વિક્રમ સંવત 2078:દેશના અર્થતંત્રથી લઈને નરેન્દ્ર મોદી અને તમારા ફેવરિટ સેલેબ્સ માટે નવું વર્ષ કેવું રહેશે?

એક મહિનો પહેલા

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન દેશ માટે ગ્રહ સ્થિતિ કેવી રહેશે? દેશના અર્થતંત્ર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સાથેના સંબંધો કેવા રહેશે? રાજકીય હસ્તીઓ તથા સેલેબ્સ માટે નવું વર્ષ ફળશે કે નહીં તેની વિગતવાર માહિત જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ.

રાશિ મુજબ લિંક ઉપર ક્લિક કરીને જાણો વાર્ષિક રાશિફળઃ-

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લગ્નેશ મંગળની મહાદશા ચાલી રહી છે. કોરોના વાઇરસે વડાપ્રધાનની મુશ્કેલીઓ ઘણી વધારી દીધી છે, તોપણ 2022ના સમગ્ર વર્ષ માટે અને અંતિમ ત્રિમાસિક માટે પરિસ્થિતિ વિશેષ અનુકૂળ રહેવાની સંભાવના છે. અર્થવ્યવસ્થાને મોરચે ઊભા થયેલા પડકારો ધીમે ધીમે સમાપ્ત થાય. ચંદ્ર-મંગળ યુતિ અર્થાત નવમેશ અને લગ્નેશની યુતિ તેમની કુંડળીનો પ્રમુખ રાજયોગ છે. આ બંને ગ્રહોની યુતિ વ્યક્તિ માટે ઉત્તમ ધનયોગ માનવામાં આવે છે. અલબત્ત, આવા લોકોના વિરોધીઓની સંખ્યા પણ બહુ વધારે હોય છે. વિશેષતઃ આરોગ્ય, અર્થવ્યવસ્થા અને વિદેશનીતિના મામલે મોટા નિર્ણયોના કારણે વડાપ્રધાન ચર્ચામાં રહેશે. નરેન્દ્ર મોદીના ગ્રહયોગો કહી રહ્યા છે કે વિરોધીઓ અને વિપક્ષો ભલે લાખ પ્રયત્નો કરે, પણ મોદી સરકારને આગામી લોકસભા ચૂંટણીમાં ફરીથી સ્પષ્ટ બહુમત સાથે ગાદીનશીન થતાં રોકી નહી શકે. નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં કોઈ રેખાઓ નથી, પરંતુ શુક્રનો પર્વત છે માટે એમની કીર્તિ સદૈવ રહેશે. મોદીની આગેવાનીમાં એશિયામાં જ નહીં, સમગ્ર દુનિયામાં ભારતના પ્રભાવમાં વધારો થશે અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લેવાયેલા નિર્ણયોના પરિણામો મળશે. કેટલાક પાડોશી દેશોની સામે મોદી અડગ રીતે ઊભા રહેતા ભારત સદૈવ સુરક્ષિત રહેશે.

અમિત શાહ

ભારતના ગૃહમંત્રી અને લોકલાડીલા નેતા અમિત શાહ માટે આગામી સમય ઘણો ઉત્તમ રહેશે અને નરેન્દ્ર મોદી સરકાર માટે જબરદસ્ત કામ કરીને પક્ષને મજબૂત કરીને ભાજપને ફરી સત્તા ઉપર લાવવામાં તેમનો સિંહફાળો રહેશે. ગરીબીલક્ષી કાર્યક્રમો, દેશની સુરક્ષા, સિનિયર સિટિઝન અને વિદ્યાર્થીઓ, મહિલા વર્ગ માટે નવા અદ્ભુત કાયદાઓ લાવતા દેશને ખરેખર ફાયદો થશે, પરંતુ સામે પક્ષે શાકભાજી અને પેટ્રોલના ભાવવધારાને અંકુશમાં રાખવા પડશે. અન્યથા મુશ્કેલીઓમાં ભારે વધારો થશે. અમિત શાહને ગુલાબી રંગ બહુ ગમે છે અને આ રંગ ગુરુનો છે. જેનો સીધો અર્થ થાય છે તમામ વિરોધીઓને પરાસ્ત કરીને જીત હાંસલ કરવી.

