આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ
ગુરુ ગ્રહનું વર્ષફળ
વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મહરાજનું ભ્રમણ આ રાશિમાં રહી ત્રીજા ભાવે થશે. ગુરુનું આ ભ્રમણ આપના આત્મવિશ્વાસમાં વધારો કરાવવાવાળું બનશે. છેલ્લા કેટલાય સમયથી આપ જે મુશ્કેલીઓનો સામનો કરો છો તેમાંથી આપને લાભ થતો જણાય. શિક્ષણ જગતમાં આપના યોગદાનને કારણે આપને સારી તક પ્રાપ્ત થાય. આપે વિચાર્યા વગરના જે કોઈ ખર્ચ કર્યા હશે તેનું સારું કે ખરાબ પરિણામ આ વર્ષ દરમ્યાન આપને પ્રાપ્ત થઈ શકે તેમ છે.
શનિ ગ્રહનું વર્ષફળ
વિક્રમ સંવત 2077નું આ નૂતન વર્ષ શનિ મહરાજના દૃષ્ટિકોણથી આપની રાશિથી પરાક્રમ સ્થાનેથી પસાર થશે. શનિ મહરાજનું આ ભ્રમણ આપના ઉત્સાહમાં ખૂબ જ વધારો કરવાવાળું બનેલું રહેશે. આપની આવકમાં અને આપના સાહસમાં વૃદ્ધિ થશે જેનું પરિણામ આ વર્ષ દરમ્યાન આપને સાત ગણું જોવા મળી શકે છે. સ્પષ્ટ બોલવાના સ્વભાવથી આપ ઘણા લોકોનું દિલ જીતી શકો છો. રાજનીતિના ક્ષેત્રમાં રહેલા મિત્રોની ગણતરીઓ ખોટી પડી શકે છે.
રાહુ ગ્રહનું વર્ષફળ
વર્ષના પ્રારંભમાં વૃષભ રાશિનું ભ્રમણ સપ્તમ સ્થાને રહશે અને વૃશ્ચિકમાં કેતુનું ભ્રમણ લગ્નસ્થાને રહેશે. જેના કારણે આપના જીવનમાં અસમંજસની સ્થિતિ સમગ્ર વર્ષ દરમ્યાન રહી શકે તેમ છે. સાતમા સ્થાને રહેલો રાહુ આપને શ્રેષ્ઠ ભાગીદારોની મુલાકાત કરાવી શકે તેમ છે. આ વર્ષ દરમ્યાન આપ પુત્રનું સુખ પ્રાપ્ત કરી શકો તેમ છો. સમગ્ર વર્ષ દરમ્યાન ભક્તિ ને આધ્યાત્મનો સહારો કલ્યાણકારી બનશે. સ્વાસ્થ્ય અંગે આપને વારંવાર સંદેહ રહી શકે છે.
માનસિક સ્થિતિ
માનસિક સ્થિતિની દૃષ્ટીએ આવનારું વર્ષ એ ખૂબ સારું રહેશે. આપની છાપ પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉપસી શકે તેમ છે. જેને કારણે આપ ઘણી બધી તકલીફો દૂર કરી શકશો. આપનું મન આ વર્ષે શાંત હોવાને કારણે ઘણા બધા નિર્ણયો ભવિષ્યલક્ષી લઈ શકો છો. વર્ષના મધ્ય ભાગ પછી વિચારોની ભરમાળ શરૂ થશે.
નાણાકીય સ્થિતિ
આર્થિક સુખની દૃષ્ટીએ આ વર્ષ લાભદાયી બનશે. આપ એવી પરિસ્થિતિમાં ગૂંચવાયેલા રહેશો કે સમય નહીં મળે. આપે રોકેલા નાણાં પરત મળશે. ગત જન્મના પુણ્યોને કારણે ને વર્તમાન સમયમાં સારા કર્મોને કારણે આપને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. કોઈ પણ ક્ષેત્રમાં લગાવેલા નાણાં પારસમણી સમાન સિદ્ધ થાય.
લગ્નજીવન અને દાંપત્ય
આપનું દાંપત્યજીવન ખૂબ પ્રભાવશાળી બની શકે તેમ છે, પરંતુ આપને કંઈક ખૂટે છે તેવો ભાવ આપને લાગ્યા કરે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે નાનકડી નોકઝોક ચાલ્યા કરે. આ મીઠો ઝઘડો આપના સંબંધોને વધુ ગાઢ બનાવશે. અવિવાહિત લોકો માટે લગ્નનું અચાનક ગોઠવાઈ જવાથી થોડી દોડધામ વધી શકે તેમ છે. આપના દાંપત્યજીવનના દાખલા સમાજમાં અન્ય લોકો લઈ શકશે. જીવનસાથી સાથેની વફાદારી આપ નિભાવી શકો તેમ છો.
