગૂંચવાડા આપશે. યુવાવર્ગને સલાહ કે છેતરામણી વાણી દ્વારા ધનપ્રાપ્તિ ન કરવી અને તામસિક ખાનપાનથી દૂર રહેવું.

માનસિક સ્થિતિ
આવનારું વર્ષ માનસિક શાંતિ આપનાર રહેશે. ખાસ કરીને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના જાતકો માટે એપ્રિલ-૨૦૨૨ થી ડીસે-૨૦૨૨ સુધીનો સમય વધારે શુભ રહેશે. માર્ચ/એપ્રિલ સુધી ખર્ચા બાબતે બજેટ ખોરવાશે. નુકશાનની વાત નથી પણ રીનોવેશન, મિલકત, મોજશોખ, ઉજવણી, પ્રવાસના ખર્ચા રહેશે. જોકે પોતાની ઈચ્છાપૂર્તિના ખર્ચા આનંદ પણ અપાવશે. દાન થકી જો સત્કાર્ય કરવું છે તો આ ઉત્તમ સમય છે.

આર્થિક સ્થિતિ
આર્થિક આયોજન યોગ્ય રીતે કરવું પડશે નહીંતર બચત ઘટી શકે છે. નૂતન વર્ષ દરમિયાન આર્થિક વ્યવહાર સચવાશે. લોન પેટેના હપ્તા સરળતાથી ભરાશે અને સાથે સાથે સત્કર્મો પણ થશે. એપ્રિલ પછી નવી તક મળવાની પણ શકયતા છે જેના થકી ભવિષ્યમાં આર્થિક લાભ મળી શકે. ખાસ કરીને એપ્રિલ થી જુલાઈ દરમિયાન ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના જાતકોને નવીન તક મળવાની શક્યતા વધુ છે.

લગ્નજીવન
જો જીવનસાથીની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે તો નૂતન વર્ષ દરમિયાન સગાઈ કે વિવાહનો બળવાન યોગ આવી રહ્યો છે. એપ્રિલ-૨૦૨૨ થી એક વર્ષ પ્રબળ યોગ રહેશે. જ્યાં સુધી વિવાહિતોની વાત છે તો આવનારા વર્ષ દરમિયાન દાંપત્યજીવન સારું રહેશે. જો કુંડળી નિર્બળ છે અને ખટરાગ ચાલી રહ્યો છે તો સમાધાન થવાની શકયતા પણ પ્રબળ છે. જો સામેથી પહેલ કરશો તો સમાધાન નિશ્ચિત છે.

આરોગ્ય અને પ્રવાસ
આરોગ્યની દ્રષ્ટિએ સંવત-૨૦૭૮ નું વર્ષ આપના માટે મિશ્ર રહેશે. માનસિક આરોગ્ય તો સારુ રહેશે પણ જો આપનું મીન લગ્ન છે તો જૂન પછી એકાદ વર્ષ દરમિયાન આંખ, દાંત, ખભા કે ગળાની નાની મોટી તકલીફ રહી શકે. નાના પ્રવાસો બાબતે થોડા ગૂંચવાડા રહી શકે જોકે એપ્રિલ-૨૦૨૨ પછી લાંબી મુસાફરીનો એક સુંદર યોગ આવી રહ્યો છે. એપ્રિલ-૨૦૨૨ થી એપ્રિલ-૨૦૨૩ દરમિયાન વિદેશ પ્રવાસ કે ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકો છો.

સંતાન અને અભ્યાસ
જે વિદ્યાર્થીઓનો જન્મ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં થયો છે તો સમગ્ર ૨૦૨૨ નું વર્ષ ભણતર બાબતે શુભ ગણી શકાય. જ્યારે ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર ધરાવતા વિધાર્થીબંધુઓએ થોડી એકાગ્રતા વધારવી પડશે. અગત્યની પરીક્ષા આપવાની છે તો વધુ મહેનત કરવી પડશે. મીનલગ્ન ધરાવતાં માતા-પિતાને વર્ષના આરંભે સંતાન સંબંધિત ચિંતા રહેશે પણ એપ્રિલ પછી રાહત મળશે. નિ:સંતાન યુગલો માટે એપ્રિલ પછીનો એક વર્ષનો સમય ગર્ભધારણ અને પ્રસુતિ માટે બળવાન છે.

નોકરી-ધંધો-કૃષિ
મીન લગ્ન/રાશિના જે વેપારીમિત્રો એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વ્યવસાયમાં છે તેમને ૧૨મેં ભ્રમણ કરી રહેલ ગુરૂદેવ સમગ્ર વર્ષ દરમિયાન સારી તક આપશે. અન્ય વેપારીબંધુઓ માટે એપ્રિલ પછીનો સમય શુભ ગણાય. જોબ બાબતે આવનારું વર્ષ સારું છે. જોબ બદલવાની ઈચ્છા હોય તો એપ્રિલ પછી બે-ચાર મહિનામાં તક મળવાની શક્યતા છે. ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રના જાતકો માટે ઓક્ટો/નવે. પછીનો ૬ માસનો સમય ભાગ્યવૃદ્ધિનો રહેશે. કૃષિકાર્યો માટે પણ નૂતનવર્ષ રાહતભર્યું રહેશે.

