વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષે ગુરુ ગ્રહની કૃપાથી વૃષભ જાતકોની આધ્યાત્મિક પ્રગતિ થશે, ધાર્યા કામ સફળ થશે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભમાં મકર રાશિમાંથી પસાર થતો ગુરુ આપને ઘણી મહેનત પછી રાહતનો અનુભવ કરાવે, જે આપના ભાગ્ય સ્થાનેથી પસાર થતો હોઈ આપના ધાર્યા કર્યો સફળ કરાવે. આપનો લાભાદિપતિ ગુરુ વર્ષના પ્રારંભમાં આઠમા ભાવે રહે છે, તે વક્રી અને માર્ગી થતાં વર્ષના અંતમાં મકર રાશિમાં નવમા ભાવે જોવા મળે છે. પરિવારનો સાથ અને સહકાર આ વર્ષ દરમ્યાન આપને મળી શકે છે. ગુરુ મહારાજની કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ પણ આ વર્ષે સાધી શકાશે.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ શનિ મહારાજ આપના નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનેથી પસાર થશે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી જેની આપ પ્રતિક્ષા કરો છો, તેને પ્રાપ્ત કરવાનો અવસર આપને મળી રહેશે. આપનું મન રાજકીય દૃષ્ટિકોણમાં વધુ પ્રેરતું હોય એવું આપને લાગશે. શનિ મહારાજની પનોતી આપને નથી માટે ગભરાવાની જરૂર નથી. આપને ભાગ્યાનુસાર સારું કામ મળી રહેશે. શનિ આપના કાર્યક્ષેત્રમાં બઢતી કે બદલીના વિશેષ યોગ નહીં બનાવી શકે.

રાહુ ગ્રહનું વર્ષફળ

આપની સ્વરાશિથી જ પસાર થતો રાહુ આપના માટે જુદા જુદા ક્ષેત્રમાંથી લાભ આપવાવાળો બને. આપને સ્વાસ્થ્યમાં રાહુ ખૂબ મદદ કરી શકે. આપને કોઈ મોટી શાસ્ત્ર ક્રિયામાંથી રાહુનું સમર્થન પ્રાપ્ત થાય. રાહુનું આ ભ્રમણ આપના માટે તમામ સંકટોને દૂર કરવાવાળું બને. નિરાશ થવાની જરૂર નથી. પિતૃઓ અને પૂર્વજોની પ્રાર્થનાથી આપને આપના ક્ષેત્રમાં ધારી સફળતા પ્રાપ્ત થાય. એકંદરે આવનારો સમય આપના માટે ખૂબ સારો બની શકે છે.

માનસિક સ્થિતિ

વર્ષના પ્રારંભે રાહુ સાથે ચંદ્રની યુતિ આપનું માનસિક અસંતુલન વધારે. મનમાં કારણ વગરની ચિંતા અને ઉચાટ રહ્યા કરે. 20-11-2020થી ગુરુ મકર રાશિમાં જતા નીચ ભંગ રાજયોગ કરાવે છે, જે આપની માનસિક સ્થિતિને ઘણી સુધારી શકે. 15-06-2021 દરમ્યાન સૂર્ય રાહુ સાથે રહેશે, જેથી આપનું મન ડામાડોળ થઇ શકે.

નાણાકીય સ્થિતિ

આ વર્ષ દરમ્યાન આપે નાણાંકીય બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી. ભાગ્યનો સાથ જરૂર મળશે. આપને તમામ ક્ષેત્રોમાંથી આર્થિક લાભ થઇ શકશે. આપને વધુ નાણાંનો વ્યય થતો હોય તેમ લાગશે. આપે જેમાં રોકાણ કર્યું છે તેમાંથી સારું એવું વળતર મળવાથી નાણાંકીય સ્થિતિ સુધરી શકે.

લગ્નજીવન અને દાંપત્ય

જો આપ અવિવાહિત હો તો વર્ષના પ્રારંભે આપના માટે સારા સમાચાર આવી શકે છે અને વર્ષના અંત ભાગ સુધીમાં લગ્નનો પણ પૂર્ણ યોગ બને છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય આ વર્ષ દરમ્યાન નરમ-ગરમ રહેવાથી આપને થોડી ચિંતા રહ્યા કરે. આપના દાંપત્યજીવનમાં આપ જેટલી મધુરતા લાવશો એટલો આપને લાભ થઇ શકે છે. આપની પત્નીને વધારે દુ:ખી કરશો તો આપને ધનહાનિ થઇ શકે છે અને તેની અસર આપના ભાગ્ય પર પણ થઇ શકે છે.

