ધન રાશિનું વાર્ષિક રાશિફળ:ધન જાતકો ઉપર આ વર્ષે શનિની પનોતીનો છેલ્લો તબક્કો રહેશે, જેથી ધનલાભ અને સામાજિક લાભ થશે

2 વર્ષ પહેલા

આજે 16 નવેમ્બર, સોમવારથી વિક્રમ સંવત 2077 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરુ ગ્રહનું વર્ષફળ

આ વર્ષ ગ્રહોમાં શ્રેષ્ઠ ગુરુની દૃષ્ટિએ જોતા આપના માટે જીવનના ઘણા બધા મૂલ્યો સમજાવનારું બને. વર્ષના પ્રારંભે ગુરુ મકર રાશિમાં આપના બીજા સ્થાને રહેશે. જેના કારણે આપને નાણાકીય સ્થિતિનું મૂલ્ય અચૂક સમજાશે. ભૂતકાળમાં બેફામ નાણાંનો વ્યય આપને ઘણું બધું શીખવી જાય. જ્યારે આપને વાસ્તવિક પરિસ્થતિનું ભાન થશે ત્યારે આપ યોગ્ય નિર્ણય લેવા માટે મજબૂર થશો. પોતાની અને પરિવારની જવાબદારીનું વહન કરવામાં આપ નિપુણ થઇ શકો છો.

શનિ ગ્રહનું વર્ષફળ

શનિ મહરાજનું ભ્રમણ આ વર્ષ દરમ્યાન સાડાસાતી પનોતીની દૃષ્ટીએ જોતા અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેના કારણે આપને ધનલાભ અને સામાજિક લાભ પ્રાપ્ત થાય. ભૂતકાળમાં બગડેલા આપના સંબંધો આ વર્ષ દરમ્યાન સુધારી શકાય. ધંધાકીય બાબતોમાં શનિ મહરાજની કૃપા જળવાઈ રહે. આપના આવકના સ્રોતોમાં પણ ધીરે ધીરે વૃદ્ધિ થતી જાય. શનિનું મકર રાશિમાં દ્વિતીય સ્થાને ભ્રમણ આપના આવકના સ્થાનોમાં વૃદ્ધિ કરાવવાવાળું બને.

રાહુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભે છઠ્ઠા સ્થાને વૃષભ રાશિનો રાહુ તથા બારમા સ્થાને વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ આ સમગ્ર વર્ષ દરમ્યાન તે જ સ્થાનમાં રહેશે. જેના કારણે આપના જીવનમાં વિશેષ કોઈ ફેરફારના યોગ બનતા નથી. રાહુ આપને શત્રુઓમાંથી મુક્ત કરાવે છે તેમજ આપને સાચી માહિતીથી અવગત કરે છે. વર્ષના પ્રારંભથી જ જીવનમાં કંઈક બદલાવ થઇ રહ્યો છે તેવું લાગ્યા કરશે. જેમ જેમ જીવનની ભાગદોડ આગળ વધતી જાય તેમ વિશ્વાસુ વ્યક્તિઓની કમી આપને લાગ્યા કરે.

માનસિક સ્થિતિ

રૂપાના પાયે ચાલતો શનિ આપની માનસિક સ્થિતિને વધુ બળવાન કરશે. વર્ષના મધ્ય ભાગ પછી સામાન્ય ચિંતા રહ્યા કરશે, પરંતુ ગંભીર સમસ્યાઓ સર્જાઈ હશે તો આપનું મન બેકાબૂ બની શકે છે. મન વધુ અસ્થિર રહેતું હોય તો ચંદ્રના મંત્રનો જાપ કરવો લાભદાયી રહેશે. માનસિક સ્થિતિ બાબતે આ વર્ષે મિશ્ર ફળદાયી બની શકે છે.

નાણાકીય સ્થિતિ

આર્થિક દૃષ્ટિકોણથી જોતાં આ વર્ષ આપના માટે લાભકર્તા બનશે.ધનપતિ આપના ધનસ્થાનમાં હોઈ સ્વગૃહી બને છે જે સમગ્ર વર્ષ દરમ્યાન આપને નાણાંની અછત સર્જાવા નહીં દે. દરેક પરિસ્થિતિ અને સંજોગ આપને સાનુકૂળ બનતા જણાય. વર્ષ દરમ્યાન પ્રભુ કૃપાથી આર્થિક કટોકટીનો સામનો લગભગ નહીં કરવો પડે.