આરોગ્ય અને પ્રવાસ
વર્ષ દરમ્યાન આપે આરોગ્યની બાબતે સાવધાની રાખવી પડશે, કારણ કે કિડની સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આપ કસરત કે પાણી ઓછું પીતા હો તો પાણી વધુ પીવું અને સામાન્ય કસરત કરતા રહેવું. આપની શ્વાસ લેવાની ક્ષમતામાં પણ આ વર્ષ દરમ્યાન મુશ્કેલી સર્જાય તો નવાઈની વાત નથી. માટે પોતાની દિનચર્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. વર્ષ દરમ્યાન આપે નાના-મોટા પ્રવાસ સમયાંતરે થશે, પરંતુ કોઈ મોટી યાત્રાના યોગ બનતા નથી.
સંતાન અને અભ્યાસ
આપ સંતાન ઇચ્છુક હો તો સંતાન યોગ જરૂરથી બનશે, પણ છેલ્લા કેટલાય સમયના પ્રયત્નોથી આપના જીવનમાં સંતાનની સમસ્યા હોય તો પતિ-પત્નીની જન્મકુંડળીનો અભ્યાસ કરી તેનું અચૂક નિદાન કરાવવું. આ વર્ષે આપના સંતાનોનું પૂર્ણ ફળ આપને મળશે. સંતાનોના અભ્યાસની ચિંતામાંથી આપને મુક્તિ મળી શકે તેમ છે. આપ જેનો અભ્યાસ કરો છો તે અભ્યાસમાં પૂર્ણ મન લગાવવું જરૂરી બને. સાથે તે અભ્યાસને ભવિષ્યના વ્યવસાયના દૃષ્ટિકોણથી જુઓ.
નોકરી, ધંધો અને કૃષિ
આ વર્ષ દરમ્યાન નોકરીમાં આપને ખૂબ લાભ થઈ શકે છે. પગારમાં વધારો પોતાના સ્થાનમાં વૃદ્ધિ જેવું તમામ બાબતોમાં પ્રગતિ થવાથી આપ વધુ આનદમાં રહી શકો છો. સરકારી નોકરીનું આપનું સ્વપ્ન પરિપૂર્ણ થઈ શકે છે. શનિની શ્રેષ્ઠ અસરને કારણે વ્યવસાયમાં અસરકારક વૃદ્ધિ જોઈ શકો છો. પોતાના વ્યવસાય ને કારણે ભ્રમણ કરવાથી વ્યવસાયમાં અન્ય શાખાઓનો ઉમેરો થઇ શકે છે. વર્ષ ના પ્રારંભ થી ખેતી માં ઉત્પાદન ની ચિંતા અને દોડધામ રહ્યા કરે .
જમીન - મકાન - સંપત્તિ
આપની સંપત્તિમાં વિશેષ ફેરફાર કરવો હશે તો વર્ષના મધ્ય ભાગ પછી કરી શકશે. આપના સંતાનના નામે લીધેલી કોઈ પણ સંપત્તિથી આપને ફાયદો થાય. ગત વર્ષોમાં આપે જે રોકાણ કર્યું છે તેમાં આપના ધાર્યા કરતા વધારે ફાયદો થઈ શકે. આપના નામે લીધેલી જમીનમાં આપ કંઈક નવું કરી શકો છો. સંપત્તિની બાબતે આપનો દીર્ધ દૃષ્ટિકોણ ફાયદાકારક સાબિત થાય. આપની પાસે જે મકાન છે તેમજ કોઈ સુધારા-વધારા કરી લાંબા સમય સુધી આપ ત્યાં રહી શકો છો.
શત્રુ–કોર્ટ–કચેરી
આપનો ગુસ્સો આસમાને રહી શકે છે. ગુસ્સાને કારણે જો આપ વધુ પરાક્રમ કરશો તો શત્રુઓમાં વૃદ્ધિ થવી નક્કી છે. આપના વર્તનથી આપને ફાયદો થઈ શકે તેમ છે. માટે આપનું વર્તન ને વાણી જેટલા સંયમિત હશે તેટલા દુશ્મનો ઓછા હશે. આપના જે કોઈ પણ કોર્ટકેસ ચાલે છે તેમાં સકારાત્મક કે નકારાત્મક પરિણામ ન આવતા આપ હતાશાની લાગણી અનુભવશો, પણ ઉતાવળ કરવાની જરૂર નથી. સમય જતા દરેક પરિસ્થિતિઓ સાનુકૂળ બનેલી રહે.
