સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષ ગુરુ ગ્રહ સિંહ જાતકોને આર્થિક રીતે મદદ કરશે, શનિ મહારાજ આપને આશીર્વાદ આપશે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

વિક્રમ સંવત 2077 ગુરુ ગ્રહની દૃષ્ટિએ જોતાં વર્ષના પ્રારંભે મકર રાશિમાં રહેલો ગુરુ આપને વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવશે. આપના અનુભવનો ઉપયોગ આ સમયમાં આપ કરી શકો છો. કેટલાક નજીકના લોકોનો પરિચય આ સમયગાળા દરમિયાન થઇ શકે છે. ગુરુ આપને વર્ષના અંત સુધીમાં આપે જે વિચાર્યું છે તે મે‌‌ળવવામા મદદ કરે. આર્થિક દૃષ્ટિએ ગુરુ આપને મદદ કરશે. લોકોનો સ્નેહ આપના માટે બનેલો રહે.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી મકર રાશિમાં શનિનું ભ્રમણ આપના છઠ્ઠા સ્થાનેથી રહેશે જેના ફળ સ્વરૂપે આપના વિરોધી ઉપર આપનું વર્ચસ્વ બનેલું રહે. ઓગસ્ટ 2021 સુધી શનિ આપના ધારેલા કાર્યો પરિપૂર્ણ કરાવે. આપના વ્યવસાયમાં શનિ ગ્રહનું વર્ષ દરમિયાન વર્ચસ્વ રહે. આ વર્ષ દરમિયાન કોઈના ઉપર ભરોસો કરતાં પહેલાં વિચાર કરી લેવો. પોતાનાથી નાના માણસોને આદરભાવ અને સ્નેહ આપવો. શનિ મહારાજ આપને આ વર્ષે તમામ પ્રકારના આશીર્વાદ આપશે.

રાહુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ વૃષભ રાશિમાં દસમા સ્થાને રહેલ રાહુ અપના માટે લાભકારક બની શકે છે. રાહુનું આ ભ્રમણ આપની વિકટ પરિસ્થિતિનું સમાધાન કરાવી શકે છે. આપે જે સ્થળે નોકરી કરી હશે અને સંબંધો સાચવ્યા હશે. તેનું પરિણામ આવનારા સમયમાં આપને મળી શકે છે. આપની જીવનશૈલી વધુ ઉમદા બનાવવા માટે આપનો પ્રયાસ સતત રહેશે. આપના સુખમાં ક્ષતિ થતી લાગશે, પરંતુ ચિંતાની જરૂર નથી. સમય જતાં બધું સામાન્ય થઇ જશે.

માનસિક સ્થિતિ

આ વર્ષ દરમિયાન આપનો અંતરાત્મા તૃપ્ત હશે. જેના કારણે આપને કોઈ સમસ્યા નહીં હોય. આપનું મન સ્થિર હોવાથી યોગ્ય નિર્ણયો લઇ શકો છો. વર્ષના મધ્ય ભાગ પછી લીધેલા નિર્ણયોને બદલી નવા નિર્ણયો લઇ શકો છો. જન્મકુંડળીમાં ગ્રહણ યોગ કે ચંદ્ર સબંંધિત દૂષિત યોગ બનતાં હશે તો મુશ્કેલીઓ વધી શકે છે.

નાણાકીય સ્થિતિ

આર્થિક દૃષ્ટિએ આવનારું આ વર્ષ ઘણું સારું રહેશે. આપના નાણાંના આયોજનો આપને લાભ કરાવી જાય. વર્ષના મધ્ય ભાગ પછી હોસ્પિટલ કે અન્ય કોઈ એવા સ્થાને નાણાંનો વ્યય થશે કે જ્યાંથી તે પરત ન આવી શકે. વર્ષના અંતે આપના મોજશોખ પાછળ નાણાંનો વ્યય કરી શકો છો.

લગ્નજીવન અને દાંપત્ય

વર્ષના પ્રારંભમાં આપના પરિવારમાં ખુશીનો મહોલ બનવાથી આપના વૈવાહિક જીવન સમૃદ્ધ બની શકે છે. જો પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ થયો હશે તો તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. જો આપ અપરિણીત હો તો આ વર્ષે લગ્નનો યોગ બને છે. જો આપનું પ્રથમ લગ્ન ભંગ થયું છે તો બીજા લગ્નનો યોગ આ વર્ષ દરમિયાન બની શકે છે. આપના દાંપત્ય જીવનમાં ખૂબ પ્રેમ અને મધુરતા બનેલી રહેશે જેના કારણે આપ વધુ પ્રસન્ન રહી શકો છો.

