કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ:આ વર્ષે કુંભ જાતકો માટે રાહુ મધ્યમ ફળદાયી બની શકે છે, આરોગ્યની દૃષ્ટિએ સાચવવું પડશે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

વિ. સં. 2077માં ગુરુ મહરાજ વર્ષના પ્રારંભથી મકર રાશિમાંથી બારમા ભાવે પસાર થાય છે. વર્ષના મધ્યમાં ગુરુ આપની રાશિમાં ભ્રમણ કરી પુનઃ મકર રાશિમાં જ પસાર થશે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. દાંપત્યજીવનમાં કોઈ પણ પ્રકારના કલેશ ન કરવો. આપના માન-પ્રતિષ્ઠામાં ઘટાડો થતો હોય તેવું લાગશે. વધુ પડતા આધ્યાત્મિક વિચાર આપને લક્ષ્યાંકથી દૂર કરી શકે છે. કાર્યશૈલીને કારણે બીજાથી અલગ તરી આવશો.

શનિ ગ્રહનું વર્ષફળ

નૂતન વર્ષના પ્રારંભથી જ શનિની પનોતીનો પ્રથમ તબક્કો આપને કાયદાકીય રીતે વધુ પરેશાન કરી શકે છે. આપના અત્યાર સુધીના કર્મો આપને મદદ કરતા હોય એવું આપને લાગ્યા કરે. શનિ બારમે મકર રાશિથી આપને મુસાફરી કરાવે તેમજ શનિ મંદ હોવાને કારણે જીવનચક્ર મંદ ચાલતું હોય તેવું લાગે. વ્યવસાયમાં બનાવેલા આયોજનો આપને ભારે પડતા હોય તેમ લાગે. વર્ષ દરમ્યાન કુંભ રાશિના મિત્રોને કોઈ પણ પ્રકારની ઊતાવળ ન કરવાની સલાહ છે.

રાહુ ગ્રહનું વર્ષફળ

આ વર્ષ રાહુના સ્થાનેથી જોતા વૃષભ રાશિનો ચોથે રહેલો રાહુ અને દસમાં ભાવે વૃશ્ચિકનો કેતુ આપને મકાનનું પૂર્ણ સુખ આપે. આ વર્ષ દરમ્યાન આપના પિતાજી સાથે સામાન્ય મતભેદ રહ્યા કરે. આપને પૈતૃકસુખ આ વર્ષ દરમ્યાન પૂર્ણ રીતે મળી રહે. આપની માતાના સુખમાં આ વર્ષે વધારો થતો જોવા મળે. કોઈ ને મકાન આપ્યું હોય ને ખાલી ના કરતા હોય તો આ વર્ષે તે મકાન પુનઃ પ્રાપ્ત કરવાના યોગ બને. એકંદરે રાહુ મધ્યમ ફળદાયી બની શકે છે.

માનસિક સ્થિતિ

લોઢાના પાયેથી પસાર થતો પેહેલો તબક્કો તેમજ રાહુનું ચોથા સ્થાને ભ્રમણ થવું, વર્ષના પ્રારંભથી એપ્રિલ, 2021 સુધી ગુરુનું બારમા સ્થાને રહેવું, આ તમામ બાબતો એકત્ર થઇ આપની મનોવ્યથાને ઠેસ પહોંચાડી શકે છે. જીવનમાં આપને ખૂબ કષ્ટ પડે છે તેવી અનુભૂતિ થાય, પરંતુ સમય જતા દરેક બાબત આપના પક્ષમાં આવે.

નાણાકીય સ્થિતિ

ધનસ્થાનનો માલિક બૃહસ્પતિ આપની રાશિથી વ્યયસ્થાને નવેમ્બર, 2020 પછી સમગ્ર વર્ષ દરમ્યાન રહેશે, જેના કારણે અણધાર્યા ખર્ચા આવી શકે છે. ગમે તેટલી મહેનત કરી પૈસા ભેગા કર્યા હશે તો પણ અંતે આપના હાથમાં કંઈ નહીં આવ્યું હોય તેવું લાગશે. પોતે કરેલી મજૂરી વ્યર્થ થતી હોય તેવું લાગશે. ઉતાર-ચઢાવ અનુભવાશે.