ભૂપેન્દ્ર પટેલ

આગામી સમયમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કુંડળીમાં સમસપ્તક યોગ બનશે, જે તેમને રાજકીય ક્ષેત્રે જબરદસ્ત સફળતા અપાવશે અને તેમની આગેવાનીમાં ગુજરાતમાં ફરી એક વાર ભાજપ સરકાર બનાવવામાં સફળતા મળશે. ભૂપેન્દ્ર પટેલની કુંડળીમાં દશમેશ બુધ સાથે સાતમા સ્થાનના સૂર્યની યુતિ શાનદાર રાજયોગ સર્જી રહી છે. તેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ તેમની બિનવિવાદિત અને સરળ હૃદયી રાજનેતા તરીકેની છબીને વધુ મજબૂત બનાવશે. રાહુમાં કેતુની અંતર્દશાને કારણે પોતાના જ પક્ષમાં મતભેદો અને વિવાદો ઊભા થાય, પરંતુ તેમાંથી તેઓ સાંગોપાંગ બહાર આવશે. શુક્રની સ્થિતિ તેમના વિશેના તમામ અસંતોષને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સમાપ્ત કરી દેશે. કુંડળીમાં લગ્ન ધનરાશિ દ્વિસ્વભાવનું છે તેથી ઘણી વાર ચડાવ-ઉતાર આવે, પરંતુ સરકાર સ્થિર રહેશે. મુખ્યમંત્રીને કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તરફથી જબરદસ્ત સાથ-સહકાર મળશે અને ગુજરાતમાં ફરી જીતમાં તેમનું પણ મજબૂત યોગદાન રહેશે.

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથની શપથ ગ્રહણ કુંડળી અને ઉત્તર પ્રદેશની સ્થાપના કુંડળીનું સંયુક્ત અધ્યયન કહે છે કે પ્રદેશમાં ભાજપની સરકાર આગામી સમયમાં વધુ મજબૂત થાય. યોગી આદિત્યનાથ પોતાના સામર્થ્યના સહારે જંગી બહુમતીથી ઉત્તર પ્રદેશમાં ફરી શાસનારુઢ થાય તેમ જ કેન્દ્રની ભાજપ સરકારના પણ તારણહાર સિદ્ધ થાય. દેશ માટે પથપ્રદર્શક કાનૂની નિર્ણયો લેવાય અને કાનૂન વ્યવસ્થા વધુ સુદૃઢ થાય. શપથ ગ્રહણ કુંડળીમાં નવમાંશ બુધ, સૂર્ય અને શુક્ર પર પડી રહેલી ગુરુની દૃષ્ટિ ધાર્મિક વિવાદો તરફ ઇશારો કરે છે. તમામ મોરચે યોગી આદિત્યનાથ વિપક્ષની મંશા પર પાણી ફેરવતાં જોવા મળે અને વિશ્લેષકોના ગણિતો ઊંધા પડે.

મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયાની કુંડળીમાં મંગળ અને બુધ ગ્રહ બહુ મજબૂત છે. પાશ્ચાત્ય જ્યોતિષ પ્રમાણે, ગુરુ ગ્રહને કારણે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી હોસ્પિટલો, બીપીએલ કાર્ડ ધારકો માટે વધારે સારી તબીબી સુવિધાઓ ઊભી કરતા દેશનો ખરેખર વિકાસ થશે અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી હોસ્પિટલો અને નવી મશીનરીઓ આગામી સમયમાં મનસુખ માંડવિયા સાહેબ આપતા દેશમાં ભવિષ્યમાં કોઈપણ તકલીફ આવતા દેશ તેનો અદ્ભુત રીતે સામનો કરી શકશે. મનસુખ માંડવિયાની કાર્યશૈલીની પ્રશંસા વિદેશમાંથી પણ થાય.

પુરુષોત્તમ રૂપાલા

કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના પ્રશ્નો કેન્દ્રમાં ઉઠાવતા ગુજરાતને દરેક ક્ષેત્રે ફાયદો થશે. ચંદ્ર-મંગળ તેમની કુંડળીમાં લક્ષ્મીયોગ બનાવે છે અને આગામી સમયમાં પણ પુરુષોત્તમ રૂપાલા કોઈ પણ મુશ્કેલ સમયમાં ખરા નિર્ણય લેવામાં પાછીપાની નહીં કરે અને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઢાલ બનીને ઊભા રહેશે. ગુજરાત અને કેન્દ્રમાં ફરીથી ભાજપ શાસનને સ્થાપિત કરવામાં પોતાનો સહયોગ આપશે. પોતાના કાર્યક્ષેત્રમાં પણ પુરુષોત્તમ રૂપાલાના નિર્ણયોથી સ્વસ્થ સમાજ અને વર્તમાનની જરૂરિયાતના આધારે નવી આવકના સાધનો ઊભા થાય.

ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવી સારુ કામ કરશે, પરંતુ તેમના આગમનને કારણે ‘આપ’ની સીટમાં બહુ વધારો નહી કરી શકે, પરંતુ ભાજપને બહુ નુકસાન નહીં કરી શકે. તેઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવશે અને તેના કારણે રાજ્યની સુખાકારીમાં વધારો થાય. ઇસુદાન ગઢવીની રાજકીય મંશાઓ મનની મનમાં જ રહી જાય, પણ તેમના ભાષણોનો મુખ્ય સુર એવી પ્રજાની સુખાકારી આડકતરી રીતે સધાય અને તેમનું તેઓ માધ્યમ બને. ઇસુદાન ગઢવીની લોકપ્રિયતામાં વધારો થાય, પરંતુ તેમના કેટલાક સાથીદારોની છબીને કારણે તેમને નુકસાન ભોગવવું પડે.

રણબીર કપૂર

રણબીર કપૂરની કુંડળીમાં આંશિક કાલસર્પ દોષ છે અને આ જ કારણે તેની કારકિર્દીમાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. આ કારણે તેની એક ફિલ્મ સારું પ્રદર્શન કરે છે, પ્રેક્ષકોથી લઈને વિવેચકોનું ધ્યાન ખેંચે છે, તો પછીની ફિલ્મ ફ્લોપ જાય છે. રણબીરની કુંડળી મુજબ, જન્મ સમયે બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરે છે, જે તેને સમૃદ્ધિ અને ખ્યાતિ પણ અપાવે છે. શુક્રને કારણે રણબીર સતત ચર્ચામાં રહેશે. રણબીર કપૂરની કુંડળી મુજબ, સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે 2022 નું વર્ષ તેના માટે ઘણું સારું રહેશે. જન્મકુંડળીમાં વૃષભ રાહુની દશા સકારાત્મક પરિણામ લાવશે અને ફિટ રહેવાની તેની ઇચ્છાને બળ આપશે. 2022નું વર્ષ તેની ફિલ્મો, નવા સાહસો અને રોકાણ માટે પણ યોગ્ય નથી જણાતું. રણબીર કપૂરની કુંડળી મુજબ, તેને ભવિષ્યમાં સફળતા માટે વિશેષ પ્રયત્નો કરવા પડે. તે એ દિશામાં ધ્યાન આપશે અને પરિવર્તન લાવવા માટે પોતાનામાં ઘણી ઊર્જા પણ લગાવશે.

અક્ષયકુમાર

અક્ષયની કુંડળીમાં બુધ તેને શિસ્તમાં માસ્ટર બનાવે છે અને સ્વબળે તેને જીવનના વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા સાથે ટોચ પર પહોંચાડે છે. તેમની કુંડળીમાં બુધનું સ્થાન અક્ષયને પ્રભાવશાળી વક્તા બનાવે છે. મંગળ તેની સ્ટંટમેન, માર્શલ આર્ટિસ્ટ તરીકેની છબી મજબૂત કરે છે. શુક્રનું આ સંક્રમણ રાજીવ હરિ ઓમ ભાટિયા (અક્ષયકુમાર) માટે લાભદાયક સાબિત થશે, પણ શનિની હિલચાલ તેના માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. રેસમાં આગળ રહેવા માટે તેણે વધુ મહેનત કરવી પડશે. તેને અહીં વિપરીત લિંગ સાથેના સંબંધમાં સાવચેત રહેવાની જરૂર પડશે, અન્યથા બદનામી વહોરવાનો સમય આવે. બોલીવૂડના શ્રેષ્ઠ અભિનેતા અક્ષયકુમાર આના કારણે કોઈ વિવાદમાં ફસાઈ શકે છે. અહીં તેણે સ્વાસ્થ્ય અંગે પણ સાવચેત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય માટે કોઈ અણધારી સમસ્યા આવી શકે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થવાની પણ સંભાવના છે.