આરોગ્ય અને પ્રવાસ

વર્ષના પ્રારંભથી જ આપનું સ્વાસ્થ્ય એટલું સારું હશે કે આપને સ્વાસ્થ્યની ચિંતા નહીં સતાવે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી ઢીંચણ તેમ જ સાંધાના દુખાવાની ફરિયાદ અવારનવાર રહ્યા કરશે. પોતાના ખાવાપીવામાં તેમ જ દિનચર્યામાં સાવધાની રાખવી. આ વર્ષ દરમિયાન શ્વાસમાં તકલીફ થતી હોય તો ડોક્ટર પાસે તેનંુ નિદાન કરાવવું. ધાર્મિક યાત્રા તેમ જ પ્રવાસ ફળદાયી બની શકે છે. આપની વ્યવસાયિક યાત્રાથી પણ લાભ થશે.

સંતાન અને અભ્યાસ

આપના સંતાનોનું સ્વાસ્થ્ય આ વર્ષ દરમિયાન સારું રહેવાથી આપની ચિંતામાં અવશ્ય ઘટાડો થશે. ઇચ્છિત સંતાનપ્રાપ્તિના યોગો પણ આ વર્ષે બને છે. આપની પ્રસન્નતામાં વધારો થાય. સંતાનોને સમય ન આપવાથી સંતાનોની નારાજગીનો સામનો આપે કરવો પડશે. અભ્યાસમાં જો આપ વિષયને બરાબર નહીં સમજ્યા હો, તો આપના માટે ધાર્યું પરિણામ લાવવું થોડું મુશ્કેલ બની શકે તેમ છે. જે મિત્રો ઈજનેરી શાખામાં છે, તેઓને અભ્યાસ વિલંબથી પૂરો થતો જોવા મળે.

નોકરી, ધંધો અને કૃષિ

નોકરીમાં આવનારું વર્ષ મધ્યમ ફળદાયી બની શકે છે. આપનો સ્વભાવ તેમ જ અહંકાર આપને વધુ ઠેસ પહોંચાડી શકે છે. આ વર્ષે વારંવાર નોકરી બદલવાના યોગો તેમ જ બોસ કે મેનેજરની નારાજગીનો સામનો કરવો પડે. વર્ષના મધ્ય ભાગ પછી આપની આવકમાં વધારો થતો જોવા મળે. આપનો બીજો વ્યવસાય પણ પ્રગતિના પંથે જશે. ખેતીના કામકાજમાં ધ્યાન આપવું. જો કોઈ માણસ રાખ્યો હોય તો તેના કારણે નુકસાન થઇ શકે છે.

જમીન - મકાન - સંપત્તિ

સંપત્તિના મામલે આ વર્ષ આપને વધુ ચિંતા ઉપજાવે તેવું બની શકે છે. આપે ખરીદેલી કોઈ જમીન અથવા મકાન આપને ફાયદો પહોંચાડે. આ વર્ષે નવી સંપત્તિમાં રોકાણ ફાયદાકારક થઇ શકે છે. આપનાં માતા કે પિતાનાં નામે લીધેલી સંપત્તિ લાભદાયી બની શકે છે. સ્થાવર-જંગમ મિલકતની દૃષ્ટિએ આપને સફળતા મળી શકે છે. આપના જમીન સંબંધે વિવાદો આ વર્ષે આપના માટે માથાના દુખાવા સમાન થઇ શકે છે. આમ જમીનમાં રોકાણ લાભ થઇ શકે.

શત્રુ–કોર્ટ–કચેરી

વિક્રમ સંવત 2077નું આ વર્ષ શત્રુઓ બાબતે આપના માટે સૌથી અસરકારક બની શકે છે. આપના શત્રુઓનો આપને આંતરિક સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. જો આપના શત્રુઓને ન સમજવાની ભૂલ કરશો તો આપને મોટી મુશ્કેલી થઇ શકે છે. આપના જૂના કોર્ટકેસ સમસ્યામાં વધારો કરવાવાળા બની શકે છે. છેતરપીંડી કે ચોરીના ખોટા આરોપ સામે આપ લડત આપી શકો છો. એકંદરે આવનારું વર્ષ આપના માટે પ્રતિકૂળ બની શકે છે. માટે સાવધાની રાખવી.

