• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • When Saturn Is Orbiting Over Moon And Sun In Kundli, The Native Is Debilitated, Such People Live In Mental Instability And Depression.

ભાગ્યના ભેદ:કુંડળીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય ઉપર શનિનું ભ્રમણ થતું હોય ત્યારે જાતકને અવનવા વહેમ આવે છે, આવા લોકો માનસિક અસ્થિરતા અને ડિપ્રેશનમાં જીવે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવીનું તન ભલે ગામા પેહલવાન જેવું કસાયેલું અને બોક્સર મોહમદઅલીના મુક્કાની તાકાતની ઔકાત ધરાવતું હોય પણ મન જો શિખંડી જેવું નપુંસક હોય તો ગમે તેવા રેશનાલિસ્ટના અચેતન મનમાં પણ ઊંડે ઊંડે અપશુકન કે અંધશ્રદ્ધા નામના શબ્દો કાયમી ભાડુઆતની જેમ રહેતા જ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તન અને તંદરુસ્તીનો કારક ગ્રહ સૂર્ય છે અને ચંદ્ર સીધો જ મન સાથે સંકળાયેલો ગ્રહ છે. મોટા ભાગના વહેમીલા અને અંધશ્રદ્ધાળુ જાતકોની કુંડળીમાં શનિ ચંદ્રની યુતિ કે રાહુ ચંદ્રની યુતિ ધ્યાનમાં આવી છે. ક્યારેક એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કુંડળીમાં બુધ સાથે પ્લુટો જોડાય ત્યારે પણ જાતક વહેમીલો અને અંધશ્રદ્ધાળુ બને છે કારણ કે પ્લુટો નામનો યમરાજ મનુષ્યની બુધ નામની નર્વ સિસ્ટમમાં પ્રવેશ કરી તેને મીસબિલીફ તરફ દોરી જાય છે.

( ડો.પંકજ નાગર 1984થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે અને આ શાસ્ત્રમાં તેમણે PHdની ડીગ્રી કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયથી જુન 2૦૦૦માં મેળવેલ છે. હાલમાં જ ડો.પંકજ નાગરને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડ એવોર્ડ મળ્યો છે)

અગત્યના કાર્ય માટે બહાર નીકળો તો ક્યારેક દૂધવાળો સામો મળે તો ક્યારેક કોઈ છીંક ખાય અને માનવીનું અચેતન મન ખચકાય. બિલાડી આડી ઉતરે તે બાબતે ગામના મંગુ ડોશીની વાર્તા પ્રચલિત છે. તેઓ હસતા હસતા કહેતા કે બેટા ગણપતિદાદાનું વાહન ઉંદર છે એટલે એમને બિલાડી ગમે નહિ. આથી બિલાડીનો સામાજિક બહિષ્કાર કરવાના ભાગરૂપે બિલાડી અપશુકનિયાળ તેવી પ્રોપેગંડા ફેલાવેલી. જ્યોતિષશાસ્ત્રમાં પણ મુષક યોની અને માર્જાર યોની (ઉંદર- બિલાડી)ને વેર યોની ગણી છે. ઉંદર બિલાડીનું વેર સૂર્ય અને શનિની માફક પુરાણોક્ત અને અતિ પ્રાચીન છે.

શિવના અતિ પવિત્ર પુત્ર ગણેશજીનો પિતા શિવ દ્વારા શીરોછેદ થયેલો તે પહેલાં ગણેશજીએ બિલાડી જોયેલી આથી ગણેશજી સ્વયં પણ એવું માનતા કે તેમના શીરોછેદ બાબતે બિલાડી જવાબદાર પ્રાણી છે આથી બિલાડીને તેમણે શ્રાપ આપેલો કે જ્યારે જ્યારે તું મનુષ્ય જાતિની આડે ઉતરીશ ત્યારે ત્યારે તેમનું શુભ કાર્ય અવરોધાશે. અલબત્ત આ દંતકથા દાંતતોડ હોય એવું લાગે છે. છીંકને અપશુકનિયાળ માનનાર ઈટલીના પોપ ગેગરીની 965 એડીના સમયની વાત સમજવા જેવી છે. 965 એડી દરમિયાન પ્લેગની મહામારી શરુ થયેલી અને પ્લેગનો રોગ શરુ થતાં પહેલા દર્દીને ઉપરાઉપરી છીંકો આવતી. આથી પોપે ચર્ચમાં બોર્ડ મારેલું કે છીંક મૃત્યું અને મહામારીનો સંદેશ છે આથી છીંક આવે ત્યારે આજુબાજુ ઉભેલા વ્યક્તિઓએ "ગોડ બ્લેસ યુ " બોલવું. આમ છેક 965 એડીના સમયથી છીંક અપશુકન અને ગોડ બ્લેસ યુ વાક્ય શુકન બની ગયા. જોવા જેવી વાત એ છે કે 13 જાન્યુઆરી 912 એડીમાં જન્મેલા પોપ ગેગરીની કુંડળીમાં મનના કારક ચંદ્ર સાથે રાહુ અને શનિ યુતિ કરે છે.

