વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે શનિનું ભ્રમણ કન્યા જાતકો માટે બળવાન રહેશે, રોકાણ માટે સમય ઉત્તમ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ
કન્યા રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુ છઠ્ઠે ભ્રમણ કરશે. નોકરી, આર્થિક વ્યવહાર, રોગ, શત્રુ, ઋણ પરત્વે ગુરુ સહાય કરશે. ગુરુની વિવિધ ભાવ પરની દૃષ્ટિ માન-સન્માન, પ્રવાસયોગ, શુભ પ્રસંગો પાછળના ખર્ચા પણ આપશે. જોકે ગુરુનું કુંભ રાશિમાં ભ્રમણ નિર્બળ હોવાથી સફળતાનું સ્તર ધાર્યા કરતાં ઓછું રહે. એપ્રિલ પછી ગુરુ સાતમે ભ્રમણ કરશે. આ ભ્રમણ વધારે શુભ રહેશે. એપ્રિલ-2022 થી એપ્રિલ-2023નો એક વર્ષનો સમય કન્યા રાશિ તથા કન્યા લગ્નના જાતકો માટે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ શુભ રહેશે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે-જૂન 2022ને બાદ કરતાં સમગ્ર સંવત-2078ના વર્ષ દરમિયાન શનિદેવ કન્યા લગ્ન/રાશિથી પાંચમે ભ્રમણ કરશે. શનિદેવનું આ ભ્રમણ ભણતર, પ્રેમ, શેર-સટ્ટા અને સંતાનસુખ બાબતે થોડી શુષ્કતા આપશે. જોકે શનિ બળવાન હોવાથી વિશેષ ચિંતાને અવકાશ નથી. છતાં શનિના મૂળભૂત ગુણધર્મને આધીન વિલંબ પછી સફળતા આપશે. વયસ્ક અને વૃદ્ધ વ્યક્તિઓને શનિની આ સ્થિતિ દૂરંદેશી આપશે અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે. યુવામિત્રોને આ ભ્રમણની અસર ભણતર અને આવક પર દેખાશે એટલે મહેનત અને એકાગ્રતા કેળવવી પડશે.

રાહુ ગ્રહનું વર્ષફળ
માર્ચ-2022 સુધી રાહુનું ભાગ્યસ્થાન ઉપરથી ભ્રમણ સંશોધન, ટેક્નોલોજી, ઇજનેરી ક્ષેત્રો માટે શુભ ગણાય. પૃથ્વી તત્વની સ્થિર રાશિનો રાહુ આપનું ભાગ્ય સ્થિર રાખશે. જોકે નવી શરૂઆત બાબતે ગૂંચવાડા અને વિલંબ થઇ શકે. રાહુ પહેલાં મનમાં નવા નવા તુક્કાઓ ઊભા કરશે અને પછી મૃગજળ બની ગૂંચવાડા ઊભા કરશે. સામાન્ય રીતે નવમે રાહુ નુકસાનકારક નથી છતાં અગત્યનો નિર્ણય સમજીને લેવો. એપ્રિલથી રાહુનું આઠમે ભ્રમણ વૃદ્ધોને આરોગ્યની ચિંતા આપી શકે. વેપારીવર્ગ અને નોકરિયાતવર્ગ માટે માર્ચ સુધીનો સમય શુભ છે. ગૂંચવાડા રહેશે પણ તકનો લાભ લઇ લેવો.

માનસિક સ્થિતિ
નૂતન વર્ષ દરમિયાન અપેક્ષા છોડશો, તો મન આનંદમાં રહેશે. કટાક્ષવાળી વાણીનો પ્રયોગ ન કરશો. આપ પ્રેમાળ, લાગણીશીલ છો, પણ કોઈ પણ કર્મ કર્યા પછી ફળની આશા ન રાખશો. એપ્રિલ પછી મિત્રતા વધુ ગાઢ બનશે, જે આપનો ઉત્સાહ વધારશે. સૌના સાથ=સહકારથી આપનું મન પ્રફુલ્લિત રહેશે. જોકે કૌટુંબિક સુખ મધ્યમ રહેશે. ભૂતકાળમાં જેણે સહકાર આપ્યો છે તેને ભૂલશો નહીં.

આર્થિક સ્થિતિ
આવનારા વર્ષ દરમિયાન રોકડની અછત વર્તાશે, પણ કામ અટકશે નહીં. 2021ની સરખામણીમાં આવનારું વર્ષ થોડી રાહત આપશે. જો આપ આર્થિક રીતે સક્ષમ હો, તો રોકાણ માટે ઉત્તમ સમય છે. બાકી આવક મર્યાદિત હોય અને તમારું જન્મલગ્ન કન્યા હોય અથવા કન્યા રાશિના ચિત્રા નક્ષત્રમાં તમારો જન્મ હોય તો ગજા બહારનું આર્થિક જોખમ ન લેવું.

