વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે ધન જાતકોને રાહુ ગ્રહ ધંધાકીય હરીફાઇમાં સફળતા અપાવશે, આર્થિક દૃષ્ટિએ લાભ જ લાભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ

ગુરૂ ગ્રહનું વર્ષફળ
ધનરાશિ/લગ્નના જાતકો માટે ૧૨/૪/૨૦૨૨ સુધી ગુરુ ૩જે ભ્રમણ કરશે. આ સ્થિતિ લોકોનો સાથ-સહકાર અપાવશે. ધાર્મિક યાત્રા, નાના-મોટા પ્રવાસ ઉપરાંત આર્થિક તથા સામાજીક લાભ માટે ગુરૂ ગ્રહની આ સ્થિતિ શુભત્વ પ્રદાન કરશે. એપ્રિલ પછી ગુરૂ ૪થે ભ્રમણ કરશે જે ઉત્તમ મકાન-મિલકત સુખ આપશે. જો ઘરમાં રીનોવેશન કરાવવું છે તો એપ્રિલ થી જુલાઈ વધારે શુભ રહેશે અને પોતાની ઇચ્છાનુસાર ઘરમાં ફેરફાર કરાવી શકશો. જો આપ આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર છો તો ઘરમાં સંત-મહાત્માની પધરામણી થઈ શકે છે.

શનિ ગ્રહનું વર્ષફળ
મે તથા જૂન આ બે મહિનાને બાદ કરતાં સમગ્ર સંવત-૨૦૭૮ દરમિયાન ધન રાશિ/લગ્નના જાતકો માટે શનિનું ભ્રમણ ૨જા ભાવ પરથી રહેશે. આ ભ્રમણ વાણીથી કડવાશ ઉભી કરી શકે તેથી બોલીને બગાડવું નહીં. આર્થિક બાબતો માટે સ્થિતિ થોડી પ્રતિકુળ રહી શકે. ધનલગ્નના ઉત્તરષાઢા નક્ષત્રના જાતકોએ બચત જાળવી રાખવી પડશે. વિલ-વસિયત બાબતે શનિદેવ હજી પરીક્ષા લેશે. વહેંચાયેલો હિસ્સો મળી શકે છે. શનિનું આ ભ્રમણ મોટા લાભ અપાવી શકે તેમ નથી તેથી આવનારા વર્ષ દરમિયાન ધીરજ અને સંતોષ જરૂરી રહેશે.

રાહુ ગ્રહનું વર્ષફળ
ધન રાશિ/લગ્નના જાતકો માટે માર્ચ-૨૦૨૨ સુધી રાહુનું ભ્રમણ ૬ઠ્ઠા ભાવ પર રહેશે. રાહુની આ સ્થિતિ સ્પર્ધા, ઇન્ટરવ્યુ, ધંધાકીય હરિફાઇમાં સફળતા અપાવશે. પ્રતિસ્પર્ધી સામે રાહુ વિજય અપાવશે જોકે વયોવૃદ્ધ લોકો માટે આ ભ્રમણ આરોગ્ય બાબતે ખર્ચા કરાવી શકે. એપ્રિલ થી નવે દરમિયાન રાહુનું ૫મેં ભ્રમણ જબરદસ્ત આત્મવિશ્વાસ આપશે પણ વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાન પણ કરાવી શકે છે. શેરસટ્ટા બાબતે રાહુનું પંચમ સ્થાન પરથી ભ્રમણ પહેલાં લાભ અને પછી નુકશાન કરાવી શકે તેથી આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું.

માનસિક સ્થિતિ
જો આપનું ચંદ્ર નક્ષત્ર કે જન્મલગ્ન નક્ષત્ર 'મૂળ' છે તો વીતેલા વર્ષ દરમિયાન અચાનક આવી પડેલી કોઈ પરિસ્થિતિના કારણે માનસિક ઉચાટ કદાચ રહ્યો હશે. અકળામણ, ગુસ્સાનું પ્રમાણ રહ્યું હશે પણ હવે ચિંતા ઘટશે કારણકે સંવત-૨૦૭૮ દરમિયાન આપને માનસિક રાહત મળવાની છે. જોકે પૂર્વષાઢા અને ઉત્તરષાઢા નક્ષત્ર ધરાવતાં વ્યક્તિઓ માટે નૂતન વર્ષ માનસિક દ્રષ્ટિએ વધારે સારુ ગણી શકાય.

આર્થિક સ્થિતિ
ધનરાશિની સરખામણીમાં ઘનલગ્નના જાતકો માટે વીતેલું વર્ષ આવક અને બચત બાબતે પ્રતિકૂળ રહ્યું હશે તેમાં પણ જેની કુંડળીના ૨જા સ્થાનમાં સૂર્ય, શનિ, રાહુ, કેતુ જેવા ગ્રહો છે તો ૨૦૨૧ નું વર્ષ આર્થિક કે કૌટુંબિક બાબતે વધારે અશુભ રહ્યું હશે પણ હવે નવા વર્ષ દરમિયાન રાહત રહેશે. સારા લાભ માટે ભલે હજી એકાદ વર્ષ પ્રતિક્ષા કરવી પડશે છતાં ગત વર્ષ કરતાં નવું વર્ષ આર્થિક બાબત માટે શુભ રહેશે.