આરોગ્ય અને પ્રવાસ

વર્ષના પ્રારંભથી જ આપની પીડા સમાપ્ત થતી નથી. ડીસેમ્બર 2020 સુધી આપના પિત્તજન્ય રોગોમાં વૃદ્ધિ થઇ શકે છે. આપની તંદુરસ્તી સારી રહે, પરંતુ ચરબીમાં ભરાવો થઇ શકે છે. વાઇરલ ઇન્ફેકશનની સમસ્યા પણ થઇ શકે છે. કોઈ મોટા ઓપરેશન કે મોટી માંદગીના યોગ નથી, પરંતુ સાચવવું ખૂબ જરૂરી બનશે. આ વર્ષે પ્રવાસ બની શકે ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન કરવો. દેવદર્શન કે ધાર્મિક કાર્યો માટે નાના-મોટા ધર્મક્ષેત્રોમાં જવાથી લાભ થાય.

સંતાન અને અભ્યાસ

સંતાનોની ઈચ્છા પૂર્ણ થતાં આપને વધુ આનંદ અને શાંતિની અનુભૂતિ થાય. આ વર્ષે આપને ઇચ્છિત સંતાનપ્રાપ્તિ થઇ શકે છે. આપ કે આપના સંતાનો સંશોધન ક્ષેત્રમાં હો, તો અભ્યાસના દૃષ્ટિકોણથી લાભ થશે. સ્નાતક કક્ષાએ જો આપ અભ્યાસ કરતાં હો તો કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખશો. આવનારા સમયમાં આપને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે આપની અભ્યાસ તરફની જિજ્ઞાસા આપને ખૂબ આગળ લઇ જશે.

નોકરી, ધંધો અને કૃષિ

વર્ષના પ્રારંભથી નોકરી કે વ્યવસાયના પ્રશ્નોમાં ખૂબ ગૂંચવાયેલા રહો, જેના કારણે આપને નોકરી અને ધંધામાં મુશ્કેલી જણાય. જો જૂનો વ્યવસાય આપને ફાયદો ન કરાવતો હોય તો નવો વ્યવસાય શરૂ કરવો. 30-04-2021થી નોકરીમાં લાભ થતો જણાય. બોસ સાથેના વિવાદો ભારે પડી શકે તેમ હોવાથી તેનાથી બચવું. ખેતીની આવકથી પરિસ્થિતિમાં સુધારો આવે. ખેતીના સાધનોથી આવકના સ્રોત ઊભા કરી શકો.

જમીન - મકાન - સંપત્તિ

વર્ષના પ્રારંભથી જ સ્થાવર મિલકતમાં લાભ થતો જણાય. આપની અગાઉ લીધેલી જમીનથી લાભ મળી શકે છે. વાહન લેવાના વિચાર અંગે સમજીને નિર્ણય લેવો. જો ભાડાના મકાનમાં રહેતા હો, તો આ વર્ષે પોતાનું મકાન થઇ શકે. જૂનું મકાન વેચવાના પણ યોગ સર્જાય. આપના નામે જે કંઈ સંપત્તિ હશે તેનો આ વર્ષ દરમ્યાન લાભ થઇ શકે. કોઈ પણ રોકાણ આપના માટે નુકસાનકારક નથી, પરંતુ સમજી-વિચારીને કરેલું રોકાણ આપને ભવિષ્યમાં ફાયદો કરાવી શકશે.

શત્રુ–કોર્ટ–કચેરી

વિક્રમ સંવત 2077નું આ વર્ષ આપના માટે શત્રુઓની બાબતમાં સાવધાની સૂચક બની શકે છે. કોઈ પણ સંબંધોમાં ઉતાવળ ન કરવી. કોઈ વ્યક્તિ સાથે અણબનાવ કે ઝઘડો થાય તો સમાધાન તરફ આગળ વધવું. જુના કોઈ પણ કેસમાં આ વર્ષ દરમ્યાન નિર્ણય તમારા પક્ષમાં ન પણ આવી શકે અથવા વધારે મુદતો પછી સમાધાનની પ્રક્રિયા હાથ ધરવી પડે. આપના જે નિર્ણયો હોય તેમાં તેમ જ કોઈ પ્રકારના દસ્તાવેજો, કાગળો ઉપર સમજ્યા-વિચાર્યા વગર સહી ન કરવી.