અજય દેવગણ

કુંડળીમાં શનિનું સ્થાન નિર્દેશક અને નિર્માતા અજય દેવગણ માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ કરે. આગામી સમય તેના માટે યશસ્વી નહી રહે. ગ્રહયોગો તેને બોલિવૂડમાં વ્યક્તિઓ સાથે સંઘર્ષ ટાળવાની સલાહ આપે છે. અજય દેવગણે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ્સથી દૂર રહેવું પડશે, અન્યથા તેને ભારે નુકસાન થાય. તેણે સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે. અજય દેવગણ માટે શનિનું સંક્રમણ પડકારજનક પણ છે. શનિની આ હિલચાલ જીવનસાથી સાથે સમસ્યાનું કારણ બની શકે છે. તેણે ઠંડા દિમાગથી કામ લેવાની જરૂર પડશે અને કુનેહપૂર્વક પરિસ્થિતિઓ સંભાળવી પડશે અને પોતાના મતને દ્દઢતાથી વળગી રહેવું પડશે. બિનજરૂરી ખર્ચ કે આપત્તિ આવી પડે. તેણે ટૂંકી મુસાફરી દરમિયાન યોગ્ય કાળજી લેવી પડશે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર હિટ થાય અને તેની આર્થિક સમૃદ્ધિમાં ઉમેરો થાય. અલબત્ત, તેણે કારકિર્દી અને નાણાં સંબંધિત પણ મોટો નિર્ણય લેવાથી દૂર રહેવાની જરૂર છે. તણાવ ઓછો કરવા માટે આ સારી રીતે કામ કરવાનું રહેશે.

વિકી કૌશલ

એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે ભારે જદ્દોજહદ રહે છે. એક્ટર વિકી કૌશલને ઓછી મહેનત અને વધુ તેના ભાગ્યના સહારે સ્ટાર પદ મળ્યું છે. ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ વિકીના સપનાંને પાંખો આપી અને તે રાતોરાત ફિલ્મ સિતારો બની ગયો. તેની કુંડળીમાં શુક્ર તેને વધુ લોકપ્રિયતા અપાવે. એ વિકીની કુંડળીની જ કમાલ છે કે વિકી અને તેનો ભાઈ સની કૌશલ સાથે હિટ કી તલાશમાં ભટકી રહ્યા હતા. બંને ભાઈઓએ લગભગ એકસાથે કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ આજે એક ભાઇ સફળતાનો સફળ સ્વાદ ચાખે છે, તો બીજો સ્ટ્રગ્લિંગ ફેઝમાં છે.

મમતા બેનર્જી

મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં ત્રીજી વાર વિધાનસભામાં જીત મેળવી છે. શપથ ગ્રહણની કુંડળીના આધારે જાણી શકાય છે કે તેમનો કાર્યકાળ કેવો રહેશે. મમતા બેનર્જીની શપથ ગ્રહણ કુંડળીમાં કર્ક લગ્નનો સ્વામી ચંદ્ર આઠમા સ્થાનના ગુરુ સાથે મળીને મોટો રાજયોગ બનાવે છે, પરંતુ મુશ્કેલી એ છે કે આ યોગ આઠમા સ્થાને છે, જે મમતા બેનર્જી માટે અનુકૂળ નથી. આમ, મમતા બેનર્જી વિપક્ષની તાકાત બને એવી વિપક્ષી પાર્ટીઓની ઇચ્છાઓમાં મમતા ખરાં નહીં ઊતરી શકે. મમતાને સ્થાનિક સરકાર ચલાવવામાં કેટલાક આકસ્મિક સંકટોનો સામનો કરવો પડે. એમના નજીકના વ્યક્તિનું આકસ્મિક નિધન થાય. મમતા બેનર્જીની કાર્યશૈલીમાં એકદમ ચોંકાવતા નિર્ણયો લેવાય, જેને કારણે તેમને ચારેકોરથી ટીકાઓનો સામનો કરવો પડે. આગામી એક વર્ષ સુધી મમતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એક વર્ષનો મુશ્કેલ સમય વિતાવ્યા પછી મમતા સરકાર કાર્યકાળ પૂરો કરવાના સારા યોગો જોવા મળે છે. અલબત્ત, તેમનાં માટે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થવું મુશ્કેલ બનશે.

રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટીની કુંડળીમાં ગુરુ-બુધ-રાહુની વિંશોતરી દશા રાહુલ ગાંધી અને કોંગ્રેસ બંનેની મુશ્કેલીઓમા વધારો કરે. ગ્રહયોગો પાર્ટીમાં વધુ તૂટનો સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ અને વિશેષતઃ રાહુલ ગાંધી પ્રત્યે નારાજગીને પગલે આગામી સમયમાં કેટલાક મોટા નેતા કોંગ્રેસ છોડી શકે છે. આગામી વર્ષ રાહુલ માટે મુશ્કેલીભર્યુ રહેશે. માતાના કારણે રાહુલ ગાંધી પણ તણાવગ્રસ્ત રહેશે. પોતાના ઘનિષ્ઠ સહયોગીઓ અને સંબંધીઓ સાથે વિવાદની સંભાવના છે. પદ ગુમાવવાની અથવા ઘટાડો થવાની પણ સંભાવના રહેલી છે. આ સમયગાળામાં જીવનશક્તિ ઘટવાને કારણે રાહુલ ગાંધી એકદમ અશક્ત જણાશે. ફાલતુ કાર્યોમાં રાહુલ ગાંધી પોતાની ઊર્જા વેડફશે. પરિજનોની બીમારી રાહુલ ગાંધીની માનસિક શાંતિ ભંગ કરી દેશે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની કુંડળીમાં ગુરુની રાશિ મીનમાં આઠમા સ્થાને રાહુ બેઠો છે. રાહુની દશાને પગલે જ કેજરીવાલ પહેલાં પ્રતિષ્ઠિત સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયર થયા અને બાદમાં કેન્દ્ર સરકારમાં અધિકારી બન્યા. આ રાહુની મહાદશામાં એમને 2006માં આરટીઆઈ માટે જાગૃતિ ફેલાવવા બદલ ‘મેગ્સેસે એવોર્ડ’ મળ્યો હતો. બાદમાં ગુરુની મહાદશાના કારણે તેઓ સામાજિક કાર્યોમાં વધુ જોડાતા ગયા. ગુરુમાં બુધની શુભ દશાને પગલે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. ગુરુ અને બુધ બંને મળીને કેજરીવાલની સ્વચ્છ છબી બનાવે છે. ભાગ્યના સ્થાને શનિનું હોવું એ બતાવે છે કે કેજરીવાલ લાંબા સમય સુધી સત્તામાં રહેશે. અલબત્ત, આગામી વર્ષમાં કેજરીવાલની પ્રતિષ્ઠા ખરડાઈ શકે, તોપણ તેમને વધુ નુકસાન સહેવાનું નહીં આવે.

આયુષ્યમાન ખુરાના

આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર, 1984 માં ચંડીગઢમાં થયો હતો. આયુષ્યમાનની કુંડળીના કારણે જ તે જમીન ઉપરથી ઊભો થયો છે. આયુષ્યમાનની કુંડળીમાં શનિ દ્વિતીય ભાવમાં ઉચ્ચ સ્થાને છે અને તે ક્રિએટિવિટીનો સ્વામી છે. જોકે તેમની કુંડળીમાં છઠ્ઠા સ્થાનનો બુધ અસુવિધા, મુશ્કેલીઓ વગેરેનો પણ દ્યોતક છે. મંગળ અને કેતુ તૃતીય ભાવમાં સ્થિત છે અને મંગળ તૃતીય ભાવમાં પરાક્રમની ક્ષમતા આપે છે. બૃહસ્પતિ ચતુર્થ ભાવમાં ખૂબ જ મજબૂત છે. સૂર્ય, બુધના સ્થાન બતાવે છે કે તેમને કામના બદલામાં પૂરતું વળતર નહીં મળવાની ફરિયાદ રહે અને તેના ઉદ્વેગમાં તે આડાઅવળું પગલું ભરી લે તો મુસીબત સર્જાય.

