મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષે મિથુન જાતકો ઉપર શનિની નાની પનોતી રહેશે, વર્ષના મધ્યથી આપને ધનલાભ થશે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં ભ્રમણ કરશે, જે આઠમા સ્થાને અસરકારક બનશે. જે આપને વધુ પડતી પરેશાનીનો સામનો કરાવે. આપ વધુ દેવામાં ફસાવ નહીં તે માટે નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આપની મૂંઝવણ સમાપ્ત થશે. આપે જે કોઈ સોદા કર્યા હોય તેમાં સફળતા મળી શકે છે. ગુરુ મહારાજનું વર્ષમાં બે વખત રાશિ ભ્રમણ આપને મિશ્ર ફળદાયી બની શકે છે.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના આરંભથી જ શનિ આપના આઠમા સ્થાનેથી પસાર થતાં લોખંડના પાયાની પનોતી આપને થોડી મુશ્કેલીમાં મૂકી શકે છે. શનિનું આ ભ્રમણ આપને શારીરિક, માનસિક તેમ જ આર્થિક રીતે કષ્ટદાયક બને. આપના માન-સન્માનમાં પણ ક્ષતિ થઇ શકે. કોઈની લોન કે દસ્તાવેજની બાબતોમાં જામીનગીરી કે મધ્યસ્થી બનવું નહીં. આપનું એક ખોટું પગલું જીવનભર પરેશાનીમાં મૂકી શકે. આ વર્ષ દરમ્યાન આપે શનિ મહારાજથી બચીને રહેવું.

રાહુ ગ્રહનું વર્ષફળ

વર્ષના આરંભે રાહુ આપની રાશિથી બારમા સ્થાને ભ્રમણ કરશે, જે વર્ષ દરમ્યાન તકલીફોમાં વધારો કરનાર બને. જાહેર જીવનમાં મુશ્કેલી ઉપસ્થિત થાય. બારમા સ્થાનેથી રાહુનું ભ્રમણ જાતકોને વધુ તકલીફદાયક બને છે. વર્ષ દરમ્યાન આપે બુધવારના દિવસે દાન કરવું. વર્ષના અંતે આપની મુશ્કેલીઓનો અંત આવતો જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થતાં થોડી પ્રસન્નતા જીવનમાં આવી શકે છે. વધુ પડતું નકારાત્મક વલણ ન રાખવાની ખાસ સલાહ છે.

માનસિક સ્થિતિ

આપ શનિની નાની પનોતીમાંથી પસાર થઇ રહ્યા છો, જે આપની માનસિક સ્થિતિને ડામાડોળ કરી શકે છે. આયોજન વગરનું કોઈ પણ કાર્ય કરશો તો માનસિક સ્થિતિ બગડશે. સાથે સાથે આપનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. જુલાઈ 2021 સુધીનો સમય આપને પરેશાનીનો સામનો કરાવી શકે છે. ત્યાર બાદ વાંધો નહીં આવે.

નાણાકીય સ્થિતિ

આર્થિક દૃષ્ટિકોણથી જોતાં આવનારું વર્ષ આપને ખોટા ખર્ચા કરાવવાવાળું બની શકે છે. એટલે જે નાણાંનું આયોજન કર્યું હોય તેના સિવાયનો ખોટો ખર્ચ થઇ શકે છે. આ વર્ષ દરમ્યાન બચતભવિષ્ય માટે શ્રેષ્ઠ બની શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી આકસ્મિક ધનલાભથી આપની ચિંતામાં ઘટાડો થાય.

લગ્નજીવન અને દાંપત્ય

વૈવાહિક જીવનના લેખાંજોખાંની વાત કરીએ તો વર્ષના મધ્ય ભાગ સુધી આપના દાંપત્ય જીવનમાં તણાવભરી પરિસ્થિતિ થઇ શકે છે. આપના દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે કોઈ મધ્યસ્થ વ્યક્તિનો સહારો લઇને ગેરસમજ દૂર કરવી. આ વર્ષ દરમ્યાન આપના જીવનમાં કોઈ અદ્્ભુત વ્યક્તિના આગમનથી આપનું જીવન બચાવી શકો છો. આ વર્ષે લગ્નનો યોગ બને છે અને ઘણા વખતથી પતિ-પત્ની વચ્ચે ચાલતા વિખવાદનો પણ અંત આવી શકે છે.

