કેન્સરનું નામ સાંભળીને ભલભલાના હાંજા ગગડી જાય અને ગાત્રો થીજી થાય. કેન્સરના નિદાનની સાથે જ ઈશ્વરની જગ્યાએ જાતકને યમરાજના દર્શન થવા લાગે તેવા અસાધ્ય કર્ક રોગ અર્થાત કેન્સર આપણાં દુશ્મનને પણ કદાપિ ના થાય તેવી પ્રાર્થના અને દુઆ આપણે સૌએ ગ્રહોને બે હાથ જોડી કરવી જોઈએ. કેન્સર મિન્સ કેન્સલ એવી માનસિકતા લોકમાનસમાં વર્ષોથી ઘર કરી ગઈ છે. પણ જો તમારું મન અને મનોબળ બળવાન હોય તો કેન્સર નામના દૈત્યને તમે આસાનીથી તમારા જીવનમાંથી સેન્સર કરી શકો છો. કારણ કે ઐશ્વરીય આસ્થા, ગ્રહ પૂજા અને અચેતન મનના સહારા વડે જીવનમાં કોઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકાય છે.
જ્યોતિષશાસ્ત્રના સંશોધિત અવલોકનો અને અનુમાનો અનુસાર જ્યારે જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા અને આઠમા સ્થાનના અધિપતિ ગ્રહોનો સંબંધ થાય ત્યારે કેન્સર નામનો રાક્ષસ માનવ શરીરમાં પ્રવેશે છે. અલબત્ત આ યોગ હવે બહુચર્ચિત અને જૂનો અને જર્જરિત કહી શકાય. અમે કેન્સર ગ્રસ્ત અસંખ્ય કુંડળીઓનું નિરીક્ષણ કર્યું અને તેમાં કેતુના નકારાત્મક વલણને જોઈ ચોંકી પડ્યા.
એક ભાઈની ઉમર માંડ 43 વર્ષની છે. આ ભાઇનો જન્મ ડિસેમ્બર 1979માં થયેલો છે. તેમની જન્મકુંડળીમાં રાહુ-મંગળ અને ગુરુ સિંહ રાશિમાં મઘા નક્ષત્રમાં છે. સૂર્ય અને શુક્ર ધન રાશિમાં મૂળ નક્ષત્રમાં અને મેષ લગ્નમાં તેમનો જન્મ થયેલો છે. તેમનું લગ્ન પણ અશ્વિની નક્ષત્રનું એટલે કે કેતુના નક્ષત્રના શાસન હેઠળ આવે. આમ આ ભાઈની કુંડળીમાં પાંચ પાંચ ગ્રહો કેતુના નક્ષત્રના અને લગ્ન(પ્રથમ સ્થાન)પણ કેતુના નક્ષત્રનું હોઇ આ ભાઈ સીગરેટ અને પાન મસાલા તેમજ ગુટખાની કુટેવોના કારણે ઓરલ કેન્સરના ભોગ બન્યા. અત્યારે ચહેરાના કેન્સર ગ્રસ્ત ભાગનું ઓપરેશન કરાવ્યા બાદ કેમોથેરાપીની સારવાર હેઠળ છે.
એક બહેનની કુંડળીમાં કુંડળીના મોટાભાગના ગ્રહો સિંહ રાશિમાં કેતુના મઘા નક્ષત્રમાં આવેલા છે અને એક ગ્રહ ધન રાશિમાં મૂળ નક્ષત્રમાં અર્થાત કેતુના નક્ષત્રમાં આવેલો છે. આમ છ છ ગ્રહો કેતુના નક્ષત્રમાં બિરાજમાન હોઇ આ બહેનને ગર્ભાશયનું કેન્સર થયેલું છે. અલબત્ત સમયસરની સારવાર અને ભારે ઓપરેશન બાદ આ બહેન હવે મહદ અંશે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. અહીં અમે માત્ર બે ઉદાહરણ જ આપ્યા છે. પરંતુ અમારી પાસે કેન્સર રોગીઓની એવી અસંખ્ય જન્મકુંડળીઓ છે કે જેમાં મોટાભાગના ગ્રહો કેતુના નક્ષત્રમાં આવેલા હોય અને આ અસાધ્ય રોગથી પીડાતા હોય.
