ભાગ્યના ભેદ:ગ્રહોની યુતિ એટલે શું? આ યુતિ મનુષ્યના સમગ્ર જીવન, આભા અને અસ્તિત્વનું કેવી રીતે વિસર્જન કરે છે?

6 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક
  • જન્મકુંડળીના એક જ સ્થાનની અંદર બે અગર બે કરતા વધુ ગ્રહો બિરાજમાન હોય ત્યારે જ્યોતિષની ભાષામાં ગ્રહોની યુતિ થઈ એમ કહેવાય

જ્યોતિષશાસ્ત્રને ક્રેઝ અને ક્યુરીઓસીટીનું શાસ્ત્ર માનવામાં આવે છે. ગ્રહોની યુતિ જન્મકુંડળીમાં કેટલાક યોગનું સર્જન કરે છે. જ્યારે કેટલાક ગ્રહોની યુતિ મનુષ્યના સમગ્ર જીવન, આભા, વ્યક્તિત્વ અને અસ્તિત્વનું વિસર્જન કરે છે. આ ગ્રહોની યુતિ એટલે શું? જ્યારે જન્મકુંડળીના એક જ સ્થાનની અંદર બે અગર બે કરતા વધુ ગ્રહો બિરાજમાન હોય ત્યારે જ્યોતિષની ભાષામાં ગ્રહોની યુતિ થઈ એમ કહેવાય. પરંતુ કેટલાંક કિસ્સામાં એક જ સ્થાનમાં રહેલા બે ગ્રહો વચ્ચે 20 થી 29 અંશનું અંતર હોય તો પરિણામ સ્વરૂપ બંને ગ્રહો એકબીજાના ગુણ કે લક્ષણ અપનાવતા નથી. આથી તેમના જોડાણનું સારું કે નરસું ફળ મળતું નથી. કેટલીક કુંડળીમાં પ્રથમ દૃષ્ટિએ ચંદ્ર-મંગળ અગર ગુરુ-ચંદ્ર સાથે બેઠા હોય પરંતુ અંશની દૃષ્ટિએ બંને વચ્ચે અંતર વધારે હોય તો તેને લક્ષ્મીયોગ કે ગજકેસરી યોગ નામ આપવું મોટી ભૂલ કહેવાય. જન્મકુંડળીમાં અનુકૂળ અને શુભ ગ્રહોની યુતિ જાતકના જીવનને મસાલેદાર- સ્વાદિષ્ટ (spicy) બનાવે છે. જ્યારે અશુભ-પ્રતિકૂળ ગ્રહોની યુતિ જાતકને મસા(piles) જેવી પીડા આપે છે.

ગ્રહોની યુતિનું સાચું અર્થઘટન કોઈ કરતું જ નથી. યુતિ એટલે બંને ગ્રહો વચ્ચે એક જ સ્થાનની અંદર 12 અંશથી ઓછું અંતર હોવું જરૂરી છે. આમ બને તો જ ગ્રહો એકબીજાની નજીક કહેવાય અને આ સ્થિતિને યુતિ કહેવાય. સામાન્ય રીતે બે પદાર્થો એકબીજાની તદ્દન નજીક હોય તો જ આકર્ષણ-અપાકર્ષણનો નિયમ લાગુ પડે છે. જેવી રીતે સ્પર્શથી હકારાત્મક અથવા નકારાત્મક સંવેદનાઓ અનુભવે તેવી જ રીતે ગ્રહોના સાચા સ્પર્શથી યુતિના શુભ-અશુભ લાભ મળે. આમ કુંડળીમાં કોઈ એક સ્થાનમાં એક ગ્રહ હોય તો તેનું પરિણામ તેના ગુણ મુજબ શુભ કે અશુભ હોય પરંતુ તે ગ્રહ સાથે જ્યારે બીજો ગ્રહ બેસે ત્યારે તેનું પરિણામ કઇંક વિચિત્ર, અજાણ્યું અને ક્યારેક અદભૂત પણ હોય છે.

