આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ
ગુરુ ગ્રહનું વર્ષફળ
વિક્રમ સંવત 2077નું આ વર્ષ ગુરુના દૃષ્ટિકોણથી આપના સાતમા ભાવથી 6-4-21 સુધી ભ્રમણ રહેશે. આ વર્ષ દરમ્યાન આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પૂર્ણ થતી જણાય. 5-4-2021 થી 14-09-2021 સુધી ગુરુ કુંભ રાશિમાં આઠમા સ્થાનેથી ભ્રમણ કરશે. જે આપના માટે નાની મુશ્કેલી ઉપસ્થિત કરી શકે. ધર્મ તેમ જ આધ્યાત્મિક પરિબળો આ સમયગાળા દરમ્યાન લાભદાયી બની શકે છે. જો કોઈ ગુરુ કર્યા હશે તો તેમનું માર્ગદર્શન લાભકર્તા થઇ શકે છે.
શનિ ગ્રહનું વર્ષફળ
વર્ષના આગમનથી જ શનિ મકર રાશિમાં આપની રાશિથી સપ્તમ સ્થાને ભ્રમણ કરશે જેનું ફળ આપના માટે સારું રહી શકે. ભાગીદારો સાથેના સંબંધોમાં સુધારો થઇ શકે સાથે નવા ભાગીદારોને પણ આપ ઉમેરી શકો છો. દાંપત્ય જીવનમાં પણ શનિની કૃપા આપના ઉપર રહી શકે છે. આ વર્ષ દરમ્યાન શનિ આપને સાહસમાં વૃદ્ધિ કરાવી શકે છે. આપની સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઇ હોય તો આ વર્ષ દરમ્યાન આપને સફળતા મળી શકે તેમ છે.
રાહુ ગ્રહનું વર્ષફળ
આ વર્ષ દરમ્યાન રાહુનું ભ્રમણ 11માં સ્થાને વૃષભ રાશિમાં તેમ જ કેતુનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં પાંચમા ભાવે થાય છે. જેના કારણે આપના ઘરમાં ખૂબ આનંદનો માહોલ રહેશે. આપની હિંમત માં વધારો થાય. આ વર્ષે આપને ગત જન્મનું કોઈ પરિણામ આપ ભોગવી રહ્યા હો, તેવું આપને લાગ્યા કરે. વર્ષના અંત ભાગમાં ગોચરના ગ્રહોના ભ્રમણને કારણે આપના કાર્યોમાં રુકાવટ આવતી હોય તેવું આપને લાગે, પરંતુ ઘણા મનોમંથન પછી આપને સફળતા મળે.
માનસિક સ્થિતિ
આ વર્ષ દરમ્યાન કોઈ મોટા ગ્રહોની પરિસ્થિતિ આપની રાશિમાં નથી બનેલી, જેના કારણે આપના જીવનમાં માનસિક તકલીફો આવવાની શક્યતાઓ નહીંવત છે, પરંતુ જન્મકુંડળીના ગ્રહોની અસરને કારણે આપ જૂના વિચારોમાં ગરકાવ થઇ શકો. આપના જીવનમાં ઘણા પ્રશ્નો હશે જેનું નિરાકરણ આપ જ કરી શકો.
નાણાકીય સ્થિતિ
આ વર્ષ આર્થિક દૃષ્ટિએ આપને રાહત પહોંચાડે તેવું રહે. નાનીમોટી મુશ્કેલી આવે જેના કારણે નફો કે મૂડી ઓછા ન થાય તેની કાળજી લેશો. જેને નાણાં ધીર્યાં છે તેની સાથે ચર્ચા કરી લેશો. 15-12-2020 સુધી આપ શેરબજારમાં રોકાણ કરી શકો છો. વર્ષ દરમ્યાન આવક અને જાવકમાં કોઈ મોટો ફેર જોવા મળતો નથી.
લગ્નજીવન અને દાંપત્ય
વર્ષના પ્રારંભથી એટલે કે ફેબ્રુઆરી 2021 સુધી જેનાં લગ્ન નથી થયાં તેવા જાતકોને સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો વિવાહિત છે તેમને પણ સાંસારિક જીવનમાં અનોખો આસ્વાદ પ્રાપ્ત થઇ શકે છે. આપ જીવનસાથી સાથે બહાર ફરવા જાવ, તો પાણી અને પહાડથી ખૂબ સાચવવું. આપના સાસરી પક્ષમાંથી અચાનક કોઈ પણ સમસ્યા આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ પણ સમસ્યા થાય તો આ વર્ષ દરમ્યાન તેનું સારી રીતે નિરાકરણ લાવી શકો છો.
