વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે ગુરૂ ગ્રહની સ્થિતિ કુંભ જાતકોને માનસિક 'હાશ' આપશે, રાહુના કારણે અસંતોષ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરૂ ગ્રહનું વર્ષફળ
કુંભ રાશિના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરુ ગ્રહ આપની મૂળકુંડળીના ચંદ્ર ઉપરથી ભ્રમણ કરશે. કુંભરાશિના જાતકોને એક વર્ષથી પનોતીનો સમય ચાલી રહ્યો છે એટલે વીતેલું વર્ષ આર્થિક ખર્ચા અને માનસિક શ્રમ આપનાર રહ્યું હોય જોકે હવે ગુરૂ ગ્રહની આ સ્થિતિ આપને માનસિક થોડી 'હાશ' આપશે. ખર્ચાનું પ્રમાણ થોડું ઘટશે. પ્રવાસ, ધાર્મિક યાત્રા, સત્સંગ, વિવાહ, સંતાનસુખ, ભણતર, પ્રેમપ્રસંગ વગેરે માટે ગુરૂ શુભત્વ આપશે. એપ્રિલ પછી ગુરૂનું ભ્રમણ ૨જે રહેશે જે આવક અને કુટુંબ સુખ આપશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે તથા જૂન મહિનાને બાદ કરતાં નૂતનવર્ષ દરમિયાન કુંભ રાશિ/લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ ૧૨મેં રહેશે. કુંભરાશિના વ્યક્તિઓ માટે શનિની પનોતીનો આ પ્રથમ તબક્કો છે. ૨૦૨૧ દરમિયાન પણ આ જ સ્થિતિ હતી. શનિની આ સ્થિતિ માનસિક શ્રમ સ્વાભાવિક આપે. દર ત્રીસ વર્ષે આવતી સાડાસાતી કર્માનુસાર શુભાશુભ ફળ આપે છે. જો મૂળકુંડળી અને નવમાંશમાં શનિ વૃષભ(૨), મિથુન(૩), કન્યા(૬), તુલા(૭), મકર(૧૦) કે કુંભ(૧૧) રાશિમાં છે તો પનોતીની નકારાત્મક અસર ઘટી જાય.

રાહુ ગ્રહનું વર્ષફળ
કુંભ રાશિ/લગ્નના જાતકો માટે માર્ચ-૨૦૨૨ સુધી રાહુનું ભ્રમણ ચતુર્થ ભાવ પર રહેશે. વીતેલાં વર્ષ દરમિયાન પણ રાહુની આ જ સ્થિતિ હતી. આ સ્થિતિ મકાન-મિલકત-સંપત્તિ કે PR માટેના ગૂંચવાડા આપી શકે છે. હૃદયમાં કોઈ કારણસર અસંતોષ રહ્યા કરે. જોકે એપ્રિલ પછી આ તમામ ગૂંચવાડા અને અસંતોષ દૂર કરવામાં રાહુ આપને મદદ કરશે. એપ્રિલ. થી નવે - ૨૦૨૨ દરમિયાન રાહુનું આ ભ્રમણ સાહસના કાર્યો ઉપરાંત ટેક્નોલોજી ક્ષેત્રે સફળતા આપશે. કમ્યુનિકેશન અને ઈન્ટરનેટના માધ્યમ થકી જ્ઞાનપ્રાપ્તિનો યોગ ઉભો થશે.

માનસિક સ્થિતિ
પનોતીની અસર ચાલી રહી છે. દર 30 વર્ષનું આ ચક્ર દરેકના જીવન પર અસર કરે એટલે ચિંતા ન કરવી. જો શનિ તમારી કુંડળીમાં બળવાન હોય અને તમે સત્કર્મો કરતા હો તો પનોતીની અસર ઘટી જશે. જોકે વ્યયભાવનો શનિ કઈંક નુકશાન તો કરાવી શકે છે તેથી મોટા જોખમ ન લેવા. હકારાત્મક અભિગમ આપને માનસિક બળ પૂરું પાડશે.

આર્થિક સ્થિતિ
નૂતનવર્ષમાં ખર્ચનું પ્રમાણ રહી શકે તેથી આર્થિક આયોજન યોગ્ય રીતે કરવું પડશે. આવકની સામે જાવક પણ રહેશે એટલે મોટી બચતની અપેક્ષા ન રાખવી. વયોવૃદ્ધ વ્યક્તિઓએ જો જીવનવીમો લીધો હશે તો વાંધો નહિ બાકી ચિકિત્સાના ખર્ચા પણ રહી શકે છે. બને ત્યાં સુધી આવનારા વર્ષ દરમિયાન કોઈને મોટું ધિરાણ ન આપવું. શેરસટ્ટા અને જોખમી રોકાણથી ખાસ દૂર રહેવું.