લગ્નજીવન અને દાંપત્ય

આપના માટે પરિવાર ને કુટુંબ જ સર્વોપરી છે જેના કારણે પાંચ વર્ષની શનિની અસર હોવા છતાં પણ આપ પરિવાર સાથે સંકળાયેલા છો. વૈવાહિક જીવનમાં આપની પત્નીનો આપને પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે. આ વર્ષે આપના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે જેના કારણે આપના લગ્નજીવનમાં સામાન્ય તિરાડ પડી શકે. લગ્નના સંજોગો બનતા બનતા રહી જાય. જન્મકુંડળીમાં લગ્નના યોગ બન્યા હશે તો વિવાહ સંસ્કાર નિશ્ચિત રૂપે સંપન્ન થશે.

આરોગ્ય અને પ્રવાસ

વિક્રમ સંવત 2077નું આ વર્ષ આપના આરોગ્ય-સુખાકારી માટે શ્રેષ્ઠ રહેશે. આપ યુવાન છો અને સ્વસ્થ છો તો ગભરાવવાની જરૂર નથી, પરંતુ જો વ્યસન કરતા હો તો આ વર્ષે કોઈ મોટી મુસીબતને આમંત્રણ આપી શકો છો. જુલાઈ, 2021 પછી આધિ, વ્યાધિ અને ઉપાધિનો સામનો કરવો પડે. નાની-મોટી તકલીફો રહ્યા કરશે અને વર્ષના મધ્ય ભાગમાં શાસ્ત્રક્રિયાના યોગ બની શકે. આપે કોઈ પણ પ્રકારના પ્રવાસના આયોજન અંગે વિચાર્યું હશે તો તે સફળતાપૂર્વક પાર પડશે.

સંતાન અને અભ્યાસ

સંતાન ન હોય તેમને આ વર્ષે ચોક્કસ સંતાનયોગ બને છે, પણ જેને સંતાન છે તેવા જાતકોને સંતાનસુખ વિપરીત પરિણામ આપવાવાળું બને એટલે કે સંતાનોથી આપ હેરાન-પરેશાન થઈ શકો. સંતાનો આપને સહયોગ ન આપે. આપના સંતાનોના અભ્યાસ અંગે પણ આપ સૌથી મોટી દ્વિઘામાં પડી શકો છો. સંતાન માટે લીધેલાં નાણાં કે લોન ભરપાઈ ન થતા આપને સામાન્ય ચિંતા રહ્યા કરે. એકંદરે એવું કહી શકાય કે સંતાનો બાબતે આ વર્ષ પડકાર જનક લાગે.

નોકરી, ધંધો અને કૃષિ

વર્ષ દરમ્યાન નોકરીથી આર્થિક રીતે સદ્ધર બનશો. સાથે સાથે આપને પદ-પ્રતિષ્ઠા પણ મળી શકે છે જેના કારણે આપને ખૂબ લાભ થાય. નોકરીમાં આપના હાથ નીચે કામ કરતા લોકોનો સહયોગ મળતા આપને વિશેષ લાભ થઇ શકે. વારસાગત વ્યવસાય આપના માટે વધુ અસરકારક બને. ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષે આપને શિયાળુ પાકથી ફાયદો થાય. જો બિયારણ સારું હશે તો ઘઉંના પાકમાં આપને ખૂબ ફાયદો થશે. ખેતીવાડી કરતા સમયે જૈવિક દવાઓથી સાચવવું.

જમીન - મકાન - સંપત્તિ

આ વર્ષે આપની મિલકતમાં વધારો થતો આપ જોઈ શકો છો. કેટલાક સોદા આપની મનમરજીથી થતા આપને વધુ કિંમત પ્રાપ્ત થઈ શકે. આપ ખેડૂત હો તો ખેતીલાયક જમીન ખરીદવા માટે આ વર્ષ આપના માટે ઉત્તમ છે. જો મકાનમાં રોકાણ કરવાનો વિચાર કરતા હો તો આ સમય આપના માટે ઉત્તમ ખૂબ જ ઉત્તમ રહેશે. આપની કાર્યશૈલી આ વ્યવસાયમાં આપને સફળતાના શિખરો સર કરાવે. સંતાનો કે પત્ની માટે ઝવેરાત વસાવવાના યોગ પણ શ્રેષ્ઠ બને છે.

શત્રુ–કોર્ટ–કચેરી

ગ્રહગોચરને ધ્યાનમાં રાખતા આ વર્ષે આપ શત્રુઓથી દૂર થઈ શકો છો. ગત વર્ષોમાં જે આપના શત્રુ હતા તેઓ આ વર્ષે મિત્ર બની આપની સાથે રહશે. આપની સાથે કોઈએ કોઈ પ્રકારનું છળ-પ્રપંચ થયું હશે તો પણ આ વર્ષે આપ તેને માફ કરીને આગળ વધી શકશો. જૂનાં કોર્ટકેસ કે દાવાદુવી પૂર્ણ થતાં આપ હાશકારનો અનુભવ કરી શકો છો. આપે જીવનમાં ક્યારેય કોર્ટ-કચેરીનો સામનો ન કર્યો હોય તો આ વર્ષે પણ એવા કોઈ યોગ બનતા નથી. તેથી ચિંતા ન કરશો.

