વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે કર્ક જાતકોએ ધીરજ રાખવી, વિલંબ થશે, પણ સફળતાનો યોગ ચોક્કસ બનશે

એક વર્ષ પહેલા

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ
કર્ક રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુ આઠમે ખાડે ભ્રમણ કરશે. ભાગ્યસ્થાનનો માલિક થઈને ભાવગત અને રાશિગત ગુરુ નિર્બળ બનતો હોવાથી ભાગ્ય માટે મહેનત કરાવશે. ભાગ્ય, નસીબ, નવી શરૂઆત, ઉચ્ચ અભ્યાસ, ધર્મ, લાંબી મુસાફરી વગેરે માટે ગુરુ આઠમે શુભ ન ગણાય. જોકે માર્ચ/એપ્રિલ સુધી જ આ સ્થિતિ રહેશે. એપ્રિલ પછી ગુરુ ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરશે. તેથી સમય બદલાશે અને રાહત જણાશે. છતાં 2022ની સરખમણીમાં 2023નું વર્ષ ભાગ્યવૃદ્ધિનું હોવાથી થોડી ધીરજ રાખવાની સલાહ છે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078 દરમિયાન શનિદેવ સાતમે ભ્રમણ કરશે. આ સ્થિતિ જીવનસાથી, ભાગીદાર, સહકર્મચારી વગેરે સાથેના સંબંધમાં શુષ્કતા લાવી શકે. શારીરિક અથવા માનસિક શ્રમ અનુભવાય અને તેના કારણે ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ ઘટી શકે. શનિની દૃષ્ટિ ચતુર્થ સ્થાન પર પડે તેથી ખાસ કરીને જે વ્યક્તિઓનો જન્મ કર્ક લગ્નમાં થયો છે, તો મે. થી ડિસે.નો સમય મકાન-મિલકત બાબતે વિલંબ અને ગૂંચવાડા આપનાર રહે. મિલકત સંબંધિત અચાનક નિર્ણય બદલાઇ શકે. વિદેશ જવા માટે આ શનિ કુદરતી રીતે મદદ કરશે.

રાહુ ગ્રહનું વર્ષફળ
રાહુનું અગિયારમે લાભસ્થાનમાંથી ભ્રમણ શુભ ગણાય. 2021માં પણ રાહુની આ સ્થિતિ હતી. જો આપનું જન્મ લગ્ન કર્ક છે અને રાહુની મહાદશા કે આંતરદશા ચાલે છે તો આર્થિક લાભ દેખાય. જોકે માર્ચ/એપ્રિલ-2022 સુધી જ આ શુભ સ્થિતિ રહેવાની છે. વિવિધ સમાજ અને ભિન્ન સંસ્કૃતિના લોકસંપર્કથી પણ વધારે લાભ મેળવી શકાય. વિદેશ પ્રવાસથી ધન અર્જિત કરી શકાય. ટેક્નોલોજી, ગ્લેમર અને સંશોધન ક્ષેત્રે પણ સફળતા મળે. એપ્રિલ પછી રાહુનું દસમે ભ્રમણ માન-પ્રતિષ્ઠા ઘટાડે. સરકારી કાર્યો બાબતે ખાસ સજાગ રહેવું.

માનસિક સ્થિતિ
કર્ક રાશિના કુલ નક્ષત્રો અનુક્રમે પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા છે. જો આપનું નક્ષત્ર પુનર્વસુ છે તો આવનારું વર્ષ માનસિક દૃષ્ટિએ રાહત આપનાર રહેશે. પ્રયત્નો વધારવાથી ભાગ્ય બળવાન બની શકે તેમ છે. જો આપનો જન્મ પુષ્ય કે આશ્લેષા નક્ષત્રમાં થયો હોય તો સંવત-2078 દરમિયાન થોડો માનસિક ઉચાટ રહી શકે. ઘરનું વાતાવરણ તંગ ન રહે તેનું ધ્યાન રાખવું.

આર્થિક સ્થિતિ
નૂતન વર્ષ કર્ક રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. કોઈ પણ કામ અટકશે નહીં, પણ સંતોષ ઓછો રહેશે. જાન્યુ થી માર્ચ-2022 દરમિયાન આર્થિક બાબતના નિર્ણયો સમજી-વિચારીને શાંતિથી લેવા. એપ્રિલ પછી નવી તક મળે અને આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. કોઈ ખોટા કર્મથી અનૈતિક આવક ઊભી કરશો અથવા કરચોરી કરશો. તો કર્મનું ખાતું બગડશે. જાણે-અજાણે પણ આવા કર્મોથી દૂર રહેવું.

