30 વર્ષ પછી મકરસંક્રાંતિમાં સૂર્ય-શનિની યુતિ:આ વખતે 14 નહીં, 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઊજવાશે; તલનું દાન શનિદોષ દૂર કરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાન્યુઆરીમાં સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર મકર સંક્રાંતિ હોય છે. આ તહેવારથી વસંતઋતુનું આગમન થાય છે. મકર સંક્રાંતિનો આ તહેવાર ચંદ્ર ચક્ર નહીં પરંતુ સૂર્ય ચક્ર ઉપર આધારિત છે. આ દિવસે સૂર્ય ગ્રહ એક મહિના માટે શનિના ઘર એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વખતે મકર સંક્રાંતિનું પર્વ 2023 ખૂબ જ ખાસ રહેશે. કેમ કે આ સમયગાળા દરમિયાન 30 વર્ષ પછી શનિ અને સૂર્ય બંને ગ્રહ મકર રાશિમાં હાજર રહેશે. ગ્રહોના આ યોગની અસર આપણાં જીવન ઉપર પડશે. બે વિપરીત ગ્રહોનું એક જ રાશિમાં હાજર રહેવું, સૌથી મોટી ઘટનાઓમાંથી એક છે. કેમ કે, આ ગ્રહ એકસાથે ખૂબ જ જોવા મળે છે, પરંતુ જ્યારે આવી સ્થિતિ બને છે ત્યારે થોડી અસામાન્ય ઘટનાઓ થવાની શક્યતાઓ રહે છે. કેમ કે સૂર્ય અને શનિ વચ્ચે દુશ્મનીનો ભાવ રહેલો છે.

મકર સંક્રાંતિનું મહત્ત્વ
મકર સંક્રાંતિનું મહત્ત્વ સૂર્ય અને અન્ય પ્રાકૃતિક સંસાધન પ્રત્યે સમર્પણના ભાવ સાથે જોડાયેલું છે. આ તહેવાર બધી પ્રાકૃતિક ઘટનાઓ માટે ધન્યવાદ અને પ્રાર્થના કરવાનો સમય છે જે આપણાં જીવનમાં જરૂરી છે. લોકો તેમને મળેલી બધી જ સફળતા અને સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યની પૂજા અને ધન્યવાદ કરે છે. આ પ્રકારે સૂર્યની કૃપાથી માનવી સામે આવતા બધા જ વિઘ્ન દૂર થાય છે અને તેઓ કરિયરમાં આગળ વધે છે.

મકર સંક્રાંતિ 2023 તિથિ અને પુણ્યકાળ
મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે આ તહેવાર ઊજવાય છે, એટલે જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શનિવારે સાંજે 8.46 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી, રવિવારના દિવસે ઊજવવો શુભ રહેશે. આ દિવસે દાન પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. દાન આપવા માટે પણ યોગ્ય સમય હોવો જરૂરી છે.

મકર સંક્રાંતિના શુભ અવસરે આપણે સૂર્ય પૂજા અને મહા નક્ષત્રની પૂજા કરવી જોઈએ અને સાથે જ પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ. સંક્રાંતિના દિવસે લગ્ન, શરીર ઉપર તેલ લગાવવો, સંબંધ બાંધવા, વાળ કપાવવા અને નવા ઉદ્યોગ શરૂ કરવા જોઈએ નહીં.

ભારતમાં મકર સંક્રાંતિ
ભારત તહેવારોનો દેશ છે. દરેક તહેવારની જેમ મકર સંક્રાંતિ પણ જ ખૂબ તૈયારીઓ સાથે ઊજવવામાં આવે છે. લોકો નવા કપડાં પહેરે છે અને ઘરના બનેલાં વ્યંજનોનો સ્વાદ લે છે. આ વ્યંજનો મોટાભાગે ગોળ અને તલથી બનેલાં હોય છે. ભારતના અમુક ભાગમાં ખીચડી પણ બનાવવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર પોંગલ તરીકે ઊજવવામાં આવે છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ગોળ અને દૂધથી બનાવેલાં ભાતનું સેવન કરે છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉત્તરાયણ
ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ એક ભવ્ય તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. અહીં પતંગબાજી અથવા પતંગ ઉત્સવ આ દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે. આ રાજ્યોમાં મકર સંક્રાંતિનો તહેવાર એક મહિના પહેલાં ડિસેમ્બરથી જ શરૂ થઈ જાય છે અને આકાશ મકર સંક્રાંતિના સ્વાગતમાં રંગીન પતંગો દ્વારા ભરાઈ જાય છે.