મહિલા વર્ગ

વિક્રમ સંવત 2077નું આ વર્ષ બહેનો માટે આત્મવિશ્વાસથી સભર થઇ શકે છે. આપનું ભાગ્ય પ્રબળ થતું જણાય. આપની આંતરિક શક્તિઓને વિકસાવી શકો છો. આપનો સ્વભાવ ઉતાવળિયો હોવાને કારણે આપને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે. આપના અંગત વ્યક્તિને કોઈ કષ્ટ પડવાને કારણે આપ વધુ દુ:ખી થઇ શકો છો. અભ્યાસમાં આપ ધારી સફળતા મેળવી શકો છો. આપનો અટકેલો અભ્યાસ પૂરો થતાં આપને વધુ લાભ થઇ શકે છે.

પ્રેમ સંબંધ

આવનારું વર્ષ આપનો સમય પ્રેમ સંબંધોમાં સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન કરી શકે છે. કોઈ વ્યક્તિ આપને મીઠું બોલી પોતાની તરફ આકર્ષી આપને મુસીબતમાં નાખી શકે છે. આપને પ્રેમનો સાચો સંબંધ સમજાતાં આપ જાગૃત અવસ્થામાં આવી શકો છો. આપનો પ્રેમાળ સ્વભાવ સૌથી ફાયદાકારક રહેશે.જો સંબંધોમાં આપે ક્રૂરતા કે જીદ્દી વલણ દાખવ્યું હશે તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. ચોથે રહેલ રાહુ આપની પરિસ્થિતિઓને આપના તરફના આકર્ષણમાં વધારો કરી શકે છે.

વિદેશ યોગ

આવનારા સમયમાં વિદેશથી આપને લાભ કે સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. જો આપ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્ન કરી રહ્યા છો તોે સફળતા મળી શકે છે. વ્યવસાય વિઝા કે કાયમી ધોરણે વસવાટ આપને લાભકર્તા બની શકે છે. આપ ફરવા માટે વિદેશ જઈ શકો છો. વિદેશથી આપને પૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે અને વિદેશમાં આપના વસતા સ્વજનોનો સહકાર પ્રાપ્ત થઇ શકે. આપે ભૂતકાળ માં વિચાર કરેલા સ્થળોએ જવાનું આપનું સ્વપ્ન પરિપૂર્ણ થઇ શકે છે.

નડતર નિવારણ

સિંહ રાશિના મિત્રોએ પોતાના જીવનની મુશ્કેલીઓ સમાપ્ત કરવા માટે શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરવું અથવા કોઈ વિદ્વાન ભૂદેવ પાસે આ પારાયણ કરાવવું. ભગવાન બાળ ગોપાલને ગંગા-જમુનાના જળથી કેસર મિશ્રિત કરી સ્નાન કરાવવું તેમ જ નિત્ય મિસરીનો ભોગ ધરવો. દરેક માસમાં આવતી દરેક અગિયારસે યથાશક્તિ દાન કરવું તેમ જ એકાદશીનું વ્રત કરવું. આ વ્રત કરવાનું શરૂ કરો ત્યારે બની શકે તો તે દિવસે મૌન રહેવું વધુ સારું રહેશે.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર17,18,20,22,24,28-3016,19,21,23,25,27
ડિસેમ્બર1,5,9,12-14,19,20,306,11,16,21,25,27,28
જાન્યુઆરી4,10,19,21,27,29-317-9,11,14,15,20,28
ફેબ્રુઆરી3,7,11,16,19,20,24,261,2,8-10,13,15,18,25
માર્ચ5,6,10,13,15,20-23,254,7,11-13,17-19,26,27
એપ્રિલ1,5,7,8,11,14,16,18,269,12,15,17,19-23,28
મે5,12-15,17,19-21,301,7,11,16,18,22,24,26
જૂન4,9,11,16,18,22-25,272,6,10,14,18-21,28
જુલાઈ1,7,14,15,17,21,22,262-4,9-11,16,19,20,27
ઓગસ્ટ6,9,10-12,16,20,25,271,5,15,21,24,28,30
સપ્ટેમ્બર1,8-10,12,16,21,23,262,3,7,13,19,22,25,28
ઓક્ટોબર1,,9,11,14,17-19,24,273,10,15,20,22,28,30
અન્ય સમાચારો પણ છે...