દીપિકા પદુકોણ

સુપર મોડેલમાંથી બોલિવૂડની ટોચની સફળ અભિનેત્રી બનેલી દીપિકા પદુકોણ વર્તમાનમાં ઘણી બ્રાન્ડ્સ સાથે કામ કરી રહી છે. 5 જાન્યુઆરી, 1986 કોપનહેગન, ડેનમાર્કમાં જન્મેલી દીપિકા પદુકોણ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની દીકરી છે. તેમની કુંડળીમાં અનેક વિશેષતા જોવા મળે છે. દીપિકાની કુંડળીમાં બહુ મોટો ગજકેસરી યોગ છે. તે જ તેને સુંદર, પ્રબળ, ગુણવાન, ધનવાન, બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિ બનાવે છે. દીપિકાની કુંડળીમાં સુનફા યોગ તેને કામમાં નિપુણ બનાવે છે. આગામી સમયમાં દીપિકામાં પ્રતિભા હોવા છતાં તે ઓછા આત્મવિશ્વાસને પગલે વિચલિત થતી જોવા મળે. તેને ખરાબ સંગતનું પણ પરિણામ ભોગવવું પડે. કરિયરમાં પણ કેટલાક પડકારો આવી પડે. દીપિકાનું નકારાત્મક વલણ તેને પીડે. ખરાબ વ્યસનમાંથી છૂટવા તેણે ભારે મથામણ કરવી પડે.

આલિયા ભટ્ટ

આલિયાની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આલિયાના ગ્રહયોગો મજબૂત છે. આલિયા ભટ્ટનો જન્મ વૃષભ લગ્ન અને ધન રાશિમાં થયો છે. આલિયાની કુંડળીમાં પ્રથમ ભાવમાં કેતુ, દ્વિતીય મંગળ, ગુરુ પંચમ, ચંદ્રમા અષ્ટમ, સૂર્ય સપ્તમ, શનિ અને બુધ કુંભ રાશિના દશમ ભાવ અને સૂર્ય, શુક્ર મીન રાશિમાં એકાદશ સ્થિત છે. શુક્ર એક્ટિંગનો કારક ગ્રહ મનાય છે. શુક્ર જ આલિયાને ધન અને લોકપ્રિયતા અપાવે છે. આલિયાની કુંડળીમાં સૂર્ય અને શુક્રની દશા તેને વધુ ઊંચાઈ બક્ષે. આલિયાનો સંવાદ પક્ષ ખૂબ જ મજબૂત અને મદદરૂપ રહેશે. વિવાદિત બયાનોને કારણે તે ચર્ચામાં રહેશે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરનો જન્મ સિંહ લગ્નમાં થયો છે. તે કારણે તે સ્વતંત્રતા પ્રેમી રહેશે અને કોઈને આધીન રહીને કે કોઈના તાબામાં રહીને કામ કરવું તેને સહજ સ્વીકાર્ય નહીં હોય. આગામી સમયમાં શ્રદ્ધા રાજકારણમાં ઝંપલાવે તો નવાઈ નહીં. તેની કુંડળીમાં સૂર્યની સાથે બુધ ગ્રહ પણ બેઠો છે તેથી શ્રદ્ધાને ઓછા પ્રયત્ને વધુ લાભ થાય. ફિલ્મોમાં સફળતાની સાથે તેને રાજનીતિમાં પણ લાભ થાય. ચંદ્રની સાથે બેઠેલો મંગળ તેને વધુ સંપત્તિવાન બનાવે. ભવિષ્યમાં તે રિઅલ એસ્ટેટમાં પણ કામ કરતી જોવા મળે. બુધ ગ્રહ સાતમા સ્થાને હોવાથી શ્રદ્ધાનું લગ્ન પોતાની પસંદ પ્રમાણે થશે, પરંતુ ભવિષ્યમાં પતિ સાથે મતભેદ સર્જાય. તેનું વૈવાહિક જીવન વધુ સુખમય નહીં હોય. ફિલ્મોમાં સફળતા મળતી રહેશે અને વિદેશી સિનેમામાં પણ તે અભિનય કરશે.

તાપસી પન્નૂ

તાપસી માટે આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ છે. આ ધન લોટરી, શેરમાં સટ્ટાબાજી વગેરે માધ્યમોથી પ્રાપ્ત થઈ શકે. વિવિધ વ્યાવસાયિક કરારો થાય. તાપસીના આત્મવિશ્વાસમાં વધારો થાય. તાપસીને આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આગામી સમયગાળામાં તાપસીનો બળકટ અભિનય ક્રિટિક્સનું ધ્યાન ખેંચે. તાપસીનો સંપર્ક મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે થાય અને શક્ય છે કે તે તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહે. તાપસી બિનજરૂરી વિવાદમાં સપડાય એવી પણ સંભાવના છે, જેને કારણે તેને ભારે આર્થિક નુકસાન સહેવાનો વારો આવે. પ્રણય અને પ્રેમ સંબંધોને લઈને તે ચર્ચામાં રહેશે.

