શનિના ચક્રવ્યૂહને ઓળખવો અતિકઠિન અને અભેદ્ય છે. શનિનું ભ્રમણ તમને અમૃત આપશે કે વિષ? પ્રેમથી કિસ કરશે કે પીડાથી ચીસ પડાવશે એનું અનુમાન અને આભાસ તમને તથા સૌને આ લેખના તલસ્પર્શી અભ્યાસથી મળી જશે. અલબત્ત, શનિથી ડરવાની જરૂર નથી, કારણ કે બ્રહ્માંડનો આ મુખ્ય ન્યાયાધીશ તમારા ભાગ્યનાં લેખાંજોખાં તમારાં આજસુધીનાં કર્મ આધારિત જ કરશે, આથી શનિ ગ્રહ માટેનો કોઈપણ પૂર્વગ્રહ હોય તો મનને ખંખેરીને ખાલી કરી નાખજો, કારણ કે પનોતી પૂર્ણ થાય પછી વ્યક્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ઈતિહાસ કહે છે કે દરેક વિભૂતિનો ભાગ્યોદય તેમના પનોતીકાળ બાદ જ થયો છે. ખરેખર બ્રહ્માંડમાં શનિ જેવો કોઈ રૂપાળો ગ્રહ નથી અને શનિની આજુબાજુના વલયો તેની સુંદરતામાં અદ્દભુત વધારો કરે છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પહેલાં શનિએ સ્વપ્ન દ્વારા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને પાંડવો સાથે ન્યાય કરવા સમજાવેલા અને જો એમ કરવામાં જો તેઓ નિષ્ફળ જશે તો કોઈ શ્યામ સ્વરૂપ તમારો સર્વનાશ કરશે એવો શાપ આપેલો અને બન્યું પણ એમ જ. કૌરવો શનિની વાત માન્યા નહીં અને શ્યામ સ્વરૂપ શ્રીકૃષ્ણએ કૌરવોનો સર્વનાશ નોતરેલો. આમ, શનિ એ કુકર્મીઓ અને પાપીઓનો સંહાર કરે છે એ વાત તદ્દન સત્ય છે. જો તમે સતકર્મી હોવ તો શનિ તમને સાથ આપશે એ વાત નિ:શંક છે.
(ડો.પંકજ નાગરે IBR અવાર્ડ મેળવ્યો છે અને ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા પ્રશસ્તિપત્ર પણ પ્રાપ્ત કર્યો છે)
શનિ કર્મપ્રધાન ગ્રહ છે. શનિ અધ્યાત્મવાદ, એકલતા, પીડા, દુઃખ અને સંઘર્ષ સાથે સંકળાયેલો ગ્રહ છે. એક રાશિમાં એ 30 માસ રહે છે, આથી એને મંદ ગતિનો ગ્રહ કહે છે. સ્કેમ 1992 વેબ સિરીઝમાં હર્ષદ મહેતાનું પાત્ર અદા કરનાર ગુજરાતી અદાકાર પ્રતીક ગાંધી પોતાના એક સંવાદ દરમિયાન કહે છે, “જિસકી જેબ મેં હો મની ઉસકા ક્યા બિગાડ લેગા શનિ” પણ અમે એવું માનીએ છીએ કે જેનો બગડ્યો શનિ તેમની આવી બની....
આવો... શનિ તા.17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ ચૂક્કયો છે. કુંભ રાશિનો માલિક ગ્રહ ખુદ શનિ જ છે અને શનિ પોતાની રાશિમાં બળવાન બને એ સ્વાભાવિક છે. શનિના કુંભ રાશિના ભ્રમણ દરમિયાન વિવિધ રાશિઓના પનોતીના તબક્કા નીચે પ્રમાણે રહેશેઃ
મિથુન, તુલા અને ધન રાશિના જાતકો માટે ખુશખબર છે કે તેઓ 17 જાન્યુઆરી 2023થી પનોતીથી સંપૂર્ણ મુક્ત થશે. મકર અને કુંભ રાશિને તો હજુ શનિના ચાબખા સહન કરવાના જ છે અને મીન રાશિના જાતકોને શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ઉપરાંત કર્ક અને વૃશ્ચિક માટે શનિની અઢી વર્ષની નાની પનોતી શરૂ થશે. શનિનો કુંભ રાશિમાં પ્રવેશ તમારા માટે કેવો રહેશે? તમને લાભ કરશે કે નુકસાન? એનું રાશિ પ્રમાણે અહીં નિરૂપણ કર્યું છે.