આરોગ્ય અને પ્રવાસ

આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે ખૂબ સાવધાનીવાળું છે. જરા પણ આરોગ્યમાં ક્ષતિ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો, ઢીલ રાખવી નહીં. રાહુ અને શનિની પરિસ્થિતિ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. છાતીમાં તેમ જ પેટનો દુખાવો, ઊંઘ ન આવવી જેવી ઘણી બાબતોનો સામનો કરવો પડે. વર્ષના મધ્ય ભાગમાં નાનીમોટી શસ્ત્રક્રિયાના પણ યોગ છે. આ વર્ષેે પ્રવાસ લાભદાયી બનશે. આપે જ્યાં ઈચ્છા કરી હશે ત્યાં જવાથી મન થોડી રાહત અનુભવશે.

સંતાન અને અભ્યાસ

વર્ષના પ્રારંભે સંતાનની મનોકામના પૂર્ણ ન થવાથી આપ હતાશ થાવ. સંતાન પ્રાપ્તિ માટે વધુ એક વર્ષનો સમય થઇ શકે તેમ છે. સંતાન યોગ નિશ્ચિત કરવા માટે આપની જન્મકુંડળીનો અભ્યાસ વધુ આવશ્યક બની શકે છે. આપના સંતાનો આપના માટે કંઇ શ્રેષ્ઠ કરશે જેનાથી ગર્વાન્વિત અનુભવશો. અભ્યાસની વાત કરીએ તો ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતા મિત્રોએે સાવધાન રહેવાની જરૂર છે. કારકિર્દી વધુ સારી બનવાના યોગ બને.

નોકરી, ધંધો અને કૃષિ

આ વર્ષ દરમ્યાન સરકારી કે અર્ધસરકારી નોકરિયાત વર્ગને થોડો સંઘર્ષવાળો સમય બની શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરનારાને આ વર્ષ દરમ્યાન ઊજળી તક મળશે. આપના પગાર વધારાની સમસ્યા પણ મહદ્દંંશે આ વર્ષે પૂર્ણ થાય. ધંધામાં અસરકારક પરિણામ મળે, પરંતુ ભાગીદારો સાથેની સમસ્યાઓ નુકસાન પહોંચાડી શકે. ખેતીવાડી ક્ષેત્રે વર્ષ દરમ્યાન કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળતા હતાશ થાય. સરકારી યોજનાઓનો લાભ મળે.

જમીન - મકાન - સંપત્તિ

આ વર્ષે આપની સંપત્તિમાંથી નાનોમોટો લાભ મેળવી શકશો. આપ નવી સંપત્તિ વસાવીને મિલકતમાં વધારો કરી શકો છો. બાળકોના નામે સંપત્તિ વસાવવાથી લાભ થઇ શકે. જૂનું વાહન બદલી અને નવું વસાવવાના યોગ પણ બને છે. સોના-ચાંદીમાંં રોકાણ આપને લાભ કરાવી શકે તેમ છે. કોઈ પણ પ્રકારના ખોટા રોકાણથી આ વર્ષ દરમ્યાન આપે બચતું રહેવું. સમજ્યા-વિચાર્યા વગર કોઈને પણ ઉછીના નાણાં આપવા નહીં.

શત્રુ–કોર્ટ–કચેરી

આ વર્ષ દરમ્યાન શનિની નાની પનોતી તેમ જ બારમે રાહુ શત્રુ, કોર્ટ-કચેરીમાં આપની મુશ્કેલીઓમાં વધારો કરી શકે. આપ કોઈ કાવાદાવામાં ખોટી રીતે ફસાઈ શકો. નીતિગત બાબતોને ધ્યાનમાં લેવી. આપના જે કોઈ શત્રુઓ હોય તેમનાથી સાવધાની રાખવી. પોતાના શત્રુઓને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી. આ વર્ષ દરમ્યાન આંખો બંધ કરી કોઈના ઉપર ભરોસો ન કરવો કે કોઈ પણ ખરાબ વ્યક્તિની સોબતમાં ન આવવું.