જન્મકુંડળીમાં સૂર્ય-ચંદ્ર સાથે હોય તો આવી યુતિ આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાય. અમાસના દિવસે જન્મેલી વ્યક્તિઓની કુંડળીમાં આવી યુતિના દર્શન થાય છે. સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા. સૂર્ય-ચંદ્રની યુતિવાળી કુંડળીનું અવલોકન કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે આવી યુતિને લઈ જન્મનાર જાતકના માતાપિતા સાંસારિક રીતે વધુ સારું જીવન જીવે છે. એકબીજાની વધુ નજીક આવે છે. અમાસ અને ગ્રહણની સ્થિતિમાં જન્મ લેનાર જાતકો સંત જેવા હોય છે. આધ્યાત્મ માર્ગમાં તેમનો ફાળો અમુલ્ય હોય છે. આમ છતાં આજકાલ આવી સુંદર ગ્રહ-સ્થિતિ અગર યુતિની વિધિ કરવામાં આવે છે. જન્મકુંડળીમાં જો સૂર્ય-શનિની યુતિ હોય તો તેના ફળ માઠા-અશુભ હોય છે. આવા જાતકો જીવનભર સંઘર્ષ કરતાં રહે છે, અજંપો-અશાંતિમાં જીવન પસાર કરે છે. મન અને હૃદયથી તેઓ ખુબ જ વ્યથિત રહે છે. કારણકે સૂર્ય પ્રકાશમય ગ્રહ છે જ્યારે શનિ અંધારિયો ગ્રહ છે. બંને ગ્રહોના ગુણધર્મ એકબીજાથી વિપરીત હોઇ આપણાં ઋષિમુનિઓએ તેમણે બ્રહ્માંડમાં કટ્ટર શત્રુ ગ્રહ ગણ્યા છે. સૂર્ય અગ્નિ તત્વનો જ્યારે શનિ વાયુ તત્વનો ગ્રહ છે. આથી અગ્નિ ક્યારેક વાયુને ભડકાવે છે અગર બુઝાવે છે.

શનિ-ચંદ્રની યુતિને જ્યોતિષશાસ્ત્રમાં ઘાતક ગણવામાં આવી છે. આવી યુતિને વિષયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રને જ્યોતિષશાસ્ત્રમાં મન કહે છે અને શનિની સરખામણી ઝેર સાથે કરવામાં આવે છે. શનિ મહારાજને કષ્ટ-પીડા-કસોટી-ચિંતા-મુશ્કેલી-નડતર અને વૃદ્ધાવસ્થાના કારક ગ્રહ ગણ્યા છે. પરિણામે આવી યુતિ જાતકને શંકાશીલ-ઈર્ષાખોર બનાવે છે. આવા જાતકોનું મન અને માનસિક સ્થિતિ નિર્બળ હોય છે. મનોબલના અભાવે આવા જાતકો જીવનના સંઘર્ષ અને લડતમાં પાછા પડે છે. આ પ્રકારની યુતિ વાળા જાતકો ક્યારેક આપઘાતનો સહારો પણ લેતા જોવા મળે છે. જીવનમાં અનેકવાર દગા, ફટકા અને વિશ્વાસઘાતના તેઓ ભોગ બને છે. શનિ-ચંદ્ર સાથે જો રાહુની યુતિ થાય તો શાપિત યોગ અગર ગ્રહણયોગનું સર્જન થાય છે. આવી યુતિ જાતકને મનથી મેલો બનાવે છે અગર માનસિક અસ્થિરતા આપે છે. જન્મકુંડળીના બારમાં-આઠમા સ્થાનમાં આવી યુતિના ફળ અતિઘાતક, ક્રૂર હોય છે. આવી યુતિ ધરાવતા જાતકો સ્વભાવે દંભી, જાડી ચામડીના હોય છે.

