મકર રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષ મકર જાતકો માટે થોડું મુશ્કેલીભર્યું રહેશે, ગુરુ ગ્રહની કૃપાથી આપ બુદ્ધિનો સદુપયોગ કરીને આગળ વધશો

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભે ગુરુ મહરાજ મકર અને ત્યાર બાદ કુંભ રાશિમાં આવી વર્ષના અંતે પુનઃ મકર રાશિમાં સ્થિર થતા જોવા મળે. આ સમયગાળો આપના માટે થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. નજીકના મિત્રોનો આપને સાથ-સહકાર મળે. આપની લોકોમાં એક નવી જ છાપ ઊભી થવાથી આપની ખ્યાતી વધી શકે છે. આ વર્ષ દરમ્યાન આપનો આકસ્મિક બચાવ થતો હોય તેવું લાગશે. ગુરુ મહરાજની કૃપાથી આપ બુદ્ધિનો સદુપયોગ કરીને મુશ્કેલીઓ દૂર કરી શકશો.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ મકર રાશિના મિત્રો માટે સાડાસાતીનો બીજો તબક્કો જે સોનાના પાયે છે તે આપને કષ્ટ અપાવે. ગુરુનું ભ્રમણ પણ વર્ષમાં બે વખત મકર રાશિમાં હોવાથી આપને મોટી મુશ્કેલીઓમાંથી ગુરુ મહરાજ બચાવી શકે છે. કોઈ પણ વિચાર્યા વગરના પગલાં લેવા નહીં. કોઈ પણ સંપત્તિને ગીરવે અથવા તો બેંકના તારણમાં ન મુકવાની સલાહ છે. વર્ષ દરમ્યાન આપની સાહસ વૃત્તિ સરાહનીય હશે, પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ આપને નબળા બનાવી શકે છે.

રાહુ ગ્રહનું વર્ષફળ

આપની રાશિથી પાંચમાં સ્થાને રહેલો વૃષભનો રાહુ લાભ કરાવવાવાળો બને. કેટલીક બાબતોમાં આપને સફળતા મળતી જણાય અને કેટલીક બાબતોમાં આપ વધુ પડતા પરેશાન હોવ તેવું આપને લાગ્યા કરે. શક્ય હોય ત્યાં સુધી કોર્ટ કેસ કે વિલંબમાં પડેલી મિલકતનું નિરાકરણ માર્ચ કે એપ્રિલ માસમાં આવતું જણાય. આ વર્ષ દરમ્યાન શક્ય હોય તેટલું વાહન ચલાવવાનું આપે ટાળવું. કોઈ પણ પ્રકારના ખોટા સાહસોથી અને આડા સંબંધોથી પણ બચવું જોઈએ.

માનસિક સ્થિતિ

આપની રાશિનો માલિક પોતાની જ રાશિમાં છે જે સાડાસાતીનો બીજો તબક્કો હોવાથી આપને વધુ પડતી ચિંતા કરાવે. નકારાત્મક બાબતો પર વધુ ચિંતન કર્યા કરો. આપની આજુબાજુ એવું નકારાત્મક વાતાવરણ હોય જેના કારણે આપને ભય લાગ્યા કરે. 5-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં રહેશે જેના કારણે સ્થતિ થોડી સુધારી શકે.

નાણાકીય સ્થિતિ

વર્ષના આરંભથી જ ધનાધિપતિ શનિ આપની રાશિમાં જ રહેશે જે સમગ્ર વર્ષ દરમ્યાન આપના માટે નાણાકીય તકલીફો દૂર રાખશે. જે લોકો મહેનતથી અને નીતિથી કામ કરે છે તેવા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં. નજીકના લોકોની મહેનત અને બુદ્ધિ આપની નાણાકીય સ્થતિને વધારે બળવાન બનાવે.

લગ્નજીવન અને દાંપત્ય

વર્ષના પ્રારંભથી જ આપના વૈવાહિક જીવનમાં અશાંતિ લાગ્યા કરે. પત્નીના આરોગ્યની ચિંતા આપને રહ્યા કરે. પત્ની સાથે વાદવિવાદને કારણે આપના દાંપત્યજીવન ઉપર તેની ઊંડી અસર પડી શકે તેમ છે. માટે કોઈ પણ બાબતનું સમાધાન સમજી-વિચારી સાથે બેસી ચર્ચા કરી કરવું આપના માટે લાભદાયી બને. લગ્ન સંબંધિત વાતચીત આપને વિચાર-વિમર્શ કરવા માટે મજબૂર કરી શકે એટલે કે આપે જેવું વિચાર્યું હોય તે પ્રમાણે જીવનસાથી ન પણ મળે.