મહિલા વર્ગ

આ વર્ષે આપનો સ્વભાવ થોડો શંકા-કુશંકાવાળો બની શકે છે. જેના કારણે આપના સ્વાસ્થ્ય ઉપર થોડી અસર વર્તાયા કરશે. આપ સ્વનિર્ભર છો તો આપે ગભરાવાની જરૂર નથી. આ વર્ષે આપના ઇષ્ટદેવની કૃપા આપ ઉપર રહેશે. લગ્નજીવનમાં શક્ય હોય તેટલું જતું કરવા દેવાનો ભાવ આપના સંબંધોને બચાવવામાં ઉપયોગી બનશે. કોઈ નવું આયોજન કરવાનું વિચારતાં હો, તો સફળતા મળે. નોકરી કરતા હો તો કંપની દ્વારા નાના-મોટા પ્રોજેક્ટ માટે બહાર જવાનું થાય.

પ્રેમ સંબંધ

આ વર્ષ દરમ્યાન આપના પ્રેમ સંબંધોમાં વધારે પડતો ઉત્સાહ જોવા મળે. પ્રેમીના વિચારોને કારણે આપ સુંદર કવિતાઓનું નિર્માણ કરી શકો છો. આ વર્ષ દરમ્યાન જો આપને પ્રેમ નથી થયો તો પ્રેમ કોને કહેવાય તે આપ જાણી શકો છે. આવનારા સમયમાં જેની આપ પરિકલ્પના કરો છો તે વ્યક્તિનો સહવાસ પ્રાપ્ત થઇ શકે. 16-03-2021 પછી આપને પ્રેમ સંબંધોમાં વધુ સફળતા મળે તેમ જ જેને આપ ખરા મનથી પ્રેમ કરો છો તેની સાથે લગ્ન પણ થઇ શકે છે.

વિદેશ યોગ

જો આપ આપની કારકિર્દી વિદેશમાં બનાવવા માંગતા હો, તો આ વર્ષ આપના માટે લાભદાયી બની શકે. જો આપ વિદ્યાર્થી હો તો આપ કારકિર્દી માટે પરદેશની સંસ્થામાં વિદ્યાભ્યાસની તક મેળવી શકો. આપને 15-03-2021 થી 15-06-2021 સુધી વિદ્યાભ્યાસ માટે વિદેશ જવું પડે. વિદેશ જવા માટે પરીક્ષા કે ઈન્ટરવ્યૂ આપવાનું થાય તો વર્ષના અંત સુધીમાં સારું પરિણામ આવે. જે લોકો વિદેશમાં છે અને ભારત આવવાના પ્રયત્નો કરે છે તેને સફળતા મળી શકે છે.

નડતર નિવારણ

વૃષભ રાશિના મિત્રોએ સમસ્યાનું નિવારણ લાવવા માટે સોમવારના દિવસે સવારે સ્નાન ઈત્યાદિથી સંપન્ન કરી લાલ આસન પર પૂર્વ દિશામાં પોતાનું મોં રહે તેવી રીતે બેસવું. તે પછી ||ઓમ સોમેશ્વરાય નમઃ|| મંત્રની 11 માળા રોજ કરવી તેમ જ લાલ ફૂલોથી તથા ભસ્મથી ભગવાન શિવનું પૂજન કરવું. આની સાથે ભગવાનનો જુદા જુદા દ્રવ્યોથી અભિષેક કરવો તેમ જ તે પછી આરતી કરવાની સાથે પૂજા કરવી. આમ કરવાથી તમામ સમસ્યાઓ દૂર થશે.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર16,18,20,21,23,27,3019,22,24,26,29
ડિસેમ્બર1,2,5,9,12-14,21,28,303,7,8,10,16,26,27,29
જાન્યુઆરી5,7,11,14,19,26,27,311-4,10,16,21,24,29
ફેબ્રુઆરી2,3,6,7,15,19,23,25,281,4,8,9,11,,20,21,27
માર્ચ6-8,13,14,18,25,27,302,4,9,11,16,19,24,29
એપ્રિલ1,6,8,14,19,23,28,302,5,7,11,13,17,21,25
મે1,4-6,9,12,17,20-22,282,3,7,10,14,16,25,27
જૂન9,10,15,17,18,21,24,303,5-7,12,20,23,26,28
જુલાઈ1,7,10,13,22,24,26,312,6,9,14,16,23,29,30
ઑગસ્ટ1-6,10,15,19,22,26,308,9,13,16,17,20,23,27
સપ્ટેમ્બર5,13,15,19,21,23,24,302,4,8-12,16,20,27,29
ઑક્ટોબર2,6,8,14,19,27-291,3,5,9,16,18,24,25
અન્ય સમાચારો પણ છે...