વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવારે ગ્રહોના રાજા સૂર્યએ મેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યએ 15 મેના રોજ સવારે 11.32 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ આ રાશિમાં સૂર્ય 15 જૂન સાંજે 6 વાગ્યા ને 7 મિનિટ રહેશે. ત્યારબાદ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે પ્રતિરોધી રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી કેટલીક રાશિઓને મિશ્રિત ફળ પ્રાપ્ત થશે. જો કે, થોડા સમય માટે વૃષભ રાશિમાં સૂર્યનો બુધ સાથે સંયોગ થતાં બુધાદિત્ય યોગની શુભ અસરથી કેટલીક રાશિના જાતકોને વેપાર-ધંધામાં અને કરિયરમાં સારો લાભ મળવાની શક્યતા છે. આજે જાણો વૃષભ રાશિમાં સૂર્ય નબળો કેમ હોય છે અને સૂર્ય અહીં રહેવાથી 12 રાશિ પર કેવી અસર રહેશે....
વૃષભ રાશિમાં સર્જાશે બુધાદિત્ય યોગઃ-
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યદેવે વૃષભમાં પ્રવેશ કર્યા પછી તેની સાથે વૃષભ રાશિમાં રાજકુમાર ગ્રહ બુધ 7 જૂને પ્રવેશ કરશે, જેનાથી 9 દિવસ માટે બુધાદિત્ય યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બુધાદિત્ય યોગ ખૂબ જ લાભકારી યોગ માનવામાં આવે છે. બિઝનેસ અને વેપાર-ધંધામાં કેટલીક રાશિના જાતકો માટે આ યુતિ ખૂબ જ લાભદાયી રહેશે.
વૃષભ રાશિમાં સૂર્ય નબળો કેમ હોય છે?
વૃષભ એક સ્થિર પૃથ્વી રાશિ છે અને તેનો સ્વામી શુક્ર છે. શુક્ર સ્ત્રીલિંગ જળ ગ્રહ છે જ્યારે સૂર્ય પુરુષ પ્રધાન ઉગ્ર ગ્રહ છે. બંને એક-બીજાના વિરોધી છે એટલા માટે વૃષભ રાશિમાં સૂર્યની સ્થિતિને વૈદિક જ્યોતિષમાં હકારાત્મક નથી માનવામાં આવતી, ખાસ કરીને તે અશુભ પ્રભાવમાં હોય ત્યારે તો ખાસ.
12 રાશિઓ પર સૂર્યના ગોચરની અસર
મેષઃ-
આ રાશિમાં સૂર્ય બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિમાં સૂર્ય પાંચમા ઘરનો સ્વામી છે. તેથી આ રાશિના જાતકો માટે સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ થોડી મુશ્કેલી વધારી શકે છે. આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય અને કરિયરને લઈને થોડા સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે, કાર્યસ્થળ પર તમારા કાર્યને સમજવાનો પ્રયાસ કરો. કેમ કે, દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે.
વૃષભઃ-
આ રાશિમાં સૂર્ય પ્રથમ ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિના જાતકો માટે તે અનુકૂળ નથી. લવ લાઈફ અને દાંપત્યજીવન પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે પરિવાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો.
મિથુનઃ-
આ રાશિમાં સૂર્ય બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દરેક કામમાં અડચણો આવી શકે છે, પરંતુ બિનજરૂરી ચિંતા કરવાથી બચવું જોઈએ.
કર્કઃ-
સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ થવાથી તે આ રાશિના નવમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. આ સાથે નાણાકીય લાભની સંપૂર્ણ સંભાવના છે.
સિંહઃ-
સૂર્યનું આ સંક્રમણ આ રાશિ માટે અસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાશિમાં સૂર્ય પ્રથમ ઘરનો સ્વામી છે અને તે સંક્રમણ પછી દસમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમના કરિયરમાં પ્રગતિ મળશે. આ સાથે સરકારી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે.
કન્યાઃ-
આ રાશિમાં સૂર્ય બારમા ભાવનો સ્વામી છે અને તે આ રાશિમાં સાતમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને બિઝનેસ અને નોકરીમાં સફળતા મળી શકે છે. આવકના નવા સ્રોત ખૂલી શકે છે.
તુલાઃ-
આ રાશિમાં સૂર્ય બારમા ભાવનો સ્વામી છે અને તે વૃષભ રાશિમાં ગોચર કરતી વખતે આ રાશિના આઠમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર રહેવાનો છે. જ્યાં મિત્રો સાથે સંબંધ સારા રહેશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે.
વૃશ્ચિકઃ-
સૂર્ય આ રાશિમાં સંક્રમણ કરીને સાતમા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના લગ્નજીવન પર ખરાબ અસર પડી શકે છે. તેની સાથે તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે તેના કારણે સંબંધો અને કામ બગડી શકે છે. તેની સાથે તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.
ધનઃ-
સૂર્ય નવમા ઘરનો સ્વામી છે અને છઠ્ઠા ઘરમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સફળતા મળશે. પરંતુ આ રાશિના જાતકોએ વાણી પ્રત્યે સાવધાન રહેવું, કારણ કે તેનાથી વાદ-વિવાદ વધી શકે છે. જો કે આ રાશિમાં સૂર્ય પ્રવેશથી સરકારી ક્ષેત્રમાં લાભ મળી શકે છે.
મકરઃ-
આ રાશિમાં સૂર્ય પાંચમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના પ્રેમજીવન અને દાંપત્યજીવન પર ખરાબ અસર પડી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ, તમારે પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભઃ-
આ રાશિમાં સૂર્ય ચોથા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોનું જીવન મિશ્રિત રહેવાનું છે. આ રાશિના લોકો પરિવાર સાથે સારો સમય પસાર કરી શકે છે. સમાજમાં માન-સન્માન, ધન અને પ્રતિષ્ઠા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે.
મીનઃ-
સૂર્ય આ રાશિમાં રહેશે અને ત્રીજા ભાવમાં રહેશે. આ રાશિના જાતકો માટે આ સંક્રમણ સારું સાબિત થવાનું છે. હિંમત અને શક્તિ મળશે. રચનાત્મક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે પણ સારો સમય પસાર થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.