લગ્નજીવન અને દાંપત્ય

આપના પરિવારમાં કોઈ પણ શુભ પ્રસંગ બનતા લગ્નજીવનમાં પ્રેમનો સંચાર થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ આ વર્ષ દરમ્યાન મેળવવો ખૂબ જરૂરી બને. દાંપત્યજીવનમાં જતું કરવાના સ્વભાવને કારણે આપના થકી સંબંધો વધુ આગળ વધારી શકાય. આપ લગ્ન માટે આતુર હો તો સમકક્ષ પાત્ર મળવાની અભિલાષા આ વર્ષે પૂર્ણ થતી હોય તેવું જણાતું નથી. તેથી લગ્ન માટે ઉતાવળ કરવી નહીં. આવનારા સમયમાં યોગ્ય જીવનસાથી મળી રહેશે.

આરોગ્ય અને પ્રવાસ

આરોગ્યની દૃષ્ટીએ આવનારું વર્ષ મુશ્કેલી ભર્યું રહી શકે છે. નાની-મોટી તકલીફોને કારણે આપને સામાન્ય તકલીફોનો સામનો કરવો પડે. જો આપની ઉંમર વધારે હોય તો ડોક્ટર પાસે નિયમિત તપાસ કરાવતા રહેવું પડશે. આપને ફેફસાં સંબંધિત બીમારીઓ પજવી શકે છે. વાયુ તેમજ પાચનક્રિયાના રોગો આપની મુશ્કેલી વધારી શકે. ગુસ્સા ઉપરનું નિયંત્રણ આપની તબિયત માટે સૌથી પહેલી દવા હશે. શરીરસુખની વૃદ્ધિ માટે સૂર્યોદય સમયે ઊઠી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો.

સંતાન અને અભ્યાસ

સંતાનોના પ્રશ્ને આ વર્ષ મિશ્ર ફળદાયી રહી શકે છે. જો જીવનમાં કસુવાવડનો સામનો કર્યો હશે તો ભગવાન નારાયણની કૃપા આ વર્ષે જરૂરથી બનશે. સંતાનસુખ આ વર્ષે આપને મળી શકે છે. સંતાનોની સગાઈ કે વિવાહના આ વર્ષે યોગ બને છે. જેના કારણે આપ અને આપનો પરિવાર પ્રસન્ન રહી શકો છો. આ વર્ષે આપના અભ્યાસ અંગે આપ વધુ પડતા ચિંતામાં હોઈ શકો છો. વર્ષના મધ્ય ભાગમાં લાગ્યા કરશે કે અભ્યાસ છોડી દેવો જોઈએ, પણ એમ ન કરવું.

નોકરી, ધંધો અને કૃષિ

આપ મરજી પ્રમાણે નોકરી નહીં કરી શકો. ઉપરી અધિકારીઓની જોહુકમીને કારણે આપનું મન સ્થિર ન રહે. લાંચ-લેવાના ખોટા આરોપો આપણની એકાગ્રતા ભંગ કરશે છે. આપના ધંધા સંબંધિત વ્યવહારો નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરી શકો છો. ધંધો સારો થવાથી આવક વધશે અને આવક વધવાથી આપની આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે. ખેડૂત વર્ગને આવનારું વર્ષ લાભદાયી નીવડે તેમ છે. ખેતી દ્વારા એકઠું કરેલું ધન આપના માટે લાભદાયી બને.

જમીન - મકાન - સંપત્તિ

આ વર્ષે મોટા પાયે સંપત્તિમાં ફેરફાર આવી શકે છે. જો આપને એકાએક નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય તો આપે વસાવેલ પ્લોટ કે ફ્લેટ વેચવા પડી શકે. કોઈ જમીન સરકાર હસ્તક હોય કે કોઈ પણ કામકાજ માટે ફાઈલ મૂકી હોય તો તેનું સમાધાન આવનારા સમયમાં પ્રાપ્ત થઈ શકે. આપના મકાન ઉપર લોન કે કોઈ અર્થોપાર્જન કરી શકો છો. એકંદરે આપની ચલ-અચલ સંપત્તિમાં ફેરફાર અને વૃદ્ધિ થઈ શકે છે. આ વર્ષ દરમ્યાન નવા વાહનના યોગ પણ બને.

શત્રુ–કોર્ટ–કચેરી

શનિના ગોચર ભ્રમણને કારણે શત્રુઓમાં ચોક્કસ વધારો થશે. માટે આપના વ્યવહાર, વાણી અને વર્તન ઉપર પૂર્ણ રીતે સંયમ રાખવો. કેટલીક વખત જાણતા હોવા છતાં અજાણ બનવાથી આપના સંબંધો અને આપના કાર્યોને આપ ટકાવી શકો છો. અાપના કહેવાતા મિત્રો શત્રુ બને તો નવાઈની વાત નથી. વાહન ચલાવતી વખતે તોડેલા નિયમો કે અકસ્માતના કારણે કોર્ટકેસ ઈત્યાદી થઈ શકે છે માટે સાવધાન રેહવું. આપના ચરિત્ર કે ભરોસા ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે.