કિયારા અડવાણી

કિયારા અડવાણીને વધુ ઊજળી કરિયર સંભાવનાઓ અને ચારે બાજુ પ્રગતિના અવસર મળશે. પોતાના વિરોધીઓને પરાસ્ત કરવામાં કિયારા સફળ થશે. કિયારાએ એક વાતે વિશેષ કાળજી લેવી રહી અને તે એ છે કે વધુ પડતો આત્મવિશ્વાસ તેને ભારે પડી શકે છે. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવવા માટેના અયોગ્ય કાર્યોથી તેને ફાયદાને બદલે નુકસાન જવાની સંભાવના છે. અભિનય થકી લોકોના દિલમાં સ્થાન જમાવે, પરંતુ તેનું પ્રણયજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળે. એક જ વર્ષમાં સફળતા અને નિષ્ફળતાના સ્વાદ ચાખવા મળે.

ભારત-અમેરિકા સંબંધ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારત વિશ્વનો સૌથી મોટો રક્ષા ઉપકરણોની આયાત કરતો દેશ છે. આગામી વર્ષમાં અમેરિકા સાથેના રક્ષા સોદાઓમાં વધારો થાય. દરમિયાન અમેરિકાની લુચ્ચાઈ અનેક વાર ઉઘાડી પડે તેમ છતાં તેનું ભારતને નુકસાન નહી જાય કેમ કે જેવા સાથે તેવાની નીતિ ભારત અપનાવી ચૂક્યું છે. આગામી વર્ષમાં બાઈડન સરકારની વધુ પડતી ચાલાકી તેમને જ ભારે પડે અને ભારત સાથે સાનુકૂળ સંબંધો રાખવાની તેમને ફરજ પડે. મિલિટરી ટેક્નોલોજીમાં ભારતના આત્મનિર્ભર બનવાના સપનાંની અમેરિકા દ્વારા પૂર્તિ થાય. ભારતના આઈટી ક્ષેત્ર માટે પણ અમેરિકામાં સાનુકૂળ માહોલ સર્જાય.

ભારત-અફઘાનિસ્તાન સંબંધ

અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કબજો જમાવ્યા બાદ ચીન, પાકિસ્તાન અને રશિયા તાલિબાનના પક્ષમાં થઇ ગયા છે, પરંતુ ભારત માટે ધર્મસંકટ ઊભું થયું છે. તાલિબાનનો મિજાજ જોતાં મધ્ય અને દક્ષિણ એશિયાના દેશોની ચિંતા વધી છે. તાલિબાન સાથે પાકિસ્તાનના સંબંધ ઘણા મજબૂત છે. નાટોની સેના અફઘાનિસ્તાનમાં હતી, ત્યારે પણ પાકિસ્તાન ઉપર તાલિબાનને મદદ કરવાના આરોપ લાગતા રહ્યાં હતાં. ગ્રહો કહે છે કે અફઘાનિસ્તાનમાં ચીન-પાકની જુગલબંદી છતા ભારતને ઊની આંચ નહીં આવે બલ્કે ભારતને ફાયદો જ થશે. આ બાબતની તમામ ક્રેડિટ ભારતના વિદેશ વિભાગને ફાળે જશે.

ભારત-ચીન સંબંધ

ચીની ઘુસણખોરી અંગે બંને પક્ષે લશ્કરી અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ચીન ગમે તેટલા બદઇરાદા સેવે, તેનાથી ભારતને કોઈ નુકસાન જવાનું નથી. બલ્કે ભારત વધુ મજબૂત બનીને બહાર આવશે. એ નિયતિનું જ ફળ છે કે ભારતને નબળું પાડવા મથતું ચીન ભારતને સશક્ત અને મિલિટરી ક્ષેત્રે સમકક્ષ અને આત્મનિર્ભર બનવાનું નિમિત્ત બનીને રહી જશે. સરહદ પર ચીનની લાલ આંખો બતાવવામાં ભારત અસ્વસ્થતા નહીં અનુભવે અને ચીન ભારતનું કશું નહીં બગાડી શકે. ગરજવાનને અક્કલ નથી, ભારત અને ચીન બંનેના પરસ્પર વ્યાપારિક સંબંધો એકબીજાના હિતમાં છે અને રાજદ્વારી સંબંધો બગડવાને પગલે બંનેને ભારે નુકસાન જઈ રહ્યું છે એ વાત ચીનને સારી પેઠે સમજાય અને આખરે ચીન શાંત પડે.