લગ્નજીવન
આપની રાશિ ગમે તે હોય, પણ જો આપનો જન્મ કર્ક લગ્નમાં થયો છે, તો આવનારા નૂતન વર્ષ દરમિયાન લગ્નજીવનમાં થોડીક શુષ્કતા રહેશે. એ જ રીતે જો આપની રાશિ કર્ક છે અને આશ્લેષા નક્ષત્રમાં આપનો જન્મ થયો છે તો જીવનસાથી સાથે ખાસ સંતુલન બનાવી રાખવાની સલાહ છે. આ અસર કાયમી નથી એટલે શાંતિથી સમય પસાર કરવાની સલાહ છે. અવિવાહિતો માટે વિવાહ બાબતે વિલંબનો યોગ હોવાથી ધીરજ રાખવી.

આરોગ્ય અને પ્રવાસ
જો આપનો જન્મ પુષ્ય કે આશ્લેષા નક્ષત્રમાં થયો છે, તો શારીરિક તકલીફથી બચવા માનસિક સ્વસ્થ રહેવું પડશે. મહત્તમ રોગનું મૂળ મન છે. તેથી નિયમિત ધ્યાન, પ્રાણાયામ વગેરેને રોજનો ખોરાક બનાવી દો. તેમાં પણ માર્ચ-એપ્રિલ આ બે મહિના દરમિયાન મહત્તમ સમય મેડિટેશન પાછળ આપવો. નૂતન વર્ષ દરમિયાન નાના તથા મોટા બંને પ્રકારની યાત્રા-પ્રવાસનો યોગ છે. પ્રવાસનો આનંદ આપનું આરોગ્ય સંતુલિત રાખવામાં મદદ કરશે.

સંતાન અને અભ્યાસ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં કર્ક લગ્ન અને કર્ક રાશિના વિદ્યાર્થીઓએ 16 જાન્યુ. થી 25 ફેબ્રુ - 2022 દરમિયાન વધારે એકાગ્રતા કેળવવી પડશે. એપ્રિલ-2022 પછીનો એક વર્ષનો સમય કર્ક રાશિ તથા કર્ક લગ્ન ધરાવતાં વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે. વૃદ્ધ માતા-પિતાને સંતાન તરફથી સહકાર મળતો રહેશે. નૂતન વર્ષ દરમિયાન નિઃસંતાન યુગલો માટે ગર્ભધારણ કે પ્રસૂતિની શકયતા સામાન્ય છે. જો મૂળ કુંડળીમાં વિલંબથી સંતાનપ્રાપ્તિનો યોગ છે તો હજી દોઢેક વર્ષ પ્રતિક્ષા કરો.

નોકરી-ધંધો-કૃષિ
વર્ષની શરૂઆતના છ માસ ધીરજ રાખવી પડશે. એપ્રિલ-2022 થી ઓક્ટોબર-2022નો સમય રાહતભર્યો રહેશે. જે વ્યક્તિઓનો જન્મ કર્ક લગ્નમાં થયો છે, તેઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ નવી તક આપનાર રહેશે. જો મહાદશા શુભ ચાલતી હશે તો ભાગ્ય વધુ બળવાન રહેશે. કર્કલગ્ન તથા કર્ક રાશિ બંને જાતકો માટે સંવત-2078ની સરખામણીમાં 2079 થોડું વધારે શુભ રહેશે. એટલે થોડી ધીરજ રાખવાની સલાહ છે. પુનર્વસુ તથા પુષ્ય નક્ષત્ર ધરાવતાં ખેડૂતમિત્રો માટે વીતેલાં વર્ષની સરખામણીમાં આવનારું વર્ષ થોડું રાહત આપનાર રહેશે.

જમીન-મકાન-સંપત્તિ
કર્ક રાશિ હોય કે કર્ક લગ્ન! સંવત-2078નું નૂતન વર્ષ મિલકત સંદર્ભે ખાસ અનુકૂળ નથી. જો બજેટ મર્યાદિત છે તો પૈસાની વ્યવસ્થામાં થોડી તકલીફ રહી શકે તેમ છે. આ ઉપરાંત, વિલંબ પછી સફળતાનો યોગ બની રહ્યો છે એટલે જો સપનાંનાં ઘરની વાત હોય અને હજી પ્રતિક્ષા કરી શકો તેમ હો, તો એકાદ-બે વર્ષ રાહ જોવાથી વધુ સંતોષકારક પરિણામ મળશે. જો આર્થિક આયોજન હોય અને ફક્ત રોકાણ કરવું હોય તો વિશેષ પ્રયત્નો પછી સફળતા મળી શકે તેમ છે.

શત્રુ-કોર્ટ કચેરી
જાણે-અજાણે કોઈ અપરાધ થયો હોય તો સામેના પક્ષ સાથે સમાધાન કરવું જ યોગ્ય ગણાય. ભૂલ સ્વીકારશો તો રાહત મળી શકે તેમ છે. જોકે સમાધાનનો યોગ માર્ચ સુધી જ છે. એ પછી ગૂંચવાડા અને વિલંબ થઇ શકે છે. જો આપ સત્ય માટે લડી રહ્યા હો અને સામેની વ્યક્તિમાં સ્વીકારભાવના ન હોય અને લડત ચાલુ રાખવી હોય, તો નૂતન વર્ષનાં પ્રથમ ચાર-પાંચ માસ અને ત્યાર બાદ 2022/23 આપના માટે શુભ રહેશે.