ઝારખંડ અને બિહારમાં મકર સંક્રાંતિ
અહીં લોકો નદી અને તળાવમાં ડુબકી મારે છે અને સારા પાકના ઉત્સવ તરીકે સિઝનલ વ્યંજનોનો આનંદ લે છે. આ વ્યંજનોમાં તલથી બનેલી મીઠાઈ સામેલ હોય છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પેડ્ડા પાંડુગા
આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ: આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં મકરસંક્રાંતિ ચાર દિવસનો તહેવાર છે. પ્રથમ દિવસ ભોગી છે, જ્યાં બોનફાયર બનાવવામાં આવે છે, અને ઘરની જૂની અને અનિચ્છનીય વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. આ દિવસે ઉજવણી શરૂ થાય છે. આસામમાં તહેવાર માટે બોનફાયર બનાવવાની સંસ્કૃતિ પણ છે. કેટલાક સમુદાયો ખોરાક રાંધે છે અને આ આગની આસપાસ એક જૂથ તરીકે ખાય છે. બીજો દિવસ મુખ્ય તહેવાર છે, જ્યારે ત્રીજો અને ચોથો દિવસ ગાયની પૂજા અને મિત્રો અને પરિવારના સન્માન માટે છે.

કેરલમાં મકરવિલાક્કુનો તહેવાર
કેરલમાં આ તહેવારને મકરવિલાક્કુના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે સબરીમાલા મંદિરના પહાડને લાઇટિંગ્સ દ્વારા સજાવવામાં આવે છે. સબરીમાલાના પહાડને વર્ષમાં માત્ર ત્રણવાર જ સજાવવામાં આવે છે અને કેરળમાં મકરવિલાક્કુના નામથી ઊજવવામાં આવતો આ તહેવાર મકર સંક્રાંતિ તે ત્રણ દિવસમાંથી એક છે. આ દિવસ કેરલમાં ખૂબ જ હર્ષ-ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સબરીમાલાની પહાડીઓ ઉપર થતાં પ્રકાશ ઉત્સવને જોવા માટે હજારો લોકો દૂર-દૂરથી આવે છે.

મકર સંક્રાંતિ અને તેનું જ્યોતિષીય મહત્ત્વ

મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ કોઈને કોઈ રીતે તેના જ્યોતિષીય મહત્ત્વ સાથે જોડાયેલું જ છે. માન્યતા પ્રમાણે મકર સંક્રાંતિનો તહેવાર ઋષિઓ અને યોગીઓ માટે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક નવી શરૂઆત માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મકર સંક્રાંતિને નવા સમયની શરૂઆત અને ભૂતકાળની ખરાબ અને ભયાનક યાદને પાછળ છોડવાનો દિવસ પણ માને છે. આ દિવસનું એક અન્ય મહત્ત્વ પણ છે. આ શુભ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યની આ સ્થિતિ ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ સાથે બધા મુદ્દાને છોડીને તેમને તેમના ઘરમાં મળવા આવે છે. એટલે મકર સંક્રાંતિનો દિવસ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. મકર સંક્રાંતિ 2023 વધારે ખાસ અને શક્તિશાળી છે કેમ કે આ મકર સંક્રાંતિને અભૂતપૂર્વ રીતે એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહ (સૂર્ય, શનિ અને બુધ) આગામી મહિનાઓમાં મકર રાશિમાં એકસાથે રહેશે. જ્યોતિષમાં આ ઘટનાને સ્ટેલિયમ તરીકે ઓળખવામાં આવે છે.

મકર સંક્રાંતિનું ફળ
એક સૂર્ય વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે અને બધાનું પોતાનું એક અલગ ફળ પણ હોય છે. પરંતુ મકર સંક્રાંતિના ફળનું ખાસ મહત્ત્વ છે.

આ દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું?
મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરવાના છે. એટલે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ છે. મકર સંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ કે અસહાય વ્યક્તિને તલ કે તેનાથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તલનો પ્રયોગ કર્યો હતો, જેનાથી પ્રસન્ન થઈને શનિને ભગવાન સૂર્યએ વરદાન સ્વરૂપ કહ્યું હતું કે, જેઓ આ દિવસે તલનું દાન કરશે, તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આ સિવાય તલનું દાન કરવું શનિદોષને દૂર કરવામાં પણ સહાયક છે.

અન્ય સમાચારો પણ છે...