ભાગ્યના ભેદ:નક્ષત્રને આધારે આર્થિક લાભ મેળવવા માટે વ્યક્તિને પોતાના જન્મ નક્ષત્રની જાણ હોવી જરૂરી છે

9 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક
  • બ્રહ્માંડમાં કુલ 27 નક્ષત્રો 12 રાશિઓ અને 12 ગ્રહો છે
  • નક્ષત્રને આધારે જોવાતું ભવિષ્ય સૂક્ષ્મ અને સચોટ હોય છે

આ લેખને ધ્યાનથી વાંચો અને સફળતાના સ્વામી બનો. માનવીના જીવનમાં ગ્રહો સારી-નરસી અસર કરે છે. તે વાત ખગોળ, જ્યોતિષ અને વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. વ્યક્તિના જન્મના નક્ષત્રમાં શુભ ગ્રહો ભ્રમણ કરે ત્યારે વ્યક્તિ તન-મન-ધનથી પ્રગતિ કરે છે. જો જન્મ નક્ષત્રમાં શનિ, મંગળ, રાહુ કે કેતુ જેવા ક્રૂર ગ્રહો ભ્રમણ કરે તો જીવનમાં નુકસાન થાય છે. બ્રહ્માંડમાં કુલ 27 નક્ષત્રો 12 રાશિઓ અને 12 ગ્રહો છે. એક રાશિમાં સવા બે નક્ષત્ર આવે. આમ સવા બે નક્ષત્રોના મિલનથી એક રાશિ અને 27 નક્ષત્રો દ્વારા બ્રહ્માંડમાં 12 રાશિઓનું સર્જન થયું છે. ગ્રહોના આધારે જોવાતું ભવિષ્ય અતિ પ્રાચીન અને સ્થૂળ પદ્ધતિએ જોવાતું ભવિષ્ય છે જ્યારે નક્ષત્રને આધારે જોવાતું ભવિષ્ય સૂક્ષ્મ અને સચોટ છે.

વ્યક્તિનું નક્ષત્ર તેના રોજબરોજના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો અગાઉથી તમને જાણ હોય કે કયું નક્ષત્ર તમને લાભ આપશે તો શેર બજાર કે અન્ય આર્થિક વ્યવહારો દ્વારા તમે ધનની પ્રાપ્તિ કરી શકો છો. નક્ષત્રને આધારે આર્થિક લાભ મેળવવા માટે વ્યક્તિને પોતાના જન્મ નક્ષત્રની જાણ હોવી જરૂરી છે. જે વ્યક્તિ પોતાનું નક્ષત્ર નથી જાણતી તે વિષે મુનિ પરાશરનો શ્લોક છે કે,

યસ્ય નાસ્તિ ખલુ જન્મ નક્ષત્ર યા શુભાશુભ ફલ પ્રદાયિની |
અંધકં ભવતિ તસ્ય જીવનં દીપહીનમિવ મંદિરમ નિશિ ||

અર્થાત જન્મ નક્ષત્રના જ્ઞાન વિનાનો માનવી અંધારામાં ભટકે છે. રાત્રિના સમયે દિપક ના હોય તો તે ઘર ભેંકાર લાગે છે.

મને કયું નક્ષત્ર લાભ કરાવશે તે જાણવા અહીં કોઠો આપ્યો છે. તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી ગણતરી કરો અને દિવસને સફળ બનાવો. જ્યોતિષના સિદ્ધાંત પ્રમાણે તમારા નક્ષત્રથી પ્રથમ, બીજું, ચોથું, છઠ્ઠુ, આઠમું અને નવમું નક્ષત્ર શુભ ગણાય.

