ભાગ્યના ભેદ:સાચા રત્નો પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારે અસર કરે છે, જન્મતારીખ દ્વારા જાણી લો તમે કયું નંગ કે રત્ન ધારણ કરી શકો છો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યોતિષ શાસ્ત્રમાં અંક વિદ્યાનું એક આગવું અને અલાયદું સ્થાન છે. અંક વિદ્યાનો આરંભ ચિન્હોથી થયો છે. પ્રાચીન યુગમાં પોતાના વિચારો દર્શાવવા ચિન્હોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આ ચિન્હો અંતે અંકમાં પરિવર્તિત થયા. અંકશાસ્ત્ર અતિ રોચક અને જીજ્ઞાશાવૃતિ સાથે સંકળાયેલું જ્યોતિષ શાસ્ત્રનું અભિન્ન અંગ છે. આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા સચોટ આગાહી કરી શકાય છે. તમારી જન્મ તારીખના અંકના આધારે તમે કયું નંગ કે રત્ન ધારણ કરી શકો તેની ઉપયોગી માહિતી આ લેખમાં અમે આપી છે અને વાચક મિત્રોને ખાસ જણાવવાનું કે તમે નંગ કે રત્ન ધારણ કરો તેની ગુણવત્તા અને ખરાઈની ખાત્રી હોવી જરૂરી છે કારણ કે ફાઈબર, સિન્થેટીક અગર કાચના ટુકડામાંથી બનાવવામાં આવતા નંગ કે રત્નોના અમે હિમાયતી નથી અને આવા નંગ તમારું ભાવિ બદલી શકે તે વાત તદ્દન વાહિયાત છે. સાચો નીલમ ટાઈટેનીક જહાજ ડુબાડી શકે તો બચ્ચન સાહેબને કારકિર્દીની બીજી ઇનિંગ્સ પણ શરુ કરાવી શકે છે. અર્થાત સાચા રત્નો પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારે અસરો કરે છે. તમને કયું રત્ન કામ લાગશે એ તમારી વ્યક્તિગત કુંડળીનો વિષય છે.

જો આપનો જન્મ કોઈ પણ મહિનાની 1,1૦,1૯ અગર 2૮ તારીખે થયો હોય તો તમે અંક 1ની અસર હેઠળ આવો છો. અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમે સીધા સૂર્ય ગ્રહની અસર હેઠળ આવો છો. તમારો ભાગ્યશાળી રંગ લાલ અને નારંગી છે. જો આપ સૂર્યનું રત્ન રુબી પહેરો તો તમે સત્તા, નામ, દામ, સંપત્તિ અને રુઆબદાર વ્યક્તિત્વના હક્કદાર અને માલિક બનશો તેમાં કોઈ શક નથી.

કોઈ પણ મહિનાની 2, 11, 2૦ અગર 29 તારીખે તમારો જન્મ થયો હોય તો તમે અંક 2 ના કાર્યક્ષેત્ર હેઠળ આવો છો. તમે ચંદ્ર નામના ગ્રહની સીધી અસર હેઠળ છો. એટલે તમારો નસીબવંતો રંગ સફેદ, ક્રીમ, અને લીલો છે. તમારે ચંદ્રનું અસલ બસરાનું મોતી કે મુન સ્ટોન ધારણ કરવું જોઈએ. આ રત્નના કારણે તમારો સ્વભાવ શાંત અને ચિંતારહિત બનશે. મન સ્થિર થશે અને મક્કમ પણ બનશે. આ રત્નના કારણે તમારા ભાગ્યના દરવાજા ખુલશે.

જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21, અગર 3૦ તારીખે થયો હોય તેવા જાતકો અંક 3ની સીધી અસર હેઠળ આવે છે. તમારો કર્તાહર્તા(રૂલીંગ)ગ્રહ ગુરુ છે. જો જીવનમાં તમે પીળો, વાયોલેટ કે પર્પલ રંગનો ઉપયોગ કરશો તો તમારી ઉન્નતિની ગતિ અતિ તેજ બનશે. અસલ પોખરાજ કે પીળો સેફાયર ધારણ કરશો તો સફળતા, સંપત્તિ, જ્ઞાન, અને શ્રેષ્ઠ ભાગ્યના તમે હક્કદાર અને માલિક બનશો તે વાત નિ:શંક છે.