ભારત-પાકિસ્તાન સંબંધ

પાકિસ્તાનની વર્તમાન ખસ્તા હાલતને લઈને એ તાતી જરુરિયાત છે કે તે ભારત સાથેના સંબંધો સુધારે, પરંતુ આતંકવાદનું પોષક પાકિસ્તાન તેમ કરી શકે તેમ નથી. ન તો તે આગળ જઈ શકે છે કે ન પાછળ. વચ્ચે ફસાયેલું પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવાના શક્ય તમામ પ્રયત્નો કરશે, પરંતુ તેના દરેક પગલાંથી ભારતને નુકસાન થવાને બદલે ફાયદો જ થશે. સામે પક્ષે પાકિસ્તાનની હાલત વધુ ને વધુ નાજુક થતી જશે. ચીન સાથેની પાકિસ્તાનની મિત્રતાનો મોહભંગ થાય અને ચીન મુદ્દે તેમને નવી યોજનાઓ ઘડવી પડે એવી સ્થિતિનું નિર્માણ થાય. પાકિસ્તાનમાં એક વ્યાપક જનસમુહમાં એવી માન્યતાની સ્થાપના થાય કે પાકિસ્તાનનું ઉદ્ધારક ન તો ચીન છે કે ન તો કોઈ મુસ્લિમ રાષ્ટ્ર. ભારતના હાથે જ તેમનો ઉદ્ધાર છે એ વાતની પ્રતીતિથી આગળ જતાં સ્થિતિ સામાન્ય કરવામાં મદદરૂપ થાય. ટૂંકમાં, પાકિસ્તાનની લાખ ઇચ્છા છતાં તે ભારતનું કંઈ નહી બગાડી શકે.

શેરબજાર

શેરબજારના રોકાણકારો માટે આગામી વર્ષ સારું રહેશે. આકસ્મિક ઉતાર-ચડાવને બદલે શેરબજાર સ્થિર ચાલે તેવી સંભાવનાઓ જ્યોતિષશાસ્ત્રમાં જોવાઈ રહી છે અને શેરબજારનું વલણ મુખ્યત્વે સુધારા તરફી જોવા મળશે. મોટા લાભની લાલચમાં જોખમી શેરોમાં રોકાણ કરવાથી બચવું. ખાસ કરીને પોલાદ, આઈટી અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં વિશેષ લાભની સ્થિતિ રહેશે. અલબત્ત, આરોગ્ય ક્ષેત્રે પ્રવર્તતી સ્થિતિનો લાભ લેવા માટે ઘણી કંપનીઓ લલચાવે પરંતુ તેમાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

સોના-ચાંદી

સોનું અને યુએસ ડોલર એકસાથે ઘટ્યા, જે જવલ્લે બનતી ઘટના છે અને તે રોકાણકારોનો બદલાતો મૂડ દર્શાવે છે. બીજી તરફ, ચીનમાંથી ઓછી ડિમાન્ડ અને લોકડાઉનને કારણે ભારત ભાવને અવરોધી રહ્યું છે, બીજી તરફ રાહતના પગલાંઓ અને ફુગાવામાં વધારાથી સોનાના ભાવને ટેકો મળ્યો. સોનું હજુ પણ લાંબા સમય માટે રોકાણ માટે સારું માધ્યમ છે, ખાસ કરીને જે લોકો પહેલાં તેજીનો ફાયદો ન લઈ શક્યા હોય તેમના માટે. કેન્દ્રીય બેંકોનું ઉદાર વલણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને બેઠી થવામાં લાગનારો અંદાજિત સમય સોનાને ભવિષ્ય માટે સલામત રોકાણ બનાવી રહ્યા છે. જે રોકાણકારો સોના દ્વારા કમાણી કરીને બીજે રોકવા તરફ નજર દોડાવી રહ્યા છે તેમના માટે પણ સારી તક છે.