16 ડિસેમ્બરથી કમૂરતાં શરૂ થઇ જશે, જેથી 1 મહિના સુધી, એટલે કે 14 જાન્યુઆરી 2022 સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમૂરતાં શરૂ થાય છે. આ મહિનામાં કોઇપણ પ્રકારનાં માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવાં કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતાં નથી.
અગામી 16 ડિસેમ્બરના રોજ સવારે 2.46 કલાકથી સૂર્યગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં એને કમૂરતાં, ધનારક કે સામી ઉત્તરાયણ કહેવામાં આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ પરિભ્રમણ દરમિયાન તમામ શુભ કાર્યો (માંગલિક) નિષેધ માનવામાં આવે છે, કારણ કે સૂર્યનું ભ્રમણ ગુરુની રાશિમાં પ્રવેશ કરવાથી નૈસર્ગિક રીતે સૂર્યનું બળ કંઈક અંશે ઘટે છે, જેથી કોઈપણ શુભ કાર્ય કરવાથી બરકત રહેતી નથી, કેમ કે સૂર્ય ધન રાશિની પશ્ચિમ દિશામાં આવેલો છે. ત્યાં સૂર્ય-શનિની અક્ષમાં જાય છે. એને કારણે અતિવક્ર પડવાથી તમામ શુભ કાર્યમાં બરકત ન થવાને કારણે સારાં કાર્યો કરાતાં નથી. જોકે આ સમય દરમિયાન શ્રીમંત, દીક્ષા, લાંબી મુસાફરી, મંદિરનું નિર્માણ કાર્ય થઈ શકે છે. કમૂરતાંના સમય દરમિયાન ધાર્મિક કાર્યો સામાન્ય રીતે ત્રણથી ચાર ગણા થઈ જતાં હોય છે. શહેરમાં મોટી- મોટી હવેલીઓમાં કે દેવ મંદિરોમાં વિશિષ્ટ ભગવાનનાં દર્શન થશે. ભગવત કથા, સત્સંગ, પ્રવચન, આધ્યાત્મિક શિબિરનું આયોજન પણ થશે.
આ મહિને આ તિથિ અને તહેવારો આવશે
14 ડિસેમ્બરના રોજ માગશર સુદ અગિયારસ, મોક્ષદા એકાદશી, મૌની એકાદશીની ઉજવણી કરાશે. એ સાથે જ એ જ દિવસે દત્તાત્રેય જયંતી પણ ઊજવાશે. 18 ડિસેમ્બરના રોજ માગશર માસની પૂનમ દત્ત પૂનમ જયંતીની ઉજવણી કરાશે. 30 ડિસેમ્બરે માગશર વદ અગિયારસ, સફલા એકાદશી રહેશે.
આ યોગ પણ બની રહ્યા છે
18મીએ અમૃતસિદ્ધિ યોગ, શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ યાત્રા પ્રવાસ માટે વર્જિત માનવામાં આવે છે.
14 ડિસેમ્બરના રોજ ભોમાસિદ્ધિ યોગ બની રહ્યો છે.
26 ડિસેમ્બર અમૃત સિદ્ધિ યોગ બનશે.
આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતાં નથી
વર્ષમાં સૂર્યની 12 સંક્રાંતિ હોય છે. આ બાર રાશિ પર સૂર્યની સ્થિતિ રહે છે. દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે. એમાં બે સંક્રાંતિમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે. ધન અને મીન ગુરુની રાશિઓ છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઇ જાય છે. માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહનાં બળની જરૂરિયાત હોય છે, જેમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે. એમાં કોઇપણ ગ્રહના બળમાં ન્યૂનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે. ખરમાસના મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધાં જ શુભ કાર્ય વર્જિત રહે છે.
આ કામ કરવા નહીં
ગૃહપ્રવેશ, લગ્ન જેવાં બધાં જ કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર(કાન છેદવા), પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાયલ શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ય યંત્રની શરૂઆત વગેરે જેવાં કાર્યો ખરમાસમાં કરવામાં આવતાં નથી.
આ મહિનામાં ભગવાન સૂર્ય તથા શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરવી જોઇએ
ખરમાસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ખરમાસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે. આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે. એનાથી વિશેષ નોમ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધાં જ વિઘ્નો દૂર થાય છે.
ખરમાસમાં આ કામ જરૂર કરો
કમૂરતાં ત્યારે ગણાય છે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય(ધન રાશિમાં ધનારક તેમજ મીન રાશિમાં મીનાર્ક કમૂરતાં) અને ગુરુ સૂર્યની રાશિમાં હોય(જેને આપણે સિંહસ્ત ગુરુ કહીએ છીએ).
સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમૂરતાં કેમ?
તો આપણે જાણ્યું કે ગુરુ એટલે અધ્યાત્મ, જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે. તો આ સમય સામાજિક કર્યોથી થોડા દૂર રહી આત્માની સદગતિ માટે છે. આત્મચિંતન, ભક્તિ, જ્ઞાન તેમજ જીવનનું સત્ય જાણવા માટે આ સમય ઉત્તમ છે, માટે આ સમયમાં ભાગવત કથા, પારાયણ, સવારે ભજન કીર્તન માટે સભા વગેરે કરવામાં આવે છે. આ સમય ખૂબ જ સાત્ત્વિક હોય છે, માટે એનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ. આજ સમયમાં માગશર મહિનો આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા પણ આજ ગાળામાં કહી હતી.
ખરમાસની પૌરાણિક કથા
પૌરાણિક ગ્રંથો પ્રમાણે, ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી, કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઇ જશે, પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઇ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઇ જાય છે. જેવો એક મહિનો પૂર્ણ થયો, સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઇ ગઇ.
આ સંપૂર્ણ માહિતી જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.