લગ્નજીવન
અવિવાહિતો માટે સગાઈ કે વિવાહનો એક નાનકડો યોગ આવી રહ્યો છે. યોગ બળવાન નથી એટલે પ્રયત્નો વધારે કરવા પડશે. કોઈ પાત્ર પસંદ છે અને દરેક રીતે યોગ્ય છે તો જીવનની બીજી ઇનિંગ શરૂ કરવામાં લાંબો વિચાર ન કરશો. વિવાહિતો માટે આવનારું વર્ષ અનુકૂળ રહેશે. પ્રશ્નો ઉપસ્થિત થયા હશે તો સમાધાન થઈ જશે. જો જીવનસાથી સાથે શરૂઆતથી જ લાગણીના સંબંધો રહ્યા છે તો સંબંધ વધુ ગાઢ બનશે.

આરોગ્ય અને પ્રવાસ
નૂતનવર્ષ દરમિયાન આરોગ્ય બાબતે કોઈ ચિંતા જણાતી નથી છતાં આપનું ઉત્તરષાઢા નક્ષત્ર છે તો દાંત, આંખ, ગળાની તકલીફ રહી શકે છે બાકી અન્ય નક્ષત્ર ધરાવતાં ધનરાશિના જાતકો માટે આરોગ્ય વિષયક કોઈ ચિંતા જેવું નથી. પૂર્વષાઢા અને મૂલ નક્ષત્રના વ્યક્તિઓ માટે પ્રવાસનો સારો યોગ ઉભો થશે. જો વ્યવસાય અંતર્ગત પ્રવાસનું આયોજન કરવાનું થાય તો માર્ચ પછીનો સમય વધારે અનુકૂળ રહી શકે તેમ છે.

સંતાન અને અભ્યાસ
સંવત-૨૦૭૮નું વર્ષ સંતાનસુખ બાબતે બળવાન નથી એટલે જો આપની કુંડળીમાં સંતાનપ્રાપ્તિ બાબતે વિલંબનો યોગ છે તો એકાદ-બે વર્ષ પ્રતિક્ષા કરો. તેમાં પણ જો આપનું ધનલગ્ન છે તો નૂતનવર્ષ દરમિયાન નવા મહેમાનની શકયતા ઓછી છે. ધીરજ રાખો અને શુભ સમયની પ્રતિક્ષા કરો. ભણતર બાબતે જોઈએ તો એપ્રિલ પછી ૫મેં રાહુનું ભ્રમણ વધુ પડતા આત્મવિશ્વાસના કારણે પરિણામ થોડું ઘટાડી શકે છે એટલે આ બાબતનું ધ્યાન રાખવું.

નોકરી-ધંધો-કૃષિ
સંવત-૨૦૭૮ દરમિયાન નવીન તક દેખાશે જોકે મોટા આર્થિક લાભ મળવાની શક્યતા થોડી ઓછી છે. જો આયોજનનો અભાવ હશે તો નોકરિયાત અને વેપારીવર્ગ બંનેનું બેંક બેલેન્સ ઘટી શકે છે પણ જો આપનો જન્મ મૂળ અથવા પૂર્વષાઢા નક્ષત્રમાં થયો છે તો નોકરી-ધંધા બાબતે મોટી ચિંતા નહીં રહે અને વીતેલાં વર્ષની સરખામણીમાં નવું વર્ષ કઈંક રાહત આપનારું રહેશે. એપ્રિલ પછીનો આશરે એક વર્ષનો સમય ખેડૂતમિત્રો માટે સાનુકૂળ રહેશે.

જમીન-મકાન-સંપત્તિ
જો આપ ઘરના ઘરનું સપનું જોઈ રહ્યા છો તો આમંત્રિતોની યાદી બનાવવાનું શરૂ કરી દો કારણકે આપની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. ધનલગ્નના જાતકો માટે એપ્રિલ પછીનો આશરે દસ મહિનાનો સમય વિશાળ મકાન/વાહનનો યોગ આપશે. જે વ્યક્તિઓ રોકાણ માટે જમીન લેવા માંગતા હોય તો ઉત્તમ તક આવી રહી છે. ધનરાશિ અને ધનલગ્ન બંને જાતકો માટે ૨૦૨૨ નું સમગ્ર વર્ષ જમીન-મકાન બાબતે શુભ છે. ખાસ કરીને એપ્રિલ થી જૂલાઇ આ ચાર મહિના ઉત્તમ અને બળવાન છે.

શત્રુ-કોર્ટ કચેરી
જો આપનાં કર્મો સારા છે તો નૂતન વર્ષ ન્યાયિક બાબતો માટે આપના માટે શુભ રહેવાનું છે. જો આપ ન્યાય માટેની લડત લડી રહ્યા છો તો સફળતા નિશ્ચિત છે. જો અજાણે અપરાધ થઈ ગયો છે અને પ્રાયશ્ચિત કરવા માંગો છો તો ફરિયાદી સામે આત્મસર્પણ કરીને માફી માંગો. રાહત મળી જશે. વર્ષના આરંભે ઉચાટ રહેશે પણ સમય આગળ વધશે તેમ રાહત જણાશે અને પ્રતિષ્ઠા બચી જશે.

