• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Who Will Benefit And Who Will Be Harmed By New Year's Horoscope And Transit Of Planets? Yearly Result Of Twelve Zodiac Signs From Kundli

ભાગ્યના ભેદ:નૂતન વર્ષની કુંડળી અને ગ્રહોની ગોચર ચાલ કોને લાભ અને કોને નુકસાન? કુંડળી પરથી બારેય રાશિનું વર્ષફળ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા સંવતનો પ્રારંભ સ્વાતિ નક્ષત્ર, પ્રીતિ યોગમાં થશે
  • ફેબ્રુઆરી 2023થી સોનું, ચાંદી, પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઉછાળો આવશે
  • જે જાતકોની જન્મતારીખ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ હોય તેવા જાતકોએ જાન્યુઆરી 2023થી તન મન અને ધનથી ખાસ સંભાળવું

નવું સંવત આવે અને આશાનું કિરણ આસમાને દેખાય. દુઃખીને સુખી કેમ થવું અને સુખીને વધારે કેવી રીતે સુખી થવું તેવા એક અદ્દભુત સૂર્યોદયની રાહ જુએ. પ્રગતિ-ઉન્નતિ-સંપત્તિ-નસીબ અને ભાગ્ય આ તમામનો આધાર તમારી જન્મકુંડળીના મુળ ગ્રહો અને વર્તમાનમાં ભ્રમણ કરતા ગોચરના ગ્રહો પર છે. સંવત 2079ની શરૂઆત અલ્હાબાદ IST ના સૂર્યોદય મુજબ સવારે ૦6-૦7 કલાકે બુધવારના રોજ થશે. નવા સંવતનો પ્રારંભ સ્વાતિ નક્ષત્ર, પ્રીતિ યોગમાં થશે. તુલા લગ્ન અને રાહુની દશા નવા સંવતના મુખ્ય પરિબળો હશે. તુલા લગ્નની કુંડળીમાં લગ્ને તુલા રાશિમાં સૂર્ય નીચ રાશિમાં, શુક્ર સ્વગૃહી રાશિમાં ચંદ્ર અને કેતુ સાથે બિરાજમાન હશે. તુલા લગ્નની કુંડળીમાં ચતુર્થ સ્થાને સ્વગૃહી શનિ સાથે પ્લુટો હશે. પાંચમે નેપ્ચ્યુન, છઠા સ્થાને ગુરુ સ્વગૃહી પરંતુ વક્રી ચાલમાં ભ્રમણ કરતો હશે. સાતમે મેષનો રાહુ- યુરેનસ, ભાગ્ય સ્થાને મિથુનનો મંગળ અને બારમે સ્વગૃહી બુધ સ્થિત હશે. તુલા લગ્ને આવેલા સૂર્ય, ચંદ્ર, શુક્ર અને કેતુ તમામ સ્વાતિ નક્ષત્રમાં રહેશે તે એક વિશેષ યોગ ઊભો કરશે. સંવત 2079ની ગ્રહ સ્થિતિની તલસ્પર્શી ચર્ચા કરી દેશ-દુનિયા તેમજ વ્યક્તિગત ભવિષ્યની આપણે વિસ્તૃત વાતો આ લેખમાં કરીએ. સંવત 2079 દરમિયાન મુખ્ય ત્રણ ગ્રહો શનિ 17/1/2023થી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ 21/4/2023 ના રોજ મેષમાં અને રાહુ 30/1૦/2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. નૂતન વર્ષની કુંડળી અને ગ્રહોની ગોચર ચાલ કોને લાભ અને કોને નુકસાન કરશે તે વિચારીએ.

કોઈપણ દેશના વિકાસનો મુખ્ય આધાર-મદાર તેના સ્થિર રાજકારણ અને શાસનકર્તાઓ પર હોય તે સ્વાભાવિક છે. દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રજી મોદી છેક 2014થી યોગીની નામની શુભ દશામાં દેશનું સુકાન સંભાળે છે અને હર્ષની આનંદની વાત એ છે કે આ યોગીની દશાનો શુભ યોગ તેમની કુંડળીમાં ઈ.સ.2027ના મે મહિના સુધી અમલમાં છે. અર્થાત ટૂંકી ટચ આગાહી એવો સ્પષ્ટ અણસાર આપે છે કે શ્રીનરેન્દ્રજી મોદી નવા સંવતમાં વડાપ્રધાન તરીકે આપણા સૌ વચ્ચે છે અને તે પણ ઉન્નતિના નવા શિખરો અને દેશની વણથંભી વિકાસ ગાથાની સાથે અણનમ હશે. નવા સંવતમાં શ્રીઅમિતભાઈ શાહે તંદુરસ્તી પરત્વે ખાસ કાળજી લેવી પડશે અને કોઈ અગમ્ય પરિવર્તન સાથે દેશનો નવો કાર્યભાર કે જવાબદારી તેમની કુંડળીનો સંકેત છે. આ બંને નેતાઓની કુંડળીમાં કોઈ અલૌકિક શક્તિઓના આશીર્વાદ છે તે વાત નિ:શંક છે. યોગીજીની કુંડળી આવનારા સંવતમાં અણનમ અને તેમની કાર્યશૈલીને ચાર ચાંદ લગાવનારી હશે. નવા સંવતમાં નવેમ્બર ડિસેમ્બર 2022 ગુજરાતના ઇલેક્શનમાં ગ્રહસ્થિતિ અનુસાર ભાજપનો ભગવો રંગ બહુમતી સાથે નવો રંગ લાવશે અને સાથે સાથે હાલના મુખ્ય મંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ પુન: મુખ્ય મંત્રીના પદ પર સત્તા આરૂઢ થાય તેવા યોગ છે.

બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, બંગાળ અને મધ્ય પ્રદેશના શાસનમાં અકલ્પનીય ફેરફારો આવે તેવા પૂર્ણ સંજોગો ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.

સંવત 2079 (એપ્રિલ-2023થી)દરમિયાન ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરશે. અગ્નિ તત્વની રાશિમાં આકાશી તત્વનો ગ્રહ ગુરુ ખુબ જ ઓછા વરસાદનો સંકેત આપે છે. મે-જુન અને સપ્ટેમ્બર 2023 અસહ્ય ગરમી અને બફારો રહેશે તો બીજી તરફ 2/12/2022 થી 22/1/2023 હાડ બેસાડી દે તેવો ઠંડીનો ઠુંથારો સહન કરવા તૈયાર રહેજો. એપ્રિલ 2023થી ગુરુ પર કુંભના શનિની દૃષ્ટિ દેશના આર્થિક વિકાસને સમતુલ કરશે. શેર બજાર જાન્યુઆરી 2023ના અંતથી રુમઝુમ અને ફંટાસ્ટીક થશે. સટ્ટો કરનારાઓ માટે અને લાંબુ રોકાણ કરનારા જાતકો માટે ફેબ્રુ 2023થી નવેમ્બર 2023 સુધીનો સમય વળતર આપનારો બનશે. અલબત્ત આ બાબત તમારી વ્યક્તિગત કુંડળી પર પણ આધાર રાખે છે. A, B, C, H, S, R, T, P, L, I અક્ષરથી શરુ થતી સ્ક્રીપ્ટ્સ અને ફાર્મસી, સ્ટીલ, બેન્કિંગ, ફાયનાન્સ, સોફ્ટવેર, પાવરના શેરની બોલબાલા હશે. સોનું, ચાંદી, પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ફેબ્રુઆરી 2023થી ઉછાળો આવશે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ મોંઘી થશે.

(ડો.પંકજ નાગરને ચાલુ વર્ષે જ ઇન્ડિયા બુક રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ગ્લોબલ એસ્ટ્રો ગુરુની પદવી સાથે કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા ઈ.સ.૨૦૦૦ની સાલમાં PHd ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે.ડો.રોહન નાગર નાઈન જવેલ્સ ઓફ યુકે નો એવોર્ડ ધરાવે છે)

અત્યાર સુધી આપણે દેશ વિદેશની અતરંગી વાતો કરી હવે વાચક મિત્રો જેમાં તમને વ્યક્તિગત રસ છે અને આ લેખમાં જેની તમે રાહ જોઈ રહ્યા છો એટલે કે સંવત 2079માં તમારું શું ભવિષ્ય છે તેની વાતો કરીએ.

સૌપ્રથમ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષની વાત કરીએ તો નવા સંવતમાં તમારી રાશિથી 17/1/23 સુધી શનિનું ભ્રમણ દસમે અને ત્યારબાદ લાભ સ્થાનમાં થશે. નવા સંવતમાં શનિને કારણે અણધાર્યા લાભ અને અટકેલા ધંધા વ્યવસાયના કાર્ય આગળ વધશે. ખાસ કરીને એપ્રિલ 2023થી તમારા ચંદ્ર પર ગુરુનું ભ્રમણ મનની શાંતિમાં વધારો કરશે. નવા સંવત ઓક્ટોબર 2023 સુધી રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરતો હોઈ તેની કોઈ મોટી ઈમ્પેક્ટ હશે નહિ. એકંદરે સંવત 2079 સુખદ જણાય છે.

વૃષભ રાશિનો વિચાર કરીએ તો નવા સંવતમાં બારમો રાહુ અને એપ્રિલ 2023થી બારમે ભ્રમણ કરનારો ગુરુ એપ્રિલ 2023થી દિવાળી સુધી તન મન ધનથી સાવધ રેહવાની સાયરન વગાડે છે. નવમે અને દસમે ભ્રમણ કરનારો શનિ વૃષભ માટે યોગકારક હોઈ સામાન્ય મદદ કરશે.

મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરી 2023 બાદ શનિની નાની પનોતી વિદાય લેશે. ગુરુ સમગ્ર સંવત દસમે-11 સ્થાનમાં ભ્રમણ કરશે અને રાહુ મહારાજ તો લાભ સ્થાનમાં જ રહેશે. મિથુનના જાતકો માટે નવું સંવત સેલિબ્રેસન સમાન બનશે.

