ભાગ્યના ભેદ:માનવની જન્મ-જીવન અને મૃત્યુની યાત્રામાં બળવાન કોણ? કર્મ, ભાગ્ય કે ગ્રહો?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેની પાસે શુભાશુભ ફળદર્શક જન્મપત્રિકા નથી તેનું જીવન અંધકારમય અને દીપક વિનાના અંધારાવાળા ઘર જેવું ભેંકાર ભાસે છે. આ શ્લોકમાં ગ્રહો અને જ્યોતિષની મહત્તા- બોલબાલા છે. અહીં શ્લોકમાં એ વાત સ્પષ્ટ છે કે જો ગ્રહો અને રાશિઓના સમન્વયથી બનેલી જન્મકુંડળી તમારી પાસે ના હોય તો શ્રેષ્ઠ જીવન જીવવાના માર્ગદર્શનથી તમે વંચિત છો. હવે ભાગ્ય અને નસીબનો ફાળો તમારા જીવનમાં કેટલો છે? તે વિચારીએ.

દૈવમ્ ફલતિ સર્વત્ર ન ચ વિદ્યા ન પૌરુષમ! સમુદ્રમથનાલ્લેભે હરિરલક્ષ્મીમ હરો વિષમ!!

સર્વત્ર નસીબ જ ફળદાયી બને છે, વિદ્યા કે પુરુષાર્થ કામ લાગતું નથી. સમુદ્ર મંથનનો પરિશ્રમ કરવાથી વિષ્ણુને લક્ષ્મી અને શંકરને ઝેર મળ્યું. હવે તમે જ નક્કી કરો પહેલો શ્લોક અનુસરો તો તમારે આ જીવન નવ ગ્રહોના સાનિધ્ય અને સહકાર વિના ચાલવાનું જ નથી અને બીજો શ્લોક તમને કર્મ કરતાં નસીબ કે ભાગ્યમાં વિશ્વાસ મૂકી ઝીંદગી જીવવાનું કહે છે. પણ સાથે સાથે કર્મ વિનાનું જીવન અચેતન-જડ અને મૃત શરીર સમાન છે તે વાત પણ સત્યાતીત અને સનાતન છે. કર્મ વિષે ભગવદ્દ ગીતાનો શ્લોક શું કહે છે જોઈએ.

નિયતમ કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હૃકર્મણ : શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્દયેદકર્મણ:!! તું તારું નિયત કર્મ કર કારણ કે અકર્મથી કર્મ વધારે સારું છે. કર્મ વિના તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં

તમે વિચારો જે મનુષ્ય કર્મ ના કરે તેને ગધેડા શબ્દથી નવાજવામાં આવે છે પણ સત્ય એ છે કે આ જગત પર સૌથી વધારે મેહનત અને કર્મ ગધેડો કરે છે. પણ તેના ભાગ્યમાં ડફણા(દંડા)ખાવાનું નક્કી જ છે. સમજાતું નથી કે માનવની જન્મ-જીવન અને મૃત્યુની યાત્રામાં બળવાન કોણ? કર્મ, ભાગ્ય કે ગ્રહો? ચાલો વિચારોની આપ લે કરીએ.

તમને દિવસ દરમિયાન ઉષ્મા, અજવાળું, તેજ અને હલનચલન કોણ આપે છે? અરે એ વાત ભૂલી જાઓ ને..તમે જ નક્કી કરો દિવસનું અસ્તિત્વ કોને આધીન છે? આપણો સીધો જવાબ છે સૂર્ય...તમે જાણો છો ને કે સૂર્ય ગ્રહ જ નહીં પણ ગ્રહોનો રાજા છે. સૂર્ય સૃષ્ટિનો સંચાલક, પરમપિતા અને પાલક છે. સૂર્યની ગેરહાજરી રાત લાવે અને પછી રાત્રે ચંદ્ર નામના ગ્રહની બોલબાલા શરુ થાય. લો કરો વાત બ્રહ્માંડના બે મહત્ત્વના પાસા એટલે કે રાત અને દિવસનું સંચાલન જ સૂર્ય અને ચંદ્ર નામના ગ્રહો દ્વારા થાય છે. દિવસે કર્મ (સૂર્ય)અને રાત્રે આરામ-નિંદ્રા અને મનની શાંતિ (ચંદ્ર). આમ જગત પરની બે મહત્ત્વની ઘટનાઓના કર્તાહર્તા અને સંચાલક સૂર્ય અને ચંદ્ર નામના બે ગ્રહો જ છે.