આરોગ્ય અને પ્રવાસ

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સાચવવું આપના માટે સૌથી પ્રથમ હશે. હૃદય સંબંધિત બીમારીઓ તેમજ ગુપ્તરોગની સમસ્યાઓ થઈ શકે છે નાની નાની વાતમાં ગભરામણ થવી, બેભાન થવું જેવી સમસ્યાઓ આપને વધુ પરેશાનીમાં મૂકી શકે છે. બદનામીના ડરથી આપને વધુ ચિંતા થઈ શકે અને તેના કારણે આપની પરિસ્થતિ વિકટ બનતી જાય. આપ પ્રવાસ કરવાની ઇચ્છા રાખતા હો તો આ વર્ષે સાવધાન રહેવું. પ્રવાસ દરમ્યાન બીમારીઓ આપનો પીછો કરી શકે છે.

સંતાન અને અભ્યાસ

સંતાન સંબંધે આવનારું આખું વર્ષ આપને લાભ થશે માટે સંતાન બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આપના પિતૃઓના આશીર્વાદ આપના ઉપર બનેલા રહેશે. સંતાનોનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. સંતાનો ભણવામાં ધ્યાન આપશે છતાં પણ આપને તેમની ચિંતા સતાવી શકે છે. આપ જો પોતે અભ્યાસ કરી રહ્યા હો તો ધાર્યું પરિણામ પ્રાપ્ત થવાથી લાભ થશે. કોઈ પણ પરિસ્થતિમાં હકારાત્મક નિર્ણય આપના તરફ આવતો જણાય. માત્ર મહેનત કરો.

નોકરી, ધંધો અને કૃષિ

નોકરીમાં આપને લાભ થઈ શકે છે. ઉપરી અધિકારી સાથે વાદવિવાદનો અંત પણ આપ આ વર્ષે લાવી શકો છો. વર્ષના અંત ભાગમાં આપને નોકરીથી કંઈક વિશેષ શીખવા મળી શકે. જેનાથી આપ પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ બનાવી શકો છો. વ્યવસાયમાં જેટલું ધ્યાન આપશો તેટલો લાભ થશે. આ વર્ષ દરમ્યાન આપને ખેતીના કામકાજમાં મહેનતના પ્રમાણમાં ફળ મધ્યમ પ્રકારે મળતું જણાય. તૈયાર થયેલા પાકને આ વર્ષ દરમ્યાન નુકસાન થઈ શકે.

જમીન - મકાન - સંપત્તિ

વર્ષ દરમ્યાન આપની સ્થાવર-જંગમ મિલકતમાં કેટલાક વિચાર્યા વગરના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમાં કંઈ ખોટું નથી. સંપત્તિમાં આ વર્ષે કોઈ ખાસ ફેરફાર જણાતો નથી, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી કેટલાક નાના બદલાવ આવી શકે છે. જો આપે ભૂતકાળમાં કોઈ જમીન-મકાન કે ઓફીસ લીધી હોય તો તેના દસ્તાવેજ આ વર્ષે આપ કરી શકો છો. એકંદરે આ વર્ષ અચલ સંપત્તિ માટે બહુ ખાસ નહીં બની શકે. માટે જે સંપત્તિ જેવી રીતે છે તેવી જ રીતે રાખવાનું સૂચન છે.

શત્રુ–કોર્ટ–કચેરી

પ્રભુ કૃપાથી આ વર્ષે શત્રુઓ આપને વધુ પજવી શકશે નહીં. જૂનાં શત્રુઓ છે તે વર્તમાન સમયમાં પણ આપનો પીછો નહીં છોડે. આપને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો તે કરશે, પણ તેઓને સફળતા નહીં મળી શકે. ઈષ્ટદેવનું સ્મરણ આપને આ તમામ મુસીબતોમાંથી ઉગારવાવાળું બનશે. જો કોઈ કોર્ટ કેસ ચાલતા હશે તો તેમાં આપ સમાધાનકારી વલણ આપનાવશો તો મોટી મુસીબતમાંથી નીકળી શકશો, પરંતુ લડવાનો નિર્ણય કર્યો તો મુસીબતો આવી શકે છે.