અંક 4 એટલે કે એવા જાતકો કે જેમનો જન્મ કોઈ પણ મહીનાની 4, 13, 22 અને 31 તારીખે થયો હોય તેવા જાતકો યુરેનસ અને રાહુ એમ બે ગ્રહોની અસર હેઠળ આવે છે આવા જાતકોએ પ્રગતિ-ઉન્નતિ માટે હમેશાં વાદળી કે ગ્રે રંગનો ઉપયોગ કરવો જોઈએ. આવા જાતકોએ ગોમેદ અગર ઇંગ્લીશ રત્ન હેસોનિટ કે લેપીસ લાઝુલીને ધારણ કરવા જોઈએ. મિત્રો નંગ કે રત્ન અસલ છે કે નહી? તેની ખાત્રી ખાસ કરજો અન્યથા લાભની આશા ઠગારી નીવડશે. અંક 4 ના જાતકો અહીં જણાવેલા નંગ ધારણ કરશે તો સંપત્તિ અને ભાગ્યના માલિક તો બનશો જ ઉપરાંત તમારું હૃદય તંદુરસ્ત રહેશે અને તમે બારમાસી ફૂલની જેમ જીવનમાં પણ ખીલેલા રહેશો.

જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો હોય તો તમારો મૂળ અંક 5 છે અને તમારો અધિપતિ ગ્રહ બુધ છે. લીલા રંગનો ઉપયોગ તમને નસીબદાર બનાવશે. તમારું ભાગ્યશાળી રત્ન પાનું (એમરલ્ડ)છે. પાનું પહેરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રગતિ, સંપત્તિ અને વિસ્તૃતિકરણ સાથે આ રત્ન તમારા બુદ્ધિબળમાં અનેકગણો વધારો કરશે. ભાગ્યની દેવી તમારા ચરણ અને શરણમાં હશે તે વાત નિશ્ચિત છે.

અંક 6 એટલે કે એવા જાતકો કે જેમનો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તેવા વ્યક્તિઓએ હમેશાં વાદળી, ગુલાબી રંગ પર પસંદગી ઉતારવી કારણ કે તમારો માલિક ગ્રહ શુક્ર છે. અને તમારે હીરો કે બ્લુ ડાયમંડ ધારણ કરવો જોઈએ. આ બંને રત્નો ધારણ કરવાથી પ્રેમમાં સફળતા, સંપત્તિ તો મળશે જ ઉપરાંત તમે એશોઆરામી ભોગવશો અને વૈકુંઠના માલિક છો તેવો એહસાસ અનુભવશો.

જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો તમે અંક 7ની અસર હેઠળ છો. તમારો કર્તાહર્તા ગ્રહ નેપ્ચ્યુન છે. આછો વાદળી, લીલો કે પીળા રંગનો ઉપયોગ તમારા નસીબમાં ચાર ચાંદ લગાવશે. તમારું રત્ન લસણીયું(કેટ્સ આઈ)છે અને આ રત્નને ધારણ કરવાથી તમને અદભૂત નામના, લોકપ્રિયતા, સંપત્તિ, દીર્ઘ આયુષ્ય મળશે ઉપરાંત તમારા વ્યક્તિત્વમાં એક એવું ચુંબકીય તત્વ ઉમેરાશે કે જેના કારણે તમે જ્યાં પણ જશો ત્યાં આકર્ષણના કેન્દ્ર બનશો.

અંક 8 એટલે કે તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તો તમારો માલિક ગ્રહ શનિ છે અને નસીબવંતો રંગ ઘેરો વાદળી છે. તમારું નંગ કે રત્ન નીલમ (બ્લુ સેફાયર)છે. નીલમ રંકને રાજા બનાવે છે. અમારા અનુભવ મુજબ અસલ નીલમ તમામે તમામ રત્નોમાં સૌથી શક્તિશાળી રત્ન છે. માત્ર બે દિવસમાં સારી કે નરસી અસર બતાવતું આ નંગ કે રત્ન ધારણ કરવાથી જીવનની તમામ દુષિત અસરો અને દુઃખોમાંથી જાતકને મુક્ત કરે છે અને તન-મન અને ધનથી સુખી કરે છે.

અંક 9 અર્થાંત એવા જાતકો કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તેવા જાતકો મંગળ ગ્રહની અસર હેઠળ આવે છે. લાલ રંગ તમારો શુભ રંગ છે અને પરવાળું (રેડ કોરલ)તમારું રત્ન છે. પરવાળું ધારણ કરવાથી લગ્ન જીવન સુખી બંને છે.શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને કોઈ પણ પ્રકારના નેતૃત્વમાં સફળતા મળે છે.

(જે જાતકો આર્થિક દૃષ્ટિએ રત્ન કે નંગ એફોર્ડ નાં કરી શકતા હોય તેઓ જે તે રત્નના રંગ પ્રમાણે રેશમી દોરો જમણા હાથે ધારણ કરી શકે છે)

નંગ રત્ન વિષેનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.