મહિલા વર્ગ

સ્ત્રીઓ માટે આવનારું વર્ષ ખૂબ મેહનત કરાવવાવાળું બને. વધારે પડતી ચિંતા, કામનો બોજ અને કૌટુંબિક સમસ્યાનો આપે સામનો કરવો પડે. મિત્રો થકી આપ પોતાના મનનો ભાવ તેમની સમક્ષ રજૂ કરી શકો તેમ છો. જો આપ વિદ્યાર્થી અવસ્થામાં હો તો આપના વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં ખૂબ મેહનતના અંતે ધારી સફળતા મેળવી શકશો. યુ.પી.એસ.સી કે જી.પી.એસ.સીની તૈયારી કરતા હો તો સફળતા મળતી જણાય. સ્વતંત્ર રહેવાના વિચારો આવ્યા કરશે.

પ્રેમ સંબંધ

વર્ષ દરમ્યાન સંબંધોમાં આગળ વધી જશો. પરિણામની ચિંતા નહીં કરી હોય. જેને કારણે આપ નિર્ભયતાથી કોઈ પણ પગલું ભરશો જે એકંદરે આપના માટે સારું રહેશે, પરંતુ પ્રેમ સંબંધોમાં મુકેલો વધુ પડતો આત્મવિશ્વાસ વ્યક્તિગત જીવનને કલંકિત કરી શકે છે માટે કોઈ પણ પગલું ભરતા પેહલા સો વખત વિચાર કરવો. પ્રિય પાત્રનું પરદેશ ગમન થતાં આપનો પ્રેમ અધુરો રહી શકે છે. સાચા મનથી આપ પ્રેમ કરતા હશો તો કુદરત ખૂટતી કડીઓ જરૂરથી પૂરી પાડશે.

વિદેશ યોગ

આવનારા સમયમાં વિદેશ જવા માટેની પૂર્ણ તકો મળશે. આપ વ્યવસાય કરવા કે વિદ્યાભ્યાસ માટે જવા ઇચ્છતા હશો તો પણ આપને વિદેશથી લાભ થતો જણાય. જો આપ પ્રથમ વખત વિદેશ જવાના હશો તો આપના મનની અંદર ઘણી બધી મૂંઝવણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વિદેશમાં જઈ બની શકે છે કે આપનો પાસપોર્ટ કે જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ શકે, માટે તે ક્ષેત્રમાં સાવધાની રાખવી. આ વર્ષે આપના સંતાનોને કારણે વિદેશ જવાની આપને પૂર્ણ તક મળશે.

નડતર નિવારણ

કુંભ રાશિના જાતકોને પોતાના જીવનમાં ઉન્નતિ મેળવવા, પ્રગતિ કરવા માટે દર શુક્રવારે સાંજે સુંદરકાંડનો પાઠ કરવો તેમજ શનિવારે સાંજે 108 હનુમાન ચાલીસાના પાઠ કરવા. સાથે એક કપૂરી પાન લેવું અને એક પાનમાં સાત લવિંગ, કપૂર, સિંદુર, સોપારી ભેગા કરી શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠમાં પ્રત્યેક ચોપાઈ એ આહુતિ આપવી અને તેની ભસ્મનું નિત્ય તિલક કરી દિવસનો પ્રારંભ કરવો. આમ કરવું શક્ય ન હોય તો દરરોજ હનુમાનજીના દર્શન કરવા.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર16,19,21,23,25,27,2917,20,22,24,26,30
ડિસેમ્બર2,5,10,21,23,27,29,301,4,6,4,8,20,28,31
જાન્યુઆરી1,4,7,13,20,23,26,292,3,5,6,18,24,27,30
ફેબ્રુઆરી13,15,16,18,19,21,281,3,4,7,14,20,23,27
માર્ચ6,11,17,21,24,27,307,8,9,10,12,13,22,28
એપ્રિલ6,10,12,14,21,26,302,4,13,20,22,25,27
મે2,4,8,11,18,21,25,291,3,6,7,20,24,27,30
જુન1,3,6-8,12,21,26,28,302,5,9,13,20,23,25,29
જુલાઈ4,5,6,17,19,23,27,292,7,9,11,16,20,24,28
ઓગસ્ટ1,4,5,7,17,21,25,28,303,8,13,18,24,27
સપ્ટેમ્બર2,4,11,13,19,21,27,281,8,9,12,15,20,22,30
ઓક્ટોમ્બર7-9,11,19,21,24,28,303,4,10,15,18,20,23
અન્ય સમાચારો પણ છે...