જૂન મહિનાનું ત્રીજું સપ્તાહ ખગોળ, જ્યોતિષ અને ધર્મની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. તેમાં મંગળવારથી શુક્રવાર સુધી દરેક દિવસ કોઈને કોઈ કારણોસર ખાસ રહેશે. 21 જૂનના રોજ સૂર્ય સંપૂર્ણ રીતે કર્ક રેખા ઉપર આવી જશે. જેથી તે વર્ષનો સૌથી મોટો દિવસ રહેશે અને રાત સૌથી નાની રહેશે. આ દિવસે થોડી જગ્યાએ બપોરે થોડીવાર માટે પડછાયો પણ ગાયબ થઈ જશે.
22 જૂનના રોજ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેથી વરસાદનું વાતાવરણ શરૂ થઈ જશે. પછી 23 જૂનના રોજ ખરીદી અને નવી શરૂઆત માટે શુભ મુહૂર્ત રહેશે અને 24 તારીખે એકાદશીના દિવસે વ્રત અને દાન કરવાથી મહાપુણ્ય મળશે.
ખગોળીય ઘટનાઃ સૂર્ય કર્ક રેખા ઉપર
21 જૂનના રોજ સૂર્ય કર્ક રેશા ઉપર લંબવત રહેશે. જેથી ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં દિવસ સૌથી મોટો અને રાત સૌથી નાની રહેશે. આ દિવસે કર્ક રેશાની નજીકના શહેરોમાં બપોરે લગભગ 12થી સાડા 12 કલાકની આસપાસ જ્યારે સૂર્ય આકાશમાં વચ્ચે રહેશે ત્યારે થોડીવાર માટે પડછાયો ગાયબ થઈ જશે.
સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ
મિથુન સંક્રાંતિ પછી હવે સૂર્ય 22 જૂને નક્ષત્ર બદલીને આર્દ્રામાં પ્રવેશ કરશે. જેથી વરસાદનું વાતાવરણ શરૂ થઈ જશે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ 15 દિવસ સુધી રહે છે. સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં હોવાથી દેશમાં અનેક જગ્યાએ ચોમાસું આવી ગયું હશે. જ્યોતિષના જાણકારો પ્રમાણે આર્દ્રા એટલે ભીનું. એટલે જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં હોય છે ત્યારે ધરતી ઉપર અનેક જગ્યાએ વધારે પાણી વરસે છે.
ખરીદી અને નવી શરૂઆતનું મુહૂર્ત
23 જૂન, ગુરુવારે તિથિ, વાર અને નક્ષત્ર મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બનશે. આ શુભ યોગ આખો દિવસ અને આખી રાત રહેશે. સાથે જ, આ દિવસે ગુરુ, શુક્ર અને શનિ પોતાની જ રાશિઓમાં રહેશે. આ દિવસે જયા તિથિ એટલે દશમી તિથિ આખો દિવસ રહેશે. આ શુભ સંયોગના કારણે પ્રોપર્ટીની ખરીદી-વેચાણ, દરેક પ્રકારની ખરીદી, રોકાણ, લેવડ-દેવડ અને નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ રહેશે. આ પ્રકારે દરેક શુભ કામ માટે આખો દિવસ શુભ સંયોગ રહેશે.
વ્રત અને સ્નાન-દાન પર્વ
24 જૂન, શુક્રવારે જેઠ મહિનાની યોગિની એકાદશી રહેશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવાથી પુણ્ય મળે છે. તે પછી પીપળામાં જળ ચઢાવવાથી અને પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. તે પછી ભગવાન વિષ્ણુની પૂજા અને આખો દિવસ એકાદશી વ્રત રાખવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન, બૂટ-ચપ્પલ અને છત્રી દાન કરવાથી મહાદાન અને અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.