જમીન-મકાન-સંપત્તિ
નૂતન વર્ષ દરમિયાન મકાન-મિલકત-વાહન-રીનોવેશનનો યોગ છે પણ ધાર્યા કરતાં બજેટ વધી જાય તેવી પૂરેપૂરી શકયતા છે તેમાં પણ મીનલગ્નમાં આ અસર વધારે જોવા મળશે. જો આપ સરકારી નોકરીમાં છો અને નાનકડું સપનાનું ઘર લેવું છે તો યોગ્ય આયોજન કરીને ખર્ચા કરશો તો વાંધો નહીં આવે. જો બજેટ મર્યાદિત છે અને વિશાળ મકાન લેવું છે તો ધીરજ રાખો કારણકે દેવું કરીને ઘી પીવું યોગ્ય નથી. અતિરિક્ત મૂડી છે અને રોકાણ કરવું છે તો માર્ચ સુધીનો સમય શુભ છે.

શત્રુ-કોર્ટ કચેરી
ન્યાયિક પ્રક્રિયામાં આપને સુખદ પરિણામ મળવાની શકયતા દેખાય રહી છે. જો સામેની વ્યક્તિ સાથે સમાધાન કરવું છે તો શુભ સમય શરૂ થઈ ગયો છે. સમયનો લાભ લઈને અધ્યાય પૂરો કરો. જો નાની મોટી ભૂલ થઈ છે તો સમાધાન કરવામાં જ ડહાપણ છે. જો આપના કર્મો સારા છે તો કુદરતનો સાથ અવશ્ય મળશે. ઈશ્વર પાસે ભૂલનો પશ્ચાતાપ કરો. રાહત મળી જશે.

સ્ત્રીવર્ગ
જો આપ આધ્યાત્મિક ક્ષેત્રમાં રૂચિ ધરાવો તો આવનારું વર્ષ ધર્મ, ધ્યાન, યાત્રા માટે શ્રેષ્ઠ રહેશે. પ્રકૃતિના ખોળે જશો તો અદભુત અનુભવ થશે. માર્ચ સુધી જોબમાં કામની કદર ઓછી થશે પણ એ પછી આપના કામની નોંધ પણ લેવાશે. જો આપ બહુ-રાષ્ટ્રીય કંપનીમાં છો અને શનિ, રાહુ કે મંગળની દશા ચાલે છે તો કંપની તરફથી વિદેશ જવાની તક મળી શકે છે. વ્યવસાય કરનાર સ્ત્રીઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ શુભ રહેશે.

પ્રેમ સંબંધ
જો હજી પ્રેમરૂપી દરિયામાં ડૂબકી નથી મારી તો હજી પણ કિનારે જ ઉભા રહેવાની સલાહ છે કારણકે આપની લાગણીને સમજી શકે તેવી વ્યક્તિનું આગમન નૂતન વર્ષ દરમિયાન થાય તેવી શકયતા ઓછી છે. પ્રેમ પાછળ ઉર્જાનો વ્યય થાય તેના કરતાં આપની ઉર્જાનું રોકાણ અન્ય કાર્યોમાં કરશો વળતર મળવાની શક્યતા વધારે છે. જોકે મીનરાશિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં આપનો જન્મ છે તો સારુ પાત્ર જીવનમાં આવી શકે છે.

વિદેશયોગ
વિદેશ-પ્રવાસના આયોજનમાં ભલે વિલંબ થાય પણ પ્રયત્નો વધારવાથી સફળતા મળી શકે તેમ છે. જો આપનો જન્મ મીનલગ્નમાં થયો છે તો એપ્રિલ/મે પછીનો એક વર્ષનો સમય વિદેશ પ્રવાસ માટે ઉત્તમ યોગ આપી રહ્યો છે. જો મૂળકુંડળીમાં વિદેશ ગમનનો યોગ છે તો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે બળવાન ગણી શકાય. કામકાજ અર્થેનો વિદેશ પ્રવાસ પણ આપના માટે શુભ રહેશે.

ગોચર ઉપાય
ઘરના મધ્યભાગમાં ભારે વજન મૂકવું નહીં. આ ભાગમાં કોઇ દીવાલ, કૉલમ કે બીમ હોય તો પેટ કે કમરની તકલીફ રહી શકે. આ વાસ્તુદોષનું નિવારણ કરવું. દર મંગળવારે શિવલીંગ પર અભિષેક કરવો અને લાલ રંગની ગાયને ચારો/અન્ન ખવડાવવું. ઈશાનખૂણામાં જળસ્તોત્ર ઉભો કરવો. નિત્ય "ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ" નો માનસિક જાપ કરતાં રહેવું. જૈનમિત્રોએ દર ગુરુવારે આદિનાથ ભગવાનના દર્શન કરવા જવું.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર2,3,8,9,10,11,17,29,304,5,12,13,22,23
ડિસેમ્બર5,6,7,8,14,16,26,27,281,2,10,11,19,20,29,30
જાન્યુઆરી2,3,4,5,10,12,22,23,24,29,30,316,7,15,16,17,25,26
ફેબ્રુઆરી1,7,18,19,20,26,27,282,3,12,13,21,22
માર્ચ1,18,19,25,26,27,286,11,12,20,21,22,29,30
એપ્રિલ4,14,15,16,20,21,22,23,288,9,17,18,25,26
મે1,12,14,18,19,20,21,25,275,6,14,15,23,24
જૂન8,9,10,15,16,17,18,21,231,2,11,12,19,20,28,29
જુલાઈ5,6,7,12,13,14,15,19,318,9,16,17,25,26,27
ઓગસ્ટ2,3,9,10,11,12,15,17,27,29,304,5,13,14,22,23,31
સપ્ટેમ્બર5,6,7,8,11,24,25,26,271,2,9,10,13,18,19,28,29
ઓક્ટોબર2,3,4,5,9,22,23,24,29,30,316,7,16,17,25,26
અન્ય સમાચારો પણ છે...