સ્ત્રીવર્ગ
ગૃહિણીઓ માટે 'કભી ખુશી કભી ગમ' ની સ્થિતિ રહેશે. મૌન રહેવું એ શ્રેષ્ઠ ઉપાય રહેશે. માર્ચ/એપ્રિલ પછી ઘરનું વાતાવરણ સુધરશે. જોબ કે વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે રોકડ બાબતે થોડી અછત વર્તાશે પણ એપ્રિલ પછી પોતાના કાર્યોની નોંધ લેવાશે અને માન પ્રતિષ્ઠા પણ મળશે. મગજનો વધુ પડતો ઉપયોગ ન કરવો અને કારણ વગરની ચિંતા ન કરવી. સમયને પસાર થવા દો. અંતિમ પરિણામ આપની તરફેણમાં રહેશે.

પ્રેમ સંબંધ
વર્ષની શરૂઆતમાં પ્રેમમાં સફળ થઈ શકો તો નસીબ બાકી એપ્રિલ પછીનો સમય થોડો પ્રતિકુળ રહી શકે તેમ છે. પ્રેમના બીજ ભલે અંકુરિત થયા હોય પણ ફળના આસ્વાદ માણવા હજી રાહ જોવી પડશે. નૂતનવર્ષ દરમિયાન પ્રેમ પાછળ દોડવા કરતાં કેરિયર પાછળ દોડવું વધારે ઉચિત છે. અન્ય જ્ઞાતિના પાત્ર સાથેનું આકર્ષણ છેતરામણીનું કારણ ન બને અને પરિવાર સાથે પ્રશ્નો ઉભા ન થાય તેનું ધ્યાન સ્વયં તમારે જ રાખવું પડશે.

વિદેશયોગ
આવનારા વર્ષ દરમિયાન વિદેશ-પ્રવાસ આપના માટે અનુકૂળ રહી શકે તેમ છે જોકે માર્ચ સુધીનો યોગ વધારે બળવાન ગણાય. જો આપનું જન્મ લગ્ન ધન છે અને રાહુ, મંગળ કે સૂર્યની મહાદશા કે આંતરદશા ચાલી રહી છે તો વ્યવસાય માટે જવાથી લાભ મળી શકે છે. પ્રથમ પ્રવાસ છે તો ભલે આર્થિક લાભ મોટો ન દેખાય પણ અન્ય સંસ્કૃતિના લોકો સાથેનો સંપર્ક સારા ભવિષ્ય માટેના દ્વાર ખોલી શકે તેમ છે.

ગોચર ઉપાય
ધનલગ્ન તથા ધનરાશિના જાતકોએ સંવત-૨૦૭૮ દરમિયાન આરોગ્ય અને આવક માટે નિયમિત ઘરમાં તલના તેલનો દીવો કરવો. શનિવારે શિવલિંગ પર કાળા તલ મિશ્રિત જળથી અભિષેક કરવો. જો નજીકમાં વડ કે પીપળો હોય તો દૂધ અર્પણ કરવું અને ત્યાંની પવિત્ર માટી લઈ તિલક કરવું. જૈનમિત્રોએ દરરોજ "ૐ હ્રીં અસિઆઉસા હ્રીં" ની એક માળા ગણીને ઘરેથી નીકળવું અને શનિવારે મુનિસુવ્રત સ્વામીના દર્શન કરવા જવું.

ચંદ્ર આધારિત શુભાશુભ દિવસો

માસસાનુકૂળ તારીખપ્રતિકૂળ તારીખ
નવેમ્બર2,3,4,5,21,22,23,29,306,7,14,15,25,26
ડિસેમ્બર1,2,9,19,20,21,26,27,28,29,303,4,12,13,22,23
જાન્યુઆરી15,16,17,22,23,24,25,261,8,9,18,19,27,28
ફેબ્રુઆરી2,11,12,13,19,20,21,224,5,14,15,23,24,25
માર્ચ9,10,11,12,18,19,20,21,224,5,14,15,23,24,31
એપ્રિલ7,8,9,15,16,17,18,251,10,11,19,20,27,28,29
મે4,5,6,12,13,14,15,311,7,8,9,16,17,25,26
જૂન1,2,8,9,10,11,18,27,28,29,304,5,13,14,21,22
જુલાઈ6,7,8,9,15,25,26,271,2,10,11,18,22,28,29
ઓગસ્ટ2,3,4,5,12,21,22,23,29,30,317,8,15,16,18,25,26
સપ્ટેમ્બર1,2,8,18,19,20,26,27,28,293,4,11,12,14,21,22,30
ઓક્ટોબર8,15,16,17,23,24,25,261,9,18,19,27,28
અન્ય સમાચારો પણ છે...