ચંદ્ર-શુક્રની યુતિ બાબત વિચારીએ તો ચંદ્ર એટલે મન અને શુક્ર એટલે કામ, કલા, ચિત્રકલા, સંગીત, જાતિયતા, અભિનય. આમ શુક્ર-ચંદ્રનો મેળ જાતકને કળારસિક અને ક્રિએટિવ બનાવે છે. આવા જાતકો કળાક્ષેત્રે નામના મેળવે છે. પરંતુ ચંદ્ર (મન), શુક્ર (લાગણી) સાથે જોડાય એટલે આવા જાતકો અતિલાગણીશીલ, સંવેદનશીલ હોય છે. ફળસ્વરૂપ, ચંદ્ર-શુક્રની યુતિ ધરાવતા જાતકો લાગણીના આવેશમાં પ્રણય, પ્રેમલગ્ન જેવા કિસ્સાઓનું સર્જન કરે છે. અને જો આ યુતિમાં મંગળ ભળે તો માં-બાપની ઇચ્છા વિરુદ્ધ ભાગી જય લગ્ન કરવાના કિસ્સા પણ જોવા મળે છે. અલબત્ત આવી યુતિવાળા જાતકો નિર્દોષ, પ્રેમાળ હોય છે.

શુક્ર-મંગળની યુતિ એટલે અગ્નિમાં ઘી, કારણ કે શુક્ર એટલે કામ (sex), જાતિયતા. શુક્રાણુ શબ્દનો ઉદભવ શુક્રમાંથી થયો છે. મંગળ એટલે અગ્નિ, ઉષ્ણતા, ગરમી, આવેગ અને જુસ્સો. શુક્ર-મંગળનો સંબંધ જાતકને કામી બનાવે છે. મંગળનો અગ્નિ અને ગરમી શુક્રાણુને ઉત્તેજિત કરે છે. પરિણામે આવા જાતકો પોતાની લાગણી-આવેશ પર કાબૂ રાખી શકતા નથી. અશુભ મંગળ અને શુક્રની યુતિના અગ્નિમાં ક્યારેક સ્ત્રી-પુરુષના કુટુંબીજનો હોમાઈ જાય છે. આવી યુતિના જાતકો અસત્ય અને જૂઠનો સહારો વારંવાર લેતા હોય છે. જગતના મોટા ભાગના ભાગેડુ લગ્નજીવન આ યુતિની કલંકિત દેણ છે. કેટલાંક કિસ્સાઓમાં મંગળ-શુક્રની યુતિ ધરાવતા જાતકો દિલફેંક અને ફ્લર્ટ હોય તેવું પણ ધ્યાનમાં આવ્યું છે. અલબત્ત આ યુતિ જાતકને મોજશોખ પણ આપે છે. અતિ વૈભવી જીવન આપે છે. મંગળ-શુક્રની અશુભ યુતિમાં જો સૂર્ય-રાહુ જોડાય તો આવા જાતકોની પ્રતિષ્ઠાને સ્ત્રીઓના કારણે ધક્કો પહોંચે છે. કારણકે સૂર્યની પ્રતિષ્ઠા, સત્તા, ઇજ્જત તેજને મંગળ-શુક્ર-રાહુ ભેગા મળી ગ્રહણ લગાડે છે. આ પ્રકારની યુતિ યુવા અવસ્થામાં પ્રેમ-સ્નેહ જેવી અદ્ભુત બાબતોમાં ખોટા નિર્ણયો લેવડાવે છે. અવલોકન માટે આવનારી મોટા ભાગની કુંડળીમાં ચારિત્ર્યખંડનનું મૂળ કારણ મંગળ-શુક્રની યુતિ જણાયું છે. તમે પણ તમારી કુંડળીનું પાનું ખોલો અને જુઓ કે તમારી કુંડળીમાં પણ અહી જણાવેલી યુતિઓ છે અને જો હોય તો ઉપર જણાવ્યા અનુસાર તમે પણ તેના મીઠા કે ખાટા ફળ ચાખવા તૈયાર રહો.

(આ અદ્દભુત લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)