લગ્નજીવન
વીતેલાં વર્ષની સરખામણીમાં નૂતન વર્ષ દાંપત્યજીવન માટે સારું રહેશે. જીવનસાથી માટે કદાચ કોઈ ફરિયાદ હશે તો દૂર થવાની શકયતા છે. પોતાની ભૂલનો પણ પશ્ચાતાપ થશે. મનમાં ભરી રાખેલી નાની નાની ભૂલોને માફ કરી શકશો તો સંબંધ ફરી ગાઢ બની જશે. અવિવાહિતો માટે આવનારું વર્ષ લગ્નગ્રંથિથી જોડાવા માટે શુભ છે. નૂતન વર્ષ દરમિયાન પ્રેમલગ્ન કરતા કુટુંબ થકી ગોઠવાયેલા લગ્ન માટેનો યોગ વધારે બળવાન ગણી શકાય.

આરોગ્ય અને પ્રવાસ
સંવત-2078 દરમિયાન આપનું આરોગ્ય એકંદરે સારુ રહેશે. છતાં આંખ, દાંત, ગળાનું થોડું ધ્યાન રાખવું. પ્રવાસ માટેનો સમય પણ શુભ છે. જો આપની સૂર્ય, શુક્ર કે રાહુની મહાદશા કે આંતરદશા ચાલી રહી હોય અને વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હો, તો નવેમ્બરથી એપ્રિલનો સમય દૂરના પ્રવાસ માટે શુભ છે. જો નાના પ્રવાસ પર જવાની ઈચ્છા છે તો ઉનાળાની રજાઓ દરમિયાનનું આયોજન આનંદ આપનાર રહેશે.

સંતાન અને અભ્યાસ
જો તમે નિઃસંતાન હો અને તમારો જન્મ કન્યા લગ્નમાં થયો હોય તો હજી કદાચ વિલંબ થઈ શકે તેમ છે. જો તમારી રાશિ કન્યા હોય અને જન્મ લગ્ન વૃષભ, કર્ક કે વૃશ્ચિક લગ્ન હોય, તો સંતાનસુખનો શુભ યોગ છે. કન્યા લગ્ન ધરાવનાર માતા-પિતા માટે સંતાનસુખ મધ્યમ રહેશે. સંતાન દૂર હશે તો એકલતા અનુભવાશે. વિદ્યાર્થીઓએ નૂતન વર્ષ દરમિયાન મહેનત વધારવી પડશે. શનિની ભૂમિકા હોવાથી ભણતરમાં એકાગ્રતા જરૂરી બનશે.

નોકરી-ધંધો-કૃષિ
વીતેલું વર્ષ નોકરી-ધંધા બાબતે કંઈક અસંતોષ અને તણાવ આપનારું રહ્યું હશે, પણ હવે સંતોષ અને સફળતા આપની પડખે રહેશે. ઉત્તરા, ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રવાળા જાતકોને વધુ સ્થિરતા દેખાશે. નોકરીમાં કાર્યની પ્રશંસા થશે. નોકરિયાત વર્ગ માટે આવનારું વર્ષ પ્રમોશન અને પગાર વધારાનું રહેશે. સહકર્મચારીઓનો સહકાર મળશે. જોબ બદલવા માટે નવે. થી એપ્રિલનો સમય વધારે અનુકૂળ છે. કૃષિ સંબંધિત કાર્યોમાં કોઈના સહકારથી લાભ મળી શકશે.

જમીન-મકાન-સંપત્તિ
નૂતન વર્ષ દરમિયાન મકાન-મિલકત બાબતે તમને સાનુકૂળ પરિણામ મળી શકે તેવા યોગ છે. જો સપનાંનું ઘર શોધી રહ્યા હો તો જીવનસાથીના સહયોગથી સપનું પૂરું થઈ શકે છે. બચત મર્યાદિત હોય, તો સંપૂર્ણ પૂંજી ખર્ચાઇ ન જાય તેનું ધ્યાન રાખવું, નહીંતર નવું મકાન લીધા પછી તેની સજાવટ બાબતે કાપ મૂકવો પડી શકે છે. ફક્ત રોકાણના આશયથી જમીન લેવી હોય અથવા ભાગીદારીમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય, તો માર્ચ/એપ્રિલ પછીનો સમય વધારે અનુકૂળ રહી શકે તેમ છે.

શત્રુ-કોર્ટ કચેરી
જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ શુભ હોય, તો નૂતન વર્ષ કોર્ટ-કચેરી બાબતે સફળતા આપનાર નીવડશે. સમાધાન માટેનો યોગ પણ આવી રહ્યો છે. તમારા કર્મો સારા હોય, તો સુખદ પરિણામ મળવાની પૂરેપૂરી શકયતા છે, પણ જાણે-અજાણે તમારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય અને સુનવણી ચાલી રહી હોય, તો પહેલાં ઈશ્વર સામે અને પછી સામેની વ્યક્તિ સમક્ષ ભૂલનો પશ્ચાતાપ કરો. ભૂલ જો ગંભીર નહીં હોય તો માફી મળી જશે.