લગ્નજીવન
અવિવાહીતો માટે સગાઈ-વિવાહનો યોગ શરૂ થયો છે. આપની રાશિ ગમે તે હોય પણ જન્મ લગ્ન કુંભ છે તો અગ્નિફેરા કે ગોળધાણા માટે શુભ યોગ ગણાય. જે વ્યક્તિઓ વિવાહિત છે અને કુંભ રાશિ કે કુંભ લગ્નનો જન્મ છે તો નૂતન વર્ષ શુભ રહેશે. નૂતનવર્ષના આરંભથી લઈને એપ્રિલ સુધી જીવનસાથી સાથેના સંબંધમાં મીઠાશ રહેશે. જો કોઈ નાના મોટા પ્રશ્નો ચાલતા હશે તો સમાધાન પણ થઈ જશે.

આરોગ્ય અને પ્રવાસ
જો કોઈ શારીરિક તકલીફ હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. કુંભલગ્નના જાતકોએ પગ, આંખ, ગળા અને કરોડરજ્જુ બાબતે થોડી કાળજી લેવી. યુવામિત્રોએ આડુઅવળું ખાવાની ટેવ છોડવી પડશે નહીંતર પેટની તકલીફ રહેશે. જ્યાં સુધી પ્રવાસની વાત છે તો કંપની તરફથી જો તક મળે છે તો અચૂક જવું જોઈએ બાકી ખોટા ખર્ચા કરીને કે દેવું કરીને દૂરના પ્રવાસનો મોહ ન રાખવો. ભણતર માટે પ્રવાસ થઈ શકે છે.

સંતાન અને અભ્યાસ
નૂતનવર્ષમાં સંતાનસુખ એકંદરે સારુ રહેશે. વાદવિવાદ ટાળશો તો સંતાન તરફથી સહકાર દેખાશે. સંતાન માટેના ખર્ચા પણ ઓછા થશે. જો પારણું બંધાય તેની રાહ જોઇને બેઠા છો નૂતન વર્ષ દરમિયાન આપનું સપનું સાકાર થઈ શકે તેમ છે. માર્ચ/એપ્રિલ સુધી ગર્ભધારણનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થીબંધુઓ માટે પણ આવનારું વર્ષ ભણતર બાબતે સારુ રહી શકે તેમ છે. વિદેશના ભણતર માટેનો યોગ પણ બની રહ્યો છે. નોકરી-ધંધો-કૃષિનોકરી-ધંધામાં થોડી સાવચેતી રાખવી પડશે. અગત્યના નિર્ણયોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી. જોબ અંતર્ગત દૂરના પ્રવાસનો શુભ યોગ છે જોકે જોબ બદલતાં પહેલા તમામ બાબતોનો વિચાર કરવો. વેપારીમિત્રો માટે નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય છે છતાં મોટા રોકાણ બાબતે ધ્યાન રાખવું. વગર વિચાર્યે ધિરાણ ન કરવું. વ્યવહાર સાચવવામાં આપને વિલંબ થઈ શકે છે. માર્ચ-એપ્રિલ દરમિયાન મન સ્વસ્થ રાખવું. એપ્રિલ પછીનું એક વર્ષ ખેડૂતોમિત્રો માટે સારુ રહેશે.

જમીન-મકાન-સંપત્તિ
ખાસ કરીને કુંભ લગ્ન ધરાવતાં વ્યક્તિઓને છેલ્લા કેટલાક સમયથી મકાન-મિલકત સંબંધિત કાર્યોમાં કઈંક ગૂંચવાડા કે વિલંબ થઈ રહ્યો હશે. હજી પણ થોડી ધીરજ રાખવી પડશે. માર્ચ/એપ્રિલ પછી ગ્રહોની બદલાતી સ્થિતિ આપની ઈચ્છા પૂરી કરશે. જો ઘરનું ઘર લેવાની ઈચ્છા છે તો એપ્રિલ થી જુલાઈ-૨૦૨૨ નો સમય વધારે અનુકુળ રહી શકે તેમ છે. કુંભ લગ્નના જે વ્યક્તિઓને વારસાઈ મિલકતનો પ્રશ્ન ચાલી રહ્યો છે તેમના માટે એપ્રિલ-૨૦૨૨ થી એપ્રિલ-૨૦૨૩ નો સમય વધારે અનુકૂળ ગણી શકાય.

શત્રુ-કોર્ટ કચેરી
સ્વભાવમાં બેવડું વલણ રાખશો તો શત્રુસંઘર્ષ ઉભો થશે. જો કોઈની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે તો એપ્રિલ પછી સમાધાનનો યોગ શરૂ થશે બાકી નવા વર્ષમાં અને તેમાં પણ એપ્રિલ પછી કોઈ નવા શત્રુઓ ઉભા થાય અને હેરાનગતિ રહે તેવી શકયતા ઓછી છે. જો ખોટા આરોપના કારણે સામેની વ્યક્તિ તમને હેરાન કરી રહી છે તો એક વર્ષ ધીરજ રાખીને ન્યાય મેળવવા લડત આપો. સત્યનો વિજય અવશ્ય થશે.