મેષઃ- આ ભ્રમણ આપની રાશિથી આપના લાભ સ્થાનમાં થશે, જે ક્યારેક નોકરી, ધંધા કે વ્યવસાય ક્ષેત્રે તમને શ્રેષ્ઠ સમાચાર આપશે, કારણ કે શનિનું લાભ સ્થાને ભ્રમણ એટલે સ્વર્ગની અનુભૂતિ. ખાસ કરીને મિત્રો અને સ્ત્રી મિત્રો તમારા માટે અનુકૂળ બનશે. ઓછી મહેનત અને મોટું વળતર આ શનિનો મુખ્ય સંકેત છે. કુંભના શનિનું આ ભ્રમણ તમારા જીવનનો સુવર્ણકાળ બનશે. ‘ભ્રમણને ઓળખો અને સિદ્ધિઓને મેળવો’ એ તમારો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ, કારણ કે ગોચરનું આ ભ્રમણ તમને ન્યાલ કરશે એમાં કોઈ શક નથી. પરાશર કહે છે, ઉપચયો સ્થાનમ ક્રૂર ગ્રહા શ્રેષ્ઠ ફલમ દાતા અર્થાત ઉપચય સ્થાનમાં ક્રૂર ગ્રહો શ્રેષ્ઠ ફળ આપે.
વૃષભઃ- તમારી રાશિથી આ શનિનું ભ્રમણ દસમે થશે, આથી ક્યારેક પિતાની તબિયત લથડવાના કે ધંધા-વ્યવસાયમાં પીછેહઠ કે નુકસાનના સંજોગો ઊભા થશે. શનિનું આ ભ્રમણ તમારા કર્મસ્થાનમાં હોઈ, કર્મ બાબતે સાવધ અને સચેત રહેજો, નહીંતર જીવનની કિતાબના હિસાબમાં નુકસાન જ નુકસાન થશે. દસમે શનિનું ભ્રમણ એટલે વધુ મહેનત સામે ઓછું વળતર અને તમારા એક-એક કર્મનો પાકો હિસાબ. ખાસ કરીને નવા ધંધા-વ્યવસાયની શરૂઆત આ ભ્રમણમાં કરવી નહીં અન્યથા સ્લો ડાઉન સ્થિતિનો ભોગ બનશો.
મિથુનઃ- શનિના કુંભ રાશિમાં પ્રવેશની સાથે જ તમે આઠમા શનિના ભ્રમણ તેમજ અઢી વર્ષની નાની પનોતીની પીડામાંથી મુક્ત થશો. કુંભનો શનિ તમારા ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરશે, આથી આવનારા સમયમાં તમારું ભાગ્ય ધીમી ગતિએ, પરંતુ ધાર્યા મુકામ સુધી લઇ જશે. આવનારા સમયમાં હવે તમે રોગમુક્ત બની ભોગ તરફ વળશો. શનિના આ ભ્રમણ દરમિયાન તમારા અટકેલાં તમામ કાર્ય પૂર્ણ થશે. સફળતા, આનંદ અને સમૃદ્ધિ તમારાં ચરણ અને શરણમાં હશે. ભાગ્યના નવા દરવાજા ખૂલશે અને નવી તક મળશે. અહીં વિદેશથી લાભ થવાના પૂર્ણ સંજોગ છે. અપરિણીત જાતકો માટે લગ્ન માટેના પૂર્ણ સંજોગો ઊભા થશે.