આરોગ્ય અને પ્રવાસ
વિક્રમ સંવત 2077નું આ વર્ષ આરોગ્ય બાબતે આપના માટે વોર્નિંગ સમાન છે. આપના શરીરમાં પિત્ત અને વાયુનો વધારો થઇ શકે છે. જો કેટલાય સમયથી દવાઓના આશરે જીવન વ્યતીત કરો છો, તો થોડી સાવધાની રાખવી. આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપચારને પ્રાધાન્ય આપવું. જો હઠીલા રોગ શરીરમાં ઘર કરી ગયા હોય તો રીપોર્ટ કરાવી. તેનું ચોક્કસથી નિદાન કરવું. આંખની તેમ જ માથાની તકલીફો સાથે લોહીના દબાણમાં વધુ વધઘટ જોવા મળી શકે છે.
સંતાન અને અભ્યાસ
વર્ષના પ્રારંભથી મે-જૂન માસ સુધી આપના સંતાનોને સમજવાનો પ્રયાસ કરવો. કંઇક કરી શકે છે તેવો આત્મવિશ્વાસ તેમને જગાવો. નિ:સંતાન દંપતીઓ માટે માર્ચ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી ગર્ભાધાન થવાના તેમ જ ઇચ્છિત સંતાનપ્રાપ્તિના યોગ બને છે. સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી જણાતી હોય, તો આપની જન્મકુંડળી નો અભ્યાસ કરાવવો યોગ્ય રહેશે. અભ્યાસની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે સારા સમાચાર લઇને આવે.
નોકરી, ધંધો અને કૃષિ
આ વર્ષ દરમ્યાન આપના નોકરીના ક્ષેત્રોમાં ફેરબદલી થવાના સંપૂર્ણ યોગ છે. ફેબ્રુઆરી પછી નોકરીમાં કોઈ ખોટા કામ ન થાય તેની ખાસ કાળજી લેશો. ઉપરી અધિકારીની નારાજગી દૂર થઇ શકે છે. આપે નિષ્ઠાપૂર્વક જે કામ કર્યું છે તેનું પરિણામ મળવાથી આપને આનંદ થાય. ધંધામાં આ વર્ષ ચડતી-પડતીનું રહી શકે છે. ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષ શ્રમ અને ચિંતાથી ભરેલું રહે. કેટલાક નિર્ણયો આપને પરેશાનીમાં મૂકી શકે.
જમીન - મકાન - સંપત્તિ
આ વર્ષ દરમ્યાન કોઈ મોટી રીતે આપની સંપત્તિમાં વધારો કે ઘટાડો જોવા મળતો નથી. આપનાં માતા-પિતા કે ભાઈના નામે સંપત્તિ લેવામાં વધુ સફળતા પ્રાપ્ત થશે. પૈતૃક જમીન જો આપની પાસે હશે તો તેના ફેરબદલના યોગો પણ બની રહ્યા છે. મકાનમાં સમારકામ કરવું હશે તો આવનારો સમય સાનુકૂળ છે. વ્યવસાયની વૃદ્ધિ માટે વ્યવસાયિક વાહન કે યંત્ર લેવાનું આ વર્ષે બની શકે છે. સ્થાવર-જંગમ મિલકતની દૃષ્ટિએ આપને વધુ લાભ થતો જણાય.
શત્રુ–કોર્ટ–કચેરી
વર્ષના આરંભે કોઈ પણ ગ્રહોની આંટીઘૂંટી ન હોવાથી શત્રુઓ કે કોર્ટ-કચેરીની આપની દોડધામ ઓછી રહી શકે. કેટલીક વખત એવું બની શકે કે આપ જાણતાં ન હો છતાં જીવનની કસોટીથી પસાર થવું પડે. આપના જૂના કોર્ટ કેસ છે તેમાં મહદ્દંશે રાહત મળતી જણાય. સામેથી જો આપ કેસ દાખલ કરશો, તો લાંબા સમયની ધારણાને ધ્યાનમાં રાખી કરવો. આપના વ્યવસાયિક હિતને ડૂબાડવાના પ્રયત્નો નરી આંખે જોઈ શકાય તેવા હોય તો ન્યાયાલયનો સહારો લેવો.