કર્કને નાની પનોતી 17/1/23થી શરુ થશે આથી કર્મ થોડા આળસુ બનશે. પરંતુ એપ્રિલ 2023થી દસમે ગુરુનું ગોચર ધંધા વ્યવસાયમાં લાભ કરાવશે. કર્મ સ્થાનમાં રાહુ સાથે ગુરુ જોડાતાં અને નાની પનોતી હોઈ દરેક કામમાં વિલંબ સાથે વિજય પતાકા લેહરાશે.

સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ 2023 સુધી આઠમો ગુરુ નાની પરેશાનીઓ અને તબિયતમાં ગરબડ કરશે પણ ત્યારબાદ એપ્રિલથી નવ પંચમ ગુરુ સમગ્ર સંવત ધાર્મિક શુભ પ્રસંગોમાં સહાય કરશે. રાહુ શનિના ભ્રમણની મોટી નેગેટિવ ઈમ્પેક્ટ દેખાતી નથી. નોકરી ધંધા ક્ષેત્રે સિંહ રાશિના જાતકો માટે નવા સંવતમાં બઢતી આર્થિક લાભ અને સરાહના મળશે.

કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ 2023થી આઠમો ગુરુ અને હાલ ભ્રમણ કરતો આઠમો રાહુ તંદુરસ્તીમાં પડકારો ઊભા કરી રોગમાં વધારો કરશે.અલબત્ત જાન્યુઆરી 2023થી કુંભનો શનિ ઘણા બધા ક્ષેત્રમાં લાભ પ્રદાન કરશે. કન્યા રાશિ શરીરથી નિર્બળ પણ કીર્તિ અને પ્રતિષ્ઠાથી સબળ હશે.

તુલા રાશિની વાત કરીએ તો જાન્યુઆરી 2023થી નાની પનોતીનો તબક્કો પૂર્ણ થતાની સાથે જ અટકેલા કાર્ય આગળ વધશે. એપ્રિલ 2023થી સાતમો ગુરુ મનની શાંતિ, વિદેશ યાત્રાઓ, ભાગીદારી યુક્ત સાહસોમાં લાભ આપશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે છઠ્ઠે કોર્ટ કચેરીના કાર્યમાં વિજય, એપ્રિલ 2023 સુધી ગુરુનો નવ પંચ યોગ દરેક કાર્યમાં સફળતા અપાવે. જાન્યુઆરી 2023થી શરુ થતી શનિની નાની પનોતીમાં સાવધ રહેવું જરૂરી.

ધન રાશિના જાતકો માટે સાડા સાતીની પનોતી હવે વિદાય લેશે તે સૌથી મોટા સમાચાર છે. ઉપરાંત સંવત દરમિયાન સુખ સ્થાનમાં અને નવ પંચ ગુરુ હવે તેમના માટે આસાનીનો માહોલ બનાવશે. તેમના તમામ કાર્ય સિદ્ધ થશે.

મકર રાશિના જાતકો માટે નવું સંવત શનિની તપતી પનોતી અને ચોથા રાહુના કારણે આકરું બનશે. એપ્રિલથી ચોથે ભ્રમણ કરનારો ગુરુ થોડીક વચગાળાની રાહત આપશે પણ સાવધ રહેજો નહીતર ગમે ત્યારે વધ થઇ જશે.

કુંભ રાશિના જાતકો માટે પણ શનિની પનોતી જાન્યુઆરી 2023થી વધુ પીડાદાયી બનશે. અલબત્ત ત્રીજો રાહુ અને બીજો/ત્રીજો ગુરુ ક્યાંક નાની સરખી સુખની લહેરખીનો અનુભવ કરાવશે.

મીન રાશિના જાતકો માટે જાન્યુઆરી 2023થી શનિની સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો શરુ થશે. નવા સંવતમાં મીન અને મેષમાં ભ્રમણ કરનારા ગુરુનું ભ્રમણ તેમને શુભ સમાચાર આપશે. મીન રાશિ માટે કપરા ચઢાણ સાથે વિજયી ભવેતનો સમય હશે.

જે જાતકોનો જન્મ કોઈ પણ વર્ષની 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન થયો હોય તેવા જાતકોએ જાન્યુઆરી 2023થી તન મન અને ધનથી ખાસ સંભાળવું.

{નવા સંવતની ટીપ }
(જે જાતકોને નવા સંવતમાં મુશ્કેલીઓ અને અડચણો દેખાય તેમણે રોજ સવારે જમણા હાથની હથેળીમાં કોરા કંકુનો ચાંલ્લો અને ડાબી હથેળીમાં કોરી હળદરનો ચાંલ્લો કરવો. માત્ર પાંચ મિનીટ આ બંને ચાંલ્લા રાખી હાથ ધોઈ નાખવા)

દુનિયાના સૌથી વિશાળ દિવ્ય ભાસ્કર ડીજીટલ પ્લેટફોર્મના વાચકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા

અહીં આપેલું રાશિ ભવિષ્ય મેદનીય છે. વ્યક્તિગત કુંડળી સચોટ ફળ કથનનો મુખ્ય આધાર છે.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્દ કરેલ છે)