શ્રદ્ધા અંધશ્રદ્ધા વિષય પર ચર્ચા કરીએ તો 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના મેન ઓફ ધી મેચ મોહિંદર અમરનાથ પોતાના પેન્ટના ખિસ્સામાં હમેશાં લાલ રૂમાલ રાખતા તો બીજી તરફ ઓસ્ટ્રેલીયા ટીમના કેપ્ટન અને સુપર્બ બેટ્સમેન સ્ટીવ વો પણ શુકનના સંકેત રૂપે પેન્ટના ડાબા ખિસ્સામાં લાલ રૂમાલ રાખતા. જોવા જેવી વાત એ છે કે 24 સપ્ટેમ્બ૨ 1950ના રોજ જન્મેલા મોહિન્દરની કુંડળીમાં ચંદ્ર બુધની પ્રતિયુતિ છે. આ યોગ અંધશ્રદ્ધા માટે પુરતો છે. તો બીજીત તરફ સ્ટીવ વો ની કુંડળીમાં પણ શનિ ચંદ્રનું જોડાણ તેમની શુકન અપશુકનની માન્યતાને સમર્થન આપે છે.

પ્રિન્સ ઓફ વેલ્સ સાતમા રાજકુમાર એડવર્ડ જ્યારે રાજ રોગમાં સપડાયેલા ત્યારે પોતાના પ્રિય જ્યોતિષી કીરોને કાયમ તેઓ લઘરવઘર કપડાંમાં જ બોલાવવાનો આગ્રહ રાખતા અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ બંનેની થોડીક મુલાકાતો બાદ પ્રિન્સ તંદુરસ્ત પણ થઇ ગયેલા. પ્રિન્સ ઓફ વેલ્સની કુંડળીમાં ચંદ્ર રાહુ સાથે અને કીરોની કુંડળીમાં ચંદ્ર શનિ સાથે બિરાજમાન હતો. ફિલ્મી સિતારાઓ હોય કે રમતવીરો હોય તેમના આત્મવિશ્વાસમાં ક્યાંકને ક્યાંક શુકન અપશુકન, શ્રદ્ધા અંધશ્રદ્ધા શબ્દો બહુ જ મોટો રોલ કરે છે અને મિસ બિલીફની સીલી કલ્પનાઓ પાછળ જ્યોતિષશાસ્ત્રના ગ્રહોનો અગમ્ય ખેલ હોય જ છે. જન્મકુંડળીમાં સૂર્ય આત્મવિશ્વાસ જગાવવાનું કાર્ય કરે છે તો ચંદ્ર મનોબળ વધારવાની જવાબદારી અદા કરે છે. પરંતુ આ બંને ગ્રહો સાથે જ્યારે શનિ રાહુ અગર કેતુ કે પ્લુટો જોડાય ત્યારે આત્મામાં અંધશ્રદ્ધા નામનો પ્રેતાત્મા અને મનમાં અપશુકનની ડાકણ પોતાનું રહેઠાણ બનાવે છે. અલબત્ત એક વાત તો રીસર્ચ વર્કમાં તદ્દન ખરી ઉતરી છે કે જેનો ચંદ્ર વૃશ્ચિક, મકર રાશિમાં હોય જેનો ચંદ્ર જન્મ કુંડળીમાં રાહુ અને શનિ સાથે હોય તેવા જાતકો અવશ્ય વહેમીલા અને અંધશ્રદ્ધાળુ હોય જ છે. ગોચરમાં પણ જ્યારે જ્યારે જાતક પનોતીમાં હોય અર્થાત ચંદ્ર પરથી શનિનું ભ્રમણ હોય કે કુંડળીના સૂર્ય પરથી શનિનું ભ્રમણ હોય ત્યારે જાતકને અવનવા વહેમ આવે છે અને લગભગ માનસિક અસ્થિરતા અને ડિપ્રેસનમાં જ જીવે છે.

અલબત્ત યુગ બદલાય અને શુકન અપશુકનની વ્યાખ્યા પણ બદલાય. પરંતુ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટીએ વિચારીએ તો જન્મકુંડળીમાં બુધ(બુદ્ધિ), ચંદ્ર(મન), શનિ(વિષ), પ્લૂટો(યમ), સૂર્ય(આત્મા), રાહુ(ગૂઢતા) વગેરે ગ્રહોના સંબંધો કે યુતિ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. જ્યોતિષશાસ્ત્ર ખરેખર તો રહેમનું શાસ્ત્ર છે પણ જ્યારે વહેમનું શાસ્ત્ર બની જાય ત્યારે અપશુકન અને અંધશ્રદ્ધા તેનો ડેરો જમાવે છે. આખરે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોય કે શુકન કે અપશુકન હોય આ માનવીના જીવનના PLACEBO છે કે જે મનને અને તનને કોઈ પણ દવા વિના સજા કરી સફળતા તરફ દોરી જાય છે. વહેમ કરી પોતાની જાતને બેસણાની ફોટો ફ્રેમમાં ફીટ કરવા કરતા સ્વયં પર રહેમ કરી જીવનને શ્રેષ્ઠ રીતે જીવવું એ જ સાચી કળા છે.

{આજની ટીપ}
નિત્ય સવારે શ્રીસૂક્તમ અને કનકધારાના પાઠ માત્ર 3 વાર કરવાથી લક્ષ્મી અને વિષ્ણુ બંનેની કૃપા મળે છે. પાઠ કરતી વખતે દીવો ધૂપ અવશ્ય કરવા.

(આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.comએડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)