સ્ત્રીવર્ગ
ઉત્તરા, ફાલ્ગુની અને હસ્ત નક્ષત્ર ધરાવતી સ્ત્રીઓ માટે આવનારું વર્ષ કુટુંબસુખ આપનારું રહેશે. ચિત્રા માટે મધ્યમ રહેશે. જોકે નવી નવી ખરીદીઓ માટે શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. નવા વર્ષમાં મિત્ર અને ભાઇ-બહેનો સાથેના સંબંધો સારા રહેશે. એપ્રિલ પછીનો સમય વધુ સારો રહેશે. સૌના સાથ-સહકારથી મન પ્રફુલ્લિત રહેશે. આત્મનિર્ભર સ્ત્રીઓ માટે પણ એપ્રિલ પછીનો સમય સારો રહેશે. જોકે માર્ચ સુધી બચત બાબતે થોડી ચિંતા રહેશે.

પ્રેમસંબંધ
નૂતન વર્ષ દરમિયાન પ્રેમ કરતાં પૈસા પાછળ દોડવું વધારે જરૂરી રહેશે. ખાસ કરીને કન્યાલગ્નમાં જો તમારો જન્મ થયો હોય અને તેમાં પણ મેષ, કર્ક, સિંહ કે વૃશ્ચિક રાશિની વ્યક્તિ સાથે લાગણીથી જોડાયા હો, તો ઝઘડા પાછળ ઊર્જાનો વ્યય કરવા કરતાં આ જ ઊર્જાનું રોકાણ કરિયર પાછળ કરશો તો વળતર જલ્દી મળશે. શ્રેષ્ઠ ઉપાય એ છે કે હાલ પૂરતો એકબીજાને સમય આપો અને સારા સમયની પ્રતિક્ષા કરો.

વિદેશયોગ
જે વિદ્યાર્થીઓનો ખાસ કરીને કન્યા લગ્નમાં જન્મ થયો હોય અને સૂર્ય કે શુક્રની મહાદશા ચાલતી હોય તો આવા જાતકો સ્વદેશ છોડી વિદેશ જવા વધારે આતુર થશે. સરળ નથી છતાં એપ્રિલ થી ડિસે-2022 દરમિયાન પ્રયત્નો વધારવાથી સારી યુનિ.માં એડમિશન મળી શકે તેમ છે. હરવા-ફરવા માટે કન્યા રાશિ અને કન્યા લગ્ન બંને જાતકો માટે સારો યોગ છે. છતાં આર્થિક બોજો ન પડે તેવું આયોજન કરવાની સલાહ છે.

ગોચર ઉપાય
કન્યા લગ્ન/રાશિના વિદ્યાર્થીઓએ પાંચ મિનિટ ૐ-કાર કરીને ઉત્તર/ઈશાન તરફ મુખ રાખીને ભણવા બેસવું. આર્થિક સ્થિરતા માટે "ૐ હ્રીં શ્રીં ક્લીં" ની રોજ ૫ માળા કરવી. જૈનમિત્રોએ "ૐ હ્રીં પદ્માવત્યૈ નમઃ" ની માળા ગણવી. દર શુક્રવારે મહાલક્ષ્મી કે પદ્માવતી દેવીના દર્શન કરવા જવું અને જરૂરિયાતમંદ બાળકી/યુવતીને પોતાની શક્તિ પ્રમાણે સાહિત્ય/રોકડની મદદ કરવી. શુક્રવારે આ પ્રયોગ અવશ્ય કરવો.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર4,5,15,16,21,22,23,24,25,261,8,9,17,18,27,28
ડિસેમ્બર1,2,12,13,19,20,21,22,23,29,305,6,14,15,24,25
જાન્યુઆરી6,8,9,15,16,17,18,19,25,262,3,10,11,20,21,29,30
ફેબ્રુઆરી2,4,5,6,11,12,13,14,15,21,227,8,17,18,25,26,27
માર્ચ2,4,5,10,11,12,13,14,15,20,21,316,7,8,16,17,25,26
એપ્રિલ1,6,7,8,9,10,11,17,27,28,292,3,4,12,13,14,21,22,30
મે3,4,5,6,7,8,9,14,15,24,25,26,311,10,11,18,19,27,28
જૂન1,2,3,4,5,11,21,22,27,28,29,306,7,15,16,23,24,25
જુલાઈ1,2,8,18,19,24,25,26,27,28,293,4,5,12,13,21,22,30,31
ઓગસ્ટ4,15,16,20,21,22,23,24,251,8,9,17,18,27,28
સપ્ટેમ્બર1,11,12,17,18,19,20,21,22,285,6,13,14,15,23,24
ઓક્ટોબર8,9,10,14,15,16,17,18,19,252,3,11,12,21,22,29,30