મહિલા વર્ગ

બહેનો માટે આવનારું આ વર્ષ ખૂબ પ્રભાવશાળી બની શકે. શારીરિક રીતે પણ આપને આ વર્ષ લાભદાયી રહશે. જૂનાં અને હઠીલા રોગોમાં રાહત જણાશે. સ્વાભિમાનની લડાઈમાં આપ વિજયી બની શકો છો. આપે નાણાં કમાવવા માટે જે કોઈ નિર્ણય લીધા છે તેમાં સફળતા મળે. પારિવારિક દૃષ્ટિકોણથી આપના આયોજનો તેમજ નિર્ણયો પોતાના પરિવારના હિત માટે શ્રેષ્ઠ બની રહે. સંતાનો માટે આપે કરેલા નિર્ણય એમના ભવિષ્ય માટે પણ શ્રેષ્ઠ બની રહે.

પ્રેમ સંબંધ

આ વર્ષ દરમ્યાન આપના પ્રેમ પ્રકરણમાં એક નવો અધ્યાય રચાશે જેના કારણે આપની પરિસ્થિતિઓ ઘણી સુધરતી જણાય. આપે જેને પ્રેમનું નામ આપ્યું છે તે આપનો જીવનસાથી બની શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી પ્રેમમાં આપની મુશ્કેલીઓ વધતી હોય તેવું લાગશે. પરિવારનો સાથ-સહકાર આપને ધીરે ધીરે છૂટતો હોય તેવું લાગ્યા કરે. શું કરવું? શું નિર્ણય લેવો તેની સ્થિતિ આપના માટે મુશ્કેલી ભરેલી રહે. પ્રેમ સંબંધોમાં નિર્ણય સમજી-વિચારીને લેવા.

વિદેશ યોગ

વિદેશ મામલે આ વર્ષ આપના માટે સારું બનશે જ, પરંતુ પોતાના વતનમાં જ એટલી બધી સફળતા મળશે કે વિદેશ જવાની કોઈ જરૂર લાગશે નહીં. જો આપ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારતા હો તો આપને લાભ થશે, પરંતુ વિદેશથી પરત આવી પોતાના વતનમાં જ કારકિર્દી બનાવી શકો. કોઈ સ્વજન વિદેશમાં રહેતા હશે તો આપના માટે તે લાભદાયક રહેશે. જો વિદેશમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હો તો આ વર્ષ આપના માટે થોડું મુશ્કેલીભર્યું રહી શકે છે.

નડતર નિવારણ

ધન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે હોય તેવા ફોટા કે પ્રતિમાનું દરરોજ કંકુથી પૂજન કરવું. 1008 વિષ્ણુ મંત્રોનું 1008 તુલસી દળોથી પૂજન કરવું તેમજ દર રવિવારે વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. સાથે એક લાલ કપડામાં 7 તુલસીના પાન અને 7 કોડીયો મૂકી જ્યાં ધન મુકતા હો ત્યાં આ પોટલી મૂકવી. દર માસના પેહલા રવિવારે તુલસીના પાન કાઢી પૂજા કરેલા બીજા મુકવા. જે કાઢ્યા છે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરવાથી કલ્યાણ થશે.

શુભાશુભ તારીખો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર16,18,23,24,27,28,3017,19,20,22,23,25,29
ડિસેમ્બર1,2,5,7,10,12,16,21,243,4,6,8,9,14,20,22
જાન્યુઆરી1,3,5,8,10,12,14,27,282,4,6,9,11,13,18,29
ફેબ્રુઆરી1,3,4,6,9,11,13,21,242,5,7,8,10,15,19,27
માર્ચ2,5,6,8,10,11,13,26,311,3,4,7,9,12,17,25,27
એપ્રિલ1,3,6,9,12,14,23,28,304,8,11,15,20,26,29
મે1,4,7,10,14,18,25,282,3,6,8,9,11,16,24,30
જૂન1,5,7,10,11,13,18,23,292,4,6,8,12,16,22,26
જુલાઈ5,8,10,14,19,21,25,291,8,12,15,20,24,28
ઓગસ્ટ1,7,9-11,16,19,22,25,292,6,12,18,23,26,28
સપ્ટેમ્બર3,6,9,12,15,18,22,26,281,2,7,10,17,25,27,29
ઓક્ટોમ્બર4,9,15,20,23,29,311,3,7,14,16,22,24,27
અન્ય સમાચારો પણ છે...