મહિલા વર્ગ
વર્ષના પ્રારંભથી આપ નાની નાની ચિંતા કરી શકો છો. સ્વાસ્થ્ય અંગેની બેદરકારી આપને ભારે પડી શકે તેમ છે. આપ જે વ્યવસાય સાથે સંકળાયેલા હો તો આ વર્ષ આપના માટે સારું બનેલું રહે. વિવાહ સંબંધિત પ્રશ્નો સમાપ્ત થતાં સાસરી પક્ષની જવાબદારી આપના માથે આવી શકે છે. જીવન ને સુખદ બનાવવા માટે જે કોઈ સંકલ્પ લીધા છે તેમાં પાર ઉતરી શકાય. આપના અભ્યાસ થકી આપ જીવનની ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શકો છો.
પ્રેમ સંબંધ
પ્રેમ સંબંધો આપના માટે નહીં લાભ કે નુકસાન જેવા બનેલા રહેશે. અત્યાર સુધી આપ જેને ચાહતા હતા તે વ્યક્તિના વાણી-વર્તનમાં અચાનક બદલાવ આવતા આપની મન: સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી આપ જેને પ્રેમ કરો છો તે પરિવાર તેમજ આપનો પરિવાર એકમેક થતાં કોઈ સુંદર નિર્ણય તરફ જઈ શકાય. જેનો આપને અનહદ આનંદ હશે. પ્રેમ સંબંધો સર્વસ્વ હોય તેવું લાગશે. આ પવિત્ર બંધનથી દરેક ક્ષેત્રમાં મહદ્્અંશે લાભ થઈ શકે છે.
વિદેશ યોગ
આ વર્ષ દરમ્યાન ગ્રહ ગોચરને ધ્યાનમાં રાખતા વિદેશથી લાભ થઈ શકે. પરદેશની કોઈ સંસ્થા કે યુનિવર્સિટીના આપ મુખ્ય મહેમાન બની શકો છો. ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરો છો તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ વગેરે દેશોથી આપને લાભ મળી શકે. વિદેશ ફરવા જવા માટેનું સ્વપ્ન આપ જોઈ રહ્યા હો તો હજી આ વર્ષે આપને રાહ જોવી પડે તેમ છે. આપના કોઈ સ્વજનો વિદેશમાં રહેતા હોય તો લાભ થઈ શકે તેમજ પ્રથમ વખત અભ્યાસ અર્થે જશો ત્યારે પણ તેઓનો સહયોગ પ્રાપ્ત થશે.
નડતર નિવારણ
વૃશ્ચિક રાશિના મિત્રોએ પોતાના જીવનને ઉન્નત બનાવા માટે ખાસ આ સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન હનુમાનજીની પૂજા-ઉપાસના કરવી. નિત્ય બની શકે તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા તેમજ શનિવારના દિવસે દાન કરવું. જ્યારે પણ અમાવસ્યાની રાત્રી હોય ત્યારે હનુમાન જંજીરાના પાઠ કરવા. શનિવારના દિવસે સાંજે ભોજપત્ર પર શનિ યંત્ર બનાવી તેને સિદ્ધ કરી પોતાની પાસે રાખવાથી પણ ખૂબ લાભ થશે.
શુભાશુભ તારીખો
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 16,19,21,24,26,30 | 17,18,20,23,27,29 |
ડિસેમ્બર | 1,5,11,13,19,2126,28 | 2,4,7,10,12,25,30 |
જાન્યુઆરી | 2,4,6,8,15,17,19,24 | 1,5,10,14,1827,30 |
ફેબ્રુઆરી | 2,4,8,11,1519,21,28 | 1,3,7,9,10,18,20 |
માર્ચ | 1,6,8,10,13,15,18,31 | 2,4,11,14,16,19,22,26 |
એપ્રિલ | 4,5,7,10,12,17,25,28 | 1,3,11,13,20,23,26,29 |
મે | 2,4,8,15,21,24,26,29 | 1,3,5,10,11,18,2027 |
જુન | 1,2,4,7,8,10,12,13,17, | 3,6,9,21,24,26,28,30 |
જુલાઈ | 3,4,6,9,10,12,15,17,18 | 2,5,7,8,11,14,16,23 |
ઓગસ્ટ | 2,5,8,11,21,24,26,28 | 7,10,14,17,22,25,29 |
સપ્ટેમ્બર | 3,5,8,15,18,20,23,30 | 2,4,7,9,17,1927,29 |
ઓક્ટોમ્બર | 4,8,11,13,15,19,21,25 | 1,3,5,7,10,12,22,24 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.