મહિલા વર્ગ
આ વર્ષ દરમ્યાન મહિલાઓ માટે ખૂબ ખુશખુશાલ વર્ષ રહી શકે છે. આપના જીવનમાં હતાશા તેમ જ નિરાશા આવશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષે આપનાં વજનમાં વધારો થતો હોય તેમ લાગશે. કુટુંબ સાથે આપના વિચારોમાં મતભેદ રહેતો હોય તેવું લાગશે. બાળકો માટે ઘણી લાગણી રહેશે પરંતુ બાળકો આપને સહયોગ ન આપતાં હોય તેવું લાગે. આપ જો વ્યવસાય કરતાં હો તો વિરોધી લોકો આપને પરેશાન કરશે, પરંતુ કંઈ વાંધો ન આવતો જણાય.
પ્રેમ સંબંધ
આ વર્ષ દરમ્યાન પ્રેમના ઉમળકા વધી શકે તેમ છે. આપ કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ઝડપથી આવી શકો છો. પ્રેમભંગનો પણ યોગ આ વર્ષ દરમ્યાન બની શકે છે. અંગત વાતો અથવા તો પારિવારિક ચર્ચા આપ જેને પ્રેમ કરો છો તેની સાથે ન કરવાની સલાહ છે. વર્ષના મધ્ય ભાગ પછી આપ જેની સાથે લાગણીથી જોડાયેલાં છો, તેનો દગો આપને પ્રાપ્ત થઇ શકે, માટે ભરોસો કરતાં પહેલાં પરિવારનો વિચાર કરી આગળ વધવું હિતાવહ છે.
વિદેશ યોગ
આ વર્ષ દરમ્યાન વિદેશથી કોઈ ખાસ સફળતા મળે તેવું જણાતું નથી. અભ્યાસાર્થે આપ જઈ શકો છો, પરંતુ લાંબા ગાળાના આયોજનો આપના માટે થોડા મુશ્કેલીભર્યાં રહેશે. વિદેશમાં વ્યવસાયનો વિચાર આપને નાણાંકીય રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે માટે સાવધાન રહેવું. આપ જો કાયમી ધોરણે વિદેશ જવા માગો છો તો વર્ષના અંત ભાગમાં તક મળી શકે છે. કેનેડા કે યુ.એસ.એ.ના પ્રયત્નો આપને સફળતા અપાવે. વિદેશના આપના ગ્રહયોગ મિશ્ર ફળદાયી છે.
નડતર નિવારણ
કર્ક રાશિના મિત્રોને જીવનમાં સુખ-શાંતિ માટે એક આખું શ્રીફળ લેવું. તેને પોતાના માથેથી સાત વખત ઊતરવું. જ્યારે આપના માથેથી ઉતારે ત્યારે આપનું મુખ દક્ષિણ દિશા તરફ રહેવું જોઈએ. આ પ્રયોગ દર મહિને વદ પક્ષની આઠમના દિવસે કરવો.તેમ જ આપેલ મંત્રને નિત્ય 21 માળા કરવી.જેનાથી ધન સંબંધિત સમસ્યા સમાપ્ત થઇ જશે અને આપના જીવનમાં સુખશાંતિ જરૂરથી આવશે. આ રીતે સમસ્યા નિવારણ કરવાથી તમે પ્રગતિ કરી શકો.
શુભાશુભ તારીખો
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 16,20,23,27,29 | 17,26,28,30 |
ડિસેમ્બર | 1,5-8,12-16,18,22,25 | 4,9,11,15-17,21,23,28 |
જાન્યુઆરી | 2,9,11,15-19,21,25,29 | 1,4,6-8,10,12-14,23 |
ફેબ્રુઆરી | 1,5,9,12,15,19,20,24 | 3,6-8,11,17,22,26,28 |
માર્ચ | 1-4,6,9,12,20,22,29 | 5,10,14-16,19,25,28 |
એપ્રિલ | 2,4,6,12,15,17,21,29 | 1,7,9,16,19,22,24,28 |
મે | 1,5,9,15,19-21,29,30 | 3,4,10-13,18,22,25 |
જુન | 6-10,16,21-23,27,28 | 1,3,5,11-15,20,24,30 |
જુલાઈ | 2,11,14,19,24,26,27,29 | 1,4,6,12,15,18,22,25 |
ઓગસ્ટ | 5,6,8,12,15-18,21-23 | 3,11,19,24,25,27,29 |
સપ્ટેમ્બર | 1,2,4,13-15,18-21,25 | 3,5,7-9,12,22,26,28 |
ઓક્ટોબર | 4-8,11-13,16,21-24,29 | 10,14,15,20,25,26,30 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.