• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Which Planets Of Kundalini Destabilize The Mind And Which Planets Make Dhuni? Which Planets Frustrate Human Beings And Cause Them To Commit Suicide?

ભાગ્યના ભેદ:કુંડળીના કયા ગ્રહો મનને અસ્થિર કરે છે અને કયા ગ્રહો ધુની બનાવે છે? કયા ગ્રહો માનવીને નિરાશ બનાવી આપઘાત જેવું કૃત્ય કરાવે છે?

3 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

દેહમ જલે રક્ષતું વારાહ સ્થલે રક્ષતું વામનઃ
અટ્વ્યામ નરસિંહ્શ્ચ સર્વતઃ કેશવહ!!

અર્થાત; મારા દેહને જળમાં વરાહ ભગવાન રક્ષો, જમીન ઉપર વામન ભગવાન રક્ષો, જંગલમાં નરસિંહ ભગવાન રક્ષો અને સર્વ સ્થળે કેશવ રક્ષણ કરો.

ઉપરોક્ત શ્લોકમાં તનના રક્ષણની વાત છે મનના નહીં. માનવી પાસે તંદુરસ્ત તન હોય ઢગલો ધન હોય પરંતુ સ્થિર મન ના હોય તો માનવ જન્મ નકામો અને વ્યર્થ જાય. સારું તન એ ચાલુ નોકરીએ પેન્સન મળવા બરાબર છે પરંતુ અસ્થિર મન સ્વર્ગમાં અપ્સરાઓ વચ્ચે પણ ટેન્શન કરાવે છે. તનથી અભિમન્યુ હોવ પણ મનથી શિખંડી હોવ તો દુનિયાના તમામ ભોગવિલાસ શું કામના? કહેવત છે કે મનકા હારા હાર મનકા જીતા જીત. મનની શક્તિઓ અગાધ છે એટલે જ મન નિરંકુશ છે. મન તમારા તનમાં રહીને જ તમારા તનને હજારો જોજનો દૂર કાલ્પનિક પ્રવાસ કરાવે છે અને જો આ મન અસ્થિર કે ચંચળ બને તો તમારા તનને તાણમાં રાખવાનું કામ પણ મન જ કરે છે. તન પર કુદરતના આશીર્વાદ હોય પણ મન પર જો ગ્રહોનો અભિશાપ હોય તો માનવ દેહ એળે જાય. કુંડળીના કયા ગ્રહો માનવીના મનને અસ્થિર કરે છે ક્યા ગ્રહો ધુની બનાવે છે અને કયા ગ્રહો નિરાશ બનાવી માનવીને આપઘાત જેવા અધમ કૃત્ય તરફ દોરી જાય છે તેની ચર્ચા આજે કરીએ.

જન્મકુંડળીમાં ચંદ્ર મન સાથે સંકળાયેલો મહત્ત્વનો ગ્રહ છે અને બુધ માનવીના શરીરમાં જ્ઞાન તંતુઓ (નર્વસ સિસ્ટમ) સાથે સંકળાયેલો ગ્રહ છે. જ્યારે મન એટલે કે ચંદ્ર દૂષિત થાય ત્યારે શરીરની નર્વસ સિસ્ટમ આપોઆપ ખોરવાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે રાહુ સાથે બેસે કે શનિ સાથે બેસે ત્યારે ચંદ્રનું બળ ઘટે છે. ચંદ્ર સાથે રાહુ બેસે એટલે ગ્રહણ યોગ સર્જાય આથી મનની શક્તિઓ આપોઆપ ગ્રહાઈ જાય છે. ચંદ્ર સાથે શનિ બેસે એટલે વિષયોગનો ઉદ્દભવ થાય છે અલબત્ત આ યોગ જાતકને પ્રસિદ્ધિના શિખરે બેસાડે છે પરંતુ માનસિક ત્રાસ પરેશાનીઓ એટલી બધી આપે છે કે જાતક આપઘાતી વલણ તરફ વળી જાય છે. ચંદ્ર દૂષિત થવાથી જાતક ટેન્શનમાં આવે ધૂની કે ગાંડો થાય તે બાબત અતિ ચવાયેલી અને સામાન્ય જ્યોતિષીક ઘટના કહેવાય. પરંતુ સામાન્ય શાસ્ત્રને આસમાની અસામાન્યતા બક્ષવી એ આપણી રુચી, રસ અને શાસ્ત્ર માટેની લાગણી અદમ્ય સ્નેહનો વિષય છે. દરેક ક્ષેત્રમાં શોધ સંશોધન જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. જાતકને ધૂન, ગાંડપણ, નિરાશા અને આપઘાતી વલણ તરફ લઈ જતાં ગ્રહયોગમાં એક નવું સંશોધન અમારા હાથ લાગ્યું છે. અસંખ્ય કુંડળીના નિરિક્ષણ પછી અમે એવા તારણ પર આવ્યા છીએ કે જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર અને બુધ પ્રતિયુતિમાં હોય ત્યારે કોઈ પણ જાતક જીવનમાં એકવાર ભયાનક માનસિક ટેન્શનમાં આવે છે. આ ટેન્શન જાતકને ગાંડો બનાવે કે નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલે છે અથવા આપઘાત કરવાની અંતિમ પ્રેરણા આપે છે. અહિ તમારા અભ્યાસ અને પુરાવા માટે નમૂના સ્વરૂપ કુંડળીઓ મૂકી છે.