સંશોધન દરમિયાન કેટલીક કુંડળીઓ એવી પણ હાથ લાગી છે જેમાં ચંદ્ર કેતુ સાથે હોય અને કુંડળીના ખાડાના સ્થાનમાં (6/8/12 )હોય તેવા જાતકોને બ્રેઈન ટ્યુમર, અલ્ઝાઇમર્સ અગર નર્વ સિસ્ટમના રોગ જેવા કે પાર્કિન્સન વ.વ. રોગ થાય છે. કેતુ ધડ છે આથી તે મસ્તક વિહોણો હોઈ મસ્તકના રોગ અને સાથે ચંદ્ર હોય એટલે અસાધ્ય માનિસક રોગનો સિક્કો લાગી જાય.
નવે નવ ગ્રહોમાં કેતુ માત્ર અને માત્ર એક એવો ગ્રહ છે કે જે અકળ છે. કેતુનો માર મૂઢ છે અને રહસ્યો ગૂઢ છે. મહામુની મંતરેશ્વરે પોતાના ગ્રંથ “ચમત્કાર ચિંતામણિ”માં કેતુને સ્મશાનનો ગ્રહ કહ્યો છે. લાલ કિતાબમાં કેતુને મોતનો પડછાયો ગણ્યો છે. કેતુ માટે કહેવત છે કેત છૂડાવે ખેત અર્થાત તમારૂ રહેઠાણ – જમીન પડાવે અને તમારો જન્મારો બગાડે એનું નામ કેતુ. જે જાતકોની જન્મકુંડળીમાં મોટાભાગના ગ્રહો જો કેતુના નક્ષત્રમાં હોય અગર કેન્સર નામની અસાધ્ય બીમારીથી પીડાતા હોય તેમણે નીચે જણાવેલા ઉપાય તાત્કાલિક શરૂ કરવા કારણ કે આ ઉપાય અનુભવસિદ્ધ અને રાહતપ્રદ છે અને હા એક ખાસ વાત કુંડળીનું અવલોકન કદાપી જાતે કરવું નહીં કારણ કે અધૂરું જ્ઞાન મહાશાપ છે....કુંડળીના પાના અને ડુંગળીના પડ જરૂર વિના ખોલવા નહીં કારણ કે બંને સ્થિતિમાં અંતે તો આંખમાં આંસુ જ આવે છે.
શિવલિંગ સમક્ષ બેસી નિયમિત 11 પાઠ લઘુરુદ્રીના કરવા અને પાઠ દરમિયાન શિવલિંગ પર બિલીપત્ર અવશ્ય ચઢાવવા. મહા મૃત્યુંજયના બીજ મંત્રના જાપ એક માળા અગ્નિની સાક્ષીએ કરવા.
રોજ સવારે જાગ્યા બાદ 15 મિનિટ અને રાત્રે સૂતાં પહેલા તંદ્રા અવસ્થાની 15 મિનિટ દરમિયાન તમે આ ભયાનક રોગથી ધીરે ધીરે મુક્ત થઈ રહ્યા છો તેવા વિચારો કરવા અને પોઝિટિવ સૂચનો તમારા મનને આપવાથી રાહત થાય છે. કારણ કે આ સમય દરમિયાન તમારું મન આલ્ફા વેવ્સમાં હોય છે. મનોવિજ્ઞાન અનુસાર આલ્ફા વેવ્સ દરમિયાન મનને આપેલા સૂચનો અને વિચારો અદ્દભુત પરિણામ આપે છે. મનન અને વિચાર દરમિયાન તમારી જન્મકુંડળીનું ધ્યાન ધરવું. જરૂર લાગે તો ગ્રીનીચોટાઈટીસ સ્ટોનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ પત્થરમાં 1270 મેગા સોલાર એનર્જી ભરેલી હોય છે અને આ પત્થરમાં અસાધ્ય શારીરિક સમસ્યાઓને દૂર કરવાની અદ્દભુત તાકાત હોય છે.
{આજની ટીપ–દર શનિવારે હનુમાનજીના મસ્તક પર લાલ દોરામાં એકવીસ લવિંગની માળા પેહરાવવાથી ભૂત પ્રેત અને નજરબંધીની તકલીફો દૂર થાય છે ઉપરાંત તમારા પર કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ પણ કરી શકતું નથી}
(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.