• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • This Year Norta Will Be Celebrated In Sarvarthasiddhi And Amrutsiddhi Yoga, These Days The Recitation Of Durga Saptashati Will Give The Desired Fruit

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ:આ વર્ષે નોરતા સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગમાં ઊજવાશે, આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ મનોવાંછિત ફળ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશિષ્ઠ સંજોગોમાં આવતી ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધના ભક્તોને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપી શકે છે
  • નવરાત્રિમાં દરેક રાશિના જાતકો માતાની વિશિષ્ટ ઉપાસના અને આરાધના કરશે તો વિશેષ લાભ પ્રાપ્ત કરશે

અગામી તા.13 મંગળવારે ચૈત્ર સુદ એમક ચૈત્રી વાસંતી નોરતા (નવરાત્રી) થશે. ઘણા ભકતો શ્રીઝુલેલાલ દરિયાલાલ જયંતીની શાનદાર ઉજવણી ઘરે બેસીને મનાવશે. વિશેષમાં આ દિવસે ગૂડી પડવાની ઊજવણી પણ શ્રદ્ધા ભાવપૂર્વક કરવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રીનું વિશેષ મહત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઊપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિ મહત્ત્વની ગણાય છે.

નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત

  • સવારે 9.23 થી 11.18 સુધી ચલ
  • સવારે 11.18 થી 12.47 સુધી લાભ
  • બપોરે 12.47 થી 14.18 સુધી અમૃત
  • બપોરે 15.49 થી 17.20 સુધી શુભ

ઘટસ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે. તેમજ કડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.

કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. ઘણા બધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતાં હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતા હોય છે. કળિયુગમાં ગણેશજીની વંદના અને માતાજીનું અનુષ્ઠાન શીધ્ર ફળદાયી નીવડશે તેવું શાસ્ત્રમાં વર્ણન કરાયેલું છે. માતાજીને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ મંગળવારથી શરૂ થાય છે. શરૂઆતમાં જ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ અને સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરે છે આ ઉપરાંત ચૈત્રી નવરાત્રી સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગમાં નવરાત્રિની શરૂઆત થઇ રહી છે જે આ વર્ષે સાધનાના પરિણામને અનેક ગણું કરી શકે છે. વિશિષ્ઠ સંજોગોમાં આવતી આ ચૈત્રી નવરાત્રીમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપી શકે છે. આ નવરાત્રિમાં ખાસ કરીને પૂર્ણ નવાર્ણ મંત્રની સાધના કરવાથી વિશેષ લાભ થાય. આ ઉપરાંત ગાયત્રી ચાલીશા, સિદ્ધ કુંજિકા સ્તોત્રની સાધના, અર્ગલા સ્તોત્રની સાધના કે દેવી કવચની સાધના અદભુત પરિણામ આપનારી છે. વળી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ કરવામાં આવે તો મનોવાંછિત બાબતો પ્રાપ્ત કરી શકાય છે અને જીવનની સમસ્યાઓને હલ કરી શકાય છે.

નવરાત્રિમાં દરેક રાશિના જાતકો માટે વિશિષ્ટ ઉપાસના અને આરાધના કઇ રીતે વિશેષ લાભદાયી નીવડશે આ અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસારઃ-

મેષ(અ,લ,ઈ):- કંકુથી ચાદંલો કરી અક્ષત ચડાવી ચંડીપાઠ કરવો.

વૃષભ (બ,વ,ઊ):- માતાજીના દર્શન કરી સાકર અર્પણ કરી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો.

મિથુન (ક,છ,ઘ):- માતાજીના મંદિર ઉપર સરસ તોરણ લગાડી મનોમન પ્રાર્થના કરી ગાયત્રી ચાલીસા પઠન કરવું.

કર્ક (હ,ડ):- કુળદેવીના દર્શન કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો.

સિંહ (મ,ટ):- માતાજીના મંદિર પાસે અખંડ દીવો નવરાત્રિમાં રહે એ રીતે પ્રયત્ન કરવો.

કન્યા (પ,ઢ,ણ):- માતાજીને લાપસી અર્પણ કરી ચામુંડા માતાજીનો મંત્ર જાપ કરવો.

તુલા (ર,ત):- વહેલી સવારે માતાજીનું સ્થાપન કરી કુવારીકાઓને ભેટ-સોગાદ અર્પણ કરવી.

વૃશ્ચિક (ન,ય):- માતાજીના ઘટસ્થાપનમાં મગનો સ્વસ્તિક બનાવી તેની વચ્ચોવચ ચણાની દાળ રાખવી. બગલામુખી માતાજીની ઉપાસના કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ):- આ નવરાત્રિમાં નિત્ય માતાજીના દર્શન કરી શક્ય હોય તો સંપૂર્ણ મૌન રહેવાનો પ્રયત્ન કરશો.

મકર (ખ,જ):- આ નવરાત્રિમાં કાળિકા માતાજીની ઉપાસના વિશેષ ફળદાયી નીવડશે.

કુંભ (ગ,સ,શ):- નવરાત્રિમાં દરરોજ સવાર-સાંજ માતાજીને ધૂપ-અગરબત્તી કરી આરતી કરશો.

મીન (દ,ચ,ઝ,થ):- વામકુક્ષી ન કરવી, ભૂમિશયન, બ્રહ્મચર્યવ્રત સાથે માતાજીની વિશેષ ઉપાસના આરાધના કરવી.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...