સ્ત્રીવર્ગ
ઘરનું વાતાવરણ પૂનમ અને અમાસ જેવું રહેશે. જો લાગણીને મનની કમાન સોંપશો તો ઉચાટ વધશે. ઘરનું વાતાવરણ બગડે ત્યારે વ્યવહારિક બનીને સ્થિતિને સંતુલિત કરવી પડશે. કુટુંબરૂપી નૌકાના નાવિક તમે છો એટલે કિનારે લઈ જવાની જવાબદારી તમારે જ પૂરી કરવી પડશે. જે આત્મનિર્ભર સ્ત્રીઓ જોબ કરતી હોય, તો જગ્યા ફેરબદલ થઈ શકે છે બાકી આવક જળવાઇ રહેશે. વ્યવસાય સાથે સંકળાયેલી સ્ત્રીઓ માટે વર્ષ મધ્યમ રહેશે.

પ્રેમસંબંધ
ભરતી અને ઓટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. સામેનું પાત્ર યોગ્ય છે છતાં જો નિરર્થક ઝઘડા અને રીસામણાં-મનામણાં ચાલી રહ્યા છે તો આ પ્રશ્નોને હમણાં બાજુમાં મૂકી દો અને કરિયર પર એકાગ્ર થઈ જાવ. એપ્રિલ/મે-2022 પછી ધીમે ધીમે બધું સામાન્ય થતું જણાશે. જો આપનું જન્મલગ્ન કર્ક છે તો નૂતન વર્ષ દરમિયાન આપના પ્રેમને અગ્નિ-ફેરાનો અધિકાર મળે તેવી શકયતા ઓછી છે તેથી ધીરજ રાખો.

વિદેશયોગ
સમગ્ર નૂતન વર્ષ દરમિયાન વિદેશ જવાનો યોગ બની રહ્યો છે. જોકે કામકાજ અર્થે જવા કરતાં કુટુંબ સાથે વિઝિટર વિઝા પર ફરવા જવા માટે વધારે સારો યોગ છે. ઉનાળુ વેકેશન દરમિયાનનો પ્રવાસ વધારે શુભ ગણી શકાય. જો કામકાજ અર્થે જવાનું આયોજન હોય, તો સ્વખર્ચે જવા કરતાં કંપની તરફથી તક મળે એ વધારે ઉચિત છે. વિદ્યાર્થીઓ માટે માર્ચ-2022 થી માર્ચ-2023 દરમિયાન અભ્યાસાર્થે વિદેશ જવાનો કુદરતી યોગ બની રહ્યો છે.

ગોચર ઉપાય
ઘરનું વાતાવરણ પવિત્ર રાખવા માટે સવાર-સાંજ અસલ ગોબર ધૂપ અને કપૂરદીપ નો પ્રયોગ કરવો. આ ઉપરાંત "ૐ હૌં જૂં સઃ" મંત્રનો માનસિક જાપ કરવો. સોમવાર ઉપરાંત આઠમ-અમાસ-પૂર્ણિમાના દિવસે માંસ-મદિરાથી દૂર રહેવું. સરકારી કાર્યોમાં ધીરજ રાખવી અને રવિવારે યથાશક્તિ ઘઉંનું દાન કરવું. જૈનબંધુઓ માટે "ૐ હ્રીં નમો લોએ સવ્વસાહુણં" મંત્ર શારીરિક અને માનસિક બળ પૂરું પાડશે. દર રવિવારે પદ્મપ્રભુ સ્વામીના દર્શન કરવા જવું.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર1,10,11,17,18,19,20,214,5,12,13,22,23
ડિસેમ્બર7,8,14,15,16,17,18,24,251,2,9,10,11,19,20,29,30
જાન્યુઆરી4,5,10,11,12,13,14,20,21,22,316,7,15,16,17,25,26
ફેબ્રુઆરી1,7,8,10,11,17,18,282,3,12,13,21,22
માર્ચ1,6,7,9,10,16,17,27,282,3,8,11,12,21,22,29,30
એપ્રિલ3,4,6,12,13,14,23,24,305,7,8,9,17,18,25,26
મે1,2,3,4,10,11,20,21,22,27,28,30,315,6,14,15,23,24,29
જૂન6,7,17,18,23,24,26,271,2,11,12,19,20,25,28,29
જુલાઈ3,4,14,15,20,21,23,248,9,16,17,22,26,27
ઓગસ્ટ1,11,12,17,19,20,21,27,284,5,13,14,22,23
સપ્ટેમ્બર7,8,12,13,15,16,17,23,241,2,9,10,18,19,23,28,29
ઓક્ટોબર4,5,10,11,13,14,21,226,7,15,16,17,25,26
અન્ય સમાચારો પણ છે...