ધારોકે તમે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ ધરાવો છો, કોઠામાં જોવામાં આવે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની લાઇનમાં કૃતિકા અને ઉત્તરાષાઢા નક્ષત્ર આવે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો જાતક હોય તો કૃતિકા અને ઉત્તરાષાઢા નક્ષત્ર જે દિવસે હોય તેમાં કામ કરવું લાભદાયી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી બીજે હસ્ત, રોહિણી અને શ્રવણ નક્ષત્ર આવે. આ નક્ષત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ માટે દરેક રીતે સાનુકૂળ ગણાય. તે જ પ્રમાણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી ચોથે સ્વાતિ, શતભિષા નક્ષત્ર આવે અને તે ક્ષેમ તારા ગણાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી છઠ્ઠે અનુરાધા, ઉત્તરા ભાદ્રપ્રદ અને પુષ્ય નક્ષત્ર આવે છે. જે સાધક તારા ગણાય છે. આઠમે મઘા, મૂળ, અશ્વિની નક્ષત્ર આવે છે જે મિત્ર તારા કહેવાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી નવમા ક્રમે પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા અને ભરણી નક્ષત્ર આવે છે કે જે પરમ મિત્ર તારા માનવામાં આવે છે.

ક્રમનક્ષત્રક્રમનક્ષત્રક્રમનક્ષત્ર
અશ્વિની૧૦મઘા૧૯મૂળ
ભરણી૧૧પૂર્વા ફાલ્ગુની૨૦પૂર્વાષાઢા
કૃતિકા૧૨ઉત્તરા ફાલ્ગુની૨૧ઉત્તરાષાઢા
રોહિણી૧૩હસ્ત૨૨શ્રવણ
મૃગશીર્ષ૧૪ચિત્રા૨૩ધનિષ્ઠા
આદ્રા૧૫સ્વાતિ૨૪શતતારકા
પુનર્વસુ૧૬વિશાખા૨૫પૂ. ભાદ્રપ્રદ
પુષ્ય૧૭અનુરાધા૨૬ઉ. ભાદ્રપ્રદ
આશ્લેષા૧૮જ્યેષ્ઠા૨૭રેવતી

આમ અહીં કોઠા મુજબની સમજ આપ્યા પ્રમાણે સિંહ, કન્યા રાશિના જાતકો કે જેમનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે તેમના માટે કૃતિકા, ઉત્તરાષાઢા, હસ્ત, રોહિણી, શ્રવણ, સ્વાતિ, શતભિષા, આદ્રા, અનુરાધા, ઉત્તરા ભાદ્રપ્રદ, પુષ્ય, મઘા, મૂળ, અશ્વિની, પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા અને ભરણી નક્ષત્રો આર્થિક, સરકારી, સામાજિક, શુભકાર્ય ઉપરાંત અનેક રીતે લાભદાયી છે.

એક મહિનાના સમયગાળા દરમિયાન ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના જાતકોને 17 નક્ષત્રોનો લાભ મળે છે એટલે કે સિંહ, કન્યા રાશિના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ એક માહિનામાં ઓછામાં ઓછા 17 દિવસ આર્થિક અને અન્ય લાભો મેળવી શકે છે.

અહીં જણાવવામાં આવેલા નક્ષત્રોના નામ ફક્ત ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના જાતકોને જ લાગુ પડે છે. અન્ય નક્ષત્રની વ્યક્તિઓ અહીં જણાવેલા નિયમો અને કોઠા પરથી ગણતરી કરી નક્ષત્ર પદ્ધતિનો લાભ મેળવી શકે છે. કયું નક્ષત્ર કયા વારે, કઈ તારીખે આવે છે તે જાણવા માટે પંચાંગની મદદ લઈ શકાય છે. લાભદાયી નક્ષત્રોમાં આર્થિક વ્યવહાર કરવાથી આપને ઘણો લાભ મળી શકે છે. અહીં આપેલા કોઠાનો આગવી કોઠા સુઝથી ઉપયોગ કરનારો જાતક જીવનમાં તન મન અને ધનથી સુખી થાય છે તેવા અમારા અંગત અનુભવ છે. નક્ષત્ર તમારા જીવનનો નકશો બદલે છે તે વાત સુનિશ્ચત છે.

આ લેખ એક અદ્ભુત લેખ છે. આ લેખ નહીં પણ તમારા ભાગ્ય પર સફળતાની મેખ (મહોર)મારનાર છે. આ લેખને સોનાની લગડીની જેમ તમારા મગજની જ્ઞાન તિજોરીમાં સંગ્રહ કરી રાખજો.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com ઇમેલ એડ્રેસ હેઠળ પબ્લીશ કરેલ છે )