મહિલા વર્ગ

આ વર્ષે આ રાશિની મહિલાઓએ સંઘર્ષનો સામનો કરવો પડી શકે તેમ છે. આ વર્ષ દરમ્યાન આપને શારીરિક અને માનસિક રીતે વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ છે. નાણાંકીય ભીડ તેમ જ કુટુંબનો કકળાટ આપના માટે માથાના દુખાવા સમાન થઇ શકે છે. આપનો લગ્ન માટેનો પણ સાનુકૂળ સમય લાગતો નથી. માટે કોઈ પ્રકારની ઉતાવળ ન કરવી. ખાસ કરીને આપ નોકરી કરતાં હો, તો ડ્રોપ લેવાના કે બદલીના યોગ બની શકે છે.

પ્રેમ સંબંધ

આ વર્ષના પ્રારંભે પ્રેમનો પરવાનો આસમાને હોય તેવું જણાશે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ હોઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વારંવાર ગુસ્સો તેમ જ શંકાશીલ સ્વભાવ આપના પ્રેમજીવનમાં ભંગાણની પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. પ્રેમ સંબંધોમાં વફાદાર રહેવું. વર્ષના અંતમાં પ્રેમમાં દગો પણ મળી શકે છે. એકંદરે આવનારું વર્ષ પ્રેમ સંબંધોમાં મિશ્ર ફળદાયી નીવડી શકે છે. ખાસ કરીને આપ જેને પ્રેમ કરો છો તે વ્યક્તિનો સહયોગ મળવાથી આનંદ થાય.

વિદેશ યોગ

વર્ષના પ્રારંભથી વિદેશ જવાનું આપનું સ્વપ્ન પરિપૂર્ણ થતું હોય તેવું લાગ્યા કરશે. વિદેશમાં જે લોકો વ્યવસાય કરે છે, તેમને પણ આવનારા સમયમાં ખૂબ લાભ થઇ શકે. વિદેશમાં કરેલું રોકાણ કે વિદેશથી કરેલું રોકાણ આપના માટે ખૂબ ઉન્નતિકારક બની શકે છે. વિદ્યાર્થી તરીકે વિદેશ જવાના મનસુબા પૂરા થઇ શકે. આપ વિદેશમાં રહેતા હો, તો આપની ચિંતામાં ઘટાડો થશે. કાયમી ધોરણે વિદેશમાં રહેવા માટેના અપના પ્રયત્નો આ વર્ષ દરમ્યાન ફળીભૂત થતાં જણાય.

નડતર નિવારણ

મિથુન રાશિના જાતકોએ પોતાના જીવનમાં ધન-ધાન્યની સમૃદ્ધિ માટે સુદની રાત્રિમાં સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરવા. જો આપની પાસે શ્રીયંત્ર હોય તો તેને કાંસાની થાળીમાં મૂકવું. આપેલા મંત્રની 108 માળા કરવી તેમ જ ચંદન, કેસર, કંકુનું તિલક કરવું. આ શ્રીયંત્રની ચારે દિશામાં ગાયના ઘીના ચાર દીવા પ્રગટાવવા. જો આપની પાસે શ્રીયંત્ર ન હોય તો લક્ષ્મીજીની પ્રતિમા કાંસાની થાળીમાં મૂકી પૂજન કરવું તેમ જ નૈવેદ્ય અર્પણ કરવા.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર17,20,21,28,29,3018,19,22,23,25,27
ડિસેમ્બર1,3-5,9,19,22,23,29,312,8,10,12,15,18,21,30
જાન્યુઆરી2,7,12,15,16,21,24,281,5,11,17,19,22,29,30
ફેબ્રુઆરી1,4,6,11,14,17,19,24,283,5,11,12,19,21,25,26
માર્ચ5,10,14,15,18,21,25,301-3,8,13,19,24,28,31
એપ્રિલ1-5,8,10,16,17,19,27,306,9,11,18,21-23,29
મે3,9,11,15,18,21,25,282,7,10,14,20,27,29
જૂન6,7,9,10,18,19,26,291,8,11,17,21,22,28
જુલાઈ1,12,13,15,18,22,25,283,9,17,20,23,27,30
ઑગસ્ટ4-8,1014,2026,27,301,9,12,22,24,25,28
સપ્ટેમ્બર2,9,11,12,15-17,22,295-7,10,20,23,26,30
ઑક્ટોબર1,5,8,10,18,19,20,263,7,12,17,21,24,27,30
અન્ય સમાચારો પણ છે...