સ્ત્રીવર્ગ
આત્મનિર્ભર સ્ત્રીઓ માટે આર્થિક દ્રષ્ટિએ આવનારો સમય શુભ રહેશે પણ જો આપનું નક્ષત્ર પૂર્વાભાદ્રપદ છે તો હજી પણ ખર્ચાનું પ્રમાણ રહેશે. જે ગૃહિણીઓની રાશિ કુંભ છે અને નક્ષત્ર શતભિષા છે તો કૌટુંબિક દ્રષ્ટિએ આવનારો સમય શુભ છે. માર્ચ/એપ્રિલ પછી કુટુંબના વ્યક્તિઓ સાથેના સંબંધો સારા રહેશે. જો સાસરીપક્ષમાં અપેક્ષા અને અહમ્ ના ઝઘડા ચાલી રહ્યા છે તો ધીમે ધીમે પ્રશ્નો હળવા થતાં જશે. પ્રેમ સંબંધસામેનું પાત્ર તમારા કુટુંબને અનુરૂપ અને સંસ્કારી છે તો પ્રેમ વ્યક્ત કરવામાં વિલંબ ન કરશો. જો કુટુંબ દ્વારા કોઈ પાત્રની વાત આવી છે અને કુંડળી મળે છે તો વડીલોના આશીર્વાદથી સગાઈ/વિવાહ નક્કી કરી લેવાની સલાહ છે કારણકે નૂતનવર્ષ દરમિયાનનું ગુરૂનું ભ્રમણ આ તમામ બાબતોમાં તમને સફળતા આપી શકે છે. જો આ બાબતમાં ઉતાવળ નથી તો પ્રેમને પારખવા માટે એકબીજાને સમય આપો.

વિદેશયોગ
વીતેલાં વર્ષ દરમિયાન વિદેશ-પ્રવાસ બાબતે જો ગૂંચવાડા રહ્યા હોય તો વર્ષ ૨૦૨૨ દરમિયાન હવે યોગ બની રહ્યો છે. ૪થે રાહુ માતૃભૂમિ છોડતા પહેલા વિલંબ આપી શકે પણ વિલંબ પછી સફળતા પણ મળે. માર્ચ પછી દૂરના યાત્રા-પ્રવાસ માટેનો શુભ સમય છે એટલે જો આયોજન છે તો પ્રયત્નો વધારો. ખાસ કરીને જે વિધાર્થીઓનો જન્મ શતભિષા નક્ષત્રમાં થયો છે અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તો માતા-પિતાના આશીર્વાદ લઈને તૈયારી શરૂ કરી દો.

ગોચર ઉપાય
સંવત-૨૦૭૮ દરમિયાન હનુમાનજી અથવા શનિદેવને મંત્ર/સ્તોત્ર દ્વારા સમર્પિત થવું પડશે. જૈનમિત્રો માટે મુનિસુવ્રત સ્વામીની અષ્ટપ્રકારી પૂજા અને દૈનિક મંત્રજાપ જરૂરી રહેશે. નોકર-ચાકર, સિકયુરિટી ગાર્ડ, મજૂર, અપંગ, રોગી, વૃદ્ધ વ્યક્તિઓ, ભિક્ષુક વગેરે શનિદેવના આધિપત્ય હેઠળ હોવાથી આવી વ્યક્તિઓને યથાશક્તિ મદદ કરવાથી ૧૨મેં ભ્રમણ કરી રહેલ શનિની નકારાત્મક અસર ઘટી શકે. નિયમિત વડવાનલ સ્તોત્ર અથવા સુંદરકાંડ દ્વારા હનુમાનજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર1,5,7,8,9,16,282,3,10,11,19,20,29,30
ડિસેમ્બર1,2,3,4,5,6,9,257,8,17,18,27,28
જાન્યુઆરી1,2,3,9,19,21,22,28,29,304,5,13,14,23,24,31
ફેબ્રુઆરી4,18,21,24,25,261,9,10,19,20,28
માર્ચ5,15,17,18,21,23,24,25,261,8,9,10,19,20,27,28
એપ્રિલ1,11,13,14,19,20,21,22,27,295,6,15,16,23,24
મે8,9,10,11,16,17,18,19,24,25,262,3,12,13,20,21,30,31
જૂન4,7,13,14,15,16,21,228,9,17,18,26,27
જુલાઈ1,2,4,5,10,11,12,13,19,29,306,7,14,15,23,24
ઓગસ્ટ1,6,7,8,9,10,15,24,25,27,282,3,11,12,19,20,29,30,31
સપ્ટેમ્બર3,4,5,6,11,22,24,25,307,8,16,17,26,27
ઓક્ટોબર1,2,3,8,19,20,22,26,27,28,29,304,5,13,14,23,24
અન્ય સમાચારો પણ છે...