અહીં એક કુંડળીની ચર્ચા કરીએ
મકર લગ્નની કુંડળીમાં ત્રીજે મીન રાશિનો બુધ ચોથે ઉચ્ચનો સૂર્ય અને સાથે શુક્ર મેષ રાશિમાં છે. પાંચમે વૃષભ રાશિનો ગુરુ, છઠ્ઠે મિથુનમાં કેતુ નવમે કન્યાનો ચંદ્ર દસમે ઉચ્ચનો શનિ બારમે ધનનો મંગળ અને રાહુ બિરાજમાન છે. ભાઇશ્રી બાળપણથી જ અતિ વિચારશીલ અને ધૂની પ્રકૃતિના, રાઈનો પહાડ બનાવવો એ તેમની આદત. અચાનક એક દિવસ શૂન્ય અને મૂઢ બની ગયા. કાં તો તેઓ ચૂપ રહે અગર અચાનક જ રડવા લાગે.

અત્યાર સુધીમાં ફાકડે ફાકડા ઊંધની ગોળીઓ ખાઈને અગણિત આપઘાતના પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખત કુદરતે તેમને બચાવી લીધા. આજની તારીખમાં સાવે ગાંડા જેવુ જીવન જીવે છે તેમના કુટુંબીજનો તેમનાથી કંટાળ્યા છે. કુંડળી પર નજર કરો મીન (નીચ અને અસ્ત) રાશિના બુધ પર કન્યાના ચંદ્રની દૃષ્ટિ છે. કુંડળીમાં બુધ બળવિહીન છે અને ચંદ્ર અતિ સેન્સેટિવ સ્થિતિમાં છે. બુધ અને ચંદ્રની પ્રતિયુતિએ આ ભાઈના હાલહવાલ ખરાબ કરી નાખ્યા છે. અત્યારે તેઓ માનસિક અસ્થિરતા અને ગાંડપણની અવસ્થામાં પોતાના દિવસો પસાર કરે છે.

ચંદ્ર અને બુધની પ્રતિયુતિનો હજુ એક કરૂણ અને દારુણ કિસ્સો અહી મૂક્યો છે. આ બહેનનો જન્મ ફેબ્રુઆરી 1955માં થયો છે. બહેનની આખી કુંડળી અહીં મૂકી છે. ગ્રહ સ્થિતિનું નિરીક્ષણ કરો. મકર લગ્નમાં બીજે કુંભનો બુધ અને આઠમે મૃત્યુ સ્થાનમા સિંહનો ચંદ્ર છે. ચંદ્ર બુધની પ્રતિયુતિએ તેમના માનસિક હાલહવાલ ખરાબ કરી નાખ્યા છે. ગુસ્સે થાય તો ગાળોનો વરસાદ, ખુશ થાય તો તાળીઓનો ગડગડાટ અને અને ક્યારેક સાવ જ કારણ વગર હસે ખડખડાટ. ગાડીના પાટા ઉપર સૂઈ જઈ અત્યાર સુધીમાં ચારવાર આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ કુટુંબના કમનસીબે અને પોતાના સદનસીબે હજુ તેઓ જીવે છે અને બાકીના વગર મોતે મરે છે.

ટૂકમાં આવો છે ચંદ્ર બુધની પ્રતિયુતિનો બેહાલ કમાલ. મોતના કિનારે લઈ જતાં પહેલા માનસિક રીતે હજાર વાર મારે તેનું નામ ચંદ્ર બુધની પ્રતિયુતિ. અલબત્ત નિરાશા અને આપઘાત માટે કયારેક કુંડળીમાં શનિ ચંદ્રના જોડાણો પણ જવાબદાર બની જાય છે પરંતુ તેની ચર્ચા કયારેક કરીશું.

નિરાશા- ડિપ્રેશનના ગ્રહયોગથી મુક્ત થવા જાતકે આ ઉપાય કરવા જોઈએ

  • બસરાનું મોતી જમણા હાથની છેલી આંગળીએ પહેરવું.
  • નિયમિત ચંદ્રના બીજમંત્રની એક માળા કરવી.
  • શિવલિંગનો સોમવારે જલાભિષેક કરવો.

9-2-1955ના રોજ જન્મેલા જાતકની જન્મકુંડળી

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)