બ્રહ્માંડ નામના શરીરનો આત્મા સૂર્ય છે અને આ શરીરનું મન ચંદ્ર છે. જો શરીરમાં હૃદય અને મગજ (બ્રેઈન)ના હોય તો શરીર જીવંત રહેતું નથી. અર્થાત સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર સ્થાન સૂર્ય અને ચંદ્ર નામના બે ગ્રહો છે. તમને ખબર છે એ સાયન્ટી-ફીકલી પ્રુવ થઇ ચુક્યું છે કે પૃથ્વી પરના 7૦ ટકા પાણી પર ચંદ્રની અસરો છે. ચંદ્ર પૂનમનું રૂપ ધારણ કરે ત્યારે દરિયામાં ભરતી આવે અને ચંદ્રની ગેરહાજરી એટલે કે અમાસની રાત્રિએ દરિયામાં ઓટ આવે. આમ ચંદ્રની હાજરીથી દરિયો ઉત્સાહમાં ગેલમાં આવી જાય અને ચંદ્રની ગેરહાજરીથી તે નિરાશ બની જાય. જો સૂર્યોદય દ્વારા દિવસની શરૂઆત નહીં થાય તો તમે કર્મ કરવા ક્યાં જવાના? જો સૂર્ય પોતે અસ્ત નહી પામે તો રાત્રિનો આરામ ક્યાં કરવાના? આમ ઝીંદગીના કર્મ, આરામ. અલ્પ વિરામ અને ભાગ્ય પ્રાપ્તિના પૂર્ણ વિરામના સંજોગોમાં સૂર્ય અને ચંદ્રની અનિવાર્યતા છુપાયેલી છે તે વાતમાં દમ છે.

તમે ગમે તેટલા કર્મ કરો કે તમારું નસીબ અબજોપતિ જેવું હોય પણ જો કુંડળીનો મંગળ બગડે તો તમે નિષ્ફળ પતિ છો તે વાત નક્કી...ઝીંદગીના 25 વર્ષ તમે કર્મ કરી શ્રેષ્ઠ ભાગ્યના ભલે માલિક બન્યા હોવ પણ લગ્ન કર્યા બાદ જો તમે આળસુ બની જાવ, નિરાશ થઇ જાઓ અને તમારું ભાગ્ય તમને કહ્યા વિના જ તમને અધવચ્ચે મૂકીને ભાગી જાય તો સમજી લેજો કે કુંડળીમાં મંગળ નામનો ગ્રહ તમારા કર્મ અને ભાગ્ય પર જોહુકમી ચલાવે છે. શરીરમાં આત્મા સૂર્યથી આવે અને મન ચંદ્ર લાવે ત્યારે આ પંચમહાભૂતનું બનેલું શરીર કર્મ કરવા પ્રેરાય અને ભાગ્યની શોધનો પરિશ્રમ કરવાની દિશામાં આગળ વધે તે વાત નિર્વિવાદ છે. પણ સૂર્ય નામનો આત્મા અને ચંદ્ર નામનું મન કુંડળીમાં નિર્બળ હોય તો તમારો મનોઆત્મા કર્મ કરવા પ્રેરાય ખરો? પોંડેચેરીના માતા અને ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે ભાગ્યનું મૂળ કર્મમાં રહેલું છે પણ તમારું નિર્બળ મન(ચંદ્ર) અને આત્મા(સૂર્ય) કર્મ કરવા તૈયાર નથી તો ભાગ્યોદયની વાત ક્યાંથી આવે? આમ ગ્રહો કર્મ અને ભાગ્યના પિતા સમાન છે. સૌપ્રથમ બ્રહ્માંડની ઉત્ત્પત્તિ થઇ પછી પૃથ્વીની ત્યારબાદ મનુષ્યનો જન્મ થયો. તમે જુઓ માનવી જન્મયો એટલે કર્મ અને ભાગ્યની થીયરી આવી. એમ આઈ રાઈટ? ધેન ઇન ક્વેસ્ચન ધેર શુડ બી નો ફાઈટ...

યાદ રાખજો તમારા તમામે તમામ કર્મ અને ભાગ્યની રચનાના માલિક તો તમારા ગ્રહો જ છે. સૂર્ય તમારી એનર્જી, કર્મ, આત્મા અને હૃદય છે, ચંદ્ર તમારું મન-મગજ, મંગળ શરીરનું લોહી, હિમોગ્લોબીન અને લગ્નજીવનનું સત્વ અને શાંતિ છે. બુધ તમારી નર્વ સિસ્ટમ, બુદ્ધિ, ગુરુ તમારું અર્થ શાસ્ત્ર, ધન, ધર્મ અને જીવ છે. તો શુક્ર તમારા ઐશ્વર્ય, ભોગ વિલાસ, આરામ અને તમારા શરીરનું તેજ અને સંજીવની છે. શનિ તમારા કર્મની કસોટી અને દુષ્કર્મની સોટી છે. અને રાહુ, કેતુ નામના પડછાયા તમારા જીવનની સુખ-દુખની ઝાંખી છે. અલબત્ત જ્યોતિષશાસ્ત્રમાં માનવું કે નહીં તે વ્યક્તિગત વિષય અને વિચારધારા છે પણ ગ્રહો વડે તમારું કર્મ અને ભાગ્ય સંચાલિત છે તેમાં કોઈ શક નથી.પછી ભલે તમે મનુષ્ય હોવ કે ભગવાન હોવ પણ ભાગ્યવાન થવા ગ્રહોની જરૂર અનિવાર્ય છે.

{આજની ટીપ} સોમવારે ચોખાનો એક દાણો બુધવારે મગનો એક દાણો અને શનિવારે આખા કાળા અડદનો એક દાણો સવારે વહેલા ઉઠી નરણા કોઠે એક ઘૂંટ પાણી સાથે ગળી જવો. આમ કરવાથી લગ્નમાં આવતા વિઘ્નો, વિલંબ અને આર્થિક સમસ્યાઓમાં મોટી રાહત જણાશે.

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)

અન્ય સમાચારો પણ છે...