કર્કઃ- શનિનું આ ભ્રમણ તમારી રાશિથી આઠમા મૃત્યુ સ્થાનમાં થશે. કુંભનો શનિ નાની અઢી વર્ષની પનોતી સાથે આપને નાહકની હેરાનગતિ કરશે. આ સમય લાગણીઓ અંગેના નિર્ણયો લેવા બાબત આપને દ્વીધા અને દુવિધામાં રાખશે. હરસ, મસા અને નાના અકસ્માતોથી ચેતતા રહેજો. માતાની તબિયતની કાળજી લેજો. આ સમયમાં એકાદ ખોટું પગલું પણ તમારા સમગ્ર જીવનને નકારાત્મક વળાંક આપી જીવન જીવવાની પદ્ધતિને બદલી નાખશે. આ અઢી વર્ષ દરમિયાન નોકરીક્ષેત્રે કઠણાઇ અને ક્યારેક બોસની જોહુકમીનો ભોગ બનવું પડશે. અહીં તમને મનમાં ચિંતા, હૃદયમાં અશાંતિ અને ધનની વ્યવસ્થા બાબતે વિસંગતતા અને મૂંઝવણ જણાશે. શનિનું આ ભ્રમણ એટલે ‘લેક ઓફ કોન્ફિડેન્સ અને લોટ્સ ઓફ કન્ફ્યુઝન’ અર્થાત આત્મવિશ્વાસનો અભાવ અને નિર્ણયશક્તિમાં ગૂંચ અને ગૂંચવાડા.
સિંહઃ- આ રાશિનો માલિક ગ્રહ સૂર્ય છે અને રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે. શનિનું કુંભ રાશિમાં ભ્રમણ આ રાશિના જાતકો માટે આવનારાં અઢી વર્ષ એક નાનોસરખો પડકાર બની રહેશે, કારણ કે શનિનું આ ભ્રમણ તમારી રાશિથી સાતમે અને કેન્દ્ર સ્થાનમા થશે. પરિણામે, આવનારા સમયમાં દાંપત્યજીવનમાં ક્યારેક ખટરાગ, વાદવિવાદ, દ્વેષ, વિસંવાદિતા અને જીવનસાથીની તબિયત બગડવાના સંજોગ ઊભા થશે. જો તમે ધંધાકીય દૃષ્ટિએ ભાગીદારીયુક્ત સાહસમાં જોડાયેલા હોવ તો ચેતજો, કારણ કે અહીં તમારો ભાગીદાર તમને હેરાન કરી શકે છે. ક્યારેક ભાગ્ય તમને હાથતાળી આપતું હોય એવું લાગશે. શનિનું આ ભ્રમણ કાર્ય વિલંબ અને અકળામણનો અહેસાસ તમને વારંવાર કરાવશે.
કન્યાઃ- પ.ઠ.ણ અક્ષરધારી જાતકો માટે શનિનું આ ભ્રમણ છઠા રોગ શત્રુ અને ઉપચય સ્થાનમાં થશે. મન્ત્રેશ્વર અને પરાશરે શનિના આ ભ્રમણને વિજયી ભવેત અને શ્રેષ્ઠ કહ્યું છે. આ રાશિના જાતકો માટે શનિનો આ સમયગાળો સફળતા, આનંદ અને શુભ સમાચાર આપનારો રહેશે એ બાબત નિશ્ચિંત છે. જો તમે કોઈ જૂના રોગ કે અસાધ્ય રોગથી પીડાતા હશો તો તમને કોઈ નવા વૈદ્ય કે દવા મળશે અને તમારી તંદુરસ્તી વધશે. કોર્ટ-કચેરી કે કોઈપણ વિવાદમાં તમે ફસાયેલાં હોવ તો તમારો વિજય થશે. દેવામાં ઘટાડો થશે અને શત્રુઓનો નાશ થશે. શનિનું આ ભ્રમણ એટલે તમારી ઘણીબધી ચિંતાઓમાં ઘટાડો અને ખુશીઓમાં વધારો કરશે.
(ક્રમશ)
(બન્ને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.