હાર્દિક વિશે ભવિષ્યવાણી:ગોડ ફાધર વિના હાર્દિકનું રાજકીય ભવિષ્ય ડામાડોળ જ રહેશે, હજુ અપમાનના કડવા ઘૂંટ પીવા પડશે

3 મહિનો પહેલા
  • હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે
  • હાર્દિક પટેલની નવી રાજકીય ઇનિંગ્સ કેવી રહેશે? જાણો શું કહે છે જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર

2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે ઉભરેલા હાર્દિક પટેલ જેને ખૂબ જ નાની ઉંમરે આંદોલનમાં મહત્ત્વનો ભાગ ભજવી ઘણાં લોકોને પોતાની તરફ કર્યા. સમય જતાં અનેક ઉતારચઢાવ પણ ભોગવ્યાં પરંતુ નાની ઉંમરે આવી રાજકીય પ્રસિદ્ધિ મેળવનારા ઘણાં ઓછા થયાં છે અને આ જ એક કારણસર ચર્ચાનો મુદ્દો વધારે બન્યો છે. યુવા હાર્દિક પટેલ ઘણી વખત પોતાના નિવેદનો દ્વારા પોતાની ભિન્ન-ભિન્ન તેમજ બદલાતી વિચારધારા રજૂ કરતા આવ્યા છે અને અત્યારે હાલ પણ કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલી રહેલાં હાર્દિક પટેલે આખરે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે. ઘણાં લોકો કહી રહ્યા છે કે તેઓ ભાજપામાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે અને આ જ કારણસર તેમના વ્યક્તિત્વ તેમજ તેમની રાજકીય કારકિર્દી અને ભવિષ્યનો સામુદ્રિક તેમજ જ્યોતિષ શાસ્ત્ર મુજબ વિચાર કરી રજૂઆત કરીએ છીએ.

સર્વપ્રથમ સામુદ્રિક શાસ્ત્ર મુજબ વાત કરીએ તો હાર્દિકની આંખ પર રહેલી ભ્રમરો પાછળથી સહેજ તીક્ષ્ણ છે જે તેમને વિચારશીલ, કોઈ પણ વસ્તુને ગાણિતિક રીતે સમજનાર વ્યવહારૂ વ્યક્તિ બનાવે છે ઉપરાંત તેમની આંખોના રંગ અને આકારને જોતા પણ કહી શકાય આક્રમક પ્રતિભા સાથે જ સૂક્ષ્મદર્શિતા પ્રદાન કરાવે છે. નાસિકાને આધારે વાત કરીએ તો સ્વભાવે જિદ્દી તેમજ ડાબો સ્વર સહેજ મોટો છે જેના કારણે લાગણીશીલ તેમજ ભાવનાત્મક નિર્ણય લેનારા બનાવે છે જે ઘણી વખત સમસ્યાનું કારણ પણ બને છે.

સ્પષ્ટ કપાળ પરથી કહી શકાય કે વધતી ઉંમર સાથે ભાગ્યનો સહકાર મળશે પરંતુ વિનમ્રતાના અભાવના લીધે જીવનમાં ઘણા સંબંધો તૂટવાનો અંદાજો લગાવી શકાય અને સાથે કપોલ એટલે કે ગાલની રચનાના આધારે વિનોદી તેમજ સરળતાથી વિશ્વાસ કરી લેનાર વ્યક્તિ બનાવે છે. કર્ણ તેમજ કાનની રચનાના આધારે વાત કરીએ તો લોકોની વાતમાં જલ્દી આવી જનાર વ્યક્તિત્વ પણ બનાવે છે સાથે જ લોકોની તકલીફોને સાંભળનાર પણ અને ઉત્તમ હનુ તેમને લોકોની સમસ્યાઓ પર સંવેદનશીલ રહેવા પ્રેરે છે.

ઉપરાંત, હોઠની રચના તેમના પરિવારજનો તથા સ્નેહીજનો પ્રત્યે ચિંતા રાખનાર વ્યક્તિત્વ બનાવે છે પરંતુ સાથે સંઘર્ષ બાદ સફળતા તેમજ જલ્દી ઉશ્કેરાઈ ખોટાં નિર્ણયો લેનાર પણ બનાવે છે. આ સિવાય જો તેમની વાત કરતી વખતે ન દેખાતા દાંત તેમજ ચાલવાની પદ્ધતિ પ્રમાણે વાત કરીએ તો આત્મવિશ્વાસુ, ધ્યાન કેન્દ્રિત કરાવવાની ઈચ્છા ધરાવનાર, પોતાના મહત્ત્વની માંગણી રાખનાર પણ બનાવે છે.

હવે જ્યોતિષ શાસ્ત્ર મુજબ વાત કરીએ તો હાર્દિકની કુંડળી જોતા ખ્યાલ આવે છે કે કુંડળીમાં શુક્ર તેમજ શનિ કેન્દ્રમાં રહી સ્વગૃહી થાય છે. જે શુક્ર દ્વારા પંચમહાપુરૂષ માલવ્ય યોગ તેમજ શનિ દ્વારા શશ યોગનું નિર્માણ કરે છે જે જોતા કહી શકાય કે માલવ્ય યોગ દ્વારા સુખસુવિધા ભોગવનારા ભોગવિલાસિતતા તેમજ વાક્ચાતુર્યતા પ્રદાન કરાવશે ઉપરાંત શશ યોગ દ્વારા જીવનમાં જોખમી કાર્યોથી પ્રસિદ્ધિ મેળવનારા ઉત્તમ ધન, સુખ અપાવશે પણ શનિએ દિશાબદલી હોવાના કારણે સહયોગીઓ સાથે સંઘર્ષ પણ રખાવશે. આ સિવાય કુંડળીમાં સ્થિતિ ગુરૂ નીચનો હોવાથી વાણીના વિષયમાં તકલીફ પ્રદાન કરાવે બોલવામાં ઘણી વખત નિયંત્રણ ગુમાવે.

હમણાં થોડા સમય પહેલા શરૂ થયેલી શુક્ર દશા મુજબ એ પણ કહી શકાય કે આગામી સમય ખૂબ નિર્ણાયક બની રહેશે. તેમના જીવનમાં ચોક્કસપણે આ સમય સારો જ રહેશે પરંતુ રાજકીય નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. રાજકીય સક્રિયતામાં વધારો પણ જોવા મળશે. મહત્ત્વની જવાબદારીઓ પણ મળશે. આ સિવાય પણ રાજકીય ક્ષેત્રમાં ઘણા લાંબા સમય સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સક્રિયતા જોવા મળશે. સાથે જ ક્યારેક અપમાનના કડવા ઘૂંટ પીવાનો પણ સમય આવી શકે પણ છતાં લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી સમજાવવા માટે સક્ષમ પણ બનાવશે. ચોક્કસપણે કહી શકાય કે હાલ તેમને સારા રાજકીય ગુરૂ તેમજ ઉત્તમ માર્ગદર્શકની આવશ્યકતા છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...