મહિલા વર્ગ

આવનારું વર્ષ થોડું સંઘર્ષ વાળું રહી શકે છે. આપે જોયેલા સ્વપ્ન પૂરા જરૂરથી કરી શકશો. કેટલાક સાસરી પક્ષના વિવાદો આપને વધુ હેરાન કરી શકે તેમ છે, પરંતુ એમાં શાંતિથી તેમજ વિચાર કરીને લીધેલો નિર્ણય આપના સામાજિક મોભામાં વૃદ્ધિ કરશે. ગમતા વ્યક્તિ માટેનું આકર્ષણ જીવનમાં બદલાવ લાવી શકે છે. આપ નોકરી કરી રહ્યા હો તો બે ડગલાં આગળ વધી પ્રમોશન ઈત્યાદીના યોગ બને છે. કરિયરને વધુ બળવાન બનાવવા વાણી પર નિયંત્રણ રાખવું.

પ્રેમ સંબંધ

પ્રેમ સંબંધો બાબતે આ વર્ષે આરોપો-પ્રત્યારોપો સિવાય કંઈ ખાસ નહીં બની રહે. આપે પ્રિય પાત્ર માટે ગમે તેટલું કર્યું હશે, પણ સામેવાળી વ્યક્તિને તે ઓછું જ લાગ્યા કરશે. આપ જેને ચાહો છો તે વાસ્તવિકતામાં આપને ચાહે છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. આ વર્ષે પ્રેમમાં આપ નિષ્ફળ રહી શકો. વર્ષના અંતિમ તબક્કામાં પ્રેમીની સાચી ઓળખ થતાં આપ પોતાના મનમાં ખેદની લાગણી અનુભવી શકો. બંને પ્રેમી પાત્રો એકબીજાનો વિશ્વાસ તોડી શકે છે.

વિદેશ યોગ

આ વર્ષે કઈ ખાસ સફળ થાઓ તેવું લાગતું નથી. વિદેશ જવાની આપની ચાહના ખોટા ખર્ચા કરાવી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી વિદેશયાત્રા કરો તો પણ સમસ્યા રહેશે. જે વિદ્યાર્થી મિત્રો વિદેશ ગયા છે તે લોકો પણ તણાવ અને ઉચાટનો અનુભવ કરે. આપના સ્વજન વિદેશમાં ક્યાંય પણ હોય તેઓનું આપના પ્રત્યેનું વલણ નકારાત્મક હોઈ શકે છે. માટે શક્ય હોય તો વિદેશ જવાના પ્રયત્નો આ વર્ષે ન કરવાની સલાહ છે. કેવલ આપ નાનકડો પ્રવાસ કરવો હોય તો કરી શકો છો.

નડતર નિવારણ

મકર રાશિના મિત્રોએ આ વર્ષની તમામ મુશ્કેલીઓ દૂર કરવા પોતાના ઈષ્ટદેવ સહિત શનિ મહારાજનું પૂજન કરવું. દરરોજ શનિ ચાલીસાના પાઠ કરવા. તેમજ દર શનિવારે સરસવના તેલનો અભિષેક શનિ દેવ પર કરવો. 11 લીંબુની માળા શનિ દેવને અર્પણ કરવી સાથે એ દિવસે ગરીબોને અન્નનું દાન કરવું. આ સમગ્ર વર્ષ દરમ્યાન કોઈની પણ સાથે દુશ્મની ન કરવી. સંબંધો બધાની સાથે સારા રાખવાનો પ્રયત્ન કરવો, નહીં તો સામાન્ય તકલીફોનો સામનો કરવો પડશે.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર16,19,21,24,27,3017,18,20,22,25,28,29
ડિસેમ્બર1,3,9,10,14,21,28,292,5,7,11,15,18,20,27
જાન્યુઆરી2,5,11,15,19,24,27,291,3,4,6,14,17,25,28
ફેબ્રુઆરી1,4,5,6,7,9,11,17,21,282,3,8,10,18,23-25,27
માર્ચ1,6,8,13,15,21,27,292,3,5,7,14,17,20,23
એપ્રિલ5,7,11,17,19,25,28,302,4,6,8,10,12,14,24
મે2,4,6,8,11,18,20,25,291,3,5,7,9,12,14,19,28
જૂન1,3,6-9,11,20,24,29,302,5,10,14,17,18,26,28
જુલાઈ2,4,6,7,8,15,18,26,301,3,5,10,12,17,23,27
ઓગસ્ટ1,2,4,6,11,19,22,29,313,5,10,12,21,23,27,30
સપ્ટેમ્બર2,5,8,11,17,18,21,27,301,3,4,7,10,13,26,28
ઓક્ટોમ્બર4,9,15,20,23,29,311,3,7,14,16,22,